ભારતીય માનસ પ્રથમ ધાર્મિક છે, તે પછી બીજું બધું છે. આપણું જીવન-રક્ત આધ્યાત્મિકતા છે. તે જો નિર્મળ હશે; જો તે સશક્ત, શુદ્ધ અને જોમવાન રહેતું હશે, તો બધું યથાસ્થાન રહેશે; રાજકીય, સામાજિક કે અન્ય કોઈ ભૌતિક ક્ષતિઓ, દેશની ગરીબાઈ સુધ્ધાં, જો લોહી શુદ્ધિ હશે, તો તે બધાનું શમન થશે. નવી પદ્ધતિ કેટલો વધુ આધ્યાત્મિક વિકાસ સાધી શકશે એ બતાવીને જ ભારતમાં સામાજિક સુધારાનો ઉપદેશ આપવો ઘટે; રાષ્ટ્રને જોઈએ છે એ તેની આધ્યાત્મિકતાને કેટલી વધુ ઉન્નત કરશે તે સિદ્ધ કરીને જ રાજનીતિનો ઉપદેશ આપવો ઘટે.

પ્રત્યેક બાબત એવો નિર્દેશ કરી રહી છે કે સમાજવાદ અથવા કોઈ પદ્ધતિનું લોકશાસન, તમારે જે કહેવું હોય, તે કહો, પ્રત્યક્ષ આવી રહ્યું છે. લોકો નિશ્ચિત રીતે પોતાની ભૌતિક જરૂરિયાતોની સંપુષ્ટિ, ઓછું કામ, દમનબંધી, યુદ્ધબંધી, વધુ અનાજ માગવાના છે. આજની કે આવતીકાલની કોઈ પણ સંસ્કૃતિ મનુષ્યની સારપ અને ધર્મની બુનિયાદ પર આધારિત નહિ હોય, તો તે ટકી રહેશે એની શી ખાતરી છે? કેવળ આધ્યાત્મિક વિદ્યા જ આપણાં સર્વ દુ:ખ હંમેશને માટે દૂર કરી શકે, અન્ય કોઈપણ વિદ્યા આપણી જરૂરિયાત ફક્ત થોડા સમય પૂરતી જ સંતોષી શકે.

એટલે આપણું ધ્યેય છે કે ચાંડાલ સુધીના એકેએક જનને ધર્મ, અર્થ, કામ, મોક્ષ (સદ્‌ગુણ, સંપત્તિ, નીતિસંગત ભોગ અને મુક્તિ) પ્રાપ્ત કરવા મદદ કરવી રહી. તમારી સમક્ષ આ મુદ્રાલેખ રાખો, ધર્મને હાનિ પહોંચાડ્યા વિના જનતાની ઉન્નતિ.

એક બીજો બોધપાઠ આપણે યાદ રાખવાનો છે; અનુકરણ એ સંસ્કરણ નથી. અનુકરણ, કાયરતાપૂર્ણ અનુકરણ કદી પ્રગતિનું સ્થાન લઈ શકે નહિ. એ તો સાચોસાચ માણસની ભયંકર અધોગતિની નિશાની છે. બીજાઓ પાસેથી અવશ્ય આપણે ઘણી બાબતો શીખવાની છે, અરે! જે માણસ શીખવાનો ઇન્કાર કરે છે, તે મરી ચૂકેલો જ છે. જે માણસ પાસેથી જે કંઈ સારું હોય, તે બધું ભલે શીખો, પરંતુ તેને જીવનમાં ઉતારો અને તમારી પોતાની રીતે પચાવો; તમે બીજાની નકલ ન બની જાઓ. ભારતીય જીવનપ્રવાહથી વિમુખ ન બનો; એક ક્ષણ માટે પણ એવું ન ધારી લ્યો કે બધાં હિન્દીઓ ખાવા-પીવામાં, પહેરવેશમાં અને વર્તનમાં બીજી પ્રજાઓનું અનુકરણ કરે તે ભારતને માટે વધુ સારું છે.

માટે બની શકે તેટલો પાછળ દ્રષ્ટિપાત કરો. ભૂતકાળના સનાતન ઝરણાંઓમાંથી આકંઠ જળપાન કરી લ્યો, ત્યાર પછી આગે નજર કરો, આગેકૂચ કરો અને ભારત પૂર્વે હતું તેના કરતાં વધુ ઉજ્જવળ, વધુ મહાન અને વધુ ઉન્નત બનાવો.

-સ્વામી વિવેકાનંદ

[‘કરીએ પુનર્નિર્માણ ભારતનું’ (૧૯૮૫) પૃ.સં. ૨૨-૨૩]

Total Views: 172

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.