(ગતાંકથી આગળ)

ખ્રિસ્તી ધર્મમાં પ્રાર્થના :

એક તરફ હિંદુધર્મે પ્રાર્થનાની ઉપેક્ષા કરી તો બીજી તરફ ખ્રિસ્તીધર્મે એને બધા પ્રકારની સાધનાઓમાં ઊંચામાં ઊંચું સ્થાન આપ્યું. મધ્યયુગ દરમિયાન ખ્રિસ્તી આધ્યાત્મિક તત્ત્વજ્ઞાને આ ત્રણ સાધનાઓને માન્ય કરી : ધ્યાન (મેડીટેશિયો) પ્રાર્થના (ઓરેશિયો) અને ચિંતન (કોન્ટેમ્પ્લેશિયો) હિંદુધર્મમાં જેને આજે ધ્યાન કહે છે તેની સાથે નહિ પરંતુ મનન સાથે ખ્રિસ્તીધર્મનું ધ્યાન મળતું આવે છે. અગાઉની શતાબ્દિઓમાં પ્રાર્થના માટે કોઈ ખાસ ચોક્કસ પદ્ધતિ ન હતી અને દરેક વ્યક્તિ પોત પોતાની રીતે પ્રાર્થના કરવા માટે સ્વતંત્ર હતી. સમય જતાં આ પ્રાર્થના જે હિંદુધર્મની પ્રાર્થના સાથે મળતી આવે છે, તેવી ભાવભરી પ્રાર્થના (Affective Prayer) તરીકે ગણાવા લાગી. અને જ્યારે તેને સરળ બનાવીને એક જ સૂત્રમાં અથવા ‘શાંત આંતરિક એકચિત્તતા’માં ફેરવવામાં આવી ત્યારે તેને, હિંદુધર્મમાં જે ધ્યાનની સાથે મળતી આવે છે, એવી સાદગીભરી પ્રાર્થના (Prayer of simplicity) અથવા હૃદયપૂર્વકની પ્રાર્થના (Prayer of the Heart) ગણવામાં આવી, ચિંતન એક સાધના કરતાં ધ્યાન અને પ્રાર્થનામાંથી પરિણમતી અનુભૂતિ જ વિશેષ ગણાવા લાગી એ ઈશ્વરની એક નિકટતમ ઓળખ હતી, જે પરમાત્મા તરફથી આત્માને મળેલી મુક્ત અને પ્રેમભરી ભેટ હતી. આ અર્થમાં આવું ચિંતન (contemplation) હિંદુધર્મમાં વર્ણવેલી સમાધિ સાથે મળતું આવે છે.

તેમ છતાં સોળમી સદીના મહાન સ્પેનીશ ગૂઢવાદી સાધકો અને સત્તરમી સદીના ફ્રેંચ ગૂઢવાદી સાધકોના પ્રભાવને પરિણામે તમામ પ્રકારની સાધનાને ‘પ્રાર્થના’ની વ્યાપક પરિભાષામાં સમાવી લેવામાં આવી. જોકે મૌખિક પ્રાર્થના (એટલે કે સ્તોત્રોનું વૃંદગાન તથા એકાંતમાં ગીતગુંજન) તેમજ માનસિક પ્રાર્થનાનો ભેદ તો સ્પષ્ટ કરવામાં આવ્યો હતો ખરો. આ માનસિક પ્રાર્થનાના પણ વળી બે ભાગ કરવામાં આવ્યા : સક્રિય પ્રાર્થના (Active Prayer) નિષ્ક્રિય પ્રાર્થના (Passive Prayer) જેને પ્રેરિત પ્રાર્થના (Infused Prayer) પણ કહી શકાય.

આ બધામાં સક્રિયા પ્રાર્થના એ એવી પ્રક્રિયા છે કે જેમાં પ્રાર્થના સ્વપ્રયત્નથી થાય છે અને તે ત્રણ ક્રમિક તબક્કાઓવાળી હોય છે. ધ્યાન (Discursive Prayer) ભાવભરી પ્રાર્થના (Affective Prayer) અને સાદગીભરી પ્રાર્થના (Prayer of Simplicity) નિષ્ક્રિય પ્રાર્થના કે પ્રેરિત પ્રાર્થના એ ચિંતન છે. આ એક એવી ઇન્દ્રિયાતીત અવસ્થા છે કે જે સ્વપ્રયત્નથી મુક્ત છે. એમાં આત્મા ઈશ્વર સાથેના સંબંધનો અનુભવ કરે છે. સંત ટેરેસાના કહેવા પ્રમાણે તો આ સાધના ચાર તબક્કાઓની (પ્રક્રિયાઓની) બનેલી છે. આ બધી જુદી જુદી સાધનાને ‘પ્રાર્થના’ની સર્વસામાન્ય પરિભાષામાં સાંકળી લઈએ તો ખરેખર જ આડકતરી રીતે આ સૂચવે છે કે વ્યક્તિના આધ્યાત્મિક જીવનની આરપાર પ્રાર્થનામય વલણ અને ઈશ્વરને સમર્પિત થઈ જવાનું વલણ સક્રિય રહે. એક મહત્ત્વનું ધ્યાન એ રાખવાનું છે કે જે ભાવભરી પ્રાર્થના કહી છે, એનો અર્થ એટલો જ થાય કે એ એક મુક્ત અને અવિધિસરની અંગત પ્રાર્થના છે. એ હિંદુધર્મની પ્રાર્થનાને મળતી આવે છે. ખ્રિસ્તીધર્મની પ્રાર્થનાના અન્ય પ્રકારો માટે હિંદુધર્મમાં મનન, ધ્યાન, સમાધિ વગેરે વિશેષણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પ્રાર્થનાનું મૂળ સ્વરૂપ :

ખ્રિસ્તીધર્મના અધ્યાત્મશાસ્ત્રમાં પ્રાર્થનાની બે વ્યાખ્યા કરવામાં આવી છે જે ઘણા જૂના જમાનાથી ચાલી આવે છે. એક છે એલેક્ઝાન્ડ્રીઆના ક્લેમેન્ટની ‘પ્રાર્થના એ ઈશ્વર સાથેનો સંવાદ છે.’ બીજી છે જોન દામાસીન અને પોન્ટસના ઇવેગ્રિમસની: ‘પ્રાર્થના એ આત્માનું પરમાત્મા તરફ ઊર્ધ્વગમન છે.’ હિંદુધર્મમાં પ્રાર્થના માટેની જે સંકલ્પના છે એ પહેલી વ્યાખ્યા સાથે મળતી આવે છે. બીજી વ્યાખ્યા વધારે વ્યાપક છે. અને ખ્રિસ્તીધર્મનાં પ્રાર્થનાના બધાં વિવિધ સ્વરૂપોને અને ખાસ કરીને ખ્રિસ્તી રહસ્યવાદ (Christian Mysticism) લાગુ પાડી શકાય એમ છે.

પ્રાર્થના એટલે ઈશ્વર સાથેનો સંવાદ. સામાન્ય માનવીના આત્માનો ઈશ્વર સમક્ષ પહોંચવાનો એ પ્રથમ પ્રયત્ન દર્શાવે છે. જેવી રીતે આપણા સમોવડિયા સાથેનું આપણું મિલન સંવાદનું સ્વરૂપ ધારણ કરે છે તેવી રીતે આત્માનું ઈશ્વર સાથેનું પ્રથમ મિલન અંતરંગ સંવાદનું સ્વરૂપ ધારણ કરે છે. આત્માની આધ્યાત્મિક ઉત્કંઠા વ્યક્ત કરવા માટેનો એ પ્રથમ આયાસ છે. કારણ કે એ એક જ એવો રસ્તો છે કે જેના દ્વારા શિશુઅવસ્થામાં રહેલો આત્મા પોતાને સર્વોચ્ચ સત્ય તરફ વાળે છે. જેમ એક બાળક પોતાની જરૂરિયાતો વિષે માબાપને કહે છે, જેમ એક વિદ્યાર્થી શિક્ષક પાસે માર્ગદર્શન માગે છે, અથવા તો એક સેવક પોતાના સ્વામી સમક્ષ પોતાના પ્રશ્નોની રજૂઆત કરે છે બસ, તેવી જ રીતે આત્મા ઈશ્વર સમક્ષ પોતાની મુશ્કેલીઓ, જરૂરિયાતો અને ઇચ્છાઓને નિખાલસપણે વ્યક્ત કરે છે. પોતાની જરૂરિયાતો વ્યક્ત કરીને જ બાળકો માબાપની વધુ ને વધુ નિકટ જાય છે અને પોતાના એમની સાથેના સંબંધને ઓળખતાં થાય છે. બરાબર એ જ પ્રમાણે પ્રાર્થના આત્માને ઈશ્વરની વધુ ને વધુ નજીક લઈ જાય છે અને તેની સાથેના પોતાના સંબંધો પ્રગટ કરે છે. ઈશ્વરની સાથેનો સંવાદ અને તેની કૃપાનું આ અવલંબન જ પ્રાર્થનાને અન્ય સાધનાઓથી જુદી પાડે છે.

ઈશ્વર જોકે અદૃશ્ય છે છતાં પણ પ્રાર્થના એ સ્વગતોકિત નથી. એ તો શ્રદ્ધાના માધ્યમ દ્વારા અદૃશ્ય દિવ્ય સાથી સાથે ચાલતો એક અગમ્ય આંતરિક વિનિમય છે. સાચા ભક્તને તો એમ થતું જ નથી કે એનો અંતર્યામી અજાણ્યો છે. અથવા તો એ વળતો જવાબ આપતો નથી. એની ઉત્કટ શ્રદ્ધા ઈશ્વરને હાજરાહજૂર રાખે છે. શ્રદ્ધાની આ અતુટ પ્રક્રિયા જ પ્રાર્થનાને સાધનાનું સ્વરૂપ બક્ષે છે.

(ક્રમશ:)

ભાષાંતરકાર : શ્રી વાલ્મિક દેસાઈ

Total Views: 252

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.