શ્રીરામ અને શ્રીરામકૃષ્ણ

યુગના પ્રયોજન અનુસાર ઈશ્વર અવતાર ગ્રહણ કરે છે. શ્રીરામ ત્રેતાયુગમાં આવે છે – રાવણ, કુંભકર્ણ આદિ દૈત્યોનો વિનાશ કરવા માટે. આથી તેઓ ક્ષત્રિય વંશમાં રાજા રૂપમાં આવે છે. શ્રીરામકૃષ્ણ આવે છે જડવાદિતારૂપી રાક્ષસ અને સંશયરાક્ષસનો વધ કરવા, ત્યાગનો આદર્શ દેખાડવા માટે. આથી તેઓ શુદ્ધ સત્ત્વગુણનું ઐશ્વર્ય લઈને આવે છે એક ગરીબ બ્રાહ્મણની ઝૂંપડીમાં એટલે સ્વાભાવિક છે કે, બંને અવતારોમાં ઘણું પાર્થક્ય હોય. આમ છતાંય બંને ચરિત્રોમાં કેટલીક બાબતોમાં અદ્ભુત સામ્ય દેખાય છે.

શ્રીરામકૃષ્ણના કુળદેવતા શ્રીરામ હતા. સમસ્ત પરિવાર શ્રીરામનો ભક્ત હતો અને આથી ઘણાંનાં નામ પણ ‘રામ’ સાથે સંકળાયેલાં હતાં. પિતાનું નામ હતું ખુદીરામ, પિતામહનું નામ હતું માણિકરામ, પિતાના ભાઈઓનાં નામ હતાં નિધિરામ અને કાનાઈરામ અને પિતાની બહેનનું નામ હતું રામશીલા. તેમના પોતાના ભાઈઓનાં નામ હતાં રામકુમાર અને રામેશ્વર. ભાણેજનાં નામ હતાં – રામરતન, રાજારામ, રાઘવ અને હૃદયરામ. ભત્રીજાઓનાં નામ હતાં રામલાલ અને શિવરામ, બીજા સંબંધીઓનાં નામ હતાં – રામચંદ્ર(બંદોપાધ્યાય), રામતારક (હલધારી), વગેરે. તેમના શ્વશુરનું નામ રામચંદ્ર હતું અને તેમના કુળદેવતા પણ રામ હતા. શ્રીરામકૃષ્ણના પ્રમુખ ભક્તોનાં નામ હતાં બલરામ બોઝ અને રામચંદ્ર દત્ત. શ્રીરામકૃષ્ણના બાળપણના મિત્રનું નામ શ્રીરામમલ્લિક હતું.

શ્રીરામ વાનરોના મિત્ર હતા. શ્રીરામકૃષ્ણ બાળપણમાં ગદાધર અથવા ‘ગદાઈ’ના લાડકવાયા નામથી ઓળખાતા. રામાયણ કથા સાંભળવામાં અને કહેવામાં ગદાઈ કુશળ હતો. નાટકોમાં અભિનય કરવાનો તો તેને ખૂબ શોખ હતો. બાળપણમાં વાનરો સાથે ગદાઈ રમતો. એક વાર માતા સાથે મામાને ગામ માયાપુર જતી વખતે વાનરોના ટોળાને જોઈ ગદાઈ ગેલમાં આવી ગયો અને વાનરો સાથે રમવા માંડ્યો. વાનરો પણ આનંદથી તેની સાથે રમવા માંડ્યા. શું વાનરોએ પોતાના શ્રીરામને તેનામાં જોયા હશે!

શ્રીરામકૃષ્ણની હનુમાન ભાવે દાસ્યભક્તિની સાધના

જગન્માતા કાળીનાં દર્શન પછી શ્રીરામકૃષ્ણનું ચિત્ત પોતાના કુળદેવતા શ્રી રઘુવીર તરફ ખેંચાયું. હનુમાનના જેવી અનન્ય ભક્તિ વડે શ્રીરામનાં દર્શનનો લાભ સંભવિત છે, એમ સમજીને તેઓ પોતાનામાં હનુમાનના ભાવનું આરોપણ કરી દાસ્યભક્તિની સાધનામાં પ્રવૃત્ત થયા. આ સમયે તેમની કેવી અવસ્થા થઈ હતી તેનું વર્ણન કરતાં શ્રીરામકૃષ્ણ કહેતા : “એ સમયે આહાર-વિહાર વગેરે તમામ કાર્યો હનુમાનની માફક કરવાં પડતાં. ઇચ્છા કરીને હું એ પ્રમાણે કરતો એમ નહિ, પણ એની મેળે જ એમ થઈ જતું. પહેરવાનાં કપડાને પૂંછડીના જેવું બનાવીને કમરે બાંધતો, ઠેકડા મારતો મારતો ચાલતો, ફળમૂળાદિ સિવાય બીજું કાંઈ ખાતો નહિ. તેની વળી છાલ કાઢી નાખીને ખાવા જેવી પ્રવૃત્તિ બનતી નહિ. ઝાડની ઉપર જ ઘણો વખત નિર્ગમન કરતો અને નિરંતર ‘રઘુવીર, રઘુવીર’ એમ બોલીને ગંભીર સ્વરે બૂમ પાડતો. તે વખતે બંને આંખોમાં ચંચળતા આવી હતી અને આશ્ચર્યની વાત તો એ કે, મારી કરોડનો છેવટનો ભાગ એક ઈંચ વધી ગયો હતો.” થોડાં વર્ષો પછી એ ભાગ પૂર્વવત થઈ ગયો હતો.

સીતાજીનાં દર્શન

દાસ્ય-ભક્તિની સાધના કરતી વખતે શ્રીરામકૃષ્ણને એક વાર સીતાજીનાં અદભુત દર્શન થયાં હતાં. આ દર્શનનું વર્ણન કરતી વખતે શ્રીરામકૃષ્ણે કહ્યું હતું, “એ વખતે પંચવટી નીચે (કલકત્તાના દક્ષિણેશ્વર મંદિરમાં) એક દિવસ બેઠો હતો. કાંઈ ધ્યાન ચિંતન કરતો હતો તેમ ન હતું, સહેજ બેઠો હતો. એ સમયે અનુ૫મ જ્યોતિવાળી એક સ્ત્રીમૂર્તિ નજીકમાં આવિર્ભુત થઈ અને તે જગ્યાને પ્રકાશમાન કરી દીધી તે વખતે તે મૂર્તિને જ હું દેખતો હતો એમ નહિ, પણ પંચવટીનાં ઝાડપાલા, ગંગા ઈત્યાદિ સકલ પદાર્થોને પણ દેખી શક્તો હતો. મેં જોયું કે, મૂર્તિ માનવની છે. કારણ કે દેવીઓની માફક તેને ત્રણ આંખો હતી નહિ. પરંતુ પ્રેમ-દુ:ખ-કરુણા-સહિષ્ણુતાપૂર્ણ તેમના મુખના જેવો અપૂર્વ ઓજસ્વી ગંભીર ભાવ સાધારણ રીતે દેવીની મૂર્તિઓમાં પણ જોવામાં આવતો નથી. પ્રસન્ન દૃષ્ટિપાતથી મોહિત કરીને એ દેવી-માનવી ધીરમંદપદે ઉત્તર દિશામાંથી દક્ષિણમાં મારા તરફ આવવા લાગ્યાં. ચકિત થઈને મેં વિચારવા માંડ્યું કે, કોણ આ? એ સમયે એક વાંદરો ક્યાંકથી એકાએક ‘હૂપ’ શબ્દ કરીને આવી તેમના પગની આગળ આળોટી પડ્યો અને અંદરથી મન બોલી ઊઠ્યું – ‘સીતા! જનમદુઃખિની સીતા! જનકરાજનંદિની સીતા! રામમયજિવિતા સીતા!’ ત્યારે ‘મા’ ‘મા!’ બોલીને અધીરો બનીને તેમના પગ આગળ પડી જાઉં છું, ત્યાં તે (પોતાનું શરીર બતાવીને) આની અંદર દાખલ થયાં. આનંદ વિસ્મયથી પરવશ થઈ, બેભાન બની પડી ગયો.”

આ દર્શન વખતે શ્રીરામકૃષ્ણે સીતાજીના હાથમાં ડાયમંડ કટવાળી બંગડીઓ જોઈ હતી, ઠીક તેવી જ બંગડીઓ તેમણે મા શારદાદેવી માટે કરાવીને રમૂજમાં કહ્યું : “મારી સાથે તેનો આવો જ સંબંધ છે.” બ્રહ્મ અને શક્તિ અભિન્ન છે. શ્રીરામ સાથે સીતાનું અને શ્રીકૃષ્ણ સાથે રાધાનું આગમન થાય છે, તેમ શ્રીરામકૃષ્ણ સાથે મા શારદાનું આગમન થાય છે. રામેશ્વરના શિવલિંગની પૂજા કરતી વખતે મા શારદાથી બોલાઈ ગયું હતું : “જેમ રાખી ગઈ હતી તેમ જ છે.” સીતાજી અને મા શારદાની વચ્ચેની સમાનતાની ચર્ચા આપણે “સીતાસ્વરૂપિણી મા શારદા” નામના લેખમાં વિસ્તારથી કરેલ જ છે.

શ્રીરામકૃષ્ણની વાત્સલ્યભાવે સાધના

દાસ્યભાવે શ્રીરામની ઉપાસના કરી તેનાં ઘણાં વર્ષો પહેલાં શ્રીરામકૃષ્ણે કુળદેવતા રઘુવીરની પૂજા અને સેવા કરવા માટે રામમંત્રની દીક્ષા લીધી હતી અને શાંતભાવે શ્રીરામની ઉપાસના કરી હતી. એક વાર દક્ષિણેશ્વરમાં જટાધારી નામના એક રામાયતી સાધુનું આગમન થયું ત્યારે તેમને વાત્સલ્ય ભાવે સાધના કરવાનું મન થયું. જટાધારીએ તેમનો આગ્રહ જાણીને તેમને ઘણા આનંદથી પોતાના ઇષ્ટમંત્રની દીક્ષા આપી. શ્રીરામકૃષ્ણ એ મંત્ર સહાયે થોડા દિવસની અંદર જ શ્રીરામચંદ્રની બાળમૂર્તિનાં દર્શન નિરંતર કરવાને સમર્થ થયા હતા અને તેમને પ્રત્યક્ષ થયું હતું કે,

જે રામ દશરથકા બેટા,
વહી રામ ઘટઘટમેં લેટા ।
વહી રામજગત પસેરા,
વહી રામ સબસે ન્યારા ॥

જટાધારી ‘રામલાલા’ નામની બાળમૂર્તિની વર્ષોથી નિષ્ઠા સહિત સેવા કરતા હતા. શ્રીરામકૃષ્ણ આ મૂર્તિને જીવતી-જાગતી નિહાળતા, તેની સાથે રમતા, વાતચીત કરતા. આ મૂર્તિ વિષે શ્રીરામકૃષ્ણ એવી અદ્ભુત વાતો કહેતા કે, આધુનિક માનવને મનમાં શંકા જાગે કે, શું ખરેખર આવું બની શકે? શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગના લેખક, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રથમ જનરલ સેક્રેટરી અને શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્ય સ્વામી શારદાનંદજી પણ આધુનિક માનસવાળા, વિજ્ઞાનના વિદ્યાર્થી હતા. તેમણે પોતે બધી વાતો ચકાસીને પછી જ આ ગ્રંથમાં લખી છે. તેમણે જ્યારે આ વાતો શ્રીરામકૃષ્ણ પાસેથી સાંભળી ત્યારે તેમને પણ અચરજ થયું. પણ શું થાય? સત્યનિષ્ઠ શ્રીરામકૃષ્ણના સ્વમુખે સાંભળ્યા પછી આ વાતો કેવી રીતે નકારી શકાય? સ્વામી શારદાનંદજી અને અન્ય શિષ્યોને રામલાલા વિષે શ્રીરામકૃષ્ણ કહેતા :

“જેમ જેમ દિવસો જવા લાગ્યા તેમતેમ મારા ઉપર રામલાલાની પ્રીત પણ વધતી ચાલી. (હું) જેટલી વાર બાબાજીની સમીપ હોઉં તેટલી વાર લગી તે ત્યાં મજાનો રહે અને રમ્યા-કૂદ્યા કરે, અને જેવું (હું) ત્યાંથી ઊઠીને મારે ઓરડે ચાલી આવું તેની ભેગો તેય (મારી) સાથે ને સાથે આવી જાય. હું ઘણીયે વાર ના પાડું પણ સાધુની પાસે રહે નહિ! શરૂશરૂમાં તો મેં મનમાં વિચાર્યું કે, મગજની ભ્રમણાને લીધે આવું બધું દેખાય છે, નહિ તો બાબાજીના આટલા લાંબા વખતના સેવિત ઠાકોરજી, જેને એ આટલો બધો પ્યાર કરે છે, ભાવભક્તિથી દિલ રેડીને સેવા કરે છે, એ ઠાકોરજી એમના (સાધુના) કરતાં મને વધારે ચાહે એવું તો વળી બની શકે? પણ એવા બધા વિચાર કરવાનો અર્થ જ શો હતો? જોતો, સાચેસાચ જોતો, આ જેમ તમને બધાને જોઉં છું એવી રીતે જોતો કે રામલાલા મારી જોડે ને જોડે ઘડીકમાં અગાડી તો ઘડીમાં પછવાડે નાચતો-ચાલતો આવે છે. ક્યારેક વળી કેડે ચડવાની હઠ કરે છે તો ક્યારેક વળી કેડે તેડેલો હોઈ કેમેય કરીને રહે નહિ અને નીચે ઊતરીને તડકામાં દોડાદોડી કરવા માંડે, કાંટાળી ઝાડીમાં ઘૂસીને ફૂલ તોડે કે ગંગાજીના પાણીમાં ધુબાકા મારવા જાય! કેટલોયે વારું કે, ‘અરે, એમ ના કર, તાપમાં પગે ફોલ્લા ઊઠશે! આટલી બધી વાર લગી પાણી ડખોળ્યા કર નહિ, ઠંડી લાગીને શરદી થઈ જશે, તાવ આવશે’ – પણ તે સાંભળે કોણ? જાણે કે, કોંક ત્રીજાને જ કહેતા હોઈએ! કાં તો પેલાં એનાં પદ્મપલાશ જેવાં નેત્રો વડે મારા ભણી જોઈને મીઠું-મીઠું મરક્તો જાય અને હજીયે વધારે ઉધામા મચાવતો જાય. અથવા તો બેઉ હોઠ ફુલાવીને મોઢું મરડીને ચાવળિયાં પાડે! ત્યારે પછી ખરેખર ગુસ્સામાં આવીને હું કહેતો, ‘એમ કે, પાજી! આજે મારી મારીને તારાં હાડકાં ખોખરાં કરી નાખ્યું!’ અને તડકામાંથી કે પાણીમાંથી જબરદસ્તીથી ખેંચીને લઈ આવતો અને આ કે પેલી ચીજ દઈને ભુલાવીને ઓરડામાં રમવા કહેતો અને કોઈ વાર વળી કેમે કર્યે એનાં મસ્તી-તોફાન અટકતાં નથી તેમ જોઈને ધોલધપાટ પણ ચોડી દેતો. માર પડે એટલે એના સુંદર બે હોઠ ફુલાવીને આંસુ ભરેલી આંખે એવું તો મારી સામે જોતો કે પછી મારો જીવ બળી જતો, અને ખોળામાં ઊચકીને લઈને કંઈ કેટલાંયે લાડ-ચાગ કરીને એનાં મનામણાં કરતો! આવું બધું હું સાચેસાચ દેખતો અને કરતો!”

“એક દિવસ હું નહાવા જતો હતો અને એણે જોડે આવવાનું વેન લીધું શું કરું, લઈ ગયો જોડે. પણ પછી કેમે કર્યો પાણીની બહાર પાછો નીકળે જ નહિ, ગમે તેટલું કહું પણ કંઈ કરતાં કંઈ સાંભળે નહિ. છેવટે ચિડાઈ જઈને પાણીમાં ડૂબકું ખવરાવીને દબાવી રાખીને મે કહ્યું, ‘લે ત્યારે, ડહોળ્યા કર જેટલું પાણી ડહોળવું હોય તેટલું.’ અને સાચેસાચ દીઠું કે પાણીની અંદર ગૂંગળાઈ જઈને એ તરફડવા માંડ્યો! ત્યારે પાછું એની હેરાનગતિ જોઈને ‘આ શું કર્યું મેં?’ એમ બોલતાં-બોલતાં એને તેડી લીધો અને પાણીની બહાર લઈ આવ્યો!”

“વળી બીજે એક દહાડે એને માટે મારા મનમાં કેટલું તો દુ:ખ થયેલું, હું રડેલો તેની તો વાત થાય તેમ નથી. તે દિવસે રામલાલા હઠે ચડેલો છે, એમ જોઈને ભુલાવવા માટે મેં એને ધાણી ખાવાને આપી. એમાં ડાંગરના બેચાર દાણા રહી ગયેલા. થોડી વાર પછી જોઉ તો એ ધાણી ખાતાં ખાતાં ડાંગરનાં ફોતરાં વાગીને એની સુંવાળી જીભમાં ચીરો પડેલો છે! એવું તો મને મનમાં દુ:ખ લાગ્યું, એને ખોળામાં ઊચકીને લઈને મોટે મોટેથી હું રડવા માંડ્યો અને એનું નાનકડું મોઢું બે હાથમાં લઈને બોલવા લાગ્યો, ‘જે મુખમાં માતા કૌશલ્યા. ક્યાંક એને લાગી ના જાય એમ વિચારીને ખીર, મલાઈ, માખણ પણ અતિ સંભાળથી ખવડાવતાં, તે મુખમાં મને અભાગિયાને આવું હલકું ધાન ખાવા દેતાં જરાયે મનમાં ખટકો થયો નહિ!” સ્વામી શારદાનંદજી લખે છે કે, “વાત કરતાં કરતાં ફરી વાર શ્રીરામકૃષ્ણના મનમાં પહેલાંનો સંતાપ ખળભળી ઊઠ્યો અને ધીરજ ખોઈ બેસી તેઓ અમારી સામે એવું તો વ્યાકુળ રુદન કરવા લાગ્યા કે, રામલાલા સાથેના એમના પ્રેમસંબંધની વાતોનો કાનોમાત્રાયે સમજમાં નહિ આવેલો, છતાંયે અમારી આંખોમાં પાણી ભરાઈ આવ્યા!” (ક્રમશ:)

Total Views: 292

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.