મહારાજ યુધિષ્ઠિર હસ્તિનાપુરની ગાદીએ બિરાજતા હતા. જ્ઞાની અને દાની તરીકે એમની ઘણી મોટી નામના.

એક દિવસ બારણે યાચક આવ્યો. એણે મહારાજ યુધિષ્ઠિર પાસે યાચના કરી.

યુધિષ્ઠિર રાજાને એની યાચના યોગ્ય જણાઈ. મનમાં એને દાન આપવાની ઈચ્છા પણ થઈ. કિંતુ સહેજ આળસમાં કહી દીધું,

‘ભાઈ, કાલે આવજેને! કાલે તને જરૂર આપીશ.’

બાજુમાં બેઠેલો ભીમ વિચારમાં પડી ગયો. યાચક ખાલી હાથે પાછો ફરી ગયો. મનોમન ભીમ વિચારે કે, મોટાભાઈએ આવું કહ્યું શા માટે? શું દાનનો મહિમા તેઓ વીસરી ગયા?

ભીમ ભારે ઊંડા વિચારમાં ડૂબી ગયો. એને થયું કે, જો હું આ વિશે મોટાભાઈને કંઈ કહું તો કદાચ અવિનય લેખાશે. આમ છતાં મોટાભાઈની ભૂલ તો મારે સુધારવી જ જોઈએ, નહિ તો એમના દાનીપણાને કલંક લાગે.

એકાએક ભીમના મનમાં એક વિચાર ઝબક્યો.

જોશભેર દોટ લગાવીને ચોગાનમાં પહોંચી ગયો. ચોગાનમાં પડેલા નગારાને ખુબ જોરથી વગાડવા લાગ્યો.

ધર્મરાજ યુધિષ્ઠિરે નગારાનો સાદ સાંભળ્યો. તેઓ તો નવાઈ પામી ગયા. એમણે કહ્યું,

‘અરે! અત્યારે આવા સમયે વળી કોણ નગારું વગાડી રહ્યું છે?’

સેવકોએ તપાસ કરી, ખબર લાવ્યા કે, આ તો ખુદ એમનો નાનો ભાઈ ભીમ નગારું વગાડે છે. મહારાજ યુધિષ્ઠિરે ભીમને બોલાવ્યો અને પૂછ્યું,

“અરે ભીમ, તું નગારું વગાડતો હતો? શા માટે?”

“મોટાભાઈ, તમે કાળને જીતી લીધો, સમયને બાંધી લીધો. એના આનંદના ઉત્સાહમાં હું નગારું વગાડતો હતો.” ભીમે જવાબ આપ્યો.

મહારાજ યુધિષ્ઠિર તરત જ ભીમસેનની વાત સમજી ગયા. એમણે રાજસેવકોને આજ્ઞા કરી.

‘જાઓ! જલદી જાઓ! ઠેર ઠેર ઘૂમી વળો! પેલા યાચકને હમણાં જ બોલાવી લાવો.’

ચોમેર માણસો દોડી ગયા. થોડા જ સમયમાં ને લઈને આવી ગયાં. ધર્મરાજાએ યાચકને કહ્યું, “મેં તને કાલનો વાયદો કર્યો હતો, એ મારી ભૂલ હતી. મારે જે કામ કરવાનું છે તે આજે જ કરવું જોઈએ. વાયદાનો વેપાર આમાં ન ચાલે.”

આમ કહી યુધિષ્ઠિરે યાચકને દાન આપીને સંતુષ્ટ કર્યો.

આ પ્રસંગનો મર્મ એ છે કે, વાયદાનો વેપાર જ વ્યક્તિના જીવનને વણસાવી નાખે છે. કાલ પર રાખનારનું કામ કોઈ દિવસ કે કદીય થતું જ નથી. એ સદા આવતી કાલની આશામાં જ લપેટાતું રહે છે, અને આધું ઠેલાતું રહે છે.

બસ, આજે ખૂબ કમાણી કરી લઉં, અને આવતી કાલે ધર્મની ઉપાસના કરીશ એમ વિચારનાર અંતે તો રોજ કમાવાની નવી-નવી ઘેલછામાં સપડાતો જતો હોય છે. ધર્મ તો એને છેક મૃત્યુનો ધક્કો લાગવાનો હોય ત્યારે જ એકાએક ચોંકી જઈને યાદ આવે છે.

એક સંતે કહ્યું છે :

કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ।
પલ મેં પરલૈ હોયગી, બહુરી કરૈગો કબ॥

કદી કોઈ સંતે એમ કહ્યું નથી કે, “કાલે હું મારા પરમાત્માની પૂજા કરીશ.” સંતોએ તો સદા ઉપાસના કરી અને કાલની બધી ચિંતા ઈશ્વરને જ સોંપી દીધી. આજ ભગવાનને માટે અને ભવિષ્ય ભગવાનને માથે એ એમની જીવનરીતિ હતી.

પરમાત્માને પામવાની ઝંખના રાખનારે કાલની રાહ જોવાની ન હોય. જે થશે તે તો આજે જ થશે. આવતી કાલ તો ઝાંઝવાંનાં જળ જેવી છે, જે તમને રોજેરોજ કાલને માટે દોડાવ્યા કરશે ને આખરે ભારે તરસ્યાને પાણીનું ટીપું પણ હાથ નહિ આવે!

Total Views: 168

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.