આધુનિક મન માટે શિકાગો વિશ્વધર્મ પરિષદમાં ઉદ્‌ઘોષ કરવાવાળા, પ્રતિભા સંપન્ન, આકર્ષક વ્યક્તિત્વધારી સ્વામી વિવેકાનંદ પ્રત્યે આકર્ષિત થવું સ્વાભાવિક છે, પરંતુ જટાજૂટધારી, ભસ્મલેપિત, સર્પની માળા ધારણ કરેલ, ત્રિશૂળધારી, મૃગચર્મ પહેરેલ મહાદેવજીની ભક્તિ કરવી એ એટલું સહજ નથી. ત્યારે તો એક શિવલિંગની પૂજાનું માહાત્મ્ય વળી કેમ કરીને સ્વીકારાશે? જ્યારે સાંભળતો હતો કે દરવર્ષ શ્રાવણ માસમાં લાખો શ્રદ્ધાળુ નર-નારી દેવઘર સ્થિત બાબા વૈદ્યનાથના શિવલિંગ પર જળ ચઢાવવા ત્યાંથી ૧૭ કિ.મી. દૂર સુલતાનગંજથી ઉત્તરવાહિની જાહ્નવીનું જળ કાવડોમાં ભરીને પગપાળા ચાલીને આવે છે, ત્યારે આશ્ચર્ય ઊપજતું. વિચારતો હતો કે અંધશ્રદ્ધાળુઓની આ દેશમાં અછત નથી. પરંતુ અત્યારે જણાય છે કે આ જાદુ શિવજીનો છે જેઓ સ્વામી વિવેકાનંદના આરાધ્ય હતા તથા જેમની સત્તા તેઓએ પ્રાપ્ત કરી હતી. તેથી બાબા વૈદ્યનાથનાં દર્શનની અભિલાષા તીવ્ર બની અને યોગ્ય અવસરની પ્રતીક્ષા કરવા લાગ્યો અને ભગવાને કૃપા કરીને અવસર પણ પ્રદાન કરી દીધો. જુલાઈમાં કાર્યવશાત્ દેવઘર જવાનું થયું. મનોમન વિચાર્યું, ‘એક કાંકરે બે પક્ષી’ અર્થાત્ કાર્ય પણ થશે અને બાબાનાં દર્શન પણ થશે, અને તે પણ શ્રાવણ માસમાં, જેનો વિશેષ મહિમા છે.’ આમ વિચારીને ૧૯ જુલાઈની વહેલી સવારે પટણાના એક મિત્ર સાથે દેવઘર પહોંચ્યો. ત્યાં પહોંચતાં જ ત્યાંના એક મિત્રને બાબાનાં દર્શન કરવાની અભિલાષા પ્રગટ કરી. સાંભળતાં વેંત તે મિત્ર બોલી ઊઠ્યા, ‘માથું ફરી ગયું છે કે શું? શ્રાવણ મહિનમાં ક્યારેય બાબાનાં દર્શન માટે આવવાનું હોય? જેઓ આટલે દૂરથી કાવડમાં જળ ભરીને લાવે છે તેઓ પણ દર્શન કરી શકતા નથી, મંદિરના પ્રાંગણમાં જળ રેડીને ચાલ્યા જાય છે. હૃષ્ટપુષ્ટ લોકો પણ આ ધક્કામુક્કીમાં બેહોશ થઈ જાય છે, એટલું તો સાંકડું મંદિર છે. તમારે બીજા કોઈ સમયે આવવું પડશે.’ તેમની વાતો સાંભળીને હું દિઙમૂઢ બની ઊભો રહી ગયો. શું આટલે દૂર આવીનેય બાબાનાં દર્શન નહીં થાય? કેટલી કમનસીબની વાત! પછીથી ક્યારે આ બાજુ આવવાનું થશે, કોણ જાણે છે? એથી મેં મારા મિત્રને પુનઃ વિનંતી કરી, ‘શા માટે મંદિરમાં જઈને ભાગ્ય ન અજમાવી જોઈએ?’ બીજા ઉપસ્થિત લોકોએ સલાહ આપી કે જો ચાન્સ લેવા જ માગતા હો તો બપોરના બે વાગ્યા પછી એમ કરી શકો છો, ત્યારે ભીડ ઓછી હોય છે. ભાગ્યમાં લખાયું હશે તો દર્શન થશે. આ સલાહ માનીને મેં બન્ને મિત્રો (પટણા તથા દેવઘરવાળા) સાથે સવારનો સમય દેવઘરનાં બીજાં દર્શનીય સ્થાનો—કુંડેશ્વરી મંદિર, બાલાનંદ આશ્રમનું નૌલખા યુગલ મંદિર—વગરે જોવામાં વ્યતીત કર્યો.

લગભગ બે વાગ્યે અમે ત્રણેય બાબા વૈદ્યનાથના મંદિર તરફ જવા રવાના થયા. મંદિરમાં પહોંચતાં પહેલાં જ દૂરથી જોયું—અસંખ્ય કેસરિયા વસ્ત્રધારી નર-નારી ખભે કાવડો લઈને ‘બોલ બમ’નો નારો લગાવતાં લગાવતાં મંદિર તરફ અગ્રસર થઈ રહ્યાં છે. સાંભળ્યું છે કે આમાંનાં કેટલાંક એવાં પણ હોય છે કે જેઓ સીધાં અહીં આવીને બાબા પર જળ ચઢાવી દે છે. વચ્ચે ક્યાંય રોકાતાં નથી. એવાં લોકોને ‘ડાક બમ’ કહે છે. કેટલાય લોકોના પગના તળિયે ફોલ્લા પડી જાય છે, પગ લોહીલુહાણ થઈ જાય છે, થાકીને લોથપોથ થઈ જાય છે, છતાંય તેમનાં અગ્રસર થતાં કદમ અટકતાં નથી, ‘બોલ બમ’નો સતત નારો તેમનામાં જુસ્સો ભરતો રહે છે. ધન્ય છે એ શ્રદ્ધાળુ, સાહસિક ભક્તગણ! શ્રદ્ધાથી હું નતમસ્તક થઈ ગયો. મંદિરના પ્રાંગણમાં પહોંચતાં અદ્‌ભુત દૃશ્ય નજરે પડ્યું—આગળ પાછળ, ડાબે જમણે, ચારે બાજુ માત્ર કેસરિયો રંગ નજરે પડતો હતો. અસંખ્ય કેસરિયાં વસ્ત્રધારી જનસમૂહને કારણે પ્રાંગણમાં ઊભા રહેવાનીય જગ્યા ન હતી. આકાશમાંથી ઝરમર ઝરમર વૃષ્ટિ થઈ રહી હતી અને નીચે કાદવનો જાણે સમુદ્ર હતો. એ કાદવમાં કેટલાક શ્રદ્ધાળુ ભક્તો મંદિર સામે આળોટતા આળોટતા પ્રણામ કરી રહ્યા હતા. ‘બોલ બમ’ના ગગનભેદી નારાઓથી વાતાવરણ ગુંજી રહ્યું હતું. જાણે કે ‘બોલ બમ’નો મહાતરંગ તરી રહ્યો છે. કોનું સામર્થ્ય છે કે આ પરિવેશમાં અભિભૂત થયા વગર રહી શકે? ચિત્ત ગદ્‌ગદ થઈ ગયું. મંદિરમાં પ્રવેશવા માટે ઘણી લાંબી લાઈન હતી. તેમાં જઈને ઊભો રહી ગયો. આ ભીડ જોઈને બન્ને મિત્રોનું સાહસ છૂમંતર થઈ ગયું, તેથી તેઓ દૂર ઊભા રહી ગયા. તેમની સહાયતાથી ગંગાજળનો એક નાનકડો ઘડો મંદિરમાંથી જ લઈ લીધો હતો. લાઈનમાં ઊભા રહીને મેં આર્દ્રભાવે મહાદેવને પ્રાર્થના કરી, ‘આ બધા લોકો કષ્ટપૂર્વક આટલે દૂરથી કાવડમાં ગંગાજળ ભરીને કેટલી શ્રદ્ધા-ભક્તિથી આવ્યા છે, પરંતુ મારામાં એમનાં શ્રદ્ધા-ભક્તિનો સોમો ભાગ પણ નથી, છતાંય મારી આ સામાન્ય પૂજા ગ્રહણ કરજો.’ પરંતુ મહાદેવજીને કદાચ આ પ્રાર્થના મંજૂર નહીં હોય! અતિ કષ્ટપૂર્વક એટલી ભીડમાં તથા ધક્કામુક્કીમાં ઘડો સાચવીને મંદિરના ગર્ભગૃહ સુધી તો લઈ ગયો પરંતુ જળ ચઢાવતાં પહેલાં જ એવો ધક્કો લાગ્યો કે બધું જળ ઢોળાઈ ગયું, માત્ર ઘડો જ બિલ્વપત્ર તથા પુષ્પોથી આચ્છાદિત શિવલિંગ પર અર્પિત કરી શક્યો. શિવલિંગનો સ્પર્શ પણ કરી શક્યો ન હતો. ભીડના કારણે શિવલિંગ પર જળ ચઢાવતાં પહેલાં જ કેટલાય ઘડાનું જળ માથા પર પડ્યું. એથી જણાયું કે શિવલિંગ પર જળ ચઢાવી શકનારાઓની સંખ્યા થોડીક જ છે, મોટાભાગના લોકો એકબીજા પર જ જળ ચઢાવી રહ્યા છે. ખેર, ગમે તેમ કરીને બહાર નીકળ્યો. મારી હાલત જોઈને બહાર ઊભેલા મિત્રો આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે મારાં બધાં વસ્ત્રો પલળી ગયાં હતાં. છતાંય મને સહીસલામત જોઈને તેઓ રાજી થયા કેમ કે હાથમાં કેટલાય ઉઝરડા સિવાય મને કોઈ વિશેષ ઈજા થઈ ન હતી, જ્યારે બાકીના લોકોમાં કોઈનું નાક તૂટ્યું હતું, તો કોઈના માથે ઈજા થઈ હતી.

(ક્રમશ:)

Total Views: 567

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.