શ્રી ઇ. પી. ચેલીશેવ સોવિયત રશિયાના જાણીતા તજ્જ્ઞ છે અને વિવેકાનંદ સોસાયટી, મોસ્કોના અધ્યક્ષ છે. તેમના આ લેખનો પ્રથમ અંશ જૂનના અંકમાં આપવામાં આવ્યો હતો. અહીં બાકીનો અંશ રજૂ કરીએ છીએ.

(ગતાંકથી આગળ)

મારા મત મુજબ, ભારતમાં થોડાઘણાં મહાપુરુષો માંહેના સ્વામી વિવેકાનંદ પણ એક એવા મહાપુરુષ હતા જેમણે ભારતનાં જનસામાન્યની ચિંતા કરી તેમના તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું અને તત્કાલીન ભારતીય જનતાનાં મહાકાય પ્રશ્નોને હાથ ધર્યા. તેમણે કહ્યું : ‘હું તો માનું છું કે દેશની ગરીબ જનતાની ઉપેક્ષા એ રાષ્ટ્રીય પાપ છે. અને એ જ આપણા વિનિપાતનું કારણ છે. તેઓ ભદ્ર સમાજનાં લોકો માટે આર્થિક બોજ સહન કરે છે. આપણાં મંદિરો બાંધી આપે છે. પણ વળતરમાં એમને શું મળે છે? કશું જ નહીં, તેઓ તો ખરેખર આપણાં ગુલામો જ છે. ભારતનો ભાગ્યોદય કરવો હોય તો આપણે તેઓ માટે તનતોડ મહેનત કરવી પડશે.’

એ સમયના ઘણા ઉદાર સમાજસુધારકોની માફક વિવેકાનંદે ભારતની ભીંસાયેલી જનતા માટે માત્ર દયા અને સહાનુભૂતિ જ પ્રકટ ન કરી, પરંતુ તેમણે ઉપરછલ્લી અને અપૂરતી સેવાની આકરી ટીકા કરી. સંસ્થાનવાદીઓ પાસે સામાજિક, રાજકીય અને મુખ્ય પ્રશ્નોના ઉકેલની કૃપા યાચતા અને અધકચરા ઉપાયો યોજતા સુધારકો સામે એમનો પુણ્યપ્રકોપ પ્રકટી ઊઠ્યો : ‘તમે સમાજસેવાની વાતો જ કરો છો કે બીજું કાંઈ? તમારી સમાજસેવા એ વિધવા લગ્ન કે સ્ત્રીમુક્તિ આંદોલન સિવાય બીજું છે શું? આ જાતની સેવા પાંચ પંદરનું ભલું કરે, પણ આખા રાષ્ટ્રનું શું?’

મર્યાદિત ક્ષેત્રનાં લોકોને અસર કરતા અને અધકચરા સુધારાને બદલે વિવેકાનંદે ‘સમસ્ત જન – સમાજનું સંપૂર્ણ પરિવર્તન’ એ વાત પર ભાર મૂક્યો. તેમણે ભારપૂર્વક ભારતની પીડિત જનતાનાં અધિકારો પર ભાર મૂક્યો તેઓ કોઈ પણ સમાજ સુધારકથી વધુ મોટા સુધારક હતાં તેમ છાતી ઠોકીને કહ્યું. તેઓ માત્ર મર્યાદિત સુધારાઓ ઉપર ભાર મૂકતા હતા જ્યારે સ્વામીજી ક્રાંતિકારી ફેરફારો કરવા માગતા હતા.

વિવેકાનંદ જ્યારે મૂળગામી પરિવર્તનની વાત કરે છે ત્યારે સમાજમાં ક્રાંતિકારી ફેરફાર પર વિશેષ ભાર મૂકે છે. આનો અર્થ એ થયો કે સમાજસુધારક કરતાં વિવેકાનંદ વિશેષ ક્રાંતિકારી હતા, રાષ્ટ્રનાં ઐતિહાસિક વિકાસમાં જનસમાજે શો ભાગ ભજવ્યો હતો તેનાથી સાહજિક રીતે તેઓ પરિચિત હતા. ક્ષત્રિયોની સત્તા અને વૈશ્યોની સંપત્તિ એ શુદ્રની કાળી મજૂરીને આભારી છે, એમ સ્વામીજી હૃદયથી માનતા હતા. કોઈપણ સમાજના ઘડતરમાં શુદ્રોનો ફાળો સૌથી વિશેષ રહેવાનો.

તેમણે સામાજિક વિષમતાની સમસ્યાઓનાં ઉકેલ માટે ધનિક વર્ગમાં શ્રદ્ધા મૂકી અને તેમની દિલાવરી પર વિશ્વાસ રાખ્યો. જે લોકોએ મજદૂરોના લોહીને ભોગે કેળવણી લીધી છે અને સંપત્તિ એકઠી કરી છે તેઓ જો શ્રમિકોને જ ભૂલી જાય તો એમના જેવા દેશદ્રોહી બીજા કોઈ ન ગણાય એમ સ્વામીજી માનતા. ‘લાંબા સમય સુધી સહન કરતા આવતા જનસમાજનાં આ ગરીબ વર્ગને ત્રાસ આપવામાં તમે બાકી નથી રાખ્યું. હવે બદલો લેવાનો એમનો વારો છે.’

કામના આ તકાદાને સ્વામીજી સમજી શક્યા. કાળી મજૂરી કરતો આ વર્ગ પોતાના અધિકારો મેળવવા બેઠો થઈ રહ્યો હતો તે એમની જાણ બહાર નહોતું. નીચલા વર્ગના લોકો ધીમે ધીમે કાયદેસરના અધિકારો પ્રાપ્ત કરવા માટે જાગૃત બની રહ્યા છે. અમેરિકા અને યુરોપના કારીગરો જ્યારે પોતાના અધિકારો માટે લડતા હોય તો આપણા કારીગરો કેમ પાછળ રહી શકે? ‘દેશભરમાં વારંવાર પડતી હડતાલો પરથી જ આપણને લોક જાગૃતિનો ખ્યાલ આવે છે.’

આ બધી પ્રવૃત્તિઓને પરિણામે વિવેકાનંદને વર્ગવિગ્રહની ઝાંખી થઈ અને સાથોસાથ ઉચ્ચવર્ગનાં લોકો સ્વૈચ્છિક રીતે પોતાના દૈવી અધિકાર છોડી વર્ગભેદ દૂર કરી સમાનતાની ભૂમિકા ઉપર સમાધાન કરે એની કલ્પના પણ કરી. ‘જ્યારે ભૂખ્યાજનો જાગશે અને તમે ગુજારેલા આતંકથી પરિચિત થશે. ત્યારે ઘડીના છઠ્ઠાભાગમાં એક ફૂંક માત્રથી તમને ઉડાડી મૂકશે. સંસ્કૃતિને ખડી પણ તેમણે કરી છે અને સંસ્કૃતિનો ધ્વંસ પણ તે જ કરશે. તેથી જ હું કહું છું કે આ લોકોને, શિક્ષિત બનાવો. સભ્ય બનાવો તેમને પ્રમાદમાંથી ઊંઘમાંથી બેઠા કરો, તેઓ જ્યારે જાગૃત બનશે ત્યારે તમે કરેલી એમની સેવાનો બદલો તમને અચૂક આપશે.’

તેમણે સામાજિક અન્યાયની તો ખાલ ઉખેડી નાખી અને સ્વાતંત્ર્ય અને સમાનતાના ઉચ્ચ આદર્શો પર સ્થાપેલ સુસંવાદી સમાજરચનાનું સ્વપ્ન સેવ્યું. એક સમય એવો આવશે, જ્યારે શુદ્ર પોતાની જન્મજાત શક્તિને આધારે સમાજ ઉપર પોતાનું સંપૂર્ણ વર્ચસ્વ જમાવશે. પશ્ચિમની દુનિયા ઉપર આ નવી સત્તાના સૂર્યોદયનું પ્રથમ કિરણ પડી ચૂક્યું છે. અને આ તાજગીભર્યા નવા ચમત્કારિક વિચારનો વિચારકોએ પડઘો પાડવો જ જોઈએ. સમાજવાદ, અરાજકતાવાદ, શૂન્યવાદ કે આવા કોઈ પણ વાદો એ સામાજિક ક્રાંતિના અગ્રણી સૂત્રધારો છે.

વિવેકાનંદનો બીજો મહાન ગુણ એ હતો કે એમણે આંતરસૂઝથી જાણી લીધું કે કારીગરવર્ગ જાગૃત બની રહ્યો છે. તે હિન્દુસ્તાનના સામાજિક વિકાસમાં એક નિર્ણાયક બળ બની રહેશે. તેમણે કહ્યું કે બંગાળનો યુવા વર્ગ કામે લાગશે ત્યારે તેમનાં દેશ બાંધવો વિશેની નિરાશા તદ્દન અદૃશ્ય થઈ જશે. ધીમે ધીમે તેમાં હિંમત, શારીરિક તાકાત, નિર્ભયતા અને શક્તિનાં દર્શન થશે. શેરી વાળવાવાળાને પણ સ્વભાવગત આ અધર્મતાનો ખ્યાલ નહોતો તે પણ આવી રહેલા પરિવર્તનને આશ્ચર્યચકિત બની જોઈ રહ્યો હતો. સમગ્ર દેશને પછાતપણમાંથી મુક્ત કરતો ઔદ્યોગિક વિકાસ અને જાગીરદારી પ્રથામાંથી મુક્ત કરતો ઔદ્યોગિક વિકાસ પણ દેશના હિતમાં જ છે એમ તેઓ માનતા. સાથે સાથે મૂડીવાદી સમાજરચના જે માનવને માત્ર યંત્ર જ બનાવી દે છે એના વિરોધાભાસથી પણ પરિચિત હતા.

વિવેકાનંદજીના સામાજિક ખ્યાલો અને દુનિયા વિષેનો એમનો સર્વાંગીણ ખ્યાલ થોડા સ્પષ્ટ અને સૂક્ષ્મ હોવા છતાં તેઓ ભારપૂર્વક માનતા હતા કે જે લોકો પોતે પોતાનાં ભાગ્યવિધાતા બને છે તેઓ જ સમાજના નવનિર્માણના વિધાયકો બની શકે છે. ભારતની ભૂતકાલીન અસ્મિતા આ લોકો જ ફરી લાવી શકશે એટલા માટે જ તેઓ માનતા હતા કે સુશિક્ષિત લોકોએ આ પછાત લોકોને સભ્ય બનાવવા જોઈએ. તેમનાં હૃદયમાં સત્યનાં જ્ઞાનનાં બીજ વાવવાં જોઈએ. આ બાબતમાં વિવેકાનંદના શૈક્ષણિક વિચારો ટાગોરના શૈક્ષણિક વિચારોનાં વૈશ્વિક દૃષ્ટિકોણ સાથે મળતા આવે છે. વિવેકાનંદ કહેતા, ‘ઘણું નવું નવું શીખવાનું છે. મૃત્યુપર્યંત આપણે નવા અને ઉદાત્ત વિચારો માટે સંઘર્ષ કરવો જોઈએ.’

મારા મત પ્રમાણે વર્ગભેદો દૂર કરવા માટેનો આ પ્રયાસ સંસ્થાનવાદની સામેના સંઘર્ષની જ નીપજ છે. સંસ્થાનવાદના જુલ્મી શાસન દરમિયાન અને રાજકર્તાઓનાં અમાનવીય શોષણ સામે તેમજ લોકોનાં દરજ્જા અને રાષ્ટ્રીય ગૌરવની માનહાનિ રોકવા વિવેકાનંદ પણ અન્ય નેતાઓની માફક હિંમતપૂર્વક બહાર આવ્યા.

સંસ્થાનવાદના જુલ્મ સામેના સંઘર્ષોના ઉકેલ એમને ભારતીય પરંપરાઓમાં અને ખાસ કરીને ધાર્મિક વિચારસરણીમાંથી પ્રાપ્ત થયા. હિન્દુધર્મના ધાર્મિક મતો અને પંથોનું અર્થઘટન એમણે એવી રીતે કર્યું કે જેમાં હિંદુધર્મ જ રાષ્ટ્રના હિતોનું રક્ષણ કરી શકે એમ છે અને રાષ્ટ્રની આઝાદી માટે લોકોને એક કરનારું એ ખરું બળ છે એનો લોકોને ખ્યાલ આવે. તેમણે સ્મિતપૂર્વક જાહેર કર્યું કે માનવ અને સમાજનું રક્ષણ કરનારું અને લોકોને શાંતિ આપનારું એ રસાયણ છે. આપણી પવિત્ર પરંપરા અને આપણો ધર્મ એ સૌને એકસૂત્ર વડે બાંધનારું પરિબળ છે. એ એક જ સમાન ભૂમિકા છે અને એના ઉપર જ રાષ્ટ્રનિર્માણની ઇમારત ચણી શકાશે. સાથે સાથે એ પણ નોંધવું જોઈએ કે વિશ્વ તરફનો એમનો દૃષ્ટિકોણ આદર્શવાદી હતો; છતાં ધર્માંધતાથી તેઓ હંમેશાં દૂર રહ્યા. તેઓ તો ઇચ્છતા હતા કે લોકો ગમાર વહેમી બને એનાં કરતાં હાડોહાડ નાસ્તિક બને એ વધુ સારું, કારણ કે અંધશ્રદ્ધા કે વહેમ એ તો કાયરતાની નિશાની છે.

ગુલામીમાંથી મુક્ત થવા માટે જે પ્રતિજ્ઞા લેવાની છે તેમાં તેઓ પોતાના દેશબાંધવો પાસે મજબૂત હિંમતવાન દેશાભિમાન ધરાવતા અને સ્વાતંત્ર્યપ્રેમી બનવાનો આગ્રહ રાખતા : ‘(તમારા) રાષ્ટ્રને વીરપુરુષોની જરૂર છે. વીર બનો. ખડકની જેમ અડીખમ ઊભા રહો. સત્યનો સદા જય થાય છે. તાકાત એ જીવન છે, નિર્બળતા એ મૃત્યુ છે. શક્તિ એ પરમાનંદ છે શાશ્વત જીવન છે. અમર છે. નબળાઈ એ કાયમી તનાવ છે, દુ:ખ છે. આપણે દુ:ખી છીએ કારણ કે, આપણે નબળા છીએ.’

સંસ્થાનવાદે ઊભી કરેલી ગુલામી, ગરીબી અને અજ્ઞાનતાનાં અંધકારમાંથી લોકોને બહાર લાવવા માટે તેમ જ સમગ્ર દેશને પ્રગતિને પંથે લઈ જવા માટે અને રચનાત્મક ક્ષેત્રે ઘણું બધું કરવા માટે આજે પણ વિવેકાનંદજીનાં આહ્‌વાનનું મહત્ત્વ હજુ જરા પણ ઘટ્યું નથી. તેમણે કહ્યું ‘મહાન કાર્યોમાં સફળતા મહાન મુશ્કેલીઓ દ્વારા જ પામી શકાય છે. આગળ વધો. આપણે અનંત શક્તિ, અનંત ખંત, અનંત હિંમત, અનંત શાંતિ જોઈએ છે. ત્યાર પછી મહાન વસ્તુઓ પ્રાપ્ત કરી શકાશે.’

સંસ્થાનવાદની ગુલામીમાં નિસાસા નાખતા લોકોને વિવેકાનંદે હિંમતવાન અને મજબૂત બનવાનું કહ્યું. દૈવીકૃપા પર આધાર ન રાખતાં આત્મનિર્ભર બનવાનું કહ્યું એ કંઈ ઓછી વાત ન ગણાય. પ્રાચીન ધર્મ કહેતો : ‘જેને ઈશ્વરમાં શ્રદ્ધા નથી એ નાસ્તિક છે. અર્વાચીન ધર્મ કહે છે, જેને પોતાની જાતમાં શ્રદ્વા નથી, તે નાસ્તિક છે, ઊભા થાઓ હિંમતવાન બનો, મજબૂત બનો, બધી જવાબદારી તમારા ખભા પર ઉઠાવો અને તમારા ભાગ્યવિધાતા તમે જ બનો.’

આ બધાં આહ્‌વાનો પરથી આપણે કહી શકીએ કે સ્વામીજી સંસ્થાનવાદ સામેના મુખ્ય લડવૈયા હતા.

સમગ્ર ભારતમાં સત્યનો આ અવાજ ચારે બાજુ પડઘાતો રહ્યો. તેમણે આંસુ, દુ:ખ, ભૂખમરો અને પોતાનાં જ ભાઈઓ બહેનોનાં કમોત જોયાં. ભારતના કરોડો ગરીબ લોકોની બદનસીબી સંસ્થાનવાદને આભારી છે તેનો તેને ખ્યાલ આવ્યો. ભારતમાં બનતા માલસામાનનો જો નિકાસ કરવામાં ન આવે તો અત્યારે છે એનાથી પાંચગણી વસ્તીને કશો જ વાંધો ન આવે. આંતકવાદી પદ્ધતિથી ભારતમાં રાજ્ય કરવામાં આવે છે બ્રિટીશ સૈનિકો ભારતીય પુરુષોને મારી નાખે, સ્ત્રીઓ ઉપર અત્યાચારો કરે અને છતાં ભારતને ભોગે, આરામથી પોતાના દેશમાં જઈ પેન્શન ભોગવે. એમના મત પ્રમાણે નીચલા થરના લોકો જે ભારતનું ભલું કરી શકશે. પ્રજાનો ઉપલો વર્ગ તો શરીરથી અને નૈતિક રીતે મરી જ ચૂક્યો છે.

વિવેકાનંદ પોતાની માતૃભૂમિને અને લોકોને અનહદ ચાહતા અને ત્યાં જ એમની દેશભક્તિનો આપણને ખ્યાલ આવે છે. માતૃભૂમિની વેદી ઉપર તેમણે પોતાના નિ:સ્વાર્થ જીવનનું બલિદાન આપેલું.

પશ્ચિમના ઝાકઝમાળથી તેઓ અંજાયા નહીં. પશ્ચિમની બહારથી ચમકતી સંસ્કૃતિની ભીતર શું પડેલું છે તેનો તેમને પૂરો ખ્યાલ હતો. વિવેકાનંદે હિંમતપૂર્વક ત્યાંનાં સાંકડા રાષ્ટ્રવાદને, મૂડીવાદી હરીફાઈને નફા માટેની ગાંડી દોટને, શોષણખોરોને, શોષિતપ્રજાની બહાલીને અને હિંસાને ખૂલ્લાં પાડ્યાં છે.

પશ્ચિમની આંજી દેતી સંસ્કૃતિના પ્રશંસકો એવા તત્કાલીન ભારતીય નેતાઓથી સ્વામીજી જુદા પડતા હતા. તેઓ સામ્રાજ્યવાદી સ્વાતંત્ર્ય અને લોકશાહીથી પૂરા પરિચિત હતા ‘જેઓની પાસે ધન છે તેઓ સરકારની ઉપર આધિપત્ય ભોગવે છે તેઓ ઉઘાડી લૂંટ ચલાવે છે, ગરીબ લોકોને સૈનિકો તરીકે પરદેશની ભૂમિ ઉપર લડવા મોકલે છે, મરવા મોકલે છે. અને તેના બદલામાં સોનાના ઢગલા મેળવે છે. બંધારણીય સરકાર, સ્વાતંત્ર લોકસત્તા આ બધાં નામો તો માત્ર હાંસી જ છે.’

વિવેકાનંદે અમારા રાષ્ટ્રની મુલાકાત લીધી નથી. અલબત્ત એવી માહિતી છે કે રશિયા છોડીને અન્ય દેશોમાં વસેલા રશિયાના ક્રાંતિવીરોને તેઓ મળેલા. આ ક્રાંતિવીરોમાં ક્રોપોટકીનનો પણ સમાવેશ થાય છે. અલબત્ત એ લોકો વચ્ચેનો વાર્તાલાપ ક્યાંય નોંધાયો નથી. એ આપણી કમનસીબી ગણાય. તેમણે તો ભવિષ્ય ભાખેલું કે સમગ્ર વિશ્વમાં જે નવયુગ મંડાણ થઈ રહ્યાં છે તેની નેતાગીરી રશિયા અથવા ચીન પૂરી પાડશે. વિવેકાનંદની પ્રતિભા વિષે ખૂબ ખૂબ લખાયું છે. વિચારાયું પણ છે. મારા મત મુજબ જે બે તદ્દન વિરોધાભાસી મતો છે તેનો જ હું ઉલ્લેખ કરીશ.

એક મત પ્રમાણે વિવેકાનંદ માત્ર આદર્શવાદી ફિલસૂફ જ છે. એક રહસ્યવાદી ધાર્મિક નેતા જ છે. આ લોકો વિવેકાનંદની અપ્રાકૃત દૈવીપ્રતિભા પર જ ભાર મૂકે છે. સ્વામી અભેદાનંદ કહે છે કે ‘વિવેકાનંદ સત્યના ઉદ્‌ગાતા હતા અને ક્ષિતિજ પર દેખાતા વિરાટ ધૂમકેતુ હતા.’

બીજો મત વિવેકાનંદને માર્ક્સિસ્ટ માનતો હતો. ભૂપેન્દ્રનાથ દત્ત કહે છે કે ‘વિવેકાનંદના વિચારોમાં માકર્સ જ ભર્યો છે એવો ખ્યાલ માર્ક્સિસ્ટ લોકોને આવશે ત્યારે આશ્ચર્યમૂઢ બની જશે.’ મારા મત મુજબ આ બન્ને અંતિમ છેડાના મતો વ્યાજબી નથી

વિવેકાનંદનો વિશ્વવ્યાપી દૃષ્ટિકોણ ભારતીય સમાજની તત્કાલીન રાજકીય, સામાજિક અને આર્થિક પરિપ્રેક્ષ્યમાં મૂલવવો જોઈએ. પ્રગતિને પંથે આગળ વધતા ભારતના બુદ્ધિજીવીઓના વિરોધાભાસી વિચારો એમાં પ્રતિબિંબિત થાય છે. જે બુદ્ધિજીવીઓ રાષ્ટ્રના મુક્તિ આંદોલનમાં સક્રિય હતા પણ તેમની પાસે સ્પષ્ટ દર્શન નહોતું.

ભારતની સામાજિક વિચારસરણીનાં વિકાસમાં વિવેકાનંદ ક્યાં ખડા છે એ જાણવા માટે રાજા રામમોહન રોય દ્વારા શરૂ કરાયેલ ધાર્મિક અને સામાજિક સુધારણા અભિયાનનો અભ્યાસ કરવો જોઈએ.

વિવેકાનંદ વિષે તો ફક્ત એક બાજુનો જ અભ્યાસ આપણને ખોટા નિર્ણય ભણી દોરી જશે. ૧૯મી વીસમી સદીના સંધિકાળનો સામાજિક વિકાસનો આ અભ્યાસ છે.

રશિયામાં ટોલ્સ્ટોય વિશે પણ આમ જ બનેલું પછી જ્યારે જે. આઈ. લેનીને ટોલ્સ્ટોયનાં વિરોધાભાસી સ્વભાવ વિષે લખ્યું ત્યારે જ ટોલ્સ્ટોયના વિશ્વ દૃષ્ટિકોણનો ખરો ખ્યાલ લોકોને આવ્યો.

મારા મત પ્રમાણે વિવેકાનંદે ભારતનું ભાગ્ય ઘડવામાં જે ભાગ ભજવ્યો છે. તેમાં પ્રણાલિકાગત વિચારસરણી અને નૂતન વિચારસરણીના સંદર્ભમાં વિવેકાનંદ શું કહે છે તે જાણ્યા પછી જ આપણે તેનો ખ્યાલ મેળવી શકીએ.

તેમની ઐતિહાસિક સિદ્ધિ એ છે કે રાષ્ટ્રીય જાગૃતિના એ યુગનાં તેઓ પ્રથમ દૃષ્ટા હતા, જેમણે ખુલ્લી રીતે અને જાહેરમાં ભારતનાં નવનિર્માણના આંદોલનનું આહ્‌વાન આપ્યું.

ભારત એક ખોજમાં પંડિત જવાહરલાલ નેહરુ પણ વિવેકાનંદના આ અભિયાનને પૂરો ન્યાય આપે છે અને તેમના પૂર્ણ વસ્તુલક્ષી પૃથક્કરણનો સ્વીકાર કરે છે.

વિવેકાનંદના જીવન વિશે ઘણું ઘણું કહેવાશે અને ઘણું ઘણું લખાશે. તેમનાં વૈશ્વિક દૃષ્ટિકોણ વિશે ઘણી ચર્ચાવિચારણા પણ થશે. આ મહાન દેશભક્ત વિષે આમ થવું જરૂરી પણ છે.

વરસો વીતી જશે પેઢીઓ કાળની ગોદમાં સમાઈ જશે. વિવેકાનંદ અતીતનું સંભારણું બની જશે. પરંતુ ભારતમાતાનાં સંતાનોનું કલ્યાણ કરવાનું જેમણે જીવનભર સ્વપ્ન સેવ્યું, લોકજાગૃતિ માટે જેમણે એક અભિયાન શરૂ કર્યું અને લોકોને જંગાલિયત અને અન્યાયથી બચાવવા તનતોડ મહેનત કરી એવા આ મહામાનવની સ્મૃતિ ક્યારેય ઝંખવાશે નહીં. પર્વતોની હારમાળા જેમ ખીણનું ખરાબ હવામાન કે તૂફાનથી રક્ષણ કરે છે, તેમ સ્વામીજી પણ પોતાના દેશ માટે નિ:સ્વાર્થ ભાવે હિંમતથી લડ્યા, રશિયામાં પ્રાપ્ય સ્વામીજીનાં લખાણો વાંચીને રશિયાની પ્રજા પણ ભારતની પ્રજા સાથે આ મહાન દેશભક્ત માનવતાવાદી અને લોકશાહીના પુરસ્કર્તા સ્વામી વિવેકાનંદની સ્મૃતિ તાજી કરીને તેમને સ્મરણાંજલિ અર્પે છે.

ભાષાંતરકાર : શ્રી કાન્તિકુમાર જે. જોષી

Total Views: 207

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.