સ્વામી સત્યરૂપાનંદ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ છે.

વિશ્વના રંગમંચ પર આજે જેટલાં રાષ્ટ્રોનું અસ્તિત્વ છે અને વિશ્વના જ્ઞાત ઇતિહાસમાં જે રાષ્ટ્રોની શેષ સ્મૃતિ છે તે બધાં કરતાં આપણું રાષ્ટ્ર પ્રાચીન છે. આજે પણ આપણા રાષ્ટ્રની રગોમાં પ્રાણનો સંચાર મોજૂદ છે તથા આપણે એક જીવંત-ચૈતન્ય રાષ્ટ્રના રૂપમાં વિદ્યમાન છીએ.

વિશ્વનો ઇતિહાસ તેની સાક્ષી પૂરે છે કે વિશ્વમાં મહાન કહેવાતાં રાષ્ટ્રોનું માર્ગદર્શન યુગો સુધી આપણા રાષ્ટ્રે કર્યું છે. ભટકતી માનવતાને માર્ગ પર લાવનાર તે સમર્થ જગદ્‌ગુરુ રહેલ છે.

એ કઈ વિશેષતા છે, કઈ શક્તિ છે કે જેણે આપણા રાષ્ટ્રને, આપણી જાતિને મહાન અને ચિરંજીવી બનાવી છે? કઈ શક્તિના સામર્થ્યથી આ રાષ્ટ્ર શતાબ્દીઓ સુધી સહસ્રો આઘાતોને જીરવીને આજે પણ જીવંત છે? એટલું જ નહીં પરંતુ, ફરીથી સામર્થ્યવાન થઈને પોતાનું અદ્વિતીય ગૌરવ પ્રાપ્ત કરવાને પણ કટિબદ્ધ છે? આપણો સનાતન ધર્મ જ એ શક્તિ છે કે જેણે આપણા રાષ્ટ્રને ચિરંજીવી અને અસીમ સામર્થ્યવાન બનાવીને આજ સુધી જીવંત તથા ચૈતન્યવાન રાખેલ છે, તથા આજ સનાતન ધર્મના મહાન, ઉદાર, સર્વવ્યાપી, સાર્વલૌકિક, શાશ્વત સિદ્ધાંત એ આપણી વિશ્વને ભેટ છે.

હિન્દુ ધર્મે ભારતની સંસ્કૃતિ, સભ્યતા, દર્શન, નૈતિકતા, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, કલા, શિક્ષણ, રાજનીતિ આદિ જીવનનાં બધાં ક્ષેત્રોને ગંભીર રીતે પ્રભાવિત કરેલ છે. આપણી સંસ્કૃતિ અને સભ્યતાનો વિકાસ જ ધર્મના આધારે થયેલો છે. એટલું જ નહીં પરંતુ, હિન્દુ ધર્મે વિશ્વના અનેક મહાન ચિંતકો તથા વિચારકોને પણ પોતાની તરફ આકર્ષ્યા છે. તેનું કારણ એ છે કે, આ ધર્મની છત્રછાયામાં મનુષ્યનાં મન, મસ્તિષ્ક તથા જીવનનો સંપૂર્ણ વિકાસ થયેલો છે. ડૉક્ટર મેક્સમૂલરે આ તથ્યને આ શબ્દોમાં વ્યક્ત કરેલ છે :

‘જો કોઈ મને પૂછે કે, કઈ ક્ષિતિજ નીચે માનવમને પોતાના દુર્લભ ગુણોનો વિકાસ કર્યો છે, જીવનની શ્રેષ્ઠ સમસ્યાઓનું આદ્યોપાન્ત નિરીક્ષણ કર્યું છે તથા ઓછામાં ઓછું કેટલીક વ્યક્તિઓ માટે આ સમસ્યાનું સમાધાન પણ આપ્યું છે અને એ પણ એવું સમાધાન છે, જેનું સન્માન એ લોકોય કરે છે કે, જેમણે પ્લેટો અને કાંટનો અભ્યાસ કર્યો છે? તો હું ભારત તરફ જ નિર્દેશ કરીશ. અને જો કોઈ મને એમ પૂછે કે, એવું ક્યું સાહિત્ય છે કે જે આપણને એવી આવશ્યક ક્ષમતા પ્રદાન કરે છે કે જે દ્વારા આપણે પોતાના આંતરિક જીવનને અધિક પૂર્ણ અધિક વિસ્તૃત, વિશ્વવ્યાપી, એક શબ્દમાં અધિક માનવીય બનાવી શકીએ? ફક્ત આ જીવનની નહીં પરંતુ એક શોધિત તથા શાશ્વત જીવનને પણ આ પ્રકારે બનાવી શકીએ? તો હું ફરીથી એક વાર ભારત તરફ જ નિર્દેશ કરીશ.’

આ સ્વનામધન્ય પાશ્ચાત્ય વિદ્વાનોની આ ધારણા હિન્દુ ધર્મના મહાન ગ્રંથો-વેદોનો અભ્યાસ કર્યા પછી બની હતી. અનેકવિધ વિશેષતાઓથી યુક્ત આ હિન્દુ ધર્મ આજે પણ સંસારના વિદ્વાનો અને ચિંતકોને પોતાની તરફ આકર્ષતો રહ્યો છે. એટલે હિન્દુઓ માટે આ અત્યંત યોગ્ય છે કે, તેઓ પોતાના મહાન ધર્મની કેટલીક વિશેષતાઓને યાદ રાખે તથા તેનાં ચિંતન-મનન દ્વારા પોતાના જીવનને એ જ બીબામાં ઢાળવાનો પ્રયત્ન કરે.

હિન્દુ ધર્મ પ્રવર્તિત નથી, અનાદિ છે.

હિન્દુ ધર્મ સિવાયના બીજા જેટલા ધર્મો છે તેમનો ક્યારેક, ક્યાંક, કોઈ ને કોઈ મહાપુરુષ મસીહા કે પયગંબરે પ્રારંભ કર્યો. તેમની સ્થાપના કરી. ઇસ્લામનું પ્રવર્તન હજરત મુહમ્મદે કર્યું. ઈસાઈ ધર્મના પ્રવર્તક મહાત્મા ઈસા મસીહા હતા. બૌદ્ધ ધર્મનો પ્રારંભ ભગવાન બુદ્ધે કર્યો. પરંતુ હિન્દુ ધર્મનું પ્રવર્તન કોઈ અવતાર કે મહાપુરુષે નથી કર્યું. હિન્દુ ધર્મને સનાતન ધર્મ કહ્યો છે. સનાતનનો અર્થ છે શાશ્વત, જે સદૈવ વિદ્યમાન છે. માનવજીવન સાથે જ આ ધર્મનો પ્રાદુર્ભાવ થયો છે. હિન્દુઓનો વિશ્વાસ છે કે, આ સૃષ્ટિ અનાદિ અનંત છે. તેથી સૃષ્ટિની સાથે રહેનારો આ સનાતન ધર્મ પણ અનાદિ અને અનંત છે. આ ધર્મ કાળનિરપેક્ષ છે. એટલે હિન્દુ ધર્મ ન તો પ્રાચીન છે કે ન તો અર્વાચીન. તે તો છે શાશ્વત, સનાતન.

હિન્દુ ધર્મનું એક નામ વૈદિક ધર્મ પણ છે. આ નામને કારણે કેટલાક લોકોની એવી ભ્રામક ધારણા થઈ છે કે વેદોના પ્રારંભકાળથી જ એટલે કે વેદો લિપિબદ્ધ થયા ત્યારથી હિન્દુ ધર્મનો પ્રારંભ થયો. એનું કારણ એ છે કે, આ લોકો એવું માને છે કે, સંસારના બીજા ધર્મગ્રંથોની જેમ વેદ પણ કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓ દ્વારા લખાયેલ ધર્મગ્રંથ છે જેમાં પેલી વ્યક્તિઓ દ્વારા સ્થાપિત ધર્મોના વિધિનિષેધ વગેરે નિયમોને લિપિબદ્ધ કરવામાં આવ્યા છે. સંક્ષેપમાં, વેદ કોઈ વિધિ નિષેધાત્મક ગ્રંથ નથી. તેમાં એ ઋષિઓના આધ્યાત્મિક અનુભવો તથા શાશ્વત સિદ્ધાંતોને લિપિબદ્ધ કરવામાં આવ્યા છે, જે તેમને આ સનાતન ધર્મના યથાવત્ આચરણથી ઉપલબ્ધ થયા હતા.

વેદ શબ્દ સંસ્કૃતના ‘विद’ ધાતુથી બનેલો છે. જેનો અર્થ થાય છે જાણવું. જે ગ્રંથોમાં જાણેલા અથવા અનુભવ કરેલા સત્ત્વનું વર્ણન છે તે વેદ કહેવામાં આવે છે. આ અર્થમાં વેદ સત્ત્વની ઉપલબ્ધિનું વિજ્ઞાન છે. અથવા બીજા શબ્દોમાં ઈશ્વરપ્રાપ્તિનું વિધાન છે. ભારતીય દર્શન તથા હિન્દુ ધર્મના મૂર્ધન્ય વિદ્વાન ડૉ. મહાદેવને લખ્યું છે, ‘વેદ એક સાર્થક નામ છે. જેનો અર્થ ઈશ્વરજ્ઞાન કે ઈશ્વરવિજ્ઞાન થાય છે.’

ઈશ્વર અનાદિ અને અનંત છે એટલે તેના સંબંધનું જ્ઞાન પણ અનાદિ અને અનંત છે – અર્થાત્ શાશ્વત અને સનાતન છે. હિન્દુ ધર્મ પણ આ જ શાશ્વત તત્ત્વો પર આધારિત હોવાને કારણે શાશ્વત અને સનાતન છે. આ ધર્મની પ્રાચીનતા સંબંધી પ્રાધ્યાપક રામદાસ ગૌડે પોતાના વિશાળ ગ્રંથ ‘હિન્દુત્વ’માં લખ્યું છે : “આ હિન્દુ ધર્મ, આ

હિન્દુ સંસ્કૃતિ એવા અત્યંત પ્રાચીન સમયમાં પેદા થઈ હતી કે, જ્યારે અન્ય ધર્મો અને સંસ્કૃતિનું ગર્ભાધાન પણ થયું ન હતું. જ્યારે કલ્પનાએ તેનું લાંબા અંતર સુધી સ્વપ્ન પણ જોયું ન હતું. આનો જ્યારે પૂર્ણ વિકાસ થઈ ગયો હતો તે સમયે પેલા બીજા ધર્મો અને સંસ્કૃતિઓ જે આજે સંસારમાં પ્રચલિત થઈને અતીત થઈ ગઈ છે, તેનો હજુ અરુણોદય થઈ રહ્યો હતો.’

આ તથ્યો એ સ્વયં પ્રમાણિત છે કે હિન્દુ ધર્મ શાશ્વત અને સનાતન છે.

હિન્દુ ધર્મ મસીહાવાદી નહીં, ઈશ્વરવાદી છે.

આપણા ધર્મના અવતારોની બાબતમાં હિન્દુઓને પણ અનેક વાર એવી ભ્રાંતિ થાય છે કે, અમારા અવતારો પણ સંસારના બીજા ધર્માવલંબીઓના મસીહા કે પયગંબરોની જેમ જ ઈશ્વરના પુત્રો કે સંદેશાવાહક છે. પરંતુ આપણે યાદ રાખવું જોઈએ કે, હિન્દુઓનો અવતારવાદ તથા ઈસાઈ, ઇસ્લામ, વગેરે ધર્મના મસીહાવાદ કે પયગંબરવાદમાં આકાશ-પાતાળનું અંતર છે. ઈસાઈ ધર્માનુસાર મહાત્મા ઈસુ ઈશ્વરનો અવતાર નથી. તેઓ તો ઈશ્વરના એક પુત્રમાત્ર છે, જેમને જગતના કલ્યાણ અર્થે ઈશ્વરે સંસારને આપેલ છે. ઈશ્વર પોતે સંસારમાં કદી આવ્યા નથી અને આવશે પણ નહીં. ઈશ્વરને આજ સુધી કોઈ વ્યક્તિ જાણી શકી નથી, જોઈ શકી નથી, તેમ જ ભવિષ્યમાં પણ ન તો કોઈ જાણી શકશે કે ન તો જોઈ શકશે. એટલે કે કોઈ વ્યક્તિ ઈશ્વર પાસેથી પ્રત્યક્ષ આદેશ ન મેળવી શકે. ઈશ્વરનો પ્રત્યક્ષ સંદેશ માનવને ઈશ્વરના પુત્ર દ્વારા જ પ્રાપ્ત થાય છે. પરંતુ તે પોતે ઈશ્વર નથી. એટલે આ ધર્મ પ્રમાણે પુત્રને મૂકીને સીધા ઈશ્વરની શોધ થઈ શકે નહીં. એટલે આ ધર્મના અનુયાયીઓનું એ કર્તવ્ય છે કે, તેઓ પ્રભુપુત્ર ઈસુના ઉપદેશોનું પાલન કરે તથા તેમના શરણે જાય. આ ઉપાય દ્વારા જ તેમને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ મળી શકે. તેના સિવાયનો બીજો કોઈ પણ માર્ગ આપણને મુક્તિ આપી શકે નહીં.

ઈસ્લામ અનુસાર મુહમ્મદ સાહેબ ઈશ્વરના સંદેશ-વાહક છે. તેમના અવતાર નહીં. ઈશ્વરનો પૈગામ લાવવાને કારણે જ તેઓ પયગંબર કહેવાય છે, અવતાર નહીં. ઇસ્લામમાં પણ ઈશ્વર સંબંધી સમસ્ત જ્ઞાન પયગંબર સાહેબ દ્વારા જ અપાય છે. તથા તે જ અંતિમ આધ્યાત્મિક સત્ય છે. તેના પર પણ કોઈ પ્રકારની ટીકા થઈ શકતી નથી. તેના આગળ કોઈ શોધ કે ગવેષણા થઈ શકતી નથી. ત્યાં પણ મુક્તિ માટે પયગંબર સાહેબે દેખાડેલા માર્ગે જ જવું પડે. તે સિવાયનો બીજો કોઈ રસ્તો વ્યક્તિને ધર્મરાજ્યમાં સફળતા પ્રદાન કરી શકતો નથી.

હિન્દુઓની અવતારવાદની ધારણા આ ધારણાઓ કરતા સર્વથા જુદી જ છે. હિન્દુઓનો પ્રત્યેક અવતાર ઈશ્વરનો જ પૂર્ણ કે અંશાવતાર છે. એટલે કે ઈશ્વર પોતે નામરૂપ ધારણ કરીને સંસારમાં પ્રગટ થાય છે. આપણા અવતારો ઈશ્વરના દૂત કે પુત્ર નથી. હિન્દુઓની ધારણા અનુસાર ઈશ્વર ધર્મની સ્થાપના અર્થે તથા અધર્મોના નાશ કરવા માટે અવતાર ધારણ કરીને આ પૃથ્વી પર આવે છે. ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને સ્પષ્ટ શબ્દોમાં ઘોષણા કરી છે. :

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ॥ (ગીતા : ૪/૭-૮)

‘હે ભારત! જ્યારે જ્યારે ધર્મનો ક્ષય અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પોતાના રૂપને પ્રગટ કરું છું. (એટલે કે અવતાર ધારણ કરું છું). સાધુ પુરુષોના ઉદ્ધાર માટે તથા દુષ્ટોનો વિનાશ કરીને ધર્મની સ્થાપના કરવા માટે હું યુગે યુગે જન્મ લઉં છું.’

આપણા દેશમાં વામનાદિ અવતારોથી માંડીને ભગવાન શ્રી રામચંદ્ર, શ્રીકૃષ્ણ, શ્રીચૈતન્ય મહાપ્રભુ તથા આપણા યુગમાં શ્રીરામકૃષ્ણ  પરમહંસ સુધી અવતારોની દીર્ઘ શૃંખલા ચાલી આવી છે. હિન્દુઓનો કોઈ અવતાર પહેલો કે છેલ્લો નથી. આપણા અવતારોનું આવવાનું પ્રયોજન એ છે કે ધર્મમાર્ગથી ચલિત માનવને ફરીથી એ માર્ગ પર ચડાવવો. જ્યારે જ્યારે સંસારમાં અધર્મ, અનૈતિક્તા, નાસ્તિક્તા, વગેરે દોષોનો પ્રભાવ ઘણો વધી જાય છે ત્યારે ત્યારે ભગવાન યુગના પ્રયોજન અનુસાર અવતાર ધારણ કરીને સંસારનો ઉધ્ધાર કરે છે. હિન્દુ ધારણા અનુસાર અવતારોના આગમનનું એક પ્રયોજન એ પણ હોય છે કે, આધ્યાત્મિક સિદ્ધાંતોનું પોતાના જીવનમાં આચરણ કરીને તેની વ્યાવહારિક્તાને પ્રમાણિત કરવી. આપણા વેદો, ઉપનિષદો, વગેરેમાં જે આધ્યાત્મિક સત્યો તથા અનુભૂતિઓનું વર્ણન છે તે બધાં તત્ત્વો આપણા અવતારોના જીવનમાં વિભિન્ન રૂપે પ્રગટ થયેલાં છે. એ જ કારણે સ્મૃતિ, પુરાણ, વગેરેમાં જો ક્યાંય શ્રુતિ વિરુદ્ધ કોઈ વાત કહેવામાં આવી હોય તો તેનો હિન્દુ સાહસપૂર્વક અસ્વીકાર કરે છે.

હિન્દુઓના અવતાર સર્વથા માનવીય પહોંચની સીમામાં જ હોય છે. જ્યારે જ્યારે ભગવાનનો અવતાર થયો છે ત્યારે તે હંમેશાં પોતાના ભક્તોની સાથે રહ્યા છે, તેમની સાથે વ્યવહાર કર્યો છે, તેમની સાથે સંબંધો રાખ્યા છે તથા તેમને ધર્મજીવન તરફ પ્રેરિત કર્યા છે. મનુષ્યની સૌથી નજદીક જો કોઈ હોય તો તે ઈશ્વર જ છે. એટલે ઈશ્વરના અવતાર પણ આપણી એકદમ નજદીક પોતાના જ છે. વ્યક્તિ પોતાની રુચિ અનુસાર કોઈ પણ અવતારનો સ્વીકાર કરીને, તેમણે બતાવેલ માર્ગનું અનુસરણ કરી, સત્યની પ્રાપ્તિ કરી શકે છે. આપણો અવતારવાદ ઉદાત્ત, વિશાળ અને સર્વગ્રાહી છે. તેમાં બધા પંથો, મતો અને માન્યતાઓ માટે સ્થાન છે. (ક્રમશ:)

ભાષાંતરકાર : શ્રીમતી પુષ્પાબહેન પંડ્યા

Total Views: 194

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.