ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com પર ઇ-મેઈલ કરવા વિનંતી. ઇ-મેઇલનો સબજેક્ટ રાખવો ‘News for Jyot’ -સં.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ: રામકૃષ્ણ મિશનની ૧૨૫મી જયંતીની ઉજવણીના ઉપલક્ષ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. રામકૃષ્ણ મિશનના સ્થાપના દિવસે એટલે કે ૧લી મેએ રાજકોટ આશ્રમના પરિસરને લાઇટ્સ વડે શણગારવામાં આવ્યો હતો. આશ્રમના મંદિરના પ્રવેશના અગ્રભાગને ૧૨૫ દિવડાઓ વડે પ્રકાશિત કરી ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું.

આધ્યાત્મિક શિબિર: નોંધાયેલા ભક્તો માટે તા. ૧ લી મે થી ૩ જી મે સુધી આધ્યાત્મિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર દિવસ દરમિયાન પ્રાર્થના, ધ્યાન, ભજન-કીર્તન, આધ્યાત્મિક પુસ્તકોમાંથી વાંચન, પ્રવચનો, દૃશ્ય-શ્રાવ્ય કાર્યક્રમો અને પ્રશ્નોત્તરીના કાર્યક્રમો યોજવામાં આવ્યા. નોંધાયેલા ૧૯૮ ભક્તોમાંથી ૩૩ નિવાસી ભક્તો હતા.

શિબિર દરમિયાન સ્વામી પ્રભુસેવાનંદ, અધ્યક્ષ, રામકૃષ્ણ મઠ, અમદાવાદ; સ્વામી આત્મદિપાનંદ, સચિવ, રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર; સ્વામી મંત્રેશાનંદ, આદિપુર કેન્દ્ર; શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદ અને સુપ્રસિદ્ધ ગુજરાતી લેખિકા શ્રીમતી જ્યોતિબેન થાનકી વગેરેએ પ્રસંગોચિત પ્રવચનો કર્યાં હતાં.

જાહેરસભા: તા. ૧ થી ૩ મે દરમિયાન જાહેરસભાઓમાં ઉપરોક્ત વક્તાઓએ શ્રીરામકૃષ્ણ અને રામકૃષ્ણ મિશન, શ્રીમા શારદાદેવી અને રામકૃષ્ણ મિશન, સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ મિશન વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

ભજન સંધ્યા: તા. ૧ મે થી ૧૦ મે દરમિયાન આયોજિત ભજન સંધ્યામાં સુપ્રસિદ્ધ ગાયકો શ્રી નિરંજનભાઈ પંડયા, શ્રી નિકુંજભાઈ પંડયા, રામકૃષ્ણ મિશન હોસ્પિટલ, ઇટાનગરના સ્વામી કૃપાકરાનંદ, અને શ્રી વિનોદભાઇ પટેલ, વગેરેએ મધુર ભજનો પ્રસ્તુત કર્યાં હતાં.

આ ઉપરાંત તા ૮મી મેથી ૧૦મી મે દરમિયાન ‘માણભટ્ટ’ શ્રી ધાર્મિકલાલ પંડયાએ આગવી છટામાં પારંપરિક સંગીત સાથે ‘આખ્યાન’ની પ્રસ્તુતિ કરી હતી.

રામચરિતમાનસ પર વ્યાખ્યાન: રામકૃષ્ણ મઠ, ભુજના અધ્યક્ષ સ્વામી સુખાનંદજીએ તા ૪ થી મે થી ૬ ઠ્ઠી મે દરમિયાન રામચરિતમાનસના પ્રસંગો વિષે ચર્ચા કરી હતી.

યુથ કેમ્પ: તા. ૫ મી મેથી ૧૧ મી મે દરમિયાન સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણીના ભાગ રૂપે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ધરમપુર, ધાણેટી (કચ્છ), સુરેન્દ્રનગર, આણંદ, અલિયાબાડા (જામનગર) અને રાજકોટના ૬૮ યુવાનોએ ભાગ લીધો હતો. વ્યક્તિત્વ વિકાસ પર આધારિત આ કાર્યક્રમમાં સવારનું ધ્યાન, યોગ અને કસરત, વૈદિક મંત્રોચ્ચાર, ક્વિઝ, સાંધ્ય પ્રાર્થના વગેરેનું આયોજન કરવામાં આવ્યું.

આ ઉપરાંત સ્વામી શંકરેશાનંદ, શ્રી કૌશિકભાઈ ગોસ્વામી, શ્રી મેહુલભાઈ શિહોરાએ ક્વીઝનું આયોજન કર્યું હતું. બ્ર. સુવિમલચૈતન્ય અને બ્ર. જયેશ મહારાજે ભજનો અને લોકસંગીત પીરસ્યું હતું. અંતમાં આ યુવકોને સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શ્રી શંકરાચાર્ય જયંતી: તા. ૦૬.૦૫.૨૦૨૨ ના રોજ વૈશાખ સુદ પંચમીના રોજ મંદિરમાં શંકરાચાર્ય જયંતીની ઉજવણી કરવામાં આવી.

રક્તદાન શિબિર: તા. ૧૪.૦૫.૨૦૨૨ ના રોજ શ્રી રામકૃષ્ણ આશ્રમ દ્વારા ભક્ત શ્રી ગિરીશભાઈ મારુના દિવંગત પુત્ર શ્રી ઊર્મિલભાઈની પુણ્યતિથિએ એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સંન્યાસીઓ સહિત ૭૦ જેટલા સ્વયંસેવકો અને શુભેચ્છકોએ રકતદાન કર્યું હતું.

બુદ્ધદેવ જયંતી: વૈશાખી પૂર્ણિમા-બુદ્ધ જયંતીની ઉજવણીના ઉપલક્ષ્યમાં સ્વામી જ્ઞાનેશાનંદ મહારાજે મંદિરમાં ‘ભગવાન બુદ્ધના જીવન અને ઉપદેશ’ વિષે પ્રવચન આપ્યું હતું.

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા: રામકૃષ્ણ મિશનની ૧૨૫મી જયંતીની ઉજવણીના ઉપલક્ષ્યમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું.

રવિવાર તા. ૧, મે ના રોજ અર્ધ-દિવસીય આધ્યાત્મિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંન્યાસીઓએ આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતું.

તે જ દિવસે એક વિશેષ કાર્યક્રમમાં આશ્રમના વડોદરાના રાજમાતા શુભાંગિનીદેવી રાજેએ પ્રથમ દીપ પ્રગટાવી વર્ષભર ચાલનારા કાર્યક્રમનો શુભારંભ કર્યો. પ્રાંગણમાં ૧૨૫ દિવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા.

તા. ૧૦ મી મે ના રોજ સ્વામી કૃપાકરાનંદજી દ્વારા ભજન સંધ્યાના કાર્યક્રમનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બહોળી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત હતા.

તા. ૫ મી મેથી ૧૫ મી મે દરમિયાન બાળકો માટે ગ્રીષ્મ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૧૩૦ બાળકોએ ભાગ લીધો. અંતિમ દિવસે માતૃ-પિતૃ-વંદનાના એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદર: તા ૧૩.૦૫.૨૦૨૨ ના રોજ આશ્રમ પરિસરમાં ૨૪ આંખના દર્દીઓને નિઃશુલ્ક તપાસવામાં આવ્યા હતા અને ઓછી આવક ધરાવતા ૧૦ દર્દીઓના શિવાનંદ આંખની હૉસ્પિટલ, વિરનગર ખાતે મોતિયાના નિઃશુલ્ક ઑપરેશન કરવામાં આવ્યા.

રામકૃષ્ણ મઠ, અમદાવાદ: રામકૃષ્ણ મિશનની ૧૨૫મી જયંતીની ઉજવણીના ઉપલક્ષ્યમાં સ્વામી કૃપાકરાનંદજી દ્વારા ભજન સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બહોળી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત હતા.

Total Views: 330

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.