સ્વામી સિદ્ધિનાથાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે. થોડાં વર્ષો પૂર્વે તેમણે સૌરાષ્ટ્રનું ભ્રમણ કર્યું હતું, તેનું રોચક વર્ણન અહીં ધારાવાહિકરૂપે રજૂ કરીએ છીએ.

ભારતી ભોમની વડી તનય — સૌરાષ્ટ્ર ધરણી

સૌરાષ્ટ્ર શબ્દનો ધ્વનિ કર્ણપ્રિય અને તેનો અર્થ ‘સારું’ થાય છે. કારણ, આ નામ જ તેનો ‘સારો દેશ’ એવો અર્થ આપે છે. કોઈ વસ્તુ સારી બે રીતે હોઈ શકેઃ આંતરિક અને સાપેક્ષ. સૌરાષ્ટ્ર બંને રીતે સારું જ છે. પોતાની રીતે તો સારું છે જ. ભારતની પશ્ચિમે દરિયાકિનારે તે આવેલું છે. દરિયાનાં મોજાં તેને પખાળે છે અને અરબી સમુદ્રના વાયરા તેને શાતા આપે છે. અઢળક દરિયાઈ સંપત્તિથી અને સાગરકાંઠાની સાંસ્કૃતિક અને પારંપારિક રૂઢિઓથી એ સભર છે. વિવિધ પ્રાકૃતિક સંપદા, પ્રાણીઓ, વનસ્પતિથી આ પ્રદેશ ભર્યોભાદર્યો છે. તેથી સ્વાભાવિક રીતે જ તે ‘સુ-રાષ્ટ્ર’ છે. રાજસ્થાનના નીરસ વગડાઉ પ્રદેશમાંથી સૌરાષ્ટ્રનાં વન્ય પ્રદેશમાં પ્રવેશતાં જ, આબોહવા અને વનસ્પતિના ભેદને લીધે એક પ્રકારની રાહત અને આનંદની લાગણી થાય છે. શુષ્ક ડુંગરાઓ અને રેતીના ઢૂવાઓ બાદ, આ કિનારાના પ્રદેશની લીલીછમ ટેકરીઓ અને ખીણો એટલી તો તાજગી આપનારી છે કે, મનમાંથી આપોઆપ જ ઉદ્‌ગાર ઊઠે છે : કેવું સુંદર! રેતાળ પ્રદેશને પેલે પારથી આવતી અનેક જાતિઓને માટે સૌરાષ્ટ્રની ભૂમિ સતત એક આકર્ષણરૂપ હતી. અને અવારનવાર લાલચુ વિજેતાઓનો ભોગ બનતી.

આઝાદી પૂર્વે સૌરાષ્ટ્ર નાનાંનાનાં બસો કરતાં વધારે રજવાડાંઓનું ઝૂમખું હતું. સરદાર પટેલના પ્રયાસોથી તેનું એક એકમ થયું. થોડો સમય તે અલગ એકમ તરીકે રહ્યું, પરંતુ મુંબઈ પ્રાંતનું વિભાગીકરણ થતાં અને મહારાષ્ટ્ર ગુજરાતનું દ્વિભાષી રાજ્ય થતાં, સૌરાષ્ટ્રનું ગુજરાતમાં વિલીનીકરણ થયું. તેનું રાજકીય ભાવિ તેનું કદ વધવાથી, સીમિત થવા છતાં સૌરાષ્ટ્ર પોતાના પારંપારિક સંસ્કાર અને રીત રિવાજોનું આગવું સ્વરૂપ જાળવી રાખ્યું છે.

રાજકોટ :

આપણે રાજકોટથી જ શરૂઆત કરીશું, જે રાજકોટના એક સમર્થ દેશી રાજ્યનું કેન્દ્ર હતું તે એક ઠીકઠીક મોટું શહેર છે. ગાંધીજીએ શરૂઆતનું શિક્ષણ અહીં જ પ્રાપ્ત કર્યું હતું. અન્ય કોઈ બાબત કરતાં મારે માટે વધારે રસ પડે તેવી બાબત એ છે કે અત્રે રામકૃષ્ણ સંઘનું એક સુંદર કેન્દ્ર છે. સંઘના સભ્ય માટે તો રામકૃષ્ણ-વિવેકાનંદ સાથે સંકળાયેલું કોઈ પણ સ્થળ એક પવિત્ર તીર્થસ્થાન જ છે. હું રાજકોટ પહોંચ્યો ત્યારે આબોહવા ખુશનુમા હતી. રાજકોટ સ્ટેશનથી દોઢેક માઈલ દૂર, શહેરની મધ્યમાં જ વિશાળ ખુલ્લા મેદાનવાળું આ કેન્દ્ર આવેલું છે, તેમાં સમૃદ્ધ પુસ્તકાલય અને વિદ્યાર્થીગૃહ છે. ભવ્ય અને મોટું રામકૃષ્ણ મંદિર ઊભું છે, જે આ આધુનિક છતાં જૂના મઠને નવું જ પરિમાણ આપે છે.

લીંબડી :

સ્વામી વિવેકાનંદે, પોતાના પ્રવાસોના દિવસોમાં અહીં આ વિસ્તારમાં થોડો સમય ગાળ્યો હતો. સ્વામીજીના થોડા સમયના નિવાસથી પાવન થયેલાં સ્થળોમાંનું એક આ નાનકડું રજવાડું લીંબડી પણ હતું. તેમના અહીંના નિવાસની શરૂઆત અસુખપ્રદ રહી. ૧૮૯૧ના અંત ભાગમાં એક સાંજે એક અપરિચિત પ્રવાસી સાધુ, સ્વામીજી લીંબડી પહોંચ્યા. બહારના વિસ્તારમાં શિવનું મંદિર જોઈને, તેમણે પૂજારીને પોતે ત્યાં રાતવાસો કરી શકે કે કેમ તેવી પૃચ્છા કરી. પૂજારીએ તેમને નજીકના સ્થળે જવા નિર્દેશ કર્યો. સ્વામીજીનો ત્યાં સત્કાર થયો અને એક ઓરડો બતાવવામાં આવ્યો. રાત્રે સ્વામીજીએ બાજુના ખંડમાંથી ભ્રષ્ટ જાતિના લોકોનો મંત્રોચ્ચાર સાંભળ્યો. એ લોકો ધર્મને નામે, ધર્મના ઓઠા નીચે દુરાચારમાં ઓતપ્રોત થયેલા હતા. સ્વામીજીના ભય વચ્ચે, તેમના ઓરડાને બહારથી બંધ કરી તાળું મારી દેવામાં આવ્યું. ટોળીનો મુખિયો તેમની પાસે આવ્યો અને તેમને તેના હલકા ઈરાદાની જાણ કરી. અસ્વસ્થ છતાં સ્વામીજી શાંત રહ્યા. બીજે દિવસે સવારે એક છોકરાએ દૂધ દેવા માટે બારણું ખોલ્યું, ત્યારે સ્વામીજીએ કોલસાથી એક ઠીકરા પર લખીને ત્યાંના મહારાજાને એક સંદેશો મોકલાવ્યો. છોકરાએ સંદેશો બરાબર પહોંચાડ્યો; અને મહારાજાએ પોતાના સિપાઈઓને મોકલી સ્વામીજીને છોડાવ્યા.

સ્વામીજી મહારાજા જશવંતસિંહજી સાથે થોડા દિવસો રહ્યા. મહારાજાએ આધ્યાત્મિકતામાં અભિરુચિ દાખવી અને તેઓ સ્વામીજીના દીક્ષિત – શિષ્ય પણ બન્યા. યુરોપ અને અમેરિકાનો બે વાર પ્રવાસ કરી ચૂકેલા મહારાજાએ સ્વામીજીને અમેરિકાની મુલાકાત લેવા આજીજી કરી. તેમણે આજુબાજુનાં અન્ય રજવાડાંના મહારાજાઓ સાથે પણ સ્વામીજીનો પરિચય કરાવ્યો. બીજે વર્ષે મહાબળેશ્વરમાં ફરી મહારાજ અને મહારાજાનું મિલન થયું. શિષ્યે ગુરુને પોતાની સાથે લીંબડી આવવા અને ત્યાં જ રહેવા વિનંતી કરી; પરંતુ સ્વામીજીએ આ નિમંત્રણનો અસ્વીકાર કર્યો. કારણ કે તેમને પોતાનાં કર્તવ્યો પૂરાં કરવાનાં હતાં, તેમના ધ્યેયની પ્રાપ્તિ કરવાની હતી. ‘પરંતુ જો હું નિવૃત્ત જીવન ગાળીશ તો તમારી સાથે જ ગાળીશ.’ સ્વામીજીએ તેમને કહ્યું. પરંતુ એવું બન્યું નહિ, કારણ કે સ્વામીજીએ કદી પણ નિવૃત્તિનું જીવન ગાળ્યું નહિં.

રહસ્યમય દિવ્ય સંકેતો :

સ્વામીજીના મુકામની વાત રસપ્રદ છે. આ એ જ મહેલ છે કે, જ્યાં સ્વામીજી અને તેમના રાજવી શિષ્ય વચ્ચે આધ્યાત્મિક ચર્ચા થતી હતી. તે જ આજે આ રામકૃષ્ણ-પ્રાર્થના-મંદિર છે. આ કેવી રીતે શક્ય બન્યું તે કથા જાણવા જેવી છે. જૈન ધર્મમાં શ્રદ્ધા ધરાવતા અને લીંબડીના જ વતની છબિલભાઈનો વ્યવસાય તો રંગૂન, કલકત્તા અને મુંબઈમાં હતો. પણ પેટની તીવ્ર વ્યાધિએ તેમને તેમના પોતાના વતનમાં પાછા ફરવાની ફરજ પાડી. અહીં તેમની તબિયતમાં સુધારો થયો તો વળી તેમનાં ધર્મપત્ની તીવ્ર મધુપ્રમેહનાં શિકાર થયાં. તેમણે સ્વપ્નમાં એક યોગીનાં દર્શન કર્યાં પણ તેઓ તે યોગીને ઓળખી શક્યાં નહિ. તેવામાં આકસ્મિક રીતે જ છબિલભાઈએ એક ગુજરાતી માસિકમાં, શ્રીરામકૃષ્ણ વિશે એક ટૂંકો પરિચય વાંચ્યો અને તેમના વિશે તેઓ વધુ જાણવા ઉત્સુક બન્યા. રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમમાંથી તેમના વિશેનાં થોડાં પુસ્તકો તેમણે મેળવ્યાં અને વાંચ્યાં. એ પુસ્તકોમાંના એકમાં, તેમનાં પત્નીએ શ્રીરામકૃષ્ણની છબી જોતાં જ આશ્ચર્ય સાથે કહ્યું કે, તે જ યોગીને તેમણે પોતાના સ્વપ્નમાં નિહાળ્યા હતા. બંનેને શ્રીરામકૃષ્ણમાં રસ પડ્યો. થોડા સમયમાં એક મંડળ રચાયું. એ અવારનવાર એકઠું થઈ પ્રાર્થના સભાઓ યોજવા લાગ્યું. તેઓએ એક નાનકડા ભાડૂતી મકાનમાં શરૂઆત કરી. સંખ્યા વધવા લાગી અને તેમને એક મોટા અને કાયમી મકાનની, પોતાની પ્રાર્થનાસભા માટે જરૂરત લાગી. એ સમયે જ્યાં સ્વામીજી ભૂતકાળમાં લાંબો સમય રહ્યા હતાં, તે મહેલ બિનઉપયોગી પડ્યો હતો. કેટલાક સ્થાનિક લોકોએ કૉલેજ માટે તે મેળવવા પ્રયાસ કર્યો, પરંતુ એ યોજના પડી ભાંગી. પ્રાર્થનામંદિર તરીકે તેનો ઉપયોગ કરવાનો વિચાર છબિલભાઈના મનમાં જોર કરતો ગયો. પરંતુ તે કઈ રીતે મેળવી શકાય? શું રાજવી પાસે એ મહેલ બક્ષિસ તરીકે માગી શકાય! અશક્ય! પણ કેવી ગજબની વાત! એક રાત્રે તેમને એક અવાજ એવું કહેતો સંભળાયો : ‘માગ, માગ તને એ મળશે.’ ત્રણ વાર એ અવાજ સંભળાયો. બીજે દિવસે સવારે તેમણે રાજમાતાને મળવા માટેની વ્યવસ્થા કરવાની વિનંતી કરતો ફોન તેમના ખાનગી મંત્રીને કર્યો, અને પોતાની મુલાકાતના હેતુની જાણ પણ કરી. રાજમાતાએ તેમની દરખાસ્તનો અનુકૂળ પ્રતિભાવ આપ્યો, પરંતુ પોતાના પુત્રની સંમતિ મેળવ્યા બાદ જ (રાજકુમાર એ સમયે દૂર, દિલ્હીમાં હતા.) આખરી અને યોગ્ય નિર્ણય લઈ શકાય તેવી ઇચ્છા વ્યક્ત કરી. એકાદ અઠવાડિયામાં રાજકુમાર પાછા આવ્યા અને ૧૯૬૮માં હાલના ઠાકોરસાહેબ શ્રી છત્રપાલસિંહે શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિરને મહેલ અર્પણ કર્યો. એ જ સ્થળે હાલનું રામકૃષ્ણ મંદિર ચાલી રહ્યું છે. એ એક સુંદર, બે માળનું, મોકળાશવાળું, પથ્થરનું બનેલું અને સુઘડ તેમ જ સારી હાલતવાળું મકાન છે. શ્રી ઠાકુર, શ્રીમા અને સ્વામીજીએ લીંબડીમાં કાયમી નિવાસ કર્યો છે એ સ્પષ્ટ છે કે, ચમત્કારના દિવસો આજે પણ સમાપ્ત થયા નથી.

(ક્રમશ:)

ભાષાંતરકર્તા : શ્રી સી. એ. દવે

Total Views: 156

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.