૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિન’રૂપે ઉજવવાની જાહેરાત યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૦૧૪માં થયા પછી સમગ્ર વિશ્વમાં યોગ અંગે જિજ્ઞાસા વધતી જાય છે. સમગ્ર વિશ્વના લોકોમાં યોગનું આકર્ષણ વધ્યું છે. સાથે સાથે યોગ વિશે ગેરસમજ પણ પ્રવર્તે છે, યોગ વિશે ભ્રામક માન્યતાઓ પણ થઈ છે. યોગાભ્યાસના નામે યોગાસન એ જ યોગ છે તેવી ગેરસમજ, ખાસ કરીને પશ્ચિમના દેશોમાં થઈ છે. આપણે પણ આ અંગે અત્યંત તકેદારી રાખવાની છે.

યોગનો ઉલ્લેખ ભારતીય તત્ત્વજ્ઞાનના પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં આવે છે. વેદોને ઇતિહાસકારો આશરે ૫૦૦૦ વર્ષથી પણ વધારે પ્રાચીન માને છે. વેદકાળના ઋષિઓનું ચિંતનાત્મક વલણ એટલે જ ઉપનિષદો અને વેદાંતદર્શન. આ દિવ્ય ચિંતને જ યોગદર્શનની પ્રેરણા આપી જેને પતંજલિએ સૂત્રોરૂપે વ્યવસ્થિત રૂપ આપ્યું. ઉપનિષદોમાં બહિર્મુખ ઇન્દ્રિયોને આધ્યાત્મિક અનુભૂતિના અંતરાયો માનવામાં આવી છે. યોગાભ્યાસનો મુખ્ય હેતુ આ બહિર્મુખ ઇન્દ્રિયોનું સંયમન કરીને તેમને અંતર્મુખ બનાવવાનો છે. યોગ એટલે સંપૂર્ણ આત્મસંયમ દ્વારા આત્માનું પરમાત્મા સાથે મિલન. પાતંજલ યોગસૂત્રો અને ઉપનિષદોમાં આ સંપૂર્ણ પ્રક્રિયા વૈજ્ઞાનિક ઢબે બતાવેલ છે. પ્રાણાયામ અને મનની એકાગ્રતાનો અભ્યાસ અત્યંત જરૂરી છે.

પશ્ચિમના દેશોમાં યોગનો પરિચય સૌ પ્રથમ કરાવવાનું શ્રેય સ્વામી વિવેકાનંદને જાય છે. અમેરિકામાં સ્વામીજીએ યોગ વિશે પ્રવચનો આપ્યાં હતાં અને વર્ગો લીધા હતા. એક વાર્તાલાપ દરમિયાન તેઓ કહે છે:

“આપણી મુખ્ય સમસ્યા છે મુક્ત થવાની. તો પછી એ સ્પષ્ટ છે કે આપણને જ્યાં સુધી આપણે પોતે નિર્વિશેષ હોવાની અનુભૂતિ થાય નહીં ત્યાં સુધી આપણે મુક્તિ પ્રાપ્ત કરી શકીએ નહીં. એમ છતાં આ અનુભૂતિ પ્રાપ્ત કરવાના વિવિધ માર્ગો છેે. આ પદ્ધતિઓનું વ્યાપક નામ છે યોગ (એટલે કે જોડવું, એટલે કે આપણી જાતને યથાર્થ સ્વરૂપ સાથે જોડવી). આ યોગો વિવિધ સમૂહોમાં વહેંચાયેલા હોવા છતાં મુખ્યત્વે તેમના ચાર વર્ગ પડી શકે.” આ ચાર યોગ એટલે કર્મયોગ, ભક્તિયોગ, રાજયોગ અને જ્ઞાનયોગ.

કર્મયોગ: કર્મયોગ એટલે કાર્ય દ્વારા મનને શુદ્ધ કરવું. કર્મયોગીએ સઘળા ભયનો અને આ લોક અથવા પરલોકમાં ભોગ ભોગવવાની તમામ ઇચ્છાઓનો સદા માટે ત્યાગ કરવો જોઈએ. કર્મનાં સર્વફળનો ત્યાગ કરો. શુભને માટે શુભ કરો ત્યારે જ સંપૂર્ણ અનાસક્તિ આવશે. આ રીતે હૃદયનાં બંધનો તૂટશે અને આપણને મુક્તિ પ્રાપ્ત થશે. ખરેખર આવી સ્વાધીનતા એ જ કર્મયોગનું લક્ષ્ય છે.

ભક્તિયોગ: ભક્તિયોગ એટલે ભક્તિ દ્વારા પરમાત્માની પ્રાપ્તિ. આ માર્ગ ભક્તિ, ઉપાસના અથવા પ્રેમનો માર્ગ છે. આ માર્ગ સ્વાભાવિકમાં સ્વાભાવિક અને જોડે જોડે સહેલામાં સહેલો માર્ગ છે. આ માર્ગમાં પતનનો કોઈ ભય નથી. ઈશ્વરને પ્રેમ કરવો તે આ યોગની સાધના છે. પ્રેમને એક ત્રિકોણ તરીકે લઈએ. તેના પાયાનો પ્રથમ ખૂણો છે નિર્ભયતા, પ્રેમ સર્વ ભયને દૂર કરે છે. પ્રેમના ત્રિકોણનો બીજો ખૂણો છે અયાચકતા, પ્રેમ કદી માગતો નથી—યાચના કરતો નથી. પ્રેમના ત્રિકોણનો ત્રીજો ખૂણો અથવા શિરોબિંદુએ છે પ્રેમ, કેવળ પ્રેમની ખાતર જ પ્રેમ. આ ઊંચામાં ઊંચો ભાવ છે.

રાજયોગ: જેમ પ્રત્યેક વિજ્ઞાનને સંશોધનની પોતાની વિશિષ્ટ પદ્ધતિ હોય છે, તેમ રાજયોગ અધ્યાત્મશાસ્ત્રની પદ્ધતિ છે. આ યોગનાં આઠ અંગો છે. યમ (સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, અહિંસા), નિયમ (શુચિ, સત્ય, તપ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન), આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. રાજયોગમાં મનની એકાગ્રતા અને ધ્યાન એ મુખ્ય અભ્યાસ છે. ધ્યાનમાં પ્રવેશતાં પહેલાં ચિત્તશુદ્ધિની પ્રક્રિયા અત્યંત જરૂરી છે, જે યમ-નિયમનું પાલન કરીને પ્રાપ્ત કરવાની છે. ગુરુ પાસેથી મળેલો મંત્ર અથવા ૐ ધ્યાનમાં ઘણા જ સહાયરૂપ થાય છે.

જ્ઞાનયોગ: જ્ઞાનયોગ ત્રણ વિભાગોમાં વહેંચાયેલો છે. પ્રથમ છે સત્યનું શ્રવણ કરવું. એટલે કે આત્મા જ એકમાત્ર સત્ય છે, અન્ય સર્વ માયા છે. બીજો વિભાગ છે, આ તત્ત્વજ્ઞાનનો સર્વ દૃષ્ટિબિંદુથી વિચાર કરવો. ત્રીજો છે સર્વ વાદવિવાદનો ત્યાગ કરવો અને સત્યની અનુભૂતિ કરવી. આ અનુભૂતિ એટલે (૧) બ્રહ્મ જ સત્ય છે અને અન્ય સર્વ કંઈ મિથ્યા છે એવો નિશ્ચય (૨) ભોગ ભોગવવાની બધી કામનાઓનો ત્યાગ (૩) ઇન્દ્રિયો તથા મનનું નિયમન અને (૪) મુક્ત થવાની તીવ્ર ઝંખના.

સ્વામી વિવેકાનંદ યોગનું રહસ્ય આ રીતે સમજાવે છે:

“પ્રત્યેક આત્મા અપ્રગટરૂપે પરમાત્મા છે. ધ્યેય છે બાહ્ય તેમજ આંતરપ્રકૃતિ પર કાબૂ મેળવીને અંદર રહેલા આ પરમાત્મભાવને પ્રગટ કરવો. એ તમે કર્મ દ્વારા કે ઉપાસના દ્વારા કે યોગ દ્વારા કે તત્ત્વજ્ઞાન દ્વારા કરો, – એક દ્વારા કે એકથી વધારે દ્વારા કે આ બધાં દ્વારા કરો – અને મુક્ત થાઓ. ધર્મનું સમગ્ર તત્ત્વ આ છે. સિદ્ધાંતો કે સાંપ્રદાયિક માન્યતાઓ કે કર્મકાંડ કે શાસ્ત્રગ્રંથો કે મંદિરો કે મૂર્તિઓ એ બધાં ગૌણ વિગતો માત્ર છે.”

જગતના બધા જ દેશોને આ વિચારધારાની આવશ્યકતા સમજાઈ છે. જગત એક જ છે—કોઈ એકબીજાથી જુદું નથી—આપણે સૌ એકમેક સાથે સંકળાયેલ છીએ. વૈદિકકાળના તેમજ આધુનિક ઋષિઓએ આ સત્યનો ઉદ્‌ઘોષ જુદી જુદી રીતે કર્યો છે. પરસ્પરની પ્રગતિમાં જ સૌનું ભલું છે. યોગપ્રેરિત જીવનશૈલી દ્વારા સમગ્ર જગતના લોકો વધારે ઉચ્ચ જીવન જીવવા માટે, વધારે પવિત્ર જીવન જીવવા માટે ભારતના યોગસમન્વયની પદ્ધતિ તરફ જવા આતુર છે. ભારતે આ દિશામાં એક અગત્યનો ભાગ ભજવવાનો છે.

Total Views: 318

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.