શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના અગિયારમાં પરમાધ્યક્ષ હતા. રામકૃષ્ણ મિશનના રાંચી (મોરાબાદી) કેન્દ્રમાં ગુરુપૂર્ણિમા (૧૯૭૯)ના અવસરે તેમણે બંગાળીમાં પ્રવચન આપ્યું હતું, તેનું ગુજરાતી ભાષાંતર ગુરુપૂર્ણિમા પ્રસંગે રજૂ કરીએ છીએ.

ગુરુપૂર્ણિમા : વેદવ્યાસનો જન્મદિન

એ દિવસ ખરેખર ધન્ય બન્યો કે જે દિવસે વેદવ્યાસ જન્મ્યા. એમણે એવું તે શું કર્યું? સમસ્ત વેદોના એમણે વિભાગ કર્યા અને મહાભારતની રચના કરી, કે જેમાં સમાવાયો છે સમસ્ત ધર્મનો સનાતન શ્રેષ્ઠ ગ્રંથ ગીતા. ઉપરાંત તેમણે લખ્યાં બ્રહ્મસૂત્રો, કે જેમાં સમસ્ત ઉપનિષદોની વાક્યાવલિઓનો સમન્વય કરવામાં આવ્યો છે અને એના પરિણામે બધાં ઉપનિષદો શું કહેવા માગે છે, તે સુશૃંખલિતરૂપે જોવા મળે છે. આને આધારે આપણે એકકંઠે કહી શકીએ કે તેમણે સનાતન ધર્મને પ્રતિષ્ઠિત ન કર્યો હોત તો પણ તેમણે આ શાસ્ત્રોને સુશૃંખલિત અને સુવિન્યસ્ત કરીને પણ હિંદુ ધર્મના પ્રતિષ્ઠાતા હોવાનો તેમનો દાવો એવો ને એવો જ અક્ષુણ્ણ રહે છે. હિંદુઓએ વેદવ્યાસનો ગુરુરૂપે સ્વીકાર કર્યો છે, એનું કારણ એ છે કે તેમણે જ હિન્દુને હિન્દુધર્મ યા સનાતનધર્મ કહેવાથી શું સમજી શકાય, તેનો પાયો ક્યાં છે, તેની દાર્શનિક દૃષ્ટિ કેવી છે, કોનું અવલંબન કરીને હિંદુઓ આગળ વધી રહ્યા છે, હિંદુધર્મ શાના ઉપર નિર્ભર બનીને ખડો છે વગેરે પ્રશ્નોના ઉત્તર તેમના રચેલા આ ગ્રંથની અંદર વિશદ સ્વરૂપે સમજાવી આપ્યા છે. આથી જ તેઓ બન્યા છે હિંદુધર્મના ગુરુ, અને આ વ્યાસદેવની સ્મૃતિમાં જ પ્રતિવર્ષ ગુરુપૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે.

વર્તમાનકાળમાં પાશ્ચાત્ય જગતમાં ચર્ચા થવા લાગી છે કે વ્યાસરૂપે આપણે કોને ગણવા? કૃષ્ણદ્વૈપાયન વ્યાસને કે બાદરાયણ વ્યાસને? શું એ બંને વ્યક્તિ એક જ છે કે બંને અલગ અલગ વ્યક્તિ છે? આપણે જો કે એ ચર્ચામાં નહિ પડીએ કારણ કે આપણી આજની ચર્ચાનો વિષય એ નથી. વળી, એવું પણ સાંભળવામાં આવે છે અને ઘણા એવું કહેતા પણ હોય છે કે આદિ શંકરાચાર્ય ખરેખર આદિ નહોતા, એમની પહેલાંયે ઘણાએ શંકરાચાર્ય નામ ધારણ કરેલું અને હવે પછી યે કરશે. શંકરાચાર્ય જેમ એક બિરુદ હતું તેમ વ્યાસ પણ એક બિરુદ છે. તે સમયમાં અનેક વ્યાસ નામે પરિચિત હશે. તેથી કોણ વ્યાસ? જો વ્યાસ નામક એકથી વધુ વ્યક્તિઓ હોય તો બાદરાયણ વ્યાસ કે કૃષ્ણદ્વૈપાયન વ્યાસ – બેમાંથી કોણે મહાભારત લખ્યું? કોણે બ્રહ્મસૂત્રો લખ્યાં? આ વિષે ખૂબ વિચારવિમર્શ થઈ શકે. પણ આપણે માટે એનું પ્રયોજન નથી. આપણે તો એ જ વ્યાસદેવને માનીએ છીએ કે જેમણે હિંદુધર્મને બચાવી લીધો, જેમણે હિંદુધર્મને સુસ્પષ્ટ રૂપ આપ્યું અને આજેય જેને સ્વીકારીને હિંદુઓ ચાલી રહ્યા છે. આપણો હાલનો વિચારવાનો – ચર્ચાનો વિષય તો એ છે કે ગુરુ કોણ? તેઓ શું કરે?

વેદો : શાશ્વત જ્ઞાનરાશિ

ઠીક, તો આપણે એટલું તો માની લીધું છે કે આપણે સામાન્ય માનવી છીએ, આ જગતમાં રહીએ છીએ, કેટલાય અંધકારમાં ડૂબેલા છીએ. તો આ જગતનું મૂળ શું? આ જગત ક્યાંથી આવ્યું? આપણે કોણ છીએ? ક્યાં જઈ રહ્યા છીએ? આપણે શા માટે આવ્યા છીએ? શું કરવા માટે આવ્યા છીએ? આ બધામાંનું કંઈ જ જાણે આપણે સમજી શક્તા નથી. અને આ બધી વસ્તુઓ જેના વડે સમજી શકાય તેને આપણે કહીએ છીએ જ્ઞાન. કેટલીક વાર તેને ભક્તિરૂપે કે યોગરૂપે કે એવા કોઈક નામે પણ ઓળખીએ છીએ. આપણે પોતે તો છીએ અંધકારમાં અને અંધકાર પોતે તો ક્યારેય પ્રકાશ આપી શકે નહિ. પ્રકાશ તો અંધકારને દૂર કરવા માટે જ આવે. આમ, પ્રકાશ તો બહારથી જ પ્રસારિત થાય. આપણે જે આ આધ્યાત્મિક અજ્ઞાન- અંધકારમાં છીએ એને કોણ દૂર કરી શકે? જ્ઞાન, ભક્તિ કે પછી યોગ – એ અંધકારની બહારથી જ આવે (અંધકારને દૂર કરવા માટે બહારથી આવે) તો પછી તે ક્યાં હોય? આપણે કહી શકીએ કે તે છે સ્વયં ભગવાન. તે સિવાય બીજું કંઈ જ નહિ. તે જ છે જ્ઞાનસ્વરૂપ, તે જ છે સત્યસ્વરૂપ અને તે જ છે આનંદસ્વરૂપ. એ જ મનુષ્યને જ્ઞાન પ્રદાન કરતા હોય છે. આ જ્ઞાન ક્યા સ્વરૂપમાં (આકારમાં) મેળવીએ છીએ? આ જ જ્ઞાન વેદની અંદર રજૂ થયું છે. વેદ છે નિત્યસ્વરૂપ. વેદ એટલે કંઈ કેટલાંક લખેલાં પુસ્તકો જ નથી. વેદ તો, આચાર્ય શંકરાચાર્ય કહે છે તેમ છે ‘જ્ઞાનરાશિ’. સ્વામીજી પણ એમ જ કહી ગયા છે. ‘વેદ’ બોલતાં આપણે જ્ઞાનરાશિરૂપે તેને સમજીએ છીએ. એ વેદમાંથી થોડાક ગદ્યમાં લખાયા છે તો કેટલાક પદ્યમાં અને કેટલાક તો વળી ગીત રૂપે પણ છે – ઋક્, યજુસ્, સામ વગેરે. એ વેદજ્ઞાન રહે છે ભગવાન પાસે એટલે કે એ જ છે ભગવાનનું સ્વરૂપ. પરમકારુણ્યમય છે ભગવાન. આથી જ તેમણે આ જ્ઞાન તેમની પાસે રાખ્યું છે. જ્યારે નૂતન સૃષ્ટિનું સર્જન થાય ત્યારે ભગવાન વિશિષ્ટ વ્યક્તિઓના (ઋષિઓના) હૃદયમાં એ જ જ્ઞાન ઉદ્ઘાટિત કરે છે. તેઓ વળી બીજાને એ જ રીતે જણાવે છે. તેઓ શું કહે છે? ‘હું ‘શિક્ષા’ આપું છું.’ એવી બુદ્ધિથી તેઓ કંઈ જ કહેતા નથી. જેમ કે – ઉપનિષદમાં કહે છે કે – ‘ઇતિ શુશ્રુમ ધીરાણામ્ યે નસ્તદ્વિચચક્ષિરે’ (ઇશોપનિષદ શ્લોક-૧૩) – ‘ધીર એટલે જ્ઞાની વ્યક્તિઓની પાસે જે સર્વ જ્ઞાન અમે સાંભળ્યું છે તે જ બધી વાતો અમે ફરી કહી રહ્યા છીએ.’ આમ ઋષિઓ એવો દાવો કરતા નથી કે તેઓ કાંઈ નવી વાત કહે છે અથવા તેઓએ કાંઈ નવીન સર્જન કર્યું છે.

ગુરુ કોણ?

ઋષિઓ તો કહેવાય છે. મંત્રદ્રષ્ટા અને એ મંત્ર છે જ્ઞાનસ્વરૂપ ભગવાનની પાસે. એ જેવું છે તેવું જ તેનું દર્શન તેઓ કરે છે. એવું નથી કે તેઓ કંઈ નૂતન મંત્રનું સર્જન કરે છે કે કંઈ નૂતન દર્શનનું સર્જન કરે છે કે નૂતન જ્ઞાનને લઈને તેઓ આવે છે. જ્ઞાન તો ચિરકાલીન છે, ભક્તિ કે યોગ પણ ચિરકાલીન છે, તેઓએ તો માત્ર તેનું દર્શન કર્યું છે. જો કે બધું જ તેઓ ચોક્કસ બોલી જતા નથી, કારણ કે ‘બ્રહ્મ’ તો અવાઙ્મનસગોચરમ્’ છે એટલે કે બ્રહ્મ તો વાણી મનથી અગોચર છે. જેટલું થઈ શકે, જે ભાવે થઈ શકે તેટલું જ તેમણે વેદની અંદર કહ્યું છે, ઉપનિષદની અંદર આપ્યું છે. માત્ર જેમણે આપણને આ રીતે કહી આપ્યું તેઓ થયા આપણા ગુરુ.

હવે, અહીં સુધીની ચર્ચાથી ગુરુ વિષે આપણા મનમાં કેવી ધારણા જાગે છે? સૌ પ્રથમ તો ‘ગુરુ એટલે સ્વયં ભગવાન’ એમ આપણે સમજવું જોઈએ. ઠાકુર કહેતા, ‘સચ્ચિદાનંદ જ ગુરુ.’ પરંતુ ભગવાન સ્વયં આવીને તો આપણને ઉપદેશ આપતા નથી! તેઓ તો ઉપદેશ આપે છે ઋષિઓ દ્વારા. અથવા તો શાસ્ત્રોમાં આપણે જોઈએ છીએ તેમ, જે કોઈક કોઈકનો અધિકારી પુરુષ તરીકે ઉલ્લેખ કરાયો છે, તેમના દ્વારા આપે છે. એટલે તેઓ જાણે કે અધિકાર લઈને આવ્યા હોય છે. તેઓ જ જ્ઞાનલાભ પ્રાપ્ત કરે છે. ભગવાને તેમને આદેશ આપ્યો હોય છે કે તમે આ સર્વ વસ્તુ લોકહિત કાજે જગતમાં પ્રકાશિત કરો – પ્રસારિત કરો. તેઓ બને છે આપણા ગુરુસ્થાનીય અથવા તો લોકશિક્ષણ કાજે સ્વયં ભગવાન પણ અવતાર લઈને આવે છે અને આવીને તેઓ પ્રેમ, ભક્તિ, યોગ વગેરેની લોકોને શીખ આપે છે. ત્યારપછી આવે છે મનુષ્યરૂપે ગુરુ. આ બંને કક્ષાઓની વચ્ચે મુખ્ય પાર્થક્ય આ હોય છે કે – જેમ શ્રીરામકૃષ્ણ કહેતા – ‘જગદ્‌ગુરુ મંત્ર આપે છે પ્રાણે અને મનુષ્યગુરુ મંત્ર આપે છે કાને’ જગદ્‌ગુરુ પ્રાણે મંત્ર કેવી રીતે આપે છે? જેને આપણે કહીએ છીએ Inspiration અથવા અનુપ્રેરણા – અંત: સ્ફુરણા, તે કઈ રીતે, ક્યાંથી આવી, તે આપણે સ્પષ્ટરૂપે જાણી શકતા નથી. મનમાં અચાનક એક પ્રેરણા જાગી ઊઠી, ઉદ્દીપના પ્રગટી ઊઠી, સત્યનો એક આભાસ જાણે કે આપણી સમક્ષ આવીને ખડો થઈ ગયો અને બધાએ એને પકડી લીધો કે આ જ છે એ પથ – આ પ્રકારે જ આ યુગમાં ચાલવું પડશે.

વર્તમાન યુગની વાત કરીએ તો મહાપુરુષ શિવાનંદજી મહારાજ એક દિવસ, એક દિવસ નહિ પણ અનેક વાર બોલ્યા છે કે ‘શ્રીરામકૃષ્ણ જગતમાં બ્રહ્મકુંડલિની શક્તિને જગાડી દેવા માટે જ અવતર્યા હતા.’ મનુષ્યની ભીતર એક કુંડલિની શક્તિ, કુંડાળું વળીને પડી હોય છે, તે નડતી નથી કે ચડતી નથી. આમ છતાં તે એક શક્તિ હોય છે. તેને જગાડવાથી તે જાગે છે અને જાગીને, મનુષ્યને શક્તિમાન સમર્થ બનાવીને એને જ્ઞાનભક્તિનો અધિકારી બનાવી દે છે. એ જ રીતે જગતમાંય એક કુંડલિની શક્તિ છે. તે પણ કુંડાળું વળીને પડી હોય છે. તે જાગતી નથી. તેને જગાડવી પડે છે. ઠાકુરે (શ્રીરામકૃષ્ણે) તેને નૂતન ભાવધારા આપીને જગાડી. મહાપ્રભુ શ્રી ચૈતન્ય આવ્યા અને તેમણે પ્રેમનું વિતરણ કર્યું. શંકરાચાર્ય આવ્યા અને તેમણે જ્ઞાનનું વિતરણ કર્યું. એ જ પ્રમાણે બીજા ઘણા અવતારો થયા જેઓ વિશેષ વિશેષ ભાવનો પ્રચાર કરી ગયા છે. ઠાકુર પણ એમ જ આવ્યા હતા.

સમન્વયના અવતાર શ્રીરામકૃષ્ણ

સ્વામી વિવેકાનંદજી શ્રીરામકૃષ્ણ વિશે કહે છે:

ૐ સ્થાપકાય ચ ધર્મસ્ય સર્વધર્મસ્વરૂપિણે ।
અવતારવરિષ્ઠાય રામકૃષ્ણાય તે નમ: ॥

એટલે કે શ્રીરામકૃષ્ણ ધર્મસંસ્થાપનાર્થે આવ્યા હતા – વગેરે તેમને વિશે કહેવામાં આવ્યું છે. ત્યાર પછી સ્વામીજીએ પોતાના વકતવ્યમાં જણાવ્યું કે તેઓ સમન્વય અવતાર છે. સમસ્ત ધર્મોનો તેમણે સમન્વય કર્યો, માત્ર ધર્મનો જ નહિ, વિભિન્ન મતવાદોનો પણ સમન્વય કર્યો. પત્યેક મતવાદને સન્માન આપીને તેને સાર્થક કરી બતાવ્યો. તેમણે સૌને પોતપોતાના પંથે ચાલવા દીધાં. તે સૌની સાથે કોઈપણ પ્રકારના વાદવિવાદમાં પડ્યા વિના, તેઓ પોતપોતાના પંથે ચાલીને, આગળ આવી શકે અને પોતાના અભીષ્ટનો લાભ પામી શકે, એ રીતે તેઓનું સન્માન કરીને, તેઓને સહાય કરીને, તેઓને તેમના પોતાના જ પંથે ચાલવા દેવા – આ જે એક મૌલિક વાત – તે શ્રીરામકૃષ્ણ આ યુગમાં પોતાની સાધના દ્વારા અને વાણી દ્વારા જેવી રીતે દર્શાવી ગયા છે અથવા બોલી ગયા છે, એવી રીતે પૂર્વે ગત યુગોમાં થયું નથી.

સમસ્ત જગત જાણ્યે અજાણ્યે આ જ ભાવધારાને અપનાવી રહ્યું છે. ‘વિચિત્રતાની ભીતર એકત્વ રહે છે.’ – સ્વામીજીએ આ જે કહ્યું તે જ પ્રમાણે – સ્વામીજીના વક્તવ્ય અનુસારનું સૂત્ર જ આ યુગમાં રજૂ થયું છે – co-existence – સહ અસ્તિત્વ બધાએ એકસાથે જ રહેવું પડશે.’ ‘તમે કોમ્યુનિસ્ટ’, ‘હું ડેમોક્રેટિક’, ‘તમે રિપબ્લીકન’, ‘હું અમુક’, ‘હું તમુક’, ‘હું સોશ્યાલિસ્ટ’ વગેરે વિભિન્ન મતવાદો હોવા છતાં પ્રત્યેકે પ્રત્યેકના મતવાદને સન્માન આપીને, તેમનાં મંતવ્યને યોગ્ય સ્થાને રહેવા દઈને, એકસંગે ચાલવું પડશે. કોઈએ કોઈ પર પોતાનો મતવાદ ઠોકી બેસાડવો જોઈએ નહિ, ઝઘડો કરવાનું કોઈપણ રીતે ઉચિત ગણાય નહિ – આ મૌલિક ભાવ, આપણે શ્રીરામકૃષ્ણ પાસેથી મેળવ્યો. અને આ જ કારણે તેઓ થયા એવા જગદ્‌ગુરુ, કે જેઓ મનુષ્યના પ્રાણમાં મંત્ર ફૂંકી દેતા હોય છે, મંત્ર દ્વારા મનુષ્યના પ્રાણને જગાડી દેતા હોય છે, જેઓ મનુષ્યગુરુ હોય છે તેઓ તો મંત્ર આપે છે કાનમાં ઠાકુરે એક સ્થળે કહ્યું છે – ‘મેં તને મંતર આપ્યો, હવે મન તારું.’ મનુષ્યગુરુએ મંત્ર તો આપ્યો, પણ શિષ્યે શું કર્યું? તેના મને તેને ત્યારે ગ્રહણ કરી લીધો અને નિર્જને સાધના કરી. ગુરુએ જે પ્રમાણે કહ્યું હતું તે જ પ્રમાણે તેનું અનુસરણ કરીને, જીવનમાં તેને પ્રતિફલિત કર્યો. એના ફળસ્વરૂપે તેને થશે જ્ઞાનલાભ, મુક્તિલાભ. શ્રીરામકૃષ્ણે દૃષ્ટાંત આપ્યું છે કે જેવી રીતે કાલુ માછલી અને એના જેવા બીજા અનેક જીવ પાણી ઉપર તરે છે – (આ તો માત્ર દૃષ્ટાંત જ છે. હું કંઈ વિજ્ઞાનની વાત કરતો નથી) તે પાણી ઉપર આંખ મ્હોં ખુલ્લું રાખીને તર્યા કરે છે કે જેથી તેમાં સ્વાતિ નક્ષત્રનું બુંદ પડે. જેવું એક બુંદ જળ તેમાં પડ્યું કે મ્હોં બંધ કરીને તે (કાલુ માછલી) નીચે ચાલી ગઈ. અને અગાધ જળ નીચે તે ધ્યાનમાં ડૂબી ગઈ. ત્યારબાદ ત્યાં મોતી તૈયાર થયું. એ જ રીતે મનુષ્ય ગુરુ પાસેથી મંત્ર મેળવીને, મનુષ્ય સાધના કરી કરીને જીવનમાં તેને પ્રતિફલિત કરીને, ભગવાનને પ્રાપ્ત કરે છે. આ થયું મનુષ્યગુરુનું અને જગદ્‌ગુરુનું પાર્થક્ય.

ગુરુ અને શિષ્યનાં લક્ષણો

ગુરુ કરવા એ કેટલું ઉચિત, કેટલું અનુચિત વગેરે અનેક પ્રકારે ચર્ચા થતી જોવા મળે છે. પરંતુ આપણે તો આસ્તિકના પંથે પ્રયાણ કરવા ઇચ્છીએ છીએ. આસ્તિક એટલે શું? જેઓ શાસ્ત્રમાં અને ગુરુવચનમાં વિશ્વાસ ધરાવે તે આસ્તિક. ત્યારે નાસ્તિક કોણ? જેઓ વેદને માને નહિ તે. આપણે તો આસ્તિકના જૂથમાં છીએ. અર્થાત્ ‘तद् विज्ञानार्थं स गुरुमेवाभिगच्छेत् समित्पाणिः श्रोत्रियं ब्रह्मनिष्ठम्’ એટલે કે જે બ્રહ્મતત્વ છે તેને જાણવા માટે આપણે જ ત્યાં જવું પડશે. गुरुम् ऐव अभिगच्छेत् ગુરુની પાસે તે (શિષ્ય) ચોક્કસ જશે જ. ‘एव’ કહ્યું છે. – ‘એવ’ શબ્દ મૂકાયો છે ભાર આપવા માટે. જરૂર જવું પડશે – गुरुम् ऐव अभिगच्छेत् કઈ રીતે? ‘समित्पाणि:’ યજ્ઞ કરવા માટે હાથમાં કાષ્ઠ લઈને, અથવા ગુરુની સેવા માટે જે સમસ્ત ચીજોની આવશ્યકતા હોય તે લઈને. એટલે કે શિષ્ય થવા માટે જે જરૂરી હોય તે બધું લઈને તે જશે. કેવા ગુરુ પાસે? જેઓ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોય. બે વિશેષણ આપ્યાં છે. શ્રોત્રિય એટલે શું? જેઓ હોય વેદાચારી. શાશ્વતકાલથી જે સમસ્ત ગુણાવલિને આપણે સારા લક્ષણ (શુભ) તરીકે માનીએ છીએ અને સમાજે જેનો એ રૂપે સ્વીકાર કર્યો છે. તે સમસ્તને જેમણે પોતાના જીવનમાં ચરિતાર્થ (પ્રતિફલિત) કર્યા છે, રૂપાયિત કર્યા છે, જેમણે શાસ્ત્રોનું અધ્યયન કરીને, તેનો મર્મ જાણ્યો છે. અરે, એનો મર્મ માત્ર જાણ્યો છે એટલું જ નહિ, પણ એ સર્વને જેમણે પોતાના જીવનમાં આત્મસાત કર્યા છે – આવા વેદચારી જેઓ છે તે થયા શ્રોત્રિય. અને વળી? તેઓ બ્રહ્મનિષ્ઠ હોય એટલે કે જેઓ સર્વદા બ્રહ્મમાં જબોળાયેલા હોય – બ્રહ્મવિષયક વાતોમાં જ લીન હોય, બ્રહ્મ લાભ માટે જ જેઓ જીવનયાપન કરતા હોય. ઉપરાંત તેઓ હશે ‘અવૃજિન:’ અને ‘અકામહત:’ અર્થાત્ અકપટ એટલે કે નિષ્પા૫ અને કામનાશૂન્ય – આવી જાતના અનેક ગુણો તેમનામાં હોય. ઠાકુર કહેતા કે માનવીને પોતાને મારી નાખવા માટે તો એક સામાન્ય છરી જેવું હોય તો પણ ચાલે; પરંતુ બીજાને મારવો હોય ત્યારે ઢાલ – તલવારની જરૂર પડશે. આમ સામાન્ય મનુષ્ય જ્યારે કહે છે ‘બીજાને શીખ આપીશ’ ત્યારે તો તે હશે તેનો માત્ર અહમ્ – અહંકાર જ. તેણે પહેલાં તો અનેક પરિશ્રમ કરવો પડશે. પૂર્વ તૈયારીઓ કરવી પડશે. આખું જીવન તેણે તપસ્યા કરવી પડે, ભગવાનને જાણવા માટે તેણે શાસ્ત્રોની અંદર ઊતરીને અને અન્ય ગુરુ પાસે રહીને મૂળ વાતની અંદર ઊંડા ઊતરવું પડે, તેમજ અન્ય જનો સમજી શકે તેવી ભાષામાં તેણે વાત કરવી પડે. આ રીતે ઢાલ, તલવાર વગેરે અનેક ચીજોની તેને જરૂર પડે. આમ માત્ર ‘હું ગુરુ’ કહેવાથી અને ગુરુ બની બેસવાથી એ ગુરુ બની શકે નહિ. તે જ રીતે શિયનું પણ કર્તવ્ય છે. શાસ્ત્રમાં કહ્યું છે – ‘आश्चर्यो वक्ता कुशलोस्य लब्धा आश्चर्यो ज्ञाता कुशलानुशिष्टः’ જે શિષ્ય થશે તે પણ વિરલ વ્યક્તિ હશે. તે પણ આશ્ચર્યપ્રેરક હશે. એને જોઈને જ મનમાં થશે ‘Wonderful man!’ અપૂર્વ વ્યક્તિ! હજારો વ્યક્તિઓમાં આવી એક વ્યક્તિ માંડ હશે. જેમ ગુરુમાં જ્ઞાન, ભક્તિ વગેરે વિશેષ ગુણો હોવા જરૂરી હોય, તેવી જ રીતે શિષ્યના પક્ષે પણ અનેક ગુણો હોવા આવશ્યક છે. આ સદ્‌ગુણોને સુનિશ્ચિત કરીને શંકરાચાર્યે બ્રહ્મસૂત્રના ભાષ્યમાં કહ્યું (જે તેમણે ઉપનિષદમાંથી લીધું છે), તે શું છે? શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન, અર્થાત્ શિષ્યને પોતાનાં મન અને શરીર બંને ઉપર એક પ્રકારનો અંકુશ હોવો જોઈએ. તેનું મન અને તેનું શરીર તેની ઇચ્છાનુસાર ચાલવાં જોઈએ. આંખો કોઈ એક વસ્તુને નિહાળવા ઇચ્છશે કે તરત જ તેની પાછળ તેનું મન પણ દોડશે. ત્યારે શિષ્ય કહેશે ‘ના, નહિ ચાલે. તારે મારી ઇચ્છા પ્રમાણે ચાલવું પડશે.’ શિષ્યે પોતાના નિયંત્રણમાં મન અને શરીર બંનેને રાખવાં પડશે. આ થયા શમ અને દમ. ત્યાર પછી આવે ઉપરતિ.- મનને થોડુંક ઉન્નત કરવું પડશે; ‘જાગ્રત અવસ્થામાં ભોગસુખ તરફ ન જતાં, ભગવાન પ્રતિ જઇશ.’ એ જ ઇચ્છા એની ભીતરમાં સદા જાગ્રત રહેશે અને એ જ ઇચ્છા અનુસાર તે થોડાક પ્રયત્ન પણ કરશે. આને કહેવાય ઉપરતિ. મનને સંસારમાંથી ઊંચકીને ઊંચે આણવાનું નામ છે ઉપરતિ. સંપૂર્ણ સંન્યાસી કંઈ માત્ર એક કૂદકે થઈ જવાતું નથી. સ્વામીજી કહેતા કે બૌદ્ધધર્મના છેલ્લા ગાળામાં અવનતિના દિવસોમાં આ જ એકાંગી સંન્યાસ ઉપર વધુ ભાર આપવાને કારણે જ ભારતવર્ષની અવનતિ થઈ હતી. આમાંથી મનુષ્યને બચાવવો પડશે, સમાજને બચાવવો પડશે. અને સમાજમાં આજે રજોગુણની ય જરૂર છે, સત્ત્વગુણની ય જરૂર છે. બધાની જરૂર છે. આથી બધા જ સંન્યાસી થઈ જશે એ જેમ કલ્પનામાં શક્ય નથી તેમ કાર્યરૂપે પણ તે ફલીભૂત થઈ શકે તેમ નથી. ‘હું સંસારમાં છું તે ય ભગવાનને કારણે’ એવી જાતનો એક ભાવ શિષ્યના મનમાં હોવો જરૂરી છે.

ત્યાર પછી કહ્યું છે તિતિક્ષા – ‘सहनं सर्व-दुःखानाम् अप्रतिकारपूर्वकम् चिन्ताविलापरहितम्’ અનેક રૂપે દુ:ખ આવી પડે છે, તેના પ્રતિકાર માટે જો આપણે બધો સમય લાગ્યા રહીશું તો આપણે લડાઈ કરવામાં જ જીવન કાઢવું પડશે, અને તો ભગવાનને પોકારશું ક્યારે? કામકાજમાં થોડુંક સહન કરી લેવું જ પડે. કોઈએ એક ખરાબ વેણ કહ્યું કે દુ:ખ થાય તેવી એકાદ વાત કરી, એટલે હું પણ એવી જ રીતે તેને મારવા જાઉં તો એ ઠીક ન કહેવાય. સહન કર્યે જાઓ એ જ તિતિક્ષા. શાસ્ત્ર કહે છે કે શિષ્ય હોવો જોઈએ શ્રદ્ધાવાન – શાસ્ત્ર પ્રત્યે અને ગુરુ પ્રત્યે તથા દેવતા પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર.

ત્યારપછી આવે છે સમાધિ – સમાધિ એટલે મનની એકાગ્રતા.

ત્યારબાદ કહ્યું છે : ‘नित्यनित्यवस्तुविवेक’ ‘આ છે નિત્ય વસ્તુ, પેલી છે અનિત્ય વસ્તુ, આ ભગવાન પ્રતિ લઈ જશે, આ ભગવાનની વિરુદ્ધ દિશામાં લઈ જશે.’ આવો વિવેક – બુદ્ધિ – વિચાર હોવો જરૂરી છે.

ત્યાર પછી આવે છે ‘इहामूत्रफलभोगविराग:’ ‘આ જગતમાં કે અપર જગતમાં ઇચ્છા મુજબ ભોગ ભોગવીશ’ – એવી ઇચ્છા ન રાખીને – ભોગ્ય વિષય પરત્વે વૈરાગ્યનું અવલંબન કરવું. ‘મારે જગત જોઈતું નથી, મારે આ લોક જોઈતો નથી, મારે સ્વર્ગની પણ સ્પૃહા નથી, મારે કંઈ જ જોઈતું નથી. હું માત્ર ઇચ્છું છું ભગવાન, હું ઇચ્છું છું ઇશ્વર. મારે જોઈએ છે જ્ઞાન, ભક્તિ, યોગ ઇત્યાદિ’ આજ એકમાત્ર ભાવ મનમાં રાખવો પડશે.

ત્યારબાદ શું? મુમુક્ષુત્વ. ઉપર્યુક્ત બધા ગુણોની સાથે જો મુમુક્ષુત્વ નહિ હોય, અર્થાત્ – ‘હું આ જગતમાંથી મારો ઉદ્ધાર કરવા ઇચ્છું છું, આ દુ:ખી સંસારમાંથી હું મુક્ત થવા ઈચ્છું છું, હું ભગવાનને મેળવવા માગું છું’ – એ જ એકમાત્ર ઇચ્છા જો મનમાં નહિ હોય તો પછી આ બધું આધ્યાત્મિક્તા – Spirituality નહિ ગણાય. તો તો આ બધું થશે માત્ર નૈતિકતા Morality.

શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા ઇત્યાદિ જે કંઈ થયું તે બધું નીતિવાચક વિષય બની ગયું. નિત્યાનિત્ય વસ્તુવિવેક જરાપણ ન હોય તો આ બધું તો ગણાય માત્ર મુખપાઠ. અસલ વસ્તુ તો છે મુમુક્ષુત્વ – ‘હું મુક્તિલાભ પામવા ઇચ્છું છું, ભગવાનને મેળવવા ઇચ્છું છું, તેના માટે જ મારો આગ્રહ, તેને જ હું જાણીશ, તેના પ્રતિ જ મારાં ભક્તિ, પ્રેમ હોવાં જોઈએ, તેના માટે જ હું ધ્યાન ધારણા કરીશ.’ એવી એક પ્રકારની વ્યાકુળતા શિષ્યની અંદર હોવી જોઈએ. તો જ તે શિષ્ય થવાને યોગ્ય બની શકે.

ગુરુ સંબંધે એકવાર વાત ઊઠી ત્યારે ઠાકુરે કહ્યું હતું – ‘આદેશ ન મળે તો કોઈ તેની કથા સાંભળે નહિ તે ગુરુ થઈ શકે નહિ. ભગવાન જેને આદેશ આપે તે જ ગુરુ થઈ શકે.’ આ વાતનો પ્રતિકાર કરવાનું સાહસ કોઈ કરી શકે નહિ. એમાંય હું તો નહિ જ.

ગુરુના પ્રકારો :

તો હવે આપણે જેનો સાધારણ ભાવે ‘ગુરુ’ કહીને સ્વીકાર કરી લઈએ, અથવા જેઓ ગુસ્ની જેમ મંત્ર વગેરે આપે તેમની કક્ષા (સ્થાન) કઈ? શું તેઓ બધાએ ઇશ્વરદર્શન કર્યું હોય છે? તેઓ બધાએ શું ઇશ્વર પાસેથી આદેશ મેળવ્યો હોય છે? હું એ જાણતો નથી. પરંતુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આ ભગવાન લાભ અથવા જ્ઞાન થવું એ તો છે સ્વસંવેદ્ય વસ્તુ It is Subjective realisation પોતાનું મન તે પોતે જ સમજી શકે. બહાર તેને પ્રગટ કરીને બોલી શકાય નહિ, તેમ જ બોલવાથી પણ શું વળે? આપ તેનો વિશ્વાસ કરશો ખરા? હું જો કહું કે મેં ઇશ્વર પ્રાપ્તિ કરી છે. તો તમે વિશ્વાસ કરશો? હજારોમાંથી એક વ્યક્તિ પણ વિશ્વાસ કરશે કે કેમ તેનો સંદેહ છે. એથી જ તે આપણી Subjective વસ્તુ થઈ એ છે આપણો એકમાત્ર સ્વસંવેદ્ય અનુભવ. પોતે જ જે જાણી શકે તે લોકોને કહી શકે નહિ. અને બોલવાથી કોઈ લાભ પણ નથી. તો પછી તેઓ આપણા ગુરુ થયા શા માટે? ઠાકુર પોતેય કહેતા, હું કોઈનો ગુરુ નથી. મા તેમના દ્વારા જે કરાવતા તે જ તેઓ કરતા. એકવાર અમે મહાપુરુષ સ્વામી શિવાનંદજીને કહેતા સાંભળ્યા હતા. અમે જોયું કે તેઓ ઊભા રહીને, દીવાલે રહેલ ઠાકુરની છબિ સામે તાકી રહીને પોતાની છાતીએ હાથ મૂકીને બોલતા હતા, ‘આ છે તેમનો કૂતરો’, અને પછી તેમનો પોતાનો એક કૂતરો કે જેને તેઓ ખૂબ વહાલ કરતા હતા તેની સામે જોઈને પોતાને બતાવીને બોલ્યા, ‘આ બેટમજી છે આનો કૂતરો.’ ઠાકુર પણ કહેતા કે ‘મેં પોતાને ગુરુ માનીને કોઈને મંત્ર આપ્યો હોય એવું બન્યું નથી.’ એટલે શું? મહાપુરુષ મહારાજ કહેતા કે ‘ઠાકુર અમારા દ્વારા કામ કરાવી લે છે બોલાવી લે છે.’ તેઓ કહેતા, ‘હું તો ઠાકુરના પાદપદ્મમાં શિષ્યને અર્પણ કરી દઉં છું. ‘હું ગુરુ’ એવું અભિમાન રાખતો નથી હું કોઈનોય ગુરુ થઈ શકું નહિ. ગુરુ થઈ શકે સ્વયં ભગવાન, ગુરુ થઈ શકે અવતાર પુરુષ, ગુરુ થઈ શકે અધિકારી વ્યક્તિ. ગુરુ તેઓ જ થઈ શકે કે જેમણે ભગવાન પાસેથી આદેશ મેળવ્યો હોય. સિદ્ધિલાભ કર્યા પછી જ તેઓ ગુરુ થઈ શકે. તો પછી સાધારણ ગુરુઓ શું કરી શકે? તેઓ થઈ શકે માત્ર ‘શિક્ષાગુરુ’ તેમનો મનોભાવ આવો હોય- ‘ગુરુના સ્પર્શ દ્વારા અમે જે મેળવીને આવ્યા છીએ. એ જ પંથ અમે તમને દર્શાવી શકીએ. અમે એ પંથે ચાલ્યા છીએ અને એ પંથે ચાલીને અમે જોયું છે કે અમારા ઉપર કૃપા થઈ છે, અમને લાભ થયો છે. આથી હું તમને કહું છું કે આ પંથે ચાલવાથી તમારા પર પણ કૃપા થશે, તમનેય લાભ થશે.’

તો આનો અર્થ શું થયો? ‘હું ગુરુ’ એવા અભિમાનથી આમ કહેતો નથી. કિન્તુ ગુરુજન પાસે જે સાધનાપથ પ્રાપ્ત કર્યો છે, તે જ કહું છું, કે તમે બીજાઓ પણ એ જ પંથે ચાલો, તમનેય તેનાથી લાભ થશે. અમે આવું જ વિચારીએ છીએ.

ગુરુ-શિષ્ય સંબંધ

ગુરુ-શિષ્યનો સંબંધ કેવા પ્રકારનો હોય? ગુરુ એટલે સ્વયં ભગવાન. તેઓ બીજાની ભીતરમાં પ્રકાશિત થાય છે. જે ભાવે, જેમના દ્વારા જેટલા શક્ય હોય તેટલાં પ્રકાશિત થાય છે. બધા જ ગુરુ જો કે સમાન હોતા નથી. તેમની શક્તિમાં અનેક પ્રકારનો તફાવત હોય છે. ભગવાન જેમને જેટલી શક્તિ આપે છે તેટલી જ શક્તિ તેઓ પ્રકાશિત કરી શકે છે. અને તે તેઓ પ્રગટ કરે છે. ભગવાનની કૃપા વડે અથવા ભગવાનની ઇચ્છા અનુસાર આદેશ પ્રાપ્ત કરવાની વાતનો અર્થ એવો નથી કે ભગવાન સ્વયં આવીને આદેશ આપે કે ‘તું મંત્ર આપ, તું આ કામ કર’ પરંતુ ગુરુના મનમાં ક્યારેય એવી અનુભૂતિ જાગે કે મારા થકી આ કામ કરવાનું શક્ય છે અને બીજા પણ દશ જણ ઇચ્છે કે હું આ કામ કરું તો આ કામ કઈ રીતે હું કરીશ? હું ભગવાનનો દાસ થઈને કરીશ. આમ હું પોતે શિષ્યને કંઈક આપું છું – એવું નથી. બીજાઓની પાસે ‘ઇતિ શુશ્રુમ – ધીરાણામ્ યે નસ્તદ્વિચક્ષિરે’ અમે જે રીતે જે વાત સાંભળતા આવ્યા છીએ, બરાબર એ જ રીતે એ બધી વાતો ફરીથી બીજાઓને કહી રહ્યા છીએ. ઠાકુરે કહ્યું હતું, ‘અભિમાન ન હોય એટલે બસ. હું લેક્ચર આપું છું, હું મંત્ર આપું છું – આવા પ્રકારનો અહંકાર ન હોય એટલે બસ.’

શિષ્યનું કર્તવ્ય :

ત્યારે હવે શિષ્યનો ભાવ કેવો હશે? શિષ્ય ગુરુને ઇશ્વરીય ભાવના પ્રકટિત રૂપે જ જોશે. મંત્રમાં પણ એ જ કહ્યું છે – गुरुर्बह्मा, गुरुर्विष्णु, गुरुर्देवो महेश्वरः! गुरुदेव परब्रह्म तस्मै श्रीगुरुवे नमः! अज्ञान तिमिरान्धस्य ज्ञानांजनशलाकया, चक्षुरुन्मीलितं येन तस्मे श्रीगुरुवे नम: ગુરુને બ્રહ્મા, વિષ્ણુ ઇત્યાદિ કહેવામાં આવ્યા છે. તેઓ જ્ઞાનરૂપી શલાકા દ્વારા ચક્ષુ ઉન્મીલિત કરે છે; આપણી સમક્ષ જ્ઞાનલાભનો પથ ખોલી આપે છે. શિષ્ય ગુરુને ક્યા ભાવે ગ્રહણ કરશે? ઠાકુરે એક ઠેકાણે કહ્યું છે : ‘જો મારા ગુરુ શરાબખાને જાય, તો પણ મારા ગુરુ નિત્યાનંદ રાય.’ શિષ્ય ગુરુ પ્રતિ જે દૃષ્ટિનું અવલંબન કરશે એ છે તેની Subjective તેની પોતાની અંગત દૃષ્ટિ. જેમ કહેવાયું હતું કે ‘મેં તને મંત્ર આપ્યો, હવે મન તારું.’ શિષ્ય શું માત્ર ગુરુના શરીરને જ જોશે કે ગુરુના આચરણને જોશે? અથવા તો ગુરુ પાસેથી જે મંત્ર તેણે મેળવ્યો, તેના અર્થ પ્રત્યે દૃષ્ટિ રાખશે? કે જે ભગવાનની વાત તેમણે કહી હોય તે ભગવાનને સમજવા માટે પ્રયત્ન કરશે, તેને પ્રેમ કરવા માટે પ્રયાસ કરશે? શાસ્ત્રકારોએ કહ્યું છે તેમ, જે ગુરુ પાસેથી તમે મંત્રલાભ કર્યો છે તે ગુરુની સમાલોચના કરવી બરાબર નથી. શિષ્યે અગાઉ ગુરુને ચકાસીને જ ગુરુ કર્યા છે. હવે તેમની પાસેથી જે મંત્ર મેળવ્યો છે તે જ થઇ શિષ્યની પોતાની સંપત્તિ તેનો જ ઉપયોગ કરવો પડશે. શિષ્ય ગુરુની અંદર શું જુએ છે? એ જ આદિગુરુ અથવા ભગવાન જે મનુષ્યના હૃદયમાંથી સમસ્ત મનુષ્યજાતને પરિચાલિત કરે છે. ગુરુને ય તેઓ જ પરિચાલિત કરે છે. શિષ્યને પણ તેઓ જ પરિચાલિત કરે છે.

તો પછી ધર્મ જંગલમાં એકમાત્ર મહત્ત્વની વાત થઈ ભગવાન. ભગવાન પ્રતિ પ્રેમ, પ્રીતિ, ચાહના, ભગવાનને જાણવાનો ઉપાય વગેરે માટે સાધના કરવી. આ જ થઈ મહત્ત્વની વાત. ગુરુનું બાહ્ય રૂપ, ગુણ, આચાર વગેરે જોવું અને એ બધું લઈને આલોચના કરવી એ શિષ્યનું કર્તવ્ય નથી, તેનું પ્રયોજન પણ નથી. શિષ્યનો ભાવ એવો જ રહેશે કે તે ગુરુ પાસેથી જે પામ્યો એ સારવસ્તુને ગ્રહણ કરીને, એને જ જીવનમાં પ્રતિફલિત કરવી. કોણ કેટલું જીવનમાં ગ્રહણ કરી શકશે, એ બધું શિષ્યના પોતાના વિશ્વાસ ઉપર નિર્ભર રહેશે અને તેની શક્તિ ઉપર આધારિત રહેશે. શિષ્યે પોતાની સામાજિક અને પારિવારિક અવસ્થાની વાતનોય વિચાર કરવો પડશે. આ સર્વની ભીતર થઈને શિષ્યે આગળ પ્રયાણ કરવું પડશે. તેણે પોતાના મન વગેરેની સાથે સંઘર્ષ કરવો પડશે. થોડી સાધના કરતાં જ મનમાં પ્રશ્ન જાગશે કે આ આટલું બધું તો કર્યું છતાં કોઈ ફળ કેમ મળતું નથી? અહીં એક વાત યાદ આવે છે – એક સાધુએ માને પત્ર લખી પ્રશ્ન કર્યો, ‘મા, આટલા દિવસોથી ઠાકુરને પોકારું છું, અને એને માટે ધ્યાન વગેરે કરું છું, છતાં કાંઈ મળ્યું તો નહિ?’ પત્ર સાંભળીને માએ કહ્યું. ‘એને લખી દો, તારું કામ છે ભગવાનને પોકારવાનું. તું સાધુ થયો છે તેને પોકારવા માટે. ભગવાન ક્યારે આવશે કે નહિ આવે તે તેની મરજી. જે શિષ્ય થયો છે તે ભગવાનને પ્રાપ્ત કરવા માટે જ. જો તે હતાશ થઈ જાય કે ભગવાન તો મને મળ્યા નહિ, તો પછી મંત્ર લઈને શો લાભ? ગુરુ કરવાથી શું વળ્યું? આનું નામ જ ઉતાવળાપણું. એ કોના જેવું થયું? જેવી રીતે નાનું બાળક છોડ વાવે છે. વાવીને થોડી ક્ષણો પછી એને ખેંચીને જુએ કે એમાં અંકુર ફૂટ્યો કે નહિ? આમ કરવાથી તો તે છોડ જ મરી જશે. એ જ પ્રમાણે અસલ વાત છે સાધના ‘જેવી સાધના તેવી સિદ્ધિ’ – સાધના જ થઈ અસલ વસ્તુ. સાધના જો બરાબર હોય તો સિદ્ધિ આપોઆપ આવવાની જ.

આ થયું શિષ્યનું કર્તવ્ય. અમુક ગુરુ મોટા અમુક નાના વગેરે આલોચના કરવી નહિ. જેને આપણે સાધારણભાવે ગુરુ શક્તિ માની લઈએ છીએ તે ભગવત્ શક્તિનો જ એક વિકાસ છે. ગુરુના બાહ્ય આચારો વગેરે ગુરુ નથી, એની અંદર ભગવાનની જે શક્તિ હોય છે એ શક્તિનો જ હું ‘ગુરુ’ કહીને સ્વીકાર કરું છું અને એ જ શક્તિને હું પ્રણામ કરીને બોલું છું – ‘ગુરુબ્રહ્મા, ગુરુર્વિષ્ણુ,’ વગેરે. શરીરને નહિ તેમ તેમના મનનેય નહિ, તેમના આચરણને ય નહિ અને તેમની સામાજિક અવસ્થાને ય નહિ, કે એવા કોઈનેય નહિ; પણ તેમની ભીતર જે ભગવાન રહ્યા છે તેનો જ હું ‘ગુરુ’ બોલીને સ્વીકાર કરું છું તથા તેમની પાસે પ્રાર્થના કરું છું કે જેના વડે તેઓ મારું મંગલ કરે. આ જ હશે શિષ્યનો યોગ્ય મનોભાવ.

ભાષાંતરકાર : શારદાબહેન ગોરડિયા, અમદાવાદ

Total Views: 188

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.