સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગલોરના અધ્યક્ષ છે.

આઝાદી પછી આપણા દેશે અદ્ભુત પ્રગતિ કરી છે. બોલપેનથી માંડી ઉપગ્રહ સુધીની નાનીમોટી વસ્તુઓ આપણે આપણા જ દેશમાં બનાવીએ છીએ. શું આ પ્રગતિનું લક્ષણ નથી? હા, એ પ્રગતિનું લક્ષણ જરૂર છે; પણ પ્રગતિનું માત્ર એક જ લક્ષણ છે, એક જ પાસું છે.

પ્રગતિનું એક બીજું પાસું જોઈએ. નવું જ બનાવેલું મકાન એકાએક ધસી પડે છે અને અનેક મજૂરો તેની નીચે દબાઈને મરી જાય છે. પરમ દિવસે પૂરો થયેલો બંધ વરસાદના ભયંકર પ્રવાહથી ધોવાઈ જાય છે અને આસપાસનાં બધાં ગામ નાશ પામે છે. જીવલેણ રોગથી પીડાતા દરદીઓને પણ દવાખાનામાં જગ્યા મળતી નથી અને કદાચ મળે તો ત્યાંની અદ્ભુત ચિકિત્સાના પરિણામે રોગી યમરાજનું પ્રત્યક્ષ દર્શન પામી શકે છે. દુકાનના તેલમાં તળેલાં ભજિયાં ખાવાથી લોકોને પાર્શ્વવાયુની બીમારી લાગુ પડે છે. આતંકવાદીઓથી ત્રસ્ત કોઈ વ્યક્તિ પોલીસની પાસે જઈ ફરિયાદ કરે તો ફરિયાદીનો દંડ થાય છે. ન્યાય કરવા યોજાયેલ વ્યક્તિઓ “દક્ષિણા” આપનારને જ ન્યાય આપે છે. વિદ્યામંદિર જેને સરસ્વતી મંદિર કહેવામાં આવે છે, તેમાં પ્રવેશ ગુણ (માર્ક), પરીક્ષામાં ઉત્તીર્ણતા અને ઉત્તમ શ્રેણી પ્રાય: લક્ષ્મીના કૃપાકટાક્ષથી પ્રાપ્ત થાય છે. દેવમંદિરોમાં પણ મોટી ભેટ આપનારને ભગવાન તરત દર્શન આપે છે.

આ પણ પ્રગતિનાં જ લક્ષણને! અથવા ‘પ્ર-ગતિ’ પરમેશ્વર જ આપણી ગતિ છે?

આમ કેમ બને છે? “સિમેન્ટમાં રેતીનું, તેલમાં ઝેરનું, આમાં તેનું અને તેમાં આનું મિશ્રણ થઈ જાય છે એટલે…” એમ પરંપરાવશ થઈને કહેવાય છે. પણ સિમેન્ટમાં રેતીનું મિશ્રણ શા માટે? તેલમાં ઝેરનું મિશ્રણ શા માટે? આનું મૂળ ક્યાં છે? સૌ પ્રથમ તો આપણામાં લોભનું મિશ્રણ થઈ ગયું છે. એટલે જ આ બધું બને છે ને? મૂળ કારણ જાણીને મૂળમાંથી જ તેનો નિકાલ ન કરીએ તો. માત્ર ઉપરછલ્લા પ્રયાસથી સમસ્યા દૂર કરવાનો પ્રયત્ન કરીએ તો આ બધી અટકશે નહીં. અગ્નિમાં હાથ નાખીએ અને દાઝીએ નહીં એમ વિચારવું એ અવિવેકની પરિસીમા નથી?

માટે જ સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, “પહેલાં જાતે આદર્શ બનો, તે પછી બીજાને આદર્શ બનવાનું કહો.” શિક્ષકો અને રક્ષકોનો પાયો અસ્થિર હોય તો તે સમાજનું શિક્ષણ રક્ષણ કઈ રીતે કરશે? તે જ આપણા ભક્ષક બને તો સમાજની ગતિ શી થાય?

આજે આપણા દેશ અને સમાજના અનેક બુદ્ધિમાન તેમ જ વિચારવંત લોકે આ સમસ્યાથી પરિચિત છે. પણ જેની પાસે દાંત છે તેની પાસે ચાવવાનું નથી અને જેની પાસે ચાવવાનું છે તેની પાસે દાંત નથી. જેની પાસે અધિકાર છે તેની પાસે સમજણ નથી અને જ્ઞાન-સમજણ ધરાવે છે તેમની પાસે અધિકાર નથી. અધિકારી વર્ગમાં આજે સામાન્યત: સત-ચારિત્ર્યની ઊણપ છે અને ચારિત્ર્યશીલ વ્યક્તિઓ અધિકાર ધરાવતી નથી.

પાયો સંગીન હોય તો જ મકાન સંગીન બને. વ્યક્તિ ચારિત્ર્યશીલ હોય તો સમાજ ઉત્તમ બને અને સુસંસ્કૃત બની શકે. આવા સમાજ દ્વારા જે મકાન કે બંધનું નિર્માણ થાય તે ટકાઉ બને. ચિકિત્સાલય પ્રાણધામ અને આરોગ્યધામ બને. સુરક્ષા માટે નિયોજાયેલ લોકો નિર્બળની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપે. ન્યાયાધીશ ન્યાયપાલન માટે સરકારનો પણ સામનો કરે! વિદ્યાલયો સાચાં વિદ્યાલય સરસ્વતી મંદિર બને! મંદિરોમાં ઈશ્વરનાં સાંનિધ્યનો અનુભવ થાય! આવા સમાજમાં જન્મનાર વ્યક્તિ શક્તિસંપન્ન બને, જીવ-માનવ દેવ-માનવ બને.

પરંતુ આવા સમાજનું નિર્માણ અલ્પ સમયમાં ન થાય. લાંબા ગાળા સુધીના નિરંતર શ્રદ્ધાપૂર્વકના પ્રયત્નથી જ તે સિદ્ધ થાય. દુ:ખ ભોગવ્યા વિના સુખ ક્યાંથી મળે? સાધના વિના સિદ્ધિ કેવી? બધાં કામ પ્રયત્નથી થાય, જાદુથી નહીં.

પ્રત્યેક વ્યક્તિ પોતાના જીવનમાં આદર્શનું અનુકરણ કરે, બીજાને તેવું જીવન જીવવાની પ્રેરણા આપે. એવા પ્રયત્ન જીવનનાં બધાં ક્ષેત્રમાં થવા જોઈએ. તો પણ શિક્ષણના ક્ષેત્રમાં બાળકોને શાળાઓની આવશ્યકતા ખૂબ છે. છોડ વળે, ઝાડ નહીં માટે જ બચપણમાં આપવામાં આવેલ નૈતિક અને આધ્યાત્મિક શિક્ષણ પ્રભાવશાળી બને.

બાળકોને નૈતિક શિક્ષણ આપવું જોઈએ કે નહીં? જો એ શિક્ષણ આપવાનું હોય તો પ્રત્યક્ષ રૂપે કે પરોક્ષ રૂપે? તેની સાથે ધાર્મિક શિક્ષણ આપવું જોઈએ કે નહીં? આપણા દેશમાં ધર્મો અનેક છે; તો ધાર્મિક શિક્ષણ કઈ રીતે આપવું? આ બધા પ્રશ્નો ઉપર આજ સુધીમાં ઘણી ચર્ચા થઈ છે. જ્ઞાની પુરુષો નીચે દર્શાવેલી કેટલીક બાબતોમાં સહમત છે –

(૧) નૈતિક શિક્ષણ આવશ્યક છે.

(૨) તે પ્રત્યક્ષ અને પરોક્ષ બંને સ્વરૂપે આપી શકાય.

(૩) ધર્મોમાં વિવિધતા છે. પણ જાતિતત્ત્વ અને સંહિતા પ્રાય: પ્રત્યેક ધર્મમાં એકસરખાં છે. તેથી સમન્વયના દૃષ્ટિકોણથી તેનો ઉપદેશ આપી શકાય.

નૈતિક અને ધાર્મિક તત્ત્વ એકબીજામાં પૂરક છે તે કહેવાની જરૂર નથી. તે જ વિશ્વ માનવ-તત્ત્વનો પ્રારંભ બની શકે.

આ પ્રકારનું શિક્ષણ કેમ આપવું તે અંગે બે બાબતોનો વિચાર કરવો જરૂરી છે. પહેલા તબક્કામાં નૈતિક શિક્ષણ વાર્તાઓ દ્વારા આપવું. બીજા તબક્કામાં માધ્યમિક અને પ્રૌઢ ધોરણોમાં મહાપુરુષોનાં જીવનચરિત્ર દ્વારા શાશ્વત મૂલ્યોનું શિક્ષણ આપવું જોઈએ. પ્રૌઢ ધોરણો (ઉચ્ચતર માધ્યમિક)માં મૂલ્ય-શિક્ષણ સાક્ષાત્ રૂપે આપી શકાય. કૉલેજ અને યુનિવર્સિટીઓનાં અનુસ્નાતક ભવનોમાં નીતિશાસ્ત્ર, તત્ત્વશાસ્ત્ર અને સંસારના મુખ્ય ધર્મોનો પરિચય અવશ્ય કરાવવો જોઈએ. પ્રારંભિક કક્ષાએ વ્યક્તિગત સ્વાસ્થ. સામાજિક નિર્મળતા અને શિષ્ટ આચાર વ્યવહારનું શિક્ષણ પણ આપવું જોઈએ. આ જ પ્રકારે શારીરિક શક્તિ અને મનોબળના સંવર્ધનનો સમાવેશ પણ શિક્ષણક્રમમાં થવો જોઈએ.

આ અંગે બીજી એક બાબતનો પણ વિચાર કરવો ઘટે. તે બાબત છે આપણાં બાળકો અને યુવાનોમાં માતૃભૂમિ તેમજ તેના ઇતિહાસ અને સંસ્કૃતિ પ્રત્યે ગૌરવનો ભાવ જાગૃત કરવાની પણ આ ગૌરવ મિથ્યાભિમાન ન પ્રેરે, સ્વદેશનિષ્ઠા પરદેશદ્વેષમાં ન પરિણમે તેનો ખ્યાલ રાખવો ઘટે. બધા લોકો અને બધા દેશોમાં જે કંઈ સુંદર હોય તેનો આપણે સ્વીકાર કરવો જોઈએ. તે જ પ્રકારે, આપણા સમાજમાં રહેલ દોષ પારખીને તેમને દૂર કરવા જોઈએ. શિક્ષણ-પદ્ધતિમાં આ તત્ત્વો સમન્વિત કરવાં જોઈએ. ધાર્મિક શિક્ષણ આપતી વખતે બધા જ ધર્મો પ્રત્યે પૂજ્યભાવ પેદા થાય તે ધ્યાનમાં રાખવાનું રહે.

આવું શિક્ષણ આપતા પહેલાં તેની પૂર્વયોજના તૈયાર હોવી જોઈએ. તેમ જ તે માટે ઉત્તમ શિક્ષકોને પ્ર-શિક્ષણ આપવું જોઈએ. તેનો પ્રારંભ મહાવિદ્યાલયોથી કરવાનો રહે. ત્યાં શિક્ષણશાસ્ત્ર અને માનવશાસ્ત્રની સાથે સાથે સામાજિક, સાંસ્કૃતિક, નૈતિક અને ધાર્મિક મૂલ્યો અંગેના શિક્ષણની વ્યવસ્થા થવી જોઈએ. તે માટે મહાવિદ્યાલય પરિસરનું શ્રમપૂર્વક નિર્માણ કરવું જરૂરી છે. ત્યાંના શિક્ષકો આદર્શપ્રેરિત હોવા જોઈએ. વિકસતાં બાળકો પર ઘર અને સમાજના વાતાવરણનો ખૂબ પ્રભાવ પડે છે. એટલે માતા-પિતા, શિક્ષકો અને સમાજમાં વિભિન્ન ક્ષેત્રોના નેતાઓ પોતાના જીવનને ઉત્તમ અને આદર્શરૂપ બનાવવા જરા પણ પ્રયત્નો નહીં કરે તો શિક્ષણ સંસ્થાઓમાં થનારા બધા પ્રયત્નો વ્યર્થ જશે.

છેલ્લે એક વિશેષ વાત. આપણે મદ્યપાનને નિર્મૂળ નહીં કરીએ કે, સિનેમા, ટેલિવિઝન (દૂરદર્શન)ને, વીડિયોને સુસંસ્કૃત બનાવવાના શતશત પ્રયત્ન નહીં કરીએ તો આ દેશ અને સમાજ ઉત્તરોત્તર રસાતલમાં ગરક થતો જશે. એમાં કોઈ સંદેહ નથી.

ભાષાંતરકાર : શ્રી તખતસિહ પરમાર, ભાવનગર

Total Views: 156

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.