કલકત્તા યુનિવર્સિટીના ‘ડિપાર્ટમેન્ટ ઓફ મોડર્ન ઈંડિયન લેંગ્વેજીઝ્‌’ના વડા પ્રો. શંકરીપ્રસાદ બસુ ‘સ્વામી વિવેકાનંદ-ઓ-સમકાલીન ભારતવર્ષ’ (બંગાળી. સાત ભાગમાં)ના લેખક છે. એ ગ્રંથ સ્વામીજી અને તત્કાલીન ભારત વિશેનો એક અવિસ્મરણીય આકર ગ્રંથ છે. પ્રભાવશાળી વક્તા અને વિપુલ લેખક, પ્રો. બસુએ સ્વામીજી અને સિસ્ટર નિવેદિતા વિશે બીજાં કેટલાક પુસ્તકો પણ લખ્યા છે.

(ગતાંકથી આગળ)

એની બેસંટે ભારતમાં ઘણા અને વિવિધ ભાગ ભજવ્યા હતા. થિયોસોફિકલ સોસાયટીના ધાર્મિક અધ્યક્ષથી માંડીને હોમરૂલ આંદોલનના રાજકીય નેતા સુધી અનેક ભાગ તેમણે ભજવ્યા હતા. ૧૯૧૫માં પ્રકાશિત થયેલા તેમના વિખ્યાત પુસ્તક; ‘અ પ્લી ફોર ઈંડિયન સેલ્ફ-ગવર્નમેન્ટ’માં તેમણે ખુલ્લે આમ કહ્યું હતું કે, ‘સ્વામી વિવેકાનંદે રાષ્ટ્રીયતાની સૌથી પ્રબળ સંવેદના જગવી હતી.’

ગાંધીજીની અસહકારની ચળવળમાં જોડાઈ એના એક સહનેતા બનનાર અને ગાંધીશૈલીથી જુદા પડી મોતીલાલ નેહરુ સાથે સ્વરાજ્ય પાર્ટી સ્થાપનાર મહાન માનવતાવાદી દેશબંધુ ચિત્તરંજનદાસ ૧૯૨૩થી ૧૯૨૫ના ગાળામાં ભારતીય રાજકારણના મોભી બન્યા હતા (આ વાત માત્ર સુભાષચન્દ્ર બોઝે જ નહીં પણ તત્કાલીન ગવર્નર જનરલ લોર્ડ રીડિંગે પણ પોતાના ખાનગી પત્રવ્યવહારમાં કહી હતી). તેઓ શ્રીરામકૃષ્ણ અને વિવેકાનંદના પ્રત્યક્ષ પરિચયમાં આવ્યા હતા. (‘વિવેકાનંદ મારા ગુરુ હતા,’ એવો એકરાર એમણે મિસ મેક્લેઓડ સમક્ષ કર્યો હતો.) ‘દરિદ્રનારાયણ સેવા’નો આદર્શ એમણે રાજકારણમાં અપનાવ્યો હતો. રાષ્ટ્રીય આંદોલનના મુખ્ય પ્રવાહમાં ખેડૂતો અને કામદારોની શક્તિઓને જોડવાનું એમનું કાર્ય એ આંદોલનમાં તેમના ચિરકાલીન અને મૌલિક ફાળા સમાન હતું. આના મૂળમાં સ્વામી વિવેકાનંદ પાસેથી એમણે લીધેલી પ્રેરણા હતી. ભારતના રાજકારણમાં ભારતીય રીતે તેઓ સમાજવાદી ખ્યાલો ગૂંથવા માગતા હતા અને આ બાબતનો તેમનો પ્રયત્ન પાયાનો હતો. આ સાચું હોય તો, ભારતીય રાજકારણના ક્ષેત્રમાં સ્વામી વિવેકાનંદની અસરનું એક અગત્યનું પાસું તે છતું કરે છે. સુભાષચંદ્રનું અસંદિગ્ધ કથન આ બાબતમાં ટાંકવા જેવું છે :

‘આ સમાજવાદનો જન્મ માકસનાં પુસ્તકોમાંથી નથી થયો. એનું મૂળ ભારતીય વિચારણા અને સંસ્કૃતિમાં છે. લોકશાહીનું જે કથામૃત સ્વામી વિવેકાનંદે ‘ઉપદેશ્યું હતું ને દેશબંધુ દાસનાં લખાણો અને સિદ્ધિઓમાં સંપૂર્ણપણે પ્રગટ થયું હતું.’ દેશબંધુ કહેતા કે, ‘ધરતીને જે ખેડે છે, પોતાના પરસેવા વડે જે આપણો રોટલો ઘડે છે. અને પીસતા દારિદ્રય વચ્ચે રહી જેમણે આપણી સંસ્કૃતિ અને આપણા ધર્મની જ્યોત જલતી રાખી છે, તેઓમાં નારાયણ વસે છે.’

વિપ્લવવાદીઓ : તદ્વિષયક ઐતિહાસિક અહેવાલો, ગુપ્ત સરકારી કાગળો અને વિપ્લવાદી નેતાઓનાં અહેવાલો અને સંસ્મરણોમાં આપણને ક્રાંતિના આંદોલન પર સ્વામી વિવેકાનંદની પ્રચંડ અસર જોવા મળે છે. સ્વામી વિવેકાનંદના લેખો વિપ્લવવાદીઓ ખૂબ વાંચતા; સ્વામીજીનાં લખાણો એમનાં પાઠ્યપુસ્તકો હતાં; રામકૃષ્ણ મિશનના સભ્યોમાંથી ક્રાંતિકારીઓની ભરતી કરવામાં આવતી અને આ હેતુ માટે સ્વામી વિવેકાનંદના જાદુઈ નામનો ઉપયોગ કરવામાં આવતો. સ્વામી વિવેકાનંદનાં લખાણોના કેટલાય ભાગો ઉદ્દામ રાજકારણ માટે વાપરી શકાય તેવા લાગતાં, સ્વામીજીના પત્રો(પત્રાવલી)ના પ્રકાશન અને રામકૃષ્ણમિશન પર પ્રતિબંધ મૂકવાનો વિચાર સરકારે કર્યો હતો. આમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી કારણ કે પોતાના જીવનકાળ દરમિયાન સરકારને મન સ્વામી વિવેકાનંદ શંકાસ્પદ વ્યક્તિ હતા અને એમની ઉપર ઝીણવટભરી નજર રાખવામાં આવતી હતી અને એમને ત્રાસ પણ આપવામાં આવતો હતો. લોર્ડ કાર્માઈક્લે પોનાના દરબાર વ્યાખ્યાનમાં રામકૃષ્ણ મિશન પર ખુલ્લો આક્ષેપ કર્યો હતો અને તેથી મિશનનું અસ્તિત્વ જ ભયમાં આવી ગયું હતું. પોલીસના ખાનગી અહેવાલોમાંથી બે ઉતારા આ પ્રમાણે છે : ‘…વેદાંત સોસાયટીના બોધનું વલણ રાજકારણમાં રાષ્ટ્રીયતાની તરફેણનું છે. સ્વામી વિવેકાનંદ સામાન્યપણે રાજકીય બાબતોથી દૂર રહેતા પરંતુ, ઘણા હિન્દુ રાષ્ટ્રવાદીઓ તેમને પોતાના ગુરુ માને છે.’

‘બહુ જ થોડા ફેરફાર સાથે (વિવેકાનંદનાં) આ વચનો અરવિંદ ઘોષ જેવા આદર્શવાદી ક્રાંતિકારીના હાથમાં શક્તિશાળી શસ્ત્ર બની શકે છે તે સુસ્પષ્ટ છે. …સ્વામી વિવેકાનંદનાં લખાણોની કેટલીએ કંડિકાઓ વિદ્રોહથી ગર્ભિત છે; અનિષ્ટ માટેની એમની પ્રચ્છન્ન શક્તિ ક્રાંનિકારી પક્ષ બરાબર સમજ્યો છે અને તેણે તેનો લાભ ઉઠાવ્યો છે; મઠમાં કેટલાક જાણીતા રાજકીય નિરાશ્રિતો આશ્રય પામે છે અને પૂર્વ બંગાળમાં ભયજનક વેગથી ખોટા આશ્રમો ફૂટી નીકળ્યા છે જે માત્ર વિપ્લવસિદ્ધાંતોનાં પ્રચાર કેન્દ્રો છે.’

પોતાનાં ભાષણો, લખાણો અને અંગત સંપર્કો દ્વારા ભારતમાં રાષ્ટ્રીયતા જાગ્રત કરવામાં નિવેદિતાએ અગત્યનો ભાગ ભજવ્યો હતો. અને તે પોતે સાથે ખૂબ ઓતપ્રોત થયેલાં હતાં. માનવવાદી અને જાહેર લેખક ડબ્લ્યુ નેવ્હિનસનના ખ્યાલ મુજબ નિવેદિતા સળગતી ‘તલવાર ધારણ કરનાર સૈનિક’ હતાં, અને તેમને માત્ર ‘મુક્તિસંગ્રામ’માં મળી શકાતું. એમનું વર્ણન નેવ્હિનસને આમ કર્યું હતું: ‘દુશ્મનને સામો ઊભેલો જોઈને એમની આંખો પાણીદાર વજ્ર બની જતી અને ક્રોધ હેઠળ ગેરિબાલ્ડીની આંખોની માફક, તેમનો રંગ ઘેરો બની જતો.’

સ્વામીજીના નિધન પછી, ૧૯૦૨ના અંત સમયથી ૧૯૦૫ સુધી નિવેદિતાએ પોતાનાં લખાણો વડે (ભારતના સમાજજીવન, ચિંતન અને સંસ્કૃતિ પર આજ સુધી સર્વોત્તમ ગણાયેલું અસાધારણ પુસ્તક ‘ધ વેબ ઓફ ઈંડિયન લાઈફ’ તેમણે લખ્યું હતું, વિશેષમાં, તખલ્લુસથી કે નામ વિના તેમણે કેટલાય લેખો લખ્યા હતા) અને ભાષણો વડે (એમનાં પ્રેરક વ્યાખ્યાનોને ‘ડાઈનેમાઈટ’ તરીકે વર્ણવાયાં હતાં), અને અંગત સંબંધો વડે (આ સંબંધો તેઓ શી રીતે જાળવતાં, ને બોમ્બ બનાવનાર ક્રાંતિકારી હેમચન્દ્ર કાનુનગોએ વર્ણવ્યું છે) ભારતના રાજકીય અને રાષ્ટ્રીય જીવન પર એવો તો પ્રભાવ પાડ્યો હતો કે ‘સ્ટેટ્સમેન’ના તંત્રી અને પ્રસિદ્ધ સમાજશાસ્ત્રી એસ. કે. રેટફિલફે, નિવેદિતાએ ભજવેલા ભાગની સમીક્ષા કરતાં લખ્યું છે કે, ‘નવા ભારતના ઘડતરનાં પરિબળો હજી સુધી સ્પષ્ટ નથી; પરંતુ સંપૂર્ણ ખાતરી સાથે એટલું કહી શકાય કે સિસ્ટર નિવેદિતાનાં ચારિત્ર્ય, જીવન અને શબ્દોથી ચડે કે તેની તોલેય આવી શકે એવું બીજું એક્કેય પરીબળ નથી.’ અને રાજકારણના ક્ષેત્રમાં નિવેદિતા સ્વામી વિવેકાનંદનાં ઝંડાધારી હતાં.

૧૯૦૪થી ૧૯૧૦ના સ્વદેશી-યુગમાં ક્રાંતિકારક વિચારો ફેલાવવામાં અને ક્રાંતિપ્રવૃત્તિઓના આયોજનમાં અરવિંદ ઘોષે આગળ પડતો ભાગ ભજવ્યો હતો. બાહ્ય દૃષ્ટિએ કોંગ્રેસમાંની નેશનલિસ્ટ પાર્ટીના તેઓ સભ્ય હતા તે છતાં, અરવિંદના ધાર્મિક અને રાજકીય જીવન ૫૨ શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદની અસર જાણીતી છે. એ ગાળા દરમિયાન શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના આદર્શો વિશે તેઓ એક મોટા ભાષ્યકાર બની ગયા. ‘ભવાની મંદિર’ નામની પોતાની પત્રિકામાં શ્રીઅરવિંદે શ્રીરામકૃષ્ણને એ મંદિરના દેવમાનવ તરીકે અને સ્વામી વિવેકાનંદને એના દૃષ્ટા તરીકે નિરુપ્યા. પછીના સમયમાં અરવિંદ ખુલ્લે આમ કબૂલતા કે સ્વદેશી-આંદોલનની સફળતાનું એક મુખ્ય કારણ એ આંદોલન પાછળ રહેલી શ્રીરામકૃષ્ણનું અને સ્વામી વિવેકાનંદની ભાવનાનું હતું. સ્વામી વિવેકાનંદની માફક અરવિંદ માનતા કે શ્રીરામકૃષ્ણ અવતારવરિષ્ઠ છે, બધા અવતારોની ચરમકક્ષા છે. તેઓ માનતા કે ભાવિ ભારતનાં પ્રતિનિધિ તરીકે શ્રીરામકૃષ્ણે સ્વામી વિવેકાનંદનું ઘડતર કર્યું હતું. ‘તું વીર છે’ એમ વિવેકાનંદને તેમણે કહ્યું હતું. શ્રીરામકૃષ્ણે પોતાની શક્તિનો પ્રપાત એ ‘વીર’માં કર્યો હતો અને એ શક્તિ મધ્યાહ્‌નના સૂર્યનાં દઝાડતાં કિરણોની માફક સમગ્ર દેશમાં ફેલાઈ ગઈ હતી. સ્વામી વિવેકાનંદને નામે અરવિંદે આહ્‌વાન આપ્યું હતું: ‘જુઓ, પોતાની માતૃભૂમિની આત્મામાં અને તેની સંતાનોના આત્મામાં સ્વામી વિવેકાનંદ હજી શ્વસી રહ્યા છે.’

વારીન્દ્ર, દેવવ્રત, ભૂપેન્દ્રનાથ જેવા અરવિંદના ક્રાંતિકારો ઉપર તેમજ યુવાનોનાં ચિત્ત પર ઘેરી અસર પાડનાર તેમના મુખપત્ર ‘યુગાન્તર’ ઉપર સ્વામી વિવેકાનંદની થયેલી અસરની ચર્ચા આપણે અહીં નહીં કરીએ.

બંગાળના ક્રાંતિકારીઓ જેમાંના કેટલાક પાછળથી માકર્સવાદીઓ બની ગયા હતા તે સૌ પણ પોતાના જીવનના ઘડતરકાળમાં પોતાના પર થયેલી સ્વામી વિવેકાનંદની અસરને સ્વીકારે છે.

હવે આપણે શ્રી રવીન્દ્રનાથ ટાગોર તરફ વળીએ, તેઓ ક્રાંતિકારી આંદોલનના ટેકેદાર હોવાનો દાવો કરી શકશે નહીં અને પોતાની કેટલીક નવલકથાઓમાં તેમણે આ આંદોલનનું થોડુંઘણું વિકૃત ચિત્ર પણ દોર્યું છે. આમ છતાં, આ યુવા માણસોની નિર્ભય હિમ્મતને અને ત્યાગની ભાવનાને બિરદાવ્યા વિના તેઓ રહી શક્યા નથી. તેઓ કહે છે :

‘સ્વામી વિવેકાનંદનો સંદેશ પૂર્ણ મનુષ્યની સકલ જાગ્રતિની અપેક્ષા રાખે છે, અને તે માટે, આપણા યુવાનોના એ કર્મ અને ત્યાગ દ્વારા મુક્તિની પવિત્ર ધારા ભણી લઈ જાય છે. બંગાળના યુવાનોમાં આપણે હિમ્મતભર્યા સાહસની જે ભાવના જોઈએ છીએ તેનાં મૂળ સ્વામી વિવેકાનંદનાં સંદેશમાં છે, જાણે એમની આંગળીઓને નહીં પણ આત્માને જગાડ્યો છે.’

અંગ્રેજો સુભાષચન્દ્ર બોઝને સૌથી ખતરનાક વ્યક્તિ ગણતા હતા. અને ભારતની ક્રાંતિભાવના સમગ્રતયા એમનામાં મૂર્તિમંત થઈ હતી. એ સુભાષચન્દ્રે વારંવાર લખ્યું છે, કે પોતાનું જીવન સ્વામી વિવેકાનંદની અસર હેઠળ ઘડાયું હતું. સ્વામીજીના આદર્શને અનુસરવાનો યુવાનોને અનુરોધ કરતાં સુભાષચન્દ્ર કહેતા કે, ચારિત્ર્યઘડતરનો આદર્શ રાષ્ટ્ર સમક્ષ રજૂ કરનાર સ્વામી વિવેકાનંદ હતા. સ્વામી વિવેકાનંદની જવલન્ત રાષ્ટ્રભક્તિ બોઝની નસોમાં પીગળેલા લાવાની જેમ વહેતી અને પોતાનું સર્વસ્વ અર્પણ કરવા તથા અડગ રીતે લડવા તેમને પ્રેરતી સ્વામીજીની શક્તિની ફિલ્સૂફીને બોઝે અપનાવી અને પોતાની રાજકીય વિચારણા રજૂ કરવા માટે સ્વામી વિવેકાનંદના સમન્વયને તેના પાયા તરીકે સ્વીકાર્યા અગ્નિ એશિયામાંનું એમનું ધ્રુવપદ – એકતા, શ્રદ્ધા, સમર્પણનું – એમને સ્વામી વિવેકાનંદમાંથી લાધ્યું હતું. સ્વામી વિવેકાનંદ એમને મન પૂર્ણતાએ પાંગરેલી માનવતાના પ્રતીક હતા. સ્વામી વિવેકાનંદ વિશે એમણે કહ્યું હતું કે, ત્યાગમાં બેપરવા, કાર્યમાં વણથંભ્યા, પ્રેમમાં અસીમ, જ્ઞાનમાં ગહન અને સર્વજ્ઞ સંવેદનમાં ઊભરાતા, સંગ્રામમાં નિર્દય છતાં બાળક જેવા સાદા-સરળ તેઓ હતા. (આ પછી પોતે પોતાને સ્વામી વિવેકાનંદના શિષ્ય માને છે. એવા બોઝના કથનની સત્યતાની શંકા ભલા કોણ કરી શકે?)

બધી બાબતોને લક્ષમાં લીધા પછી, આપણે સ્વીકારવું રહ્યું કે સ્વતંત્રતાના આંદોલનમાં ગાંધીજી લોકજાગ્રતિ લાવ્યા હતા. ૧૯૨૧ થી ૧૯૪૨ સુધીના સંઘર્ષનું નેતૃત્વ એમણે કર્યું હતું અને રાજકીય સ્વતંત્રતાની પ્રાપ્તિમાં એમનો ફાળો સૌથી મોટો રહ્યો હતો. ગાંધીજી ઉપર શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદે ઊંડી છાપ પાડી હતી અને અસર કરી હતી. આ વિષય વિગતવાર અભ્યાસ માંગી લે છે. ગાંધીજીની અહિંસાની રીતિ અને ચરખાનું અર્થશાસ્ત્ર સ્વામી વિવેકાનંદની વિચારણા પર આધારિત ન હતું તેમ છતાં, ગાંધી ખુલ્લે દિલે કબૂલતા કે સ્વામી વિવેકાનંદના સાહિત્યે પોતાની રાષ્ટ્રભક્તિને ઘેરી બનાવી હતી. ગાંધીજીનાં કથનોથી અને (વિનોબા ભાવે, નિર્મળકુમાર બોઝ અને રોમાં રોલાંને આ વાત કહેનાર સી. એફ. એન્ડ્રૂઝ જેવા) એમના સાથીઓના અને ભારતના તથા વિદેશના જીવનકથા લેખકોનાં કથનોથી આપણને જાણવા મળે છે કે, હરિજન આંદોલન જેવાં સામાજિક આંદોલનો એમણે શરૂ કર્યાં ત્યારે સ્વામી વિવેકાનંદના વિચારો અને આદર્શો જ એમના દ્વારા કાર્યાન્વિત થયા હતા. રાજકીય સંસ્થાઓથી કરાતા પરિવર્તન કરતાં આત્મશુદ્ધિના પાયા પરનું સામાજિક નવનિર્માણ ગાંધીજીને મન ઓછું અગત્યનું ન હતું. પહેલું જો બીજા કરતાં વહેલું થશે તો, ગાંધીજી માનતા કે એ આત્મા વિનાના યંત્ર જેવું થશે. જો એમ હોય તો શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ ગાંધીજીને માટે પાયારૂપ હતા. ગાંધીજીના અનુયાયીઓએ નિ:સંકોચપણે કહ્યું છે કે દરિદ્રનારાયણની સેવાનો સ્વામી વિવેકાનંદનો ધર્મ ગાંધીએ અપનાવ્યો હતો અને તેનો પ્રચાર ભારતનાં અગણિત ગામડાંઓમાં તેમજ ભૂખ્યાં દુખ્યાં કરોડોમાં એમણે કર્યો હતો. અલબત્ત ગાંધીજી ઉપર સ્વામી વિવેકાનંદની જે અસર હતી તેના કરતાં વધારે અસર તેમના ઉપર શ્રીરામકૃષ્ણની હતી. એમને મન શ્રીરામકૃષ્ણ અહિંસા અને સત્યના પ્રતીક હતા. શ્રીરામકૃષ્ણે ધર્મોના સમન્વયના આદર્શનો સાક્ષાત્કાર કર્યો હતો અને તેનો પ્રચાર કર્યો હતો. ગાંધીજીની જીવનકથાના ખ્યાતનામ લેખક પ્યારેલાલ દ્યોતક પૃથક્કરણ કરી દર્શાવ્યું છે કે સ્થૂળ વાસનાતૃપ્તિ વિનાના શ્રીરામકૃષ્ણના આદર્શ વિવાહિત જીવને ગાંધી ઉપર કેવી ઘેરી અસર કરી હતી, એટલું જ નહીં પણ પોતાના જીવનમાં પણ ગાંધી એને અનુસર્યા હતા અને દેશના રાજકીય પ્રવાહમાં તેને સામેલ કરવા તેમણે પ્રયત્ન કર્યો હતો. (ગૃહસ્થો માટે બ્રહ્મચર્યનો) આ આદર્શ રાષ્ટ્રીય આંદોલનમાં અપનાવાયા પછી… વીસીના ગાળામાં ભારતમાં અહિંસક લોકજાગ્રતિના જુવાળમાં કેટલો બધો અગત્યના પરિબળ સમો બન્યો હતો.’ પ્યારેલાલ આગળ લખે છે : ‘ધર્મના તેમના (શ્રીરામકૃષ્ણના) પ્રયોગો ગાંધીજીના સત્યના પ્રયોગોની આગાહી હતા.’ બધા ધર્મોમાં રહેલા સત્યનો શ્રીરામકૃષ્ણનો સિદ્ધાંત ગાંધીજી માટે ‘બધા ધર્મો માટે સમાન આદર’ના સિદ્ધાન્તમાં પ્રતિધ્વનિત થયો હતો અને, ધાર્મિક વિતંડાવાદ એ પંડિતોનો વૃથા કાલવ્યય છે.’ એવી શ્રીરામકૃષ્ણની અવહેલના ગાંધીજી માટે ધર્માન્તરની બધી પ્રવૃત્તિઓ અધર્મી બની હતી.’ સત્યને નિરંતર જોવું, અનુભવવું જોઈએ, એની સાથે વાત કરવી જોઈએ અને એનું માર્ગદર્શન મેળવવું જોઈએ’ એ શ્રીરામકૃષ્ણની માન્યતાને અનુસરવા માટેના નિર્વિવાદ સભ્ય તરીકે ગાંધીજીએ સ્વીકાર્યું હતું અને પોતાના અંતરાત્માની સલાહ વિના કોઈ અગત્યનો નિર્ણય તેમણે લીધો ન હતો.’

પ્રત્યક્ષ જીવનવ્યવહારમાં ગાંધીજીના શ્રેષ્ઠ અનુયાયી તરીકે સ્વીકારાયેલા મહાન સર્વોદય નેતા વિનોબા ભાવેએ વિવેકાનંદ વિશે ઘણા અર્થપૂર્ણ લેખો લખ્યા છે. એમને મને શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ ગુરુશિષ્યસંબંધના ઉચ્ચતમ આદર્શના પ્રતીક હતા. પોતે બહુશ્રુત પંડિત અને ફિલસૂફીના સાહિત્યના સારા જ્ઞાતા હોઈ, તેઓએ સ્વામી વિવેકાનંદને શંકર અને વેદાન્તના આ યુગના સૌથી મોટા જાણકાર ગણ્યા છે. વિનોબાજીને મતે ‘દરિદ્રનારાયણ અને અદ્વૈતનો સમન્વય’ સ્વામી વિવેકાનંદનું વિશિષ્ટ પ્રદાન હતું. અહીં ક્રાઈસ્ટના આદર્શ સાથે સ્વામી વિવેકાનંદના આદર્શની એ તુલના કરતા : બહારથી દ્વૈતવાદી અને છતાં ભીતરથી અદ્વૈતી એવા ક્રાઈસ્ટનું કાર્ય, પોતાની મેળે જ અદ્વૈત વેદાન્તની ઘણું નજીક આવે છે… ભારતીય વેદાન્તને લાગેવળગે છે ત્યાં સુધી અદ્વૈત અને વેદાન્તની એકતા હાંસલ કરનાર સ્વામી વિવેકાનંદ હતા. એમણે કરેલું આ મોટું કાર્ય છે કે જેને પરિણામે ભારતને જીવનમાં સમન્વયનો માર્ગ લાધ્યો છે. અને તેણે અદ્વૈતના જ્ઞાન સાથે વિવિધ પૂજાપ્રકારોની સંવાદિતા સાધી છે.’

ભારતના રાજકીય ક્ષેત્રમાં જવાહરલાલ નેહરુએ વ્યાપક અને વિવિધ ભાગ ભજવ્યા છે. ગાંધીના નેતૃત્વ હેઠળ સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાઈ, સુભાષચન્દ્ર બોઝ સાથે તેઓ પણ યુવક-આંદોલનના પુરસ્કર્તા બન્યા હતા. મુકમ્મિલ આઝાદીના આદર્શના પ્રચાર માટે બોઝની સાથે તેમણે ‘ઇન્ડિયન ઇન્ડીપેંડસ્’ લીગની સ્થાપના કરી હતી. ભારતમાં સમાજવાદના પ્રચારકોમાંના તેઓ એક હતા. સ્વાતંત્ર્ય પછી પંતપ્રધાન પદે રહી પંદર વર્ષ સુધી તેમણે દેશનું સુકાન સંભાળ્યું હતું. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેઓ સુવિખ્યાત હતા. ધર્મ વિશે ખાસ ઉત્સાહી નહીં હોવા છતાં નેહરુજીને (પોતાના કુટુંબ સાથે) શ્રીરામકૃષ્ણ વિવેકાનંદના જીવને આકર્ષ્યા હતા અને રામકૃષ્ણ મિશન માટે તેમને ખૂબ આદર હતો. આ બે મહાનુભાવો વિશે તેઓ અનેક વાર બોલતા, લખતા અને તેમના ઐતિહાસિક ફાળાનું તેમણે પૃથક્કરણ કરી તેને યોગ્ય સ્થાન આપ્યું હતું.

નેહરુજીને મન ‘સ્વામી વિવેકાનંદ’ ઓજસ્વી આત્મા હતા. એમણે ઉચ્ચારેલો કે લખેલો પ્રત્યેક શબ્દ જ્વાલા સમાન હતો. આપણે એમને વાંચીએ છીએ ત્યારે એ આપણને આપણા પ્રમાદમાંથી હચમચાવી મૂકે છે ને આપણને ઊંડી પ્રેરણા આપે છે.’ ૧૦ રાષ્ટ્રીય કટોકટીની અતિ ગંભીર ક્ષણે નેહરુએ સ્વામી વિવેકાનંદને યાદ કર્યા હતા. ૧૯૬૨ના ચીની આક્રમણને સમયે, ‘બલ અને શક્તિના પ્રતીક સમી એક જ વ્યક્તિ સ્વામી વિવેકાનંદને યુવાનોના આદર્શ તરીકે’ ૧૧ રજૂ કરી શક્યા હતા. રાષ્ટ્રના ઇતિહાસની પીઠિકા પર સ્વામી વિવેકાનંદને સ્થાપી નેહરુજીએ કહ્યું હતું કે : ‘તેઓ રાજકારણી ન હતા, છતાં તેઓ ભારતના અર્વાચીન આંદોલનના એક મહાન પ્રણેતા હતા.’ પોતાના ગ્રંથ ‘ડિસ્કવરી ઓફ ઇંડિયા’માં તેમણે રાષ્ટ્રમાં સ્વામી વિવેકાનંદે આપેલા ફાળાને લંબાણથી વર્ણવ્યો છે. ‘આમ જનતાના ઉત્થાન અને તેમની સમાનતા વિશેના અને સામાજિક ભેદભાવની અને અસ્પૃશ્યતાના શાપની વિરુદ્ધના સ્વામી વિવેકાનંદના સમાનતા અને સમન્વયને લગતા વિચારો દર્શાવ્યા છે. રહસ્યવાદની અને ગૂઢીકરણની તેમણે કરેલી ટીકા પ્રત્યે આંગળી ચીંધી છે. ત્યાગ અને સેવા માટેની સ્વામીજીની પ્રેરણા, અભયનો એમનો નિત્યનો આ (એમનાં વ્યાખ્યાનો અને લખાણોનું એ ધ્રુવપદ હતું.) એમનું આંતરરાષ્ટ્રીય દૃષ્ટિબિન્દુ અને જીવનની ગતિ’માં એમની શ્રદ્ધા – આ બધું નેહરુએ આલેખ્યું છે. સ્વામી વિવેકાનંદ વિશેની સમાલોચના નહેરુએ આ ત્રણ વાક્યોમાં સુંદર રીતે કરી છે : ‘ભારતના ભૂતકાળ માટે ખૂબ ગૌરવ હોવા છતાં જીવનના પ્રશ્નો પ્રત્યેના દૃષ્ટિકોણમાં વિવેકાનંદ આધુનિક હતા; ચૈતન્યશીલ અને ઊર્જસ્વી શક્તિથી અને ભારતને પ્રગતિને પંથે લઈ જવાની ભાવનાથી ભરેલા વિવેકાનંદે દલિત અને નીતિભ્રષ્ટ હિંદુ માનસને માટે પૌષ્ટિક ઔષધ થઈને આવ્યા અને તેને એમણે આત્મનિર્ભરતા બક્ષી, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આજના ભારત ઉપર તેમણે ઊંડી અસર કરી છે.’

સ્વતંત્રતા આંદોલનની બૌદ્ધિક તથા આધ્યાત્મિક સપાટીએ સ્વામી વિવેકાનંદની અસર ખૂબ પ્રબળ હતી એટલું જ નહીં, સશસ્ત્ર અને નિ:શસ્ત્ર (અહિંસક) ક્રાંતિના બંને પ્રવાહોને પ્રેરણા આપનાર તરીકે બીજી કોઈ પણ વ્યક્તિની અસર કરતાં એમની અસર ચડિયાતી પણ હતી. તે સાથે, એમના પછી આરંભાયેલા સર્જકતાની બધી શાખાઓના પ્રેરક એવા નવજીવનના એ આદિ સ્રોત હતા. ડૉ. રાધાકૃષ્ણને આ વાત સુન્દર રીતે વર્ણવી છે :

‘આ દેશની ભાવનાના એ મૂર્ત સ્વરૂપ હતા. દેશની આધ્યાત્મિક આકાંક્ષાઓ અને તેની પરિતૃપ્તિના એ પ્રતીક હતા. આપણા ભક્તોનાં ગીતોમાં, આપણા દૃષ્ટાઓનાં દર્શનોમાં અને આપણી સામાન્ય જનતાના ભજનોમાં એ ભાવના વ્યક્ત થયેલી છે. ભારતની એ સનાતન ભાવનાને તેમણે વાચા અને કંઠ આપ્યાં હતાં.’ ૧૨

ભાષાંતરકાર: શ્રી દુષ્યંત પંડ્યા, જામનગર

સંદર્ભ સૂચિ :

૪ – ‘સિલેક્ટેડ સ્પીચીઝ ઓફ સુભાષચન્દ્ર બોઝ’ (પબ્લિકેશન્સ ડિવિઝન, ગવ. ઑફ ઇન્ડિયા) પૃ. ૫૦
૫ – ઇન્ટેલિજન્સ બ્રાન્ચ, કલકત્તા સ્પે. સુપરિ. ઓફ પોલીસ સી. એ. ટેગાર્ડના તા. ૧૫ મે ૧૯૧૪ના રિપોર્ટમાંથી
૬ – પ્યારેલાલ, ‘મહાત્મા ગાંધી’, વો. ૧ અર્લીફેઝ (૧૯૬૫), પૃ. ૮૭
૭ – એજન, પૃ. ૯૯
૮ – એજન, પૃ. ૯૯
૯ – ‘હિન્દુસ્તાન સ્ટેન્ડર્ડ’, ૧૭ જાન્યુઆરી, ૧૯૬૩.
૧૦ ‘અમૃત બજાર પત્રિકા’, ૧૮ જાન્યુઆરી, ૧૯૬૩
૧૧ – એજન, ૪ ફેબ્રુઆરી, ૧૯૬૩
૧૨ – સ્વામી વિવેકાનંદ. સેન્ટીની મેમોરિયલ વોલ્યુમ પૃ. IX

Total Views: 209

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.