‘યોગ’ અને ‘સાધના’ શબ્દો સાંભળીએ ત્યારે આપણા મનમાં એક છબી ઉપસી આવે છે: તારામંડિત ગગનતળે ગહન અંધકારથી રંજિત નિર્જન હિમરાજીની ગોદમાં બ્રહ્મજ્ઞાનની દૈવી શાંતિ અને આનંદથી ઘેરાયેલ સમાધિમગ્ન છે મહાયોગી શિવ. તેમની નિર્વિકલ્પ સમાધિથી અભિભૂત સ્તબ્ધ મને નતમસ્તક છે સમગ્ર બ્રહ્માંડ, દેવી-દેવતાઓ, સ્વર્ગ અને મર્ત્ય સહિત સમસ્ત લોક. પોતપોતાની ગતિ વિસ્મરી સ્થિર થઈ ગયા છે સમય અને અવકાશ. ત્યાં નથી જન્મ કે નથી મૃત્યુ, નથી જરા કે નથી વ્યાધિ, નથી સુખ કે નથી દુઃખ. છે માત્ર સત્‌, ચિત્‌, આનંદ; છે માત્ર સનાતન નાદ—અહં બ્રહ્માસ્મિ… અહં બ્રહ્માસ્મિ…

જો આ દૃશ્યની કલ્પના કરીને પણ આપણા રુંવાડા ઊભાં થઈ જતાં હોય તો આપણને પોતાને મહાયોગી શિવની સામે બેસીને ધ્યાન કરવાનો મોકો મળે તો શું થાય!

૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. યોગનો મહિમા આજે કોઈને શીખવવો પડે એમ નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ભવનથી માંડીને ચીન અને સાઉદી અરેબિયા જેવા કટ્ટર દેશોમાં પણ આજે યોગના વર્ગો ચાલે છે, યોગશિક્ષકોની કદર થાય છે, અને યુવાનો હોંશે હોંશે યોગ શીખે છે. પણ આપણને તો ખબર છે કે અંગ કસરત અને ફેશન બની ગયેલ યોગાસનની પાછળ ગહન આધ્યાત્મિક રત્નો છુપાયેલાં છે. સ્વામી વિવેકાનંદ કહે છે:

“જે આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી પલાળી શકતું નથી, વાયુ સૂકવી શકતો નથી, જે અજર છે, અમર છે, અનાદિ અને અનંત છે, જેની વિરાટ મહત્તા પાસે આ સૂર્યો, ચંદ્રો અને બધાં સૂર્યમંડળો સાગરમાં બિંદુસમાન છે, જેના મહિમા પાસે આકાશ શૂન્યમાં લય પામી જાય છે અને કાળ અદૃશ્ય થઈને શૂન્યરૂપ થઈ જાય છે એ અનંત, શાશ્વત, અમર આત્માના મહિમા ઉપર મનુષ્ય પ્રતિષ્ઠિત છે.”

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૪ પૃ. ૩૧)

જેમ બાહ્ય જગતમાં ગુરુત્વાકર્ષણ કે વીજળીની શોધે માનવસમાજમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે, એમ અંતરજગતમાં ‘આત્મન્‌’ની શોધે પૃથ્વી પર જીવનની દિશા પરિવર્તન કરી દીધી છે. પહેલાં પ્રકૃતિનો નિયમ હતો Survival of the fittest (જે શ્રેષ્ઠ જે એ જીતશે) પણ હવેનો નિયમ છે survival of the unattached (જે ઇન્દ્રિયસુખથી પરે છે એ જીતશે).

આપણને વિચાર આવે કે કોણ જાણે કેટલા જન્મના ફેરા પછી આપણે દૈહિક સુખથી મુક્તિ મેળવીશું, કોણ જાણે કેટલીયે સાધના પછી આપણું મન પંખીની જેમ મુક્તપણે બ્રહ્મ-ગગનમાં વિચરશે. પણ યાદ છે કે ઠાકુર શું કહે છે, જો એક હજાર વર્ષથી અંધકારમાં રહેલ ઓરડામાં દીવો સળગાવવામાં આવે તો પ્રકાશ શું ધીરે ધીરે પ્રગટશે કે તત્ક્ષણાત્‌ પ્રગટી ઊઠશે? આ ટેબલ કે ખુરશીની જેમ અંધારું એ કોઈ વસ્તુ નથી. એ તો છે માત્ર પ્રકાશનો અભાવ. એમ જ દેહ પ્રત્યેની આપણી આસક્તિ, કે ઇન્દ્રિયસુખનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. એ તો છે માત્ર ‘આત્મન્‌’માં અવિશ્વાસનું પરિણામ. ઠાકુર કહેતા એમ જો આપણે પાપી પાપી કહેતા રહીશું તો આપણે પાપી જ થઈ જઈશું અને જો મુક્ત મુક્ત કહેતા રહીશું તો મુક્ત જ થઈ જઈશું. જે ક્ષણે વિશ્વાસ થઈ ગયો કે આપણે આ દેહ નથી પણ છીએ શુદ્ધ ચેતન, એ જ ક્ષણે દેહાભિમાન અદૃશ્ય થઈ જશે અને પ્રગટશે શાશ્વત નાદ—શિવોઽહમ્‌… શિવોઽહમ્‌…

સ્વામીજી કહે છે: “હૃદયને સાગર જેવું બનાવો, દુનિયાની નજીવી ચિંતાઓથી મુક્ત થાઓ; અનિષ્ટ દેખીને પણ આનંદથી ઘેલા બનો. જગતને એક ચિત્ર તરીકે જુઓ અને પછી તમે જગતની કોઈ વસ્તુથી લિપ્ત થતા નથી એમ જાણી તેનું સૌંદર્ય ભોગવો. આ દુનિયાની કીમત છે બાળકોએ કીચડના ખાબોચિયામાંથી શોધેલ કાચના મણકા જેટલી. તેની પ્રત્યે શાંત ઉપેક્ષાથી જુઓ. ઇષ્ટ અને અનિષ્ટ બંનેને સમાન ભાવે જુઓ—બંને કેવળ ‘ઈશ્વરની લીલા’ છે, તેનો આનંદ લૂંટો.”

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ. ૩ પૃ. ૨૫૬)

અંતરમનમાં કૈલાશ ચાલ્યા જાઓ, જ્યાં હિમશીતલ પર્વતમાળાઓ ઉપર મહાયોગી શિવ વિરાજિત છે, જ્યાં એમના ભયથી સંસારની છાયા પણ નથી પડતી, જ્યાં એમના પાદપદ્મમાં સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય એકાકાર થઈ ગયા છે, જ્યાં એમના તૃતીય-લોચનની અગ્નિવર્ષાથી કામના-વાસનાઓનું દહન થઈ ગયું છે, અને જ્યાં વિવેક-વૈરાગ્યરૂપી ભૂત-પિશાચ આપણી રક્ષા કરે છે. ફેંકી દો પોતાને પ્રભુ શિવની શરણમાં અને યાદ કરો સ્વામીજીને:

“તમે પણ સિંહ છો; શુદ્ધ અનંત અને પૂર્ણ આત્માઓ છો; આખા વિશ્વની શક્તિ તમારામાં પડેલી છે. ‘દોસ્ત! તું કેમ રડે છે? તારે માટે જીવન કે મૃત્યુ કંઈ નથી. … તારે માટે દુઃખ કે દર્દ કંઈ નથી; તું તો અનંત આકાશ જેવો છે. જુદા જુદા રંગનાં વાદળો આકાશ ઉપર આવે, થોડીવાર ત્યાં ખેલે અને પછી અદૃશ્ય થઈ જાય; પણ આકાશ તો કાયમને માટે એવું જ નીલરંગી રહે છે.’”

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ ૨ પૃ. ૩૧૩)

Total Views: 485

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.