(સ્વામી નિખિલાનંદ રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, ન્યૂ યોર્કના અધ્યક્ષ હતા અને તેમણે શ્રીરામકૃષ્ણ કથામૃતનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. બંગાળી પુસ્તક ‘પ્રેમિક પુરુષ પ્રેમાનંદ’ પૃ. 97 પર પ્રકાશિત એમના દ્વારા વર્ણિત આ પ્રેરણાદાયી સ્મૃતિકથા આપની સમક્ષ પ્રસ્તુત છે. -સં.)

સ્વામી પ્રેમાનંદ

ઈ.સ. 1915-16ના શીતકાળમાં સ્વામી બ્રહ્માનંદ અને સ્વામી પ્રેમાનંદ એક વખત ઢાકા (હાલના બાંગ્લાદેશની રાજધાની) ગયા હતા. એમની સાથે સ્વામી શંકરાનંદ, સ્વામી માધવાનંદ, અને સ્વામી વિવેકાનંદના વચેટ ભાઈ મહેન્દ્રનાથ દત્ત વગેરે હતા. એ સમયે હું ઢાકા કોલેજમાં ત્રીજા વર્ષનો છાત્ર હતો. એક સાંજે કોલેજના છાત્રાલયના ભોજનકક્ષમાં અમે એક સભાનું આયોજન કર્યું હતું. કોલેજના ઇતિહાસના પ્રાધ્યાપક અશ્વિનીકુમાર મુખર્જીની સભાપતિના રૂપમાં વરણી થઈ હતી.

સંન્યાસી વક્તાઓને આવકારીને સભામાં લઈ આવવા માટે હું તેઓના મુકામે ગયો હતો. સ્વામી બ્રહ્માનંદ અગાશી પર તાજી હવામાં લટાર મારી રહ્યા હતા. સ્વામી પ્રેમાનંદે મને એમની સાથે અગાશી પર આવવાનું કહ્યું. સ્વામી બ્રહ્માનંદ પાસેથી વિદાય લેવાના સમયે સ્વામી પ્રેમાનંદે પદસ્પર્શપૂર્વક એમને પ્રણામ કરી આશીર્વાદ માગ્યા. સ્વામી બ્રહ્માનંદે ક્ષોભિત થઈને કહ્યું: “ભાઈ બાબુરામ, તું શું કરે છે? પ્રભુની કૃપાથી બધું ઠીક થઈ જશે.” એમણે રોકવાનો પ્રયત્ન કરવા છતાં સ્વામી પ્રેમાનંદે પોતાના ગુરુભાઈને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને ભાવપૂર્વક ગદ્‌ગદ્‌ કંઠે ફરીથી આશીર્વાદ આપવાની પ્રાર્થના કરી. સ્વામી બ્રહ્માનંદ પર સ્વામી પ્રેમાનંદને કેટલી ગભીર શ્રદ્ધા હતી, એ જોઈને હું અત્યંત પ્રભાવિત થયો હતો.

અમારી સભાના સભાપતિ અશ્વિનીબાબુના તરંગી સ્વભાવની વાત અમે વક્તાઓને જણાવતા ભૂલી ગયા હતા. તેઓને વારંવાર ઘડિયાળમાં સમય જોવાની ઘેલછા હતી. સ્વામી પ્રેમાનંદ પહેલા વક્તા હતા. તેઓએ જેવું બોલવાનું શરૂ કર્યું અને થોડી મિનિટ થઈ એવું જ અશ્વિનીબાબુએ વારંવાર ઘડિયાળમાં સમય જોવાનું ચાલુ કરી દીધું. સ્વાભાવિક રીતે પ્રેમાનંદજીને લાગ્યું કે વક્તવ્ય પૂરું કરવાનો સમય થઈ ગયો છે. પરંતુ હમણાં જ તો એમના પ્રવચને જોર પકડ્યું હતું. તેમણે સભાપતિને પ્રશ્ન કર્યો, તેઓ શું એમને બેસી જવાનો ઇશારો કરે છે! આ સાંભળી સભાપતિએ ક્ષમાપ્રાર્થના કરી એમને પ્રવચન ચાલુ રાખવાનું કહ્યું. થોડી વાર પછી સભાપતિએ ફરીથી ઘડિયાળ જોઈ. આવું કેટલીક વાર થયું. છેવટે સ્વામી પ્રેમાનંદે કહ્યું: “મહાશય, હું તમારી પાશ્ચાત્ય કેળવણીથી શિક્ષિત વક્તા નથી. પ્રભુ મને જેમ બોલાવે છે એમ હું બોલું છું. હું તમારા અંગ્રેજી આચાર-વ્યવહાર અનુસાર ચાલી શકીશ નહીં. તમે અધીર થઈ પડ્યા છો, હવે હું બોલીશ નહીં.”

સભાપતિએ એમને વારંવાર અનુરોધ કર્યો અને કહ્યું કે ઘડિયાળની ઉપેક્ષા કરી તમે બોલતા જાઓ. પરંતુ પ્રેમાનંદે મૌન ધારણ કરી લીધું. તેઓ ભાવાવેગપૂર્વક બોલી રહ્યા હતા, માટે જ એમની વક્તૃતામાં આવી રીતે ખલેલ પડવાથી એમનો માનસિક આવેગ રુદ્ધ થઈ ગયો અને પછીથી તેઓ શારીરિક અસુસ્થ થઈ ગયા.

(વચ્ચે ઊભેલ) સ્વામી બ્રહ્માનંદ, (ડાબી બાજુએ) સ્વામી પ્રેમાનંદ, ઢાકા આશ્રમના શિલારોપણ સમારોહમાં, ફેબ્રુઆરી, 1916

એક દિવસે સવારે તેઓના મુકામે નિયમિત સાધુસંગ પછી જ્યારે સ્વામી પ્રેમાનંદ નીચેના માળે આવી રહ્યા હતા ત્યારે હું પણ એમની પાછળ પાછળ આવી રહ્યો હતો. તેઓ એકલા મળ્યા એટલે મેં કહ્યું, “મહારાજ, હું તમારી સાથે એકાંતમાં થોડી વાત કરવા માગું છું.” તેઓએ મારી તરફ ફરીને ઉત્તેજિત થઈને કહ્યું: “તું શું એક ક્રાંતિકારી છો?” એકદમ સ્તંભિત થઈ જઈને મેં એમને પૂછ્યું કે આ વાત એમને કેવી રીતે ખબર પડી?

મહારાજે કહ્યું: “અમે આ બધું સમજી જઈએ! આવી રીતે દેશની સેવા ન થાય. તમે ખોટા રસ્તે ચાલો છો.” હજુ વધુ ઉત્તેજિત થઈ તેઓ કહેવા લાગ્યા: “આવી રીતે નહીં ચાલે. કાલે પાછો આવ અને સાથે તારા ક્રાંતિકારી મિત્રોને પણ લઈ આવ. હું તમને (બ્રહ્માનંદ) મહારાજની પાસે લઈ જઈશ.”

સ્વામી નિખિલાનંદ

બીજે દિવસે સવારે અમારી ક્રાંતિકારી સમિતિના બે સભ્યને સાથે લઈ એમના રહેઠાણે પહોંચ્યો. સ્વામી પ્રેમાનંદ અમને એક નાનકડા કક્ષમાં લઈ ગયા. ત્યાં બે ચટાઈઓ પાથરેલી હતી. એકની ઉપર સ્વામી બ્રહ્માનંદ બેઠા હતા. બીજીની ઉપર સ્વામી પ્રેમાનંદ બેઠા. સ્વામી બ્રહ્માનંદના સેવકને બહાર જવાનું કહેવામાં આવ્યું. પછી અંદરથી દરવાજામાં સાંકળ મારી દેવામાં આવી. સ્વામી બ્રહ્માનંદને પ્રણામ કરી અમે ફર્શ પર બેઠા. સ્વામી પ્રેમાનંદે અમારો પરિચય કરાવી દઈ સ્વામી બ્રહ્માનંદને કહ્યું: “મહારાજ, આ યુવાઓની સામે થોડું જુઓ. છોકરાઓ બધા ખૂબ સારા છે, પરંતુ સાવ જ માર્ગ ભટકી ગયેલા છે. ભારત માતાની સેવા કરવા માટે તેઓ ક્રાંતિકારી બન્યા છે. કૃપા કરીને એમને ઉપયુક્ત ઉપદેશ આપો.”

સ્વામી બ્રહ્માનંદ સ્વભાવત: ગંભીર હોવા છતાં પણ આંતરિકતાપૂર્ણ સ્વરે અમને હિંસાનો રસ્તો છોડીને સ્વામી વિવેકાનંદ દ્વારા પ્રદર્શિત રસ્તા પર ચાલવાનું કહ્યું. એમણે કહ્યું કે અમારે પહેલાં અમારા ચરિત્રગઠન તરફ ધ્યાન આપવું જોઈએ, ત્યાર પછી જ દેશસેવાના કાર્યમાં રત થવું જોઈએ. એમણે અમને સાવધાન કરી દીધા અને કહ્યું કે ક્રાંતિકારી સમિતિઓમાં કેટલાક તોફાની લોકો પણ હોય છે, જેના પરિણામે અમારા પ્રયત્નોનું કોઈ ફળ મળતું નથી. આનાથી જ સમજી શકાય છે કે અમારું ચરિત્ર હજુ પણ ગઠિત થયું નથી. એમણે ઉદાહરણ આપી કહ્યું: “જો બંદૂકનો દારૂ ભીનો હોય તો એ વિસ્ફોટ કરી શકે નહીં. એને સળગાવવાનો ગમે તેટલો પ્રયત્ન કરો, તમે માત્ર દીવાસળી જ બગાડશો. પણ જો દારૂ સૂકો હોય તો વિસ્ફોટ કરવા માટે માત્ર એક જ દીવાસળીની જરૂર પડશે.”

એમણે ભાર આપીને કહ્યું હતું કે માત્ર સ્વામી વિવેકાનંદ જ હતા સાચા દેશપ્રેમી. એમના ઉપદેશ અનુસાર ચાલવું જ અમારા માટે ઉચિત છે. મેં કહ્યું: “પરંતુ મહારાજ, તમે સ્વામી વિવેકાનંદને સમજ્યા નથી. અમે એમના પુસ્તકમાં વાંચ્યું છે કે અમે ભારતની મુક્તિ માટે રક્ત વહાવીએ એમ તેઓ ઇચ્છતા હતા. ક્રાંતિકારીઓ તો એમ જ કરે છે. તમે સ્વામી વિવેકાનંદનો ઉપદેશ સમજ્યા નથી.”

સ્વામી પ્રેમાનંદ આ વાત બિલકુલ સહન કરી શક્યા નહીં. એમણે ઘાંટો પાડીને કહ્યું: “અરે મૂર્ખ! તું કોની સાથે વાત કરે છે એ તને ખબર છે? વીસથી વધુ વર્ષથી અમે સ્વામીજીને ઓળખીએ છીએ. અમે એકસાથે ખાધું છે, એકસાથે રમ્યા છીએ, એકસાથે વાર્તાલાપ કર્યો છે, અને એકસાથે બેસીને અમારા કાર્યની પરિકલ્પના વિશે ચર્ચા-વિચારણા કરી છે. અને તું કહે છે કે અમે એમને હજુ સમજી શક્યા નથી! અને તમે, મૂર્ખાઓ, એમના પુસ્તકનાં કેટલાંક પાનાં વાંચીને એમને પૂરેપૂરા સમજી લીધા છે!”

પછી એમણે સ્વામી બ્રહ્માનંદને કહ્યું: “મહારાજ, સાંભળ્યું ને, શું કહે છે? એ કહે છે કે તમે સ્વામીજીને સમજી શક્યા નથી. તમને શું લાગે છે, એના માથામાં ઘોડાની બુદ્ધિ છે? જોઉં કે એ મને પીઠ ઉપર બેસાડીને લઈ જઈ શકે છે કે નહીં!”

તેઓએ એકાએક ચટાઈ ઉપરથી ઊભા થઈને મને માથું નીચું કરીને ઘૂંટણિયેભેર બેસવાનું કહ્યું. તેઓ પગ ઝૂલાવીને મારી પીઠ પર બેસી ગયા અને પછી મને ઓરડામાં ચારે બાજુ ફરવાનું કહ્યું, જાણે કે હું સાચેસાચ એક ઘોડો છું. એમણે જેમ કહ્યું, મેં એમ જ કર્યું. એક બે મિનિટ પછી તેઓ ઊભા થઈ ગયા અને કહ્યું, “બધું ઠીક થઈ જશે.”

સ્વામી બ્રહ્માનંદે આ આખી ઘટના પ્રસન્ન ચિત્તે જોઈ અને ફરીથી અમને ચરિત્રગઠન કરવાનો ઉપદેશ આપ્યો. અમે કક્ષમાંથી બહાર નીકળ્યા અને એ જ મુહૂર્તે ક્રાંતિકારી સમિતિ સાથેનો મારો સંપર્ક અહીં જ વિચ્છિન્ન થયો.

સ્વામી બ્રહ્માનંદ સપરિકર ઢાકા છોડીને કેટલાક માઈલ દૂર નારાયણગંજ ગયા. ત્યાં એક ભક્તના ઘરે એમના ઉતારાની વ્યવસ્થા થઈ. એક દિવસે સાંજે હું બે મિત્રોને લઈને સંન્યાસીઓને પ્રણામ કરવા માટે ત્યાં ગયો. રાત્રીના આહારના સમય સુધી અમે ત્યાં બેઠા હતા. અમે રાત સુધી બેઠા હતા માટે યજમાને અસંતોષપૂર્વક અમને જણાવ્યું કે તેઓ અમારા આહારની વ્યવસ્થા કરી શકશે નહીં. આ સાંભળીને સ્વામી પ્રેમાનંદ નારાજ થઈ ગયા અને કહ્યું કે અમે પ્રભુના ભક્ત છીએ અને જો યજમાન અમારા આહારની વ્યવસ્થા ન કરી શકે તો સંન્યાસીઓ પોતે અનાહારે રહેશે. યજમાને તુરત જ ક્ષમા માગી અને અમારા પણ આહારની વ્યવસ્થા કરી.

ઈ.સ. 1916માં અમારા ઉનાળાના વેકેશન દરમિયાન સ્વામી પ્રેમાનંદની અનુમતિ લઈને હું બેલુર મઠમાં દર્શન માટે આવ્યો. આપણા સંન્યાસી સંઘમાં જોડાવાની ઇચ્છા એમની સમક્ષ પ્રકાશ કરી. પરંતુ તેઓએ મને B.A. પાસ કરવાનું કહ્યું અને શ્રીશ્રીમાના આશીર્વાદ મેળવવા માટે મને જયરામવાટી મોકલી દીધો. ક્રાંતિકારી સમિતિના મારા પૂર્વ સંપર્કને પરિણામે ઈ.સ. 1916ના ઓગસ્ટ માસમાં ઢાકામાં મારી ધરપકડ થઈ અને મને બે વર્ષ જેલમાં રહેવું પડ્યું. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે (ઈ.સ.1918ની આસપાસ) જેલમાંથી મુક્તિ મેળવીને હું બેલુર મઠ આવ્યો અને જાણ્યું કે સ્વામી પ્રેમાનંદ ખૂબ જ બીમાર છે. થોડા દિવસો પછી જ એમણે દેહત્યાગ કર્યો હતો.

જીવનની એક વિશેષ સંધિક્ષણે મેં એમનો સંગલાભ કર્યો હતો. આ પ્રબુદ્ધ આત્માની સાથે મારા કેટલાક સાક્ષાત્કારની સ્મૃતિએ મારા અતિ સંકટ કાળમાં મને સાહસ અને ભરોસો આપ્યો છે.

હુક્કો પીતા ગભીર ધ્યાનમાં મગ્ન સ્વામી બ્રહ્માનંદ, ભુવનેશ્વર, 1920

Total Views: 390

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.