દીપાવલી એટલે ભગવાન મહાવીરનો નિર્વાણ દિવસ. આ પ્રસંગે ભગવાન મહાવીરના નિર્વાણસ્થળ પાવાપુરીની તીર્થયાત્રા વિષેનો આ રોચક લેખ દરેકને જૈન ધર્મના આ મહાન તીર્થસ્થાનની યાત્રા કરવાની પ્રેરણા આપશે એવી આશા છે. સ્વામી બ્રોશાનંદજી રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, વારાણસીની ઈસ્પિતાલમાં કાર્યરત સંન્યાસી છે.

જૈન ધર્મના અનુયાયીઓનું મહાન તીર્થ અને ચોવીસમા (છેલ્લા) તીર્થંકર ભગવાન મહાવીરનું નિર્વાણસ્થાન પાવાપુરીની મારી યાત્રામાં ઘણો વિલંબ થઈ ગયો હતો. ૬ નવેમ્બરે જ્યારે હું ત્યાં હું પહોંચ્યો ત્યારે શરદ ઋતુનું આગમન થઈ ચૂક્યું હતું. પટણાથી અગ્નિ ખૂણામાં ૪૫ માઈલ દૂર, પાવાપુરી-બિહારનું એક ગામ છે. તે એની નજીકના શહેર બિહારશરીફથી ૯ માઈલ દક્ષિણે બખ્તિયારપુર – રાંચી રાષ્ટ્રીય ધોરી માર્ગ પર છે.

કમલ સરોવરના પશ્ચિમ અને ઉત્તર કાંઠે થઈ અને ફરી ગામડાંની વચ્ચેથી પસાર થતાં અમારી જીપ સમવસરણ નામે સ્થાન પર પહોંચી. અહીં બે મંદિર અને યાત્રાળુઓને રહેવા માટે ધર્મશાળાઓ છે. આ સ્થાન મુખ્ય જોવાલાયક સ્થળ જલમંદિરથી ૧ માઈલ પૂર્વમાં છે. એના પશ્ચિમ અને દક્ષિણ ભાગની કમ્પાઉંડની દીવાલને ફરતો થઈ એક બસ રસ્તો ધોસરાવા ગામ તરફ ચાલ્યો જાય છે. ધર્મશાળાના બીજા માળના અગ્નિ ખૂણામાં, એક નવા બનાવેલ વિશાળ ઓરડામાં મારી રહેવાની વ્યવસ્થા થઈ હતી. ઓરડામાં હજુ વીજળી આવી ન હતી, લાકડાના બે ખાટલા, એક ગાદલું અને એક તકિયો – એ સિવાય ઓરડામાં કશું ન હતું. હા, વીજળીનાં દોરડાં દેખાય છે પણ પાવાપુરીમાં હજુ વીજળી પહોંચી નહોતી, ધર્મશાળાઓમાં પોતાનાં જનરેટર હોય છે. તે રાતના પહેલા પહોરમાં ચલાવવામાં આવે છે. સંધ્યા પછી થોડા સમયે મને ખ્યાલ આવ્યો કે, મારા ઓરડાની નીચે જ જનરેટર રાખેલું. તે ચાલતું ત્યારે ભારે અવાજ થતો અને ઓરડો ધ્રૂજતો. આ એક તકલીફ સિવાય ઓરડો બીજી બધી રીતે સારો હતો. ઓરડામાં ત્રણ બાજુ બારીઓ હતી. પૂર્વની બારીમાંથી જોવાથી આંબા, પપૈયા, કેળ અને વૃક્ષોથી ભરેલા બગીચા પાર દૂર દૂર સુધી ધાન્યનાં ખેતરો દેખાતાં હતાં. ઊગતા સૂર્યનું સોનેરી જ્યોતિર્મંડળ દરરોજ દૃષ્ટિગોચર થતું. અગ્નિ ખૂણે રાજગીરની પહાડીઓ હતી, પણ વચમાં ધર્મશાળાના બે મજલી મકાનને કારણે તે દેખાતી ન હતી.

ધર્મશાળા એટલી શાંત છે કે તેમાં ક્યાંય પણ થોડો અવાજ થતાં એવું લાગે કે એ અવાજ પાસેની ઓસરીમાં જ થયો છે. રાત્રે પટણા-રાંચી માર્ગ પર આવતી-જતી ગાડીઓનો ખખડાટ ચોખ્ખો સંભળાતો છતાં મારો ઓરડો એવા ઠેકાણે હતો કે, યાત્રાળુ અને દર્શન કરનારની દિવસભરની આવન-જાવન તથા ધર્મશાળાના ચોકીદારો – કર્મચારીઓના ઘોંઘાટથી મને ભાગ્યે જ હેરાનગતિ થતી. મંદિરનું બાંધકામ ચાલુ હતું અને એ માટે આરસની શિલાઓ કોતરવાનો ટિક ટિક અવાજ થતો હતો. આ અવાજથી હું ટેવાઈ ગયો. એથી મને કોઈ હેરાનગતિ થતી નહિ. મને એક ફાનસ, એક ડોલ અને એક ગ્લાસ આપવામાં આવ્યાં. નહાવા અને પીવા માટે ડંકીમાંથી ચોખ્ખું પાણી મળી રહેતું.

જૈન શાકાહારવાદ

ધર્મપરાયણ જૈનો સૂર્યાસ્ત પછી ભોજન કરતા નથી. અહીં રહેનાર દરેક વ્યક્તિએ આ નિયમનું ચુસ્તીથી પાલન કરવું પડે છે. એટલે પાંચ વાગ્યે, સંધ્યા સમયે શ્રીમાન ‘ક’ (ધર્મશાળાના કારભારી)એ પોતાની સાથે ભોજન કરવા મને બોલાવ્યો. ‘ક’ એક ધાર્મિક જૈન છે અને શુદ્ધ શાકાહારી ભોજન કરે છે, અને સૂર્યાસ્ત પછી પાણી પણ પીતા નથી. ‘પ્રતિ-ક્રમણ’ નામે આધ્યાત્મિક સાધના દરરોજ સવાર-સાંજ કરે છે તથા અજવાળી આઠમ અને ચૌદશનો ઉપવાસ પણ કરે છે. મને એ જાણીને આશ્ચર્ય થયું કે, પશ્ચિમ બંગાળના વર્તમાન જિલ્લાના તે વતની છે. પછી અમે લોકો બંગાળી ભાષામાં વાતચીત કરવા લાગ્યા. તે ગુજરાતી અને હિંદી પણ છૂટથી બોલી શકતા હતા. બંગાળમાં સામિષ ભોજન કરનારની બહુલતા હોવાથી જૈનોની સંખ્યા ઓછી હશે, એવું મારું અનુમાન હતું. પણ એમણે કહ્યું કે, બંગાળના કેટલાય જિલ્લામાં જૈનોની ખાસી મોટી સંખ્યા છે.

બે થાળી મુશ્કેલીથી રાખી શકાય એવા ડાઈનીંગ ટેબલ નજીક ચાલી રહેલી વાતનો પ્રવાહ ભોજન સંબંધેના પ્રશ્નો તરફ વળ્યો. થોડુંક એ માટે કે, કારભારી મહાશય મારી ભોજનની ટેવો વિષે જાણવા માગતા હતા અને થોડુંક એ કારણ કે, જૈનો ભોજનના કડક વિધિનિષેધો પાળે છે. શ્રીમાન ‘ક’ને એ જાણીને સંતોષ થયો કે, હું નિરામિષ આહારી હતો. ભોજન કરી લીધા પછી ‘ક’ પોતાની થાળી અને વાડકાને પાણીથી ધોઈ પી ગયા. જેથી તેમાં અનાજનો કોઈ કણ રહી ન જાય. પછી મને ખબર પડી કે આ પ્રશંસનીય ટેવ સૌ સુધરેલા જૈનોમાં છે.

હું તરત જ ત્યાંની દિનચર્યાથી પરિચિત થઈ ગયો. બીજી બાબતોમાં, નાસ્તો કર્યા પછી જલ મંદિરમાં જવું, ત્યાંથી બપોરના ભોજન પહેલાં પાછા ફરવું અને બીજો સમય સમવસરણમાં વ્યતીત કરતો. સમવસરણનો મુખ્ય દરવાજો સૂર્યાસ્ત પછી બંધ કરી દેવામાં આવતો. હું એક વાર જલમંદિરમાં સાંધ્ય આરતી જોવા ગયો હતો એ સિવાય સંધ્યા પછી હું કદી બહાર ગયો નહોતો. સવારના ભ્રમણમાં મને જુદાં જુદાં મંદિરો જોવાની પૂરતી તક મળી.

જલમંદિર

પાવાપુરીમાં કુલ છ મંદિર છે. તેમાં સૌથી વધુ મહત્ત્વનું, પવિત્ર અને સુંદર મંદિર કમલ સરોવરની વચ્ચે આરસનું બનેલું સ્મૃતિ મંદિર છે. જ્યાં ભગવાન મહાવીરનો પવિત્ર દેહ અગ્નિને સમર્પિત કરવામાં આવ્યો હતો. આ સ્મૃતિ મંદિર સરોવરની વચ્ચે આવેલું છે એટલે એને જલમંદિર કહે છે. આ મંદિર ૧૪૦૦ ફૂટ લાંબું અને ૧૨૦૦ ફૂટ પહોળું છે અને લગભગ આખું વર્ષ કમળથી આચ્છાદિત રહે છે. આ વર્ષે વધારે કમળ નહોતાં ખીલ્યાં પણ જળપંખીઓની સંખ્યા ઘણી હતી.

૬૦૦ ફૂટ લાંબો અને ૧૦ ફૂટ પહોળો એક પુલ સરોવરના કિનારા પર બનેલ એક ભવ્ય દ્વાર અને સરોવરની મધ્યમાં બનાવેલ સંગેમરમરના ચબૂતરાને જોડે છે. ચબૂતરો ૧૨૦ x ૧૨૦ ફૂટનો ચોરસ આકારનો છે, જેની ચારે તરફ આરસની રેલીંગ, ચારેય ખૂણે નાના-નાના ગુંબજ તથા પૂર્વ દિશામાં પાણીમાં ઊતરવા માટે પગથિયાં બનાવેલ છે. આ ચબૂતરાની વચ્ચે એક પ્લેટફોર્મ છે. એના પર મંદિર બનેલું છે. મંદિર પૂર્વ તરફ છે અને ત્રણ બાજુથી નાનાં નાનાં પ્રવેશદ્વાર પણ છે, ગર્ભગૃહમાં ત્રણ મોટા મોટા ટાંકા બનેલા છે. તેમાં વચ્ચેના ટાંકા પર ભગવાન મહાવીરનાં ૧૮ સેન્ટિમિટર લાંબાં પગલાં છે. કાંઠે કાળા ટાંકા પર તેમના પહેલા ઉત્તરાધિકારી ગૌતમ અને પાંચમા ઉત્તરાધિકારી સુધર્મનાં પગલાં આરસની શિલા પર કોતરેલાં છે. ચારે ખૂણામાં બનેલ ગુંબજોમાં તેમના મુખ્ય મુખ્ય સંદેશવાહકો, સંન્યાસીઓ, સાધ્વીઓ તથા અન્ય સાધુ-આચાર્યોનાં પગલાં કોતરાવેલ છે. આ મંદિરની સમગ્ર રચના એવી છે કે, પુરાણ – કથાઓમાં વર્ણવેલ ‘દિવ્ય-વિમાન’ જેવું તે દેખાય. તીર્થયાત્રીઓ અને પર્યટકોને સવારે સાતથી સાંજે સાત સુધી પૂજા કરવા દેવાય છે.

જલમંદિર હકીકતમાં એક અસામાન્ય સ્થાન છે. મનોહારી દૃશ્ય અને શિલ્પ સૌંદર્ય તો છે જ પણ અંદર ગહન શાંતિ રહેલી છે. આ જ કારણે તેમાં પ્રવેશ કરતાં જ મન શાંત અને અંતર્મુખ બની જાય છે. મનને બળથી નિયંત્રિત કરવાને બદલે સ્વાભાવિક રીતે જ અહીંની શાંતિ અને પવિત્રતાને તેમાં પ્રવેશવા દેવાં જોઈએ.

પૌરાણિક કથા પ્રમાણે, ભગવાન મહાવીરે તેમના જીવનનો છેલ્લો ચાતુર્માસ અહીં કર્યો હતો. કાર્તિક વદિ ચૌદશના પ્રાત:કાલે તેમનો અંતિમ ઉપદેશ આપવાનું શરૂ થયું. મૃત્યુ નજીક છે એ જાણીને તેમણે અનવરત ૪૮ કલાક સુધી ઉપદેશ આપી પોતાના નશ્વર દેહનો ત્યાગ કરી દીધો. અમાવાસ્યાની આ અંતિમ ઘડી હતી અને તે સમયે સ્વાતિ નક્ષત્ર આરોહણની સ્થિતિમાં હતું. આ અંતિમ ઉપદેશને ‘ઉત્તરાધ્યયન સૂત્ર’ના નામે ઓળખવામાં આવે છે. મહાનિર્વાણના સમયે દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી અને પ્રશંસાનાં ગીત ગાયાં. ભક્તમંડળ- ગૃહસ્થી અને ત્યાગી – દુ:ખથી આકુળ થઈ રહ્યું હતું. જે જ્ઞાનદીપ ભગવાને જલતો રાખ્યો હતો તે બુઝાઈ ગયો. આ ખામી પૂરી કરવા ભક્તોએ અગણિત દીપ જલાવ્યા. જૈનો અનુસાર અહીંથી દીપાવલી પર્વની શરૂઆત થઈ.

જેવી ભગવાન મહાવીરના દેહત્યાગની ખબર ફેલાઈ, કે તરત જ લોકો તેમના પાર્થિવ શરીરનાં અંતિમ દર્શન માટે ઊમટી પડ્યા. તેમના પવિત્ર દેહને એક શોભાયાત્રા રૂપે અગ્નિદાહ આપવાના સ્થળ સુધી લઈ જવામાં આવ્યો અગ્નિસંસ્કાર પછી દેવો અને ભક્તો પોતપોતાના દરજ્જા પ્રમાણે તેમના અવશેષોને કળશમાં ભરી ભરીને પૂજા માટે લઈ ગયા. જ્યારે આ અવશેષો પૂરેપૂરા ખતમ થઈ ગયા ત્યારે એ સ્થાનની માટી પણ ખોદી ખોદીને લઈ જવાનું તેમણે શરૂ કર્યું. જેને કારણે ત્યાં એક ખાઈ બની ગઈ. આ ખાઈ પછી સરોવરના રૂપે ફેરવી નાખવામાં આવી. ભગવાનના મોટા ભાઈ રાજા નંદદર્શને તેમના નિર્વાણ-સ્થાન અને સમાધિ-સ્થાન પર તેમનાં પગલાં સ્થાપિત કર્યાં જ્યાં ક્રમશ: ગામમંદિર અને જલમંદિર છે.

ઐતિહાસિક રૂપમાં ઉપરની ઘટનાઓને પ્રમાણિત કરવી મુશ્કેલ છે. કારણ કે સૌથી પ્રાચીન ઈ. ૧૨૦૩ના શિલાલેખમાં અભયદેવસૂરિ દ્વારા સ્થાપિત ફક્ત એક ધાતુ-મૂર્તિનો ઉલ્લેખ છે. છતાં જલમંદિરમાં એક ઘસાયેલ-ભૂંસાયેલ મધ્યવર્તી પગલાં એ વાતની પુષ્ટિ કરે છે કે, તે બહુ જૂનું છે. બીજાં બે પગલાં નિ:શંક પછીના સમયનાં છે.

ગામમંદિર

ગામમંદિર ગામની ઉત્તર-પશ્ચિમ દિશામાં છે અને તે ધર્મશાળાઓથી ઘેરાયેલું છે. આ મંદિર સાથે જોડાયેલ ગુંબજ સહિત એક વિશાળ નાટ્યમંદિર માઉન્ટ આબુમાં આવેલ દેલવાડાના જૈન મંદિરની યાદ અપાવે છે. પ્રવેશસ્તંભો પર સુંદર કોતરકામ છે. ભગવાન અને અન્ય બે તીર્થંકરોની મૂર્તિ સિવાય ઊંચા કાળા સંગેમરમરના ચબૂતરા ઉપર ભગવાનનાં પગલાં પણ છે. શિલાલેખ પ્રમાણે ઇ. ૧૫૮૮માં તે જીર્ણોદ્ધારના સમયે સ્થાપિત કર્યાં હતાં. રાજા નંદવર્ધને સ્થાપેલાં મૂળ પગલાં અત્યારે તે મંદિરના એક ખૂણામાં રાખી મૂક્યાં છે.

દીપાવલીની રાત્રિએ ભગવાન મહાવીરના નિર્વાણની યાદમાં એક મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તેમાં સમગ્ર દેશના જૈનો ભાગ લે છે. તેઓ જલમંદિરમાં લાડુ ચડાવે છે. કોઈ કોઈ લાડુ તો ૧૫ કિલોગ્રામ વજનનો પણ હોય છે. ઉત્સવ દરમિયાન શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે અને ભગવાન મહાવીરના નિર્વાણ સંબંધી દર્દભર્યાં ગીતો પણ ગવાય છે. ગરીબો અને અપંગોને ખવડાવવામાં આવે છે.

શ્વેતાંબર સંપ્રદાયવાળાઓની એવી પણ શ્રદ્ધા છે કે, ભગવાન મહાવીરે પોતાનો પ્રથમ ઉપદેશ ઈ.પૂ. ૫૫૬માં પાવાપુરીમાં આપી ૪૪૦૦ વિદ્વાનો, રાજકુમારી ચંદનબાલા તથા પોતાના ૧૧ મુખ્ય સંદેશવાહકોને જૈન ધર્મમાં દીક્ષિત કર્યાં. તેમના સંદેશવાહક ગણધર કહેવાતા, જેમાં ઇન્દ્રભૂતિ ગૌતમ અગ્રગણ્ય હતા. ભગવાને ધર્મતીર્થ ચતુર્વિદ્યા સંઘ ચલાવ્યો તેમાં સંન્યાસી, સંન્યાસિની, શ્રાવક પુરુષ, સંસારી ભક્ત શ્રાવિકા-સ્ત્રી, સંસારી ભક્ત, વગેરે હતાં. ગૌતમ એક વૈદિક વિદ્વાન અને કર્મકાંડી બ્રાહ્મણ હતા. તે પોતાના અનુયાયીઓ સાથે મહાવીરને પડકાર આપવા આવતા, પણ કશા શાસ્ત્રાર્થ વિના તેમના ભક્ત બની ગયા. મહાવીર પછી ગૌતમ ઉત્તરાધિકારી બન્યા. ભગવાનનો કેટલોક ઉપદેશ ગૌતમના પ્રશ્નોના જવાબમાં છે. એમ પણ કહેવાય છે કે, કેટલાય માણસોએ ગૌતમનો ઉપદેશ સાંભળી જૈન ધર્મનો સ્વીકાર કરી તેમના પહેલાં નિર્વાણ પ્રાપ્ત કરી લીધું. સ્વયં ગૌતમને ભગવાન મહાવીરના નિર્વાણ સુધી પોતાની મુક્તિ માટે રાહ જોવી પડી હતી. કારણ કે ભગવાન મહાવીર તરફની તેમની એકાંત ભક્તિ વચ્ચે બાધક હતી. ભગવાન મહાવીરે પોતાના પ્રિય શિષ્ય ગૌતમને આ સૂક્ષ્મ દોષમાંથી છુટકારો અપાવવા અને બંધનના આ સોનેરી તારને તોડવા માટે અંત સમયે તેમને પ્રચાર અર્થે બહાર મોકલી આપ્યા. ગૌતમ હજુ પ્રચારકાર્યમાંથી પાછા ફર્યા નહોતા અને તેમને ભગવાનના દેહોત્સર્ગના ખબર મળ્યા. આ ખબર આનંદ કરતા દેવો પાસેથી મળ્યા. પછી એ વાત સમજતાં એમને વાર ન લાગી કે, ભગવાને અંત સમયે તેમને બહાર કેમ મોકલી આપ્યા હતા! તે ક્ષણે જ ગૌતમના અજ્ઞાનનો બાકી અંશ પણ નીકળી ગયો અને તેમને કૈવલ્ય પ્રાપ્ત થયું.

સમવસરણ

ભગવાન મહારનું પ્રથમ ઉપદેશસ્થાન જલમંદિરથી ૧ માઈલ પૂર્વમાં છે. તે સમવસરણ કહેવાય છે. એ સિવાય જલમંદિરના મુખ્ય દ્વારની સામે સડકની બીજી બાજુએ એક બીજું પણ સમવસરણ છે. બીજા સમવસરણની ગોળાકાર બાંધણી છે. તેમાં ચાર માળ છે. તેના સૌથી નીચેના આધારનો વ્યાસ ૩૨ ફૂટ છે. સૌથી ઉપર ૭૮ ફૂટ વ્યાસનો એક ગુંબજ છે. તેમાં મહાવીરનાં પગલાં અંકિત છે. મને કહેવામાં આવ્યું કે, આ મૌલિક પગલાં છે. રાજા નંદવર્ધને મૂળ ઉપદેશસ્થળે તે સ્થાપિત કર્યાં હતાં. પણ ગામથી તે દૂર હોવાથી અણસમજુ લોકો તેની ઉપેક્ષા કરતા રહ્યા. એટલે આ પગલાંને મૂળ સ્થાનમાંથી હટાવી અહીં સ્થાપિત કર્યાં. કોતરેલ ચાર પહોળાં પગલાં સમવસરણના ચાર વિભાગનું વર્તમાનમાં પ્રતિનિધિત્વ કરે છે. આ પુરાણું સમવસરણ કહેવાય છે.

ભગવાનના પ્રથમ ઉપદેશના સ્થાને આરસનું એક નવું મંદિર ઈ. ૧૯૫૭માં બાંધવામાં આવ્યું. આ સ્થાનની પ્રાચીનતા અહીં ઊભેલા એક પ્રાચીન સ્તૂપથી સ્પષ્ટ થાય છે. એવું સમજાય છે કે તેનું ઈ.પૂ. પર૬માં નિર્માણ થયેલું. સમવસરણના પૂજારીએ મને ચારે તરફ ફેરવી સમજાવ્યું કે હકીકતમાં સમવસરણ શું હોય છે.

જૈન કથન અનુસાર જ્યારે અને જ્યાં કોઈ તીર્થંકર પ્રવચન કરવા ઇચ્છે ત્યારે દેવરાજ ઇન્દ્ર ત્યાં સભામંડપનું નિર્માણ કરે છે. તે સમવસરણ કહેવાય છે. આ એક દીઘોક્ષર શંકુ જેવું છે. તે ૩૫,૦૦૦ ફૂટ ઊંચું છે અને તેમાં ૨૦,૦૦૦ પગથિયાં છે. તેના એક સૌથી ઊંચા શિખર પર એક વિશાળ અશોક વૃક્ષની નીચે પદ્માસનની મુદ્રામાં ભગવાન મહાવીર બેસે છે. એમાં ચાર સમકેન્દ્રી સભાખંડ કે ગેલેરીઓ છે. સૌથી ઉપરની ગેલેરીમાં દેવગણ, સંન્યાસી, તપસ્વી તથા સંસારી ભક્તગણ બેસે છે. એના પછીનાં કક્ષ પશુ-પક્ષીઓ માટે છે, જ્યાં તેઓ તેમના સ્વભાવગત વેરભાવ અને ભય તજીને બેસે છે. ત્રીજો કક્ષ દેવોના રથ અને વાહનો માટે છે. જૈન-કથા અનુસાર એમને જીવંત માનવામાં આવે છે. સૌથી નીચેનો કક્ષ વસ્તુત: ચાર મોટા કિલ્લાઓના રૂપમાં છે. જેમાં જળચર જીવો ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળવા એકઠા થાય છે. સમવસરણની રચના જ એવા પ્રકારની છે કે, દરેક જીવ ગમે ત્યાં ભલે બેઠો હોય પણ ત્યાંથી ભગવાનને પોતાની સામે જોઈ શકે અને ભગવાનની દૈવી શક્તિના માધ્યમથી તેમના ઉપદેશને તે પોતાની ભાષામાં સમજી શકવા શક્તિમાન થાય છે. સ્પષ્ટ રીતે જ સમવસરણ એ વિશ્વની આધ્યાત્મિક સમતા અને સૃષ્ટિની સ્વાભાવિક એકતાની પ્રતિકાત્મક અભિવ્યક્તિ છે.

ઉપરની બધી વિશેષતાઓ આરસથી બનાવેલ નવા સમવસરણમાં નાના સ્વરૂપમાં વ્યક્ત છે. તે ૩૫ ફૂટ ઊંચો છે અને તેમાં ૨૦ પગથિયાં છે. દરેક પગથિયું મૂળ સમવસરણના એક હજાર પગથિયાંનું પ્રતિનિધિત્વ કરે છે.

વિશાળ તથા સુંદર રીતે કાપીને બનાવેલ વૃક્ષની નીચે ચારે તરફ મુખવાળી ભગવાન મહાવીરની માનવ આકારની આરસની ચાર સરખી મૂર્તિઓ છે. મૂર્તિઓના ચહેરા પરની અભિવ્યક્તિ અત્યંત વિશિષ્ટ તથા પ્રભાવશાળી છે. ત્યાં પણ સરખી ગેલેરીઓ છે, જેની દીવાલ પર યોગ્ય સ્થાને દેવતાઓ, સંન્યાસીઓ, તપસ્વિનીઓ, પશુઓ તથા દેવરથોનાં ચિત્રો આલેખેલાં છે. તેની નીચે એક પહોળો ચબૂતરો છે, જેની ચારે તરફ ચાર ખાડા છે તે ચાર સરોવરના પ્રતીકરૂપ છે. તેની સંપૂર્ણ રચના અત્યંત કલાત્મક અને આકર્ષક છે. હું તો પાસેની જ ધર્મશાળામાં ઊતરેલો હોવાથી જોઈ શકતો હતો કે, ચાંદની રાત્રે તે કેટલું મનમોહક અને સુંદર લાગતું હતું!

આ કારણે જ સમવસરણ કોઈ સામાન્ય પ્રકારનું મંદિર નથી. વિશ્વ-ઐક્યના દિવ્ય આદર્શનું એ પાર્થિવ પ્રતિ-રૂપ છે. તે આરસના સમવસરણના નજીક જ એક નવું મંદિર બંધાય છે. તેમાં ભગવાન મહાવીર, ગૌતમ, સુધર્માની મોટી મોટી મૂર્તિઓ સ્થાપવામાં આવી છે. વચ્ચે રહેલી ભગવાન મહાવીરની મૂર્તિના ચહેરા પર શાંતિ, આનંદ અને દયાની સ્પષ્ટ અભિવ્યક્તિ છે.

બીજાં મંદિરો

પાવાપુરીમાં થોડું ઓછું મહત્ત્વ ધરાવતાં બીજાં બે મંદિરો પણ છે. ધર્મશાળાથી ઘેરાયેલ દિગંબર જૈન મંદિર કમલ સરોવરની પૂર્વમાં આવેલું છે. જ્યારે શ્વેતાંબર જૈન મંદિર જલમંદિરના પ્રવેશદ્વારની સામેની સડકની બીજી બાજુએ આવેલું છે. આ જલમંદિર બંને સંપ્રદાયવાળા માટે સરખું પવિત્ર છે અને તેઓ ત્યાં પૂજા કરે છે.

ગામ પર એક નજર

સર્પાકાર સડક પરથી જલમંદિર સુધી આવતાં જતાં સડકની બંને બાજુએ માઈલો સુધી મેં લીલા રંગની ચાદર બિછાયેલી જોઈ. ખેતરોની વચ્ચે ક્યાંક તાડ અને આંબાનાં વૃક્ષોનાં ઝુંડ પણ હતાં. મારા પર્યટનના પાછલા સમયે મારે પુરી નામે એક ગામમાંથી પસાર થવાનું થયું. જ્યાં ભારતનાં અન્ય ગામડાંની જેમ માટી તથા ઈંટનાં નાનાં ઘરો અવ્યવસ્થિત રૂપમાં બનેલાં હતાં. મેં જોયું કે, સ્ત્રીઓ અને પુરુષો માથા પર અનાજ ઉપાડી ખેતરમાં તેનો ઢગલો કરે છે અને એને ઝૂડી એમાંથી અનાજના દાણા કાઢે છે. બાકી વધેલું ઘાસ ભેગું કરી તેને ઘરના છાપરા પર પાથરી દે છે. સડકના કિનારે ખડકાળ જમીનમાં પાણી એકઠું થવાથી એક કામચલાઉ તળાવ બની ગયું હતું. તેમાં ગામના છોકરા માછલાં પકડે છે, લોકો કપડાં ધૂએ છે અને ન્હાય છે. તળાવના પશ્ચિમ કિનારે એક ઉપેક્ષિત શિવમંદિર છે. ગામમાં એક વિદ્યાલય પણ છે. તેમાં ૧૦૦ વિદ્યાર્થીઓ છે. એક પોસ્ટ ઓફિસ, પંજાબ નેશનલ બેંકની એક શાખા, એક ધર્માદા દવાખાનું (જેમાં બહુ જ જરૂરી દવાઓ મળે છે), વગેરે છે. આખા ગામમાં એક જ ટેલિફોન છે. રોજની જરૂરત પૂરી પાડે તેવી ઘણી દુકાનો છે. જલમંદિરવાળા પુલના પ્રવેશદ્વારની નજીક ચાની એક દુકાન, ફળોની દુકાન તથા ચિત્ર, ગાઈડ બુક અને મુસાફરો માટે જરૂરી ચીજો મેળવવાનાં કેન્દ્ર છે. મને ખબર પડી કે, ૪૦૦ કુટુંબવાળું પૂરી નામનું ગામ આસપાસનાં બધાં જ ગામોમાં મોટું છે. તેની અડધી વસ્તી હરિજનોની છે. ગામ ખૂબ ગંદુ છે અને રહેનારા અત્યંત દરિદ્ર છે. મારી એક ડૉક્ટરની નજરે તરત જ Lathyrismના ઘણા દર્દીઓને પારખી લીધા, ઘણા માણસોને Lathyrus sativus નામની ઝેરીલી દાળ ખાવાથી અકડાઈ ગયેલા સડક પર ચાલતા જોયા. પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે ઝૂંપડાંનું ગંદું પાણી સડક પર વહેતું હતું.

પૈસેટકે સુખી એવો જૈન સમાજ દર વર્ષે આરસનાં મંદિર બંધાવવા કે એના રક્ષણ અર્થે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે પણ ગામ ઉપર જરા પણ ધ્યાન આપતો નથી. જાણે કે સ્વર્ગ અને નરક પાસે જ રહેલાં હોય! ગંદી વસતિથી ઘેરાયેલાં સમૃદ્ધ અને ભવ્ય મંદિર એ દૃશ્ય ભારતનાં કેટલાંય તીર્થોમાં દેખાય છે. એનાં અનેક કારણોમાં કદાચ એક કારણ આવી જાતનું શિક્ષણ પણ છે : ‘પોતાની આવક સૌ પ્રથમ ઈશ્વર નિમિત્તે, પછી સાધુ સંતો માટે, તે પછી ગરીબો માટે અને છેવટ વધેલો ભાગ પોતાને માટે ખરચવો જોઈએ.’

વાસ્તવમાં, પોતાની જાતને છેલ્લે રાખવાનું મુશ્કેલ છે. એટલે ધાર્મિક લોકોની આવકમાંથી મળનાર લાભમાંથી ગરીબ લોકો જ વંચિત રહી જાય છે. સ્વામી વિવેકાનંદે ગરીબ, અસહાય અને રોગથી પીડિતોને છેક દેવતાની કક્ષા સુધી ઊંચે મૂકી આ વ્યવસ્થાને બદલી નાખી છે.

મને શ્રીમા શારદાદેવીના જીવનનો એક પ્રસંગ યાદ આવી ગયો. એક શિષ્યે માને જણાવ્યું કે, શ્રીરામકૃષ્ણના ભક્ત બલરામ બોસના પુત્ર રામકૃષ્ણબાબુએ પોતાના વીલમાં ઠાકુરસેવા અને સાધુસેવા માટે મોટી રકમનું દાન લખી રાખ્યું છે. તે પરથી મા બોલી ઊઠ્યાં, “શું તેમાં ગરીબોની સેવા માટે ધન ખરચવાની વ્યવસ્થા છે?” શ્રીરામકૃષ્ણના દાન વિશેના વિશિષ્ટ વિચાર આ નાનો પ્રસંગ સમજાવે છે.

થોડાક દિવસ પછી એક ઉચ્ચ સરકારી અધિકારી-નાલંદા જિલ્લાના ત્યારના પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રીરામછબિલાસિંહ સાથે કેટલીક આ બાબતે ચર્ચા કરી અને એ જાણવાની ઈચ્છા કરી કે, ગરીબોની સ્થિતિ સુધારવા ક્યા ઉપાય કરવા જોઈએ. જો જલમંદિર એક પ્રાચીન તીર્થ છે તો ગામ એક આધુનિક તીર્થ છે, જ્યાં જીવતાજાગતા દેવો રહે છે અને એમની સેવાની વધારે જરૂરત છે. તેમનું કહેવાનું હતું કે, જ્યાં સુધી ગ્રામજનતા પોતે રસ નહિ લે ત્યાં સુધી તેમને મદદ કરવી મુશ્કેલ છે. અમે કેટલીયે વાર પ્રયત્ન કર્યો પણ સ્થાનિક લોકોના સહકાર વિના તે એળે ગયા. મેં એમની એ વાત વખાણી, છતાં મારી માન્યતા છે કે લોકોના સહકારથી કામમાં ઝટ સફળતા મળે પણ તેમના સહકારના અભાવે પણ સઘન અને સતત પ્રયત્નથી તેમનામાં સહકારની ભાવના જગાડી જીવનની ગતિ બદલી શકાય. સદીઓની ગુલામીને કારણે છેક પશુની કક્ષા સુધી ઊતરી ગયેલા આ અભણ, દરિદ્ર અને સાથે નહિ આપનાર ભારતીયોની દેખભાળ કરવા માટે જ સ્વામી વિવેકાનંદે પડકાર આપ્યો હતો.

શ્રીરામછબિલાસિંહ શ્રીરામકૃષ્ણના ભક્ત છે. મેં તેમને વિનંતી કરી કે જો સરકારી સહાય ન મળી શકતી હોય તો સ્થાનિક જૈન સમાજનો સંપર્ક સાધો. આ સંબંધે ઘટતું કરવા તે સંમત થયા.

શ્રીરામછબિલાસિંહના પ્રયત્નથી ગ્રામવિકાસ માટે ગ્રામજનોની એક સમિતિ બનાવવામાં આવેલી.

સર્વધર્માદર

ભગવા રંગનાં વસ્ત્રોમાં સજ્જ એવા એક હિંદુ સંન્યાસીનું જૈનોનાં તીર્થસ્થાનોમાં ફરવું એ સ્થાનિક લોકો માટે એક અસાધારણ બનાવ હતો. કારણ કે તેઓ હંમેશાં ફક્ત શ્વેત વસ્ત્રધારી જૈન સાધુઓને જ જોવા ટેવાયેલા હતા. બાળકો તો મને જોઈને બીકથી ભાગી જતાં. ખેતરમાં કામ કરતી સ્ત્રીઓ મને કુતૂહલથી જોયા કરતી તો પુરુષવર્ગ મારા રહેઠાણ વિષે વાતો કરતો.

ત્રીજા દિવસે જ્યારે એ બાજુથી હું પસાર થયો ત્યારે ગામ લોકોના એક ટોળાએ આવીને મને પ્રણામ કર્યાં અને પૂછ્યું, “શું આપ જલમંદિરમાં જાઓ છો તથા સમવસરણમાં રહો છે?” મેં તેનો હકારમાં જવાબ આપ્યો. તેઓ મને જૈન સાધુ સમજ્યા અને તેમણે પૂછ્યું, “આપ ભગવું વસ્ત્ર કેમ પહેરે છો?” જ્યારે મેં કહ્યું કે, હું સંન્યાસી છું, ત્યારે એ બહુ રાજી થયા. એ લોકોને એ જાણવાનું કુતૂહલ હતું કે, હું જૈન મંદિરમાં ધ્યાન કરવા શા માટે જતો હતો! મેં જવાબ આપ્યો, “બધા જ ધર્મોના અવતાર તથા સાધુ-સંતોનો હું આદર કરું છું. મેં ખ્રિસ્તીઓ સાથે દેવળોમાં પણ પ્રાર્થના કરી છે. હિંદુધર્મના જુદા-જુદા સંપ્રદાયોનાં મંદિરોમાં પૂજા કરવા ઉપરાંત મેં ગુરુદ્વારા તથા મસ્જિદમાં પણ ધ્યાન ધર્યું છે. પરંતુ મોહક વાતાવરણ, કલાત્મક તથા સુંદર આકૃતિ, પવિત્રતા તથા શાંતિને કારણે જૈન-મંદિરો હું વધારે પસંદ કરું છું.”

મને સમવસરણમાં રહેવા દેવામાં આવ્યો હતો, એ વાત ગામલોકોને સમજાતી નહોતી. જૈનતરોને તેમાં રહેવાની રજા મળતી નથી. એ સમયે શ્વેતાંબરોને પણ દિગંબર ધર્મશાળામાં રહેવા દેવામાં આવતા નહિં. આ માટે લડવાડ કરવા પણ તે તૈયાર રહેતા. મેં કહ્યું, “શું તે ખોટું નથી? શું તે બધા ભગવાન મહાવીરની જ ઉપાસના નથી કરતા? હું હિંદુ સંન્યાસી હોવા છતાં અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય, સંયમ, વગેરે સિધ્ધાંતોના માર્ગે ચાલું છું. તેનો પ્રચાર ભગવાન મહાવીરે કર્યો અને જેનું પાલન જૈન સાધુ કરે છે. “શિવ મહિમ્ન સ્તોત્રમને ટાંકતાં મે કહ્યું :

रुचीनां वैचित्र्यादृजुकुटिलनानापथजुषां ।
नृणामेको गम्यस्तवमसि पयसामर्णव इव ॥

“અર્થાત્ જેમ જુદી-જુદી નદીઓ જુદા-જુદા વાંકા ચૂંકા અને સીધે રસ્તે થઈ સમુદ્રને મળે છે તે જ રીતે બધા જ ધર્મો એક જ લક્ષ્ય તરફ લઈ જાય છે. અર્થાત બધા ધર્મોનું લક્ષ્ય એક જ હોય છે.” જૈનેતરો જો બધા જ નિયમો-પેટાનિયમોનું પાલન કરતા હોય, જૈન ધર્મ તરફ કોઈ વૈરભાવ ન હોય તો તેમને જૈન ધર્મશાળામાં શા માટે રહેવા દેવામાં ન આવે?”

અમારી વચ્ચેની વાતચીત પૂરી થઈ અને મેં મારો રસ્તો પકડ્યો. મને એ વખતે ખ્યાલ ન હતો કે, શ્રી રામબિલસિંહે મેનેજર પાસેથી ખાસ પરવાનગી લઈ શ્વેતાંબર ધર્મશાળામાં મારી રહેવાની ગોઠવણ કરી હતી. આ ગોઠવણ પણ એ શરતે થઈ હતી કે, જૈન ધર્મના બધા જ નિયમોનું હું બરાબર પાલન કરીશ. જૈન ધર્મશાળાઓને મંદિર સાથે જોડાયેલ સાર્વજનિક હોટલ બનાવી દેવામાં આવતી નથી. અનેક ધર્મશાળાઓ હોવા છતાં પ્રવાસીઓને રહેવા-જમવાની ખૂબ મુશ્કેલી ભોગવવી પડે છે.

આ વાર્તાલાપ પછી હું કુતૂહલનું કેન્દ્ર નહોતો રહ્યો. જો કે બાળકો હજુ પણ મારાથી દૂર રહેતાં હતાં. કેટલાંક માબાપ બાળકોને હાથ જોડીને મને પ્રણામ કરવાનું શીખવતાં હતાં. એક સ્ત્રી તેના રડતા બાળકને છાનું રાખવા બરાબર કહ્યા કરતી, “સાધુ બાબા, આ છોકરાને તમારી સાથે લઈ જાઓ.” હું હસીને ચાલ્યો જતો. સડકની બાજુમાં જ રહેનાર એક ગ્રામવાસી મારી સાથે રોજ વાત કરતો. ગામડાના વિકાસના પ્રશ્નની મેં એની સાથે વાત કરી. આ બધું સાંભળી એ આશ્ચર્યચકિત થઈ ગયો. કારણ કે કોઈ સાધુ સાંસારિક બાબત પર વાત કરે એની કોઈ કલ્પના જ નહોતી. તેણે ચોખ્ખું કહ્યું કે, અત્યાર સુધી તેની એવી ધારણા હતી કે, સાધુઓ પોતાનો સમય ધ્યાન ધારણામાં જ ગાળે છે. તે રામકૃષ્ણ મિશન બાબત કશું જાણતો જ નહોતો.

રામકૃષ્ણ મિશન અંગે જાણકારી મેળવવા તેણે ઈચ્છા કરી.

પછીથી શ્રી રામછબિલાસિંહ, ગ્રામજનો અને એક સ્થાનિક પત્રકારની મદદથી “પાવાપુરી આદર્શ ગ્રામ વિકાસ સમિતિ” રચાઈ. શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદનાં ચિત્રો યોગ્ય જગ્યાએ મુકાયાં હતાં. ગલીઓ અને પાણીની સામુહિક સફાઈ કરવામાં આવી. એના ઉદ્ઘાટન પ્રસંગે લાયન્સ ક્લબ અને ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય, દુર્ગાપુર નામે નજીકના ગામમાં “શ્રીરામકૃષ્ણ સેવા સમિતિ”નું પ્રસ્થાપન થયું, ‘ત્રિમૂર્તિ’ના ચિત્રો ખુલ્લા મુકાયાં, આરતી, ભજન ગવાયાં અને શ્રીરામકૃષ્ણ અને સ્વામીજીની શીખ પર ચર્ચા થઈ.

આનુષ્ઠાનિક પૂજા

જલમંદિરમાં હું જ્યાં સુધી રહેવા ઈચ્છું ત્યાં સુધી હું રહી શકતો હતો. ઘણાખરા યાત્રાળુઓ દર્શન-પૂજન કરતા, ભજન ગાતા અને થોડીક મિનિટોમાં જ ચાલ્યા જતા. કોઈ કોઈ વાર પ્રવાસીઓનું ટોળું આવી શોરબકોર કરી મૂકતું. પણ જેવું તે ટોળું ચાલ્યું જાય કે મંદિરના નાના સ્થાનમાં ફરી શાંતિ વ્યાપી જતી. સામાન્ય રીતે રવિવારે વધારે ભીડ રહેતી તથા મંદિરના ખુણે-ખાંચરે પણ કોઈ જગ્યા ન રહેતી. પરિણામે મારે બધો સમય બહાર જ રહેવું પડતું હતું. કેવળ પ્રવાસીઓ જ નહિ પણ દેશભરમાંથી ભક્તોને આવતા જોઈ મને નવાઈ લાગતી.

બ્રાહ્મણવાદ અને કર્મકાંડનો વિરોધી હોવાથી જૈનધર્મ પુરોહિત- તંત્રમાંથી મુક્ત થવામાં સંપૂર્ણ રીતે સફળ થઈ ગયો છે. મેં કેટલાંય જૈનમંદિરોમાં જનોઈ ધારણ કરેલ પુરોહિતને જોયા. પૂછપરછ કરવાથી માલૂમ પડ્યું કે, તેમની નિમણૂક જૈનોને દૈનિક પૂજામાં સહાય કરવા માટે થઈ છે. મેં એ પણ જોયું કે, તેમની સાથે એક દાડીયા સાથે થાય તેવો જ વહેવાર કરવામાં આવતો. શ્વેતાંબર જૈનોમાં કોઈ કોઈ સંપ્રદાય મૂર્તિપૂજા કરતો નથી. એટલે તેના સભ્યો ન તો મંદિરમાં જાય છે કે ન તો અનુષ્ઠાન પૂજા કરે છે. આનુષ્ઠાનિક પૂજા જૈનો વચ્ચે સરળ રૂપમાં પ્રચલિત થઈ ગઈ છે. જેમાં જાતજાતની પૂજાનું વર્ણન હોય તેવાં પુસ્તકો પણ પ્રચલિત છે. ભગવાન મહાવીર પ્રત્યે મારી શ્રધ્ધા અર્પિત કરવા અને જૈન અનુષ્ઠાનોથી પરિચિત થવા એક દિવસ મેં જલમંદિરમાં પૂજા અને આરતી કર્યાં. સ્નાન કરી એક ચોખ્ખું ધોતિયું પહેર્યું અને એક ચાદરથી શરીર ઢાંકી લીધું. મોં અને નાક પણ એક કપડાથી ઢાંકવાં પડ્યાં. જૈનો પૂજામાં શ્વેત કે પીળાં રેશમી વસ્ત્રો ધારણ કરી ખુબ ધર્મપરાયણ લાગે છે. સૌ પહેલાં મૂર્તિ સાથે લાગેલાં ચંદન અને પુષ્પ વગેરેને ધોઈને ઉપાડી લેવામાં આવે છે. એ માટે ‘કુશ’ના બનાવેલ બ્રશનો પણ ઉપયોગ થાય છે. તે પણ મંત્રોચ્ચાર કરતાં કરતાં પહેલાં દૂધથી, પછી જળથી મૂર્તિને સ્નાન કરાવાય છે. તે પછી મૂર્તિને કોરી કરવા સુંદર વસ્ત્રોના પાંચ કકડાનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં સુધીની ક્રિયાને પ્રક્ષાલન કહેવાય છે. હવે મુખ્ય પૂજાની શરૂઆત થઈ. જેમાં ધૂપ કરવો, ચંદન ચડાવવું, પુષ્પાર્પણ કરવું અને આરતી કરવી વગેરે હોય છે. હિંદુ પુજાઓમાં કરવામાં આવતા ન્યાસ, ભૂતશુધ્ધિ, વગેરે આરંભની ક્રિયાઓનો સંપૂર્ણ અભાવ હતો. પૂજન સામગ્રીને સળગતી અગરબત્તીઓ પર એક-બેવાર ફેરવી શુધ્ધ કરવામાં આવે છે. ચંદન પગના અંગૂઠા, ઘુંટણ, આગળના હાથ, ખભા, મસ્તક, લલાટ, ડોક, વક્ષ:સ્થળ, નાભિ, હથેળીઓ, વગેરે પર લગાવાય છે. તે માટે જુદા જુદા મંત્રો પણ બોલાય છે. સમય અનુસાર વધારે ચંદન અને પુષ્પથી મૂર્તિને શણગારવામાં આવે છે.

આરતીના સમયે એક ઘંટ વગાડવામાં આવ્યો. સાંધ્ય-આરતી ઘંટારવ અને સ્તોત્રના પાઠ કરતાં કરતાં પ્રગટાવેલ દીપથી કરવામાં આવે છે. દિગંબર જૈન ચંદન અને પુષ્પ અર્પણ કરતા નથી. અક્ષત, નૈવેદ્ય અને ફળ પણ ચડાવવામાં આવે છે. મેં આ બધી વસ્તુઓ ચડાવી નહિ. એક ટેબલ ઉપર ચોખાના દાણા એવી રીતે ગોઠવવામાં આવે છે. કે ઉપર અર્ધચંદ્ર, વચ્ચે ત્રણ બિંદુઓ તથા સૌથી નીચે સ્વસ્તિકનું ચિહ્ન બની જાય. આ ચિત્ર ઉપર મિશ્રી, બરફી અને એવી મીઠાઈ ચડાવવામાં આવે છે. ત્યાં પ્રસાદ લેવાનો કોઈ રિવાજ નથી. જે કંઈ ચડાવવામાં આવે તે બ્રાહ્મણ પુરોહિતોને આપી દેવામાં આવે છે. મંત્રો ઘણુંખરું ગુજરાતી કે હિંદીમાં બે ચરણના હોય છે. ભક્તો તેને સહેલાઈથી યાદ રાખી લે છે. કેટલોક ભાગ પાલી ભાષામાં પણ છે, જેનો ભક્તો મુખપાઠ કરી લે છે. ઘણીખરી સ્ત્રીઓ સ્તવન-પાઠ તથા પૂજા કરી શકતી હતી. મેં જોયું કે એક સ્ત્રી, ભક્તોના એક જૂથમાં પાલી ભાષાનો એક પાઠ અસ્ખલિત પ્રવાહ રૂપે રટતી હતી. આ દૃશ્ય ઘણું મનમોહક હતું. વચ્ચે તે પુરોહિતની જેમ કહેતી રહેતી, “હવે નવકાર મંત્રના ચારવાર પાઠ કરો, હવે અક્ષત ચડાવો.” એમણે કરવાનો છેલ્લો મંત્ર સંસ્કૃતમાં હતો, જેના આરંભમાં ઓમ્ અને અંતમાં સ્વાહા આવતું. મેં દક્ષિણ ભારતીય જૈન ભક્તોના એક જૂથને ૨૪ તીર્થંકરોની બૃહદ્ પૂજા સંસ્કૃત શ્લોકો તથા કેટલાક બીજા મંત્રોની મદદથી કરતા જોયા.

યાત્રાંતે

મારા પ્રવાસ દરમ્યાન એક વાર હું રાજગીર ગયો અને ત્યાં અતિ વૃધ્ધ જૈન સંત શ્રી અમર મુનિનાં દર્શન કર્યા. એમણે બતાવ્યું કે, હિંદુઓના પ્રસિધ્ધ જ્યોતિર્લિંગની પેઠે રાજગીર અને નાલંદા પણ આધ્યાત્મિક જ્યોતિથી પૂર્ણ છે. એમણે મને પાવાપુરીમાં આવેલા જલમંદિરમાં રાત્રે જ્યારે સંપુર્ણ નીરવતા હોય ત્યારે ધ્યાન કરવાની સલાહ આપી. મારા નિવાસકાળની છેલ્લી રાત્રિ જલમંદિરમાં વિતાવી, મેં એમની ઈચ્છા પૂરી કરી. જેમ જેમ રાત વધતી ગઈ તેમ તેમ શાંતિ પણ વધુ ને વધુ પ્રગાઢ રૂપે જામતી ગઈ. રાત થતાં ન થતાં રાતના ચોકીદાર અને કૂતરાના અવાજ પણ બંધ થઈ ગયા. જાણે એવું લાગતું હતું કે દેશ-કાળ બધાથી પર કોઈ ઉપરના રાજ્યમાં હું પહોંચી ગયો હોઉં. સાધારણ રીતે સાધકો બીજા સંપ્રદાયો મંદિરોનો લાભ લઈ શકતા નથી. જો તેઓ પોતાની જાતને પાવાપુરીમાં વ્યાપેલા જૈન તીર્થંકરોના આધ્યાત્મિક સ્પંદનો સાથે ઐક્ય કેળવી શકે તો એમને ઘણો ફાયદો થશે. પણ અન્ય તીર્થસ્થાનોની જેમ અહીં પણ ઘણી અડચણો છે. અને તે ધીરજથી સહન કરવી પડે છે.

પાવાપુરીમાં મારા તે અવિસ્મરણીય દિવસોનો ઝટ અંત આવી ગયો. ગાડી સમવસરણ છોડીને સર્પાકાર સડક પર ગતિમાં આવી આગળ વધવા લાગી. હું મનમાં ને મનમાં જ એક પરિવર્તનનો અનુભવ કરવા લાગ્યો. લીલી પીળી ચાદર ઓઢી અનાજનાં ખેતરોએ મારું સ્વાગત કર્યું હતું તે હવે ઉદાસ પડ્યાં છે. તેના સ્થાને ઉઘાડો વિશાળ ભૂમિભાગ દેખાતો હતો. એની છાતી પર ક્યાંક ક્યાંક નવા વાવેલા ઘઉંના લીલા છોડ, રાઈનાં ચળકનાં ફુલ પવનના ઝપાટા ખાતાં હતાં. ક્યાંક ક્યાંક ટ્રેક્ટરો, બળદગાડાં અને હળખેડુઓ દેખાતા હતા. ગામડાના લોકો પણ બદલાઈ ચૂક્યા હતા. એમની નિર્દોષ આંખો, જે કદીક અજાણ્યા સાધુને જોયા કરતી હતી તે હવે રામકૃષ્ણ મિશનના પરિચિત સાધુ પ્રત્યે આભાર અને આંસુથી ભીંજાઈ ચૂકી હતી. કારણ કે એ સાધુએ તેમની પાસે શ્રીરામકૃષ્ણ દેવની જીવન પદ્ધતિની વાણી પહોંચાડી હતી. છેવટે, હું મારી પોતાની અંદર થયેલ પરિવર્તન તરફ પણ સજાગ હતો. અહીંથી પાછો ફર્યા પછી શહેરની આ ધાંધલ-ધમાલ વચ્ચે, મારી અંદર હજુ પણ અનુભવી રહયો છું – અનુભવની સમૃદ્ધિ, પૂર્ણતાનો ભાવ અને શાંતિ.

ભાષાંતરકાર : પ્રો. જે. સી. દવે

(‘પ્રબુદ્ધ ભારત’ (માર્ચ ૧૯૮૫) માંથી સાભાર ગૃહીત)

Total Views: 230

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.