શ્રીરામકૃષ્ણ જ્યોત સાચા અર્થમાં જીવનને ઉર્ધ્વગામી બનાવવામાં મહત્ત્વનો ફાળો આપે છે. મારો તો વ્યક્તિગત અનુભવ થયો છે કે, શ્રીરામકૃષ્ણદેવ સૂક્ષ્મ રીતે ડગલે અને પગલે આ માસિક દ્વારા દોરવણી આપે છે. ૧૯૯૦ના વર્ષમાં આ માસિકના હું ૩૦ ગ્રાહકો બનાવવા માગું છું અને તે મુજબનો મારો સંલ્પ આપની સમક્ષ રજૂ કરું છું. આશિષ માટે પ્રાર્થના.

હસમુખલાલ સી. શાહ, એડવોકેટ, હિંમતનગર

સુંદર કાગળો ઉપર, ઉત્તમ પ્રકારના છપાઈકામવાળું આપનું માસિક, ટપાલમાં આવતા ‘મહેમાનો’ માંહેનું એક આવકારદાયક પાત્ર પુરવાર થયું છે… .

આટલું નિવેદન પછી, આ લેખકના મત પ્રમાણે, જે ક્ષતિ જોવામાં આવી છે તેને દૂર કરવા બાબત સૂચન કરવામાં આવે તો તે અસ્થાને નહીં ગણાય. શ્રીરામકૃષ્ણ-પરમહંસ, સ્વામી વિવેકાનંદ સાહિત્યના અભ્યાસીઓને પણ તેમના ઉપદેશો ફરી વાંચવા તો જરૂર ગમે પણ સાથે સાથે આ માસિકનો મોટો ભાગ તેનાથી જ ભરાયો હોય તો ‘આમાં નવું શું છે?’ તેવી લાગણી તેનામાં જન્મે તેવો સંભવ છે. એટલે નમ્ર નિવેદન એવું છે કે, આ મહાત્માઓના ઉપદેશોનાં પુનઃમુદ્રણ અને નવાં લખાણ વચ્ચે પ્રમાણ જળવાઈ રહે તેવી વ્યવસ્થા થાય તો ઠીક રહેશે.

દેવીપ્રસાદ મ.સ્વાદિયા, રાજકોટ

– મારા પ્રતિભાવો નીચે પ્રમાણે છે.

૧) ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ માસિક જે આડંબરી ભાષામાં નથી. તેમ જ સરળ ભાષામાં હોવાથી વાચકને રૂચિ રહે છે.

૨) બહુ તત્ત્વજ્ઞાનની મોટી-મોટી વાતો કરીને વાચક દ્વિધામાં પડતો નથી, તે સારી બાબત છે.

સૂચનો

૧) પ્રશ્નોતરી વિભાગ જો શરૂ કરવામાં આવે તો મનમાં મૂંઝવતા કેટલાક પ્રશ્નો રજૂ કરીને આપની પાસેથી માર્ગદર્શન મેળવી શકાય અને કેટલાંક અન્ય સ્થળોથી, વાંચેલી વાતોનું નિરાકરણ થઈ શકે.

૨) ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં ગતાંકથી કે અપૂર્ણ આવે છે. જેથી વાંચકોને સંતોષ થતો નહીં હોય. કારણ કે કાં અગાઉના અંકો મેળવીને વાંચવા જોઈએ અને પછીના અંકો ખરીદવા જોઈએ તો જેની લાઈફ ટ્રાવેલિંગની હોય તે શું વાંચે? અગાઉના અંક ન મળે એટલે તે વિભાગ પણ જતો કરવો પડે. માટે તેવું ન બને તો સારું તેમ ઇચ્છું છું.

૩) અમૃતવાણી દરેક અંકોએ લખાય તો સારું, જેમાં નવીનતા હોવી જોઈએ.

નટવરલાલ ઉ. ભટ્ટ, નેસડી

હું “શ્રીરામકૃષ્ણ જ્યોત” નિયમિત વાંચું છું. ખરેખર, સૂચનો કરવાની મારી કોઈ યોગ્યતા નથી, છતાં મારા અલ્પ અને સંકુચિત માનસ દ્વારા જે કંઈ વિચારો – શ્રીરામકૃષ્ણ જ્યોત વાંચ્યા પછી આવ્યા તે રજૂ કરું છું.

ભાષા સરળ, સાદી અને લોકભોગ્ય હોવી જોઈએ. પૂ. સ્વામીજીની ભાષા ઉચ્ચ સાહિત્ય પ્રકારની છે, જેને ગ્રામ પ્રજા સમજી શકે નહીં તો પૂ. સ્વામીજીના પ્રવચનનાં ભાષાંતર હળવી, સરળ અને સાદી ભાષામાં થાય તે જરૂરી છે.

શ્રીઠાકુર, શ્રીશ્રી માતાજી તથા શ્રી સ્વામીજીના જીવનચરિત્રને ધારાવાહિક રૂપે જન્મથી માંડીને અંત સુધી રજૂ કરવાની જરૂર છે, જેથી લોકો આ ત્રણ મહાન આત્માઓને ઓળખી શકે.

શ્રીઠાકુરના ‘કથામૃત’માંથી સત્સંગ વાર્તાલાપ પણ નિયમિતપણે ધારાવાહિક રીતે રજૂ કરી શકાય, તે પણ જરૂરી લાગે છે.

– આધ્યાત્મિક તેમ જ જ્ઞાનથી પ્રચુર માહિતી પણ સરળ ભાષામાં પિરસાય તો ગ્રામ પ્રજાનું આકર્ષણ આપણે મેગેઝીન બની શકે.

– ‘શ્રીરામકૃણ જ્યોત’માં દુનિયાના મહાન સંતો-મહંતોનાં જીવનચરિત્રો અને ઉપદેશોનો પણ એક વિભાગ શરૂ કરી શકાય.

– સપ્ટેમ્બર ‘૮૯ના અંકમાં ‘શ્રીશ્રી માનાં સંસ્મરણો’નો વિભાગ શરૂ કર્યો છે; જે ખૂબ સુંદર અને આવકાર્ય છે. ખૂબ ભાવવાહી રીતે રજૂઆત થઈ છે. તે જ રીતે, શ્રીઠાકુર તથા શ્રી સ્વામીજીના પ્રસંગોને પણ અન્ય સંતો-ભક્તોના અનુભવો ટાંકી રજૂ કરી શકાય.

– શ્રીઠાકુરના સોળ અનન્ય સંન્યાસીઓનાં પણ જીવનચરિત્ર અને પરિચય આપવો જરૂરી છે.

– સર્વધર્મ સમન્વયને લગતા શ્રીઠાકુર અને શ્રી સ્વામીજીના વિચારો રજૂ કરનો એક ભાગ પણ રજૂ કરી શકાય, જેનું ટાઈટલ ‘जतो मत ततो पथ’ અથવા ‘સર્વધર્મ સમાનત્વમ્‌’ આપી શકાય.

નટુભાઈ ડી. પટેલ, વલ્લભ વિદ્યાનગર

Total Views: 193

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.