મહાભારત એક એવો વિશાળ ગ્રંથ છે કે જેમાં માનવજીવનના પુરુષાર્થ – ધર્મ, અર્થ, કામ અને મોક્ષને સરળ વ્યાખ્યાનો અને ઉપાખ્યાનો દ્વારા સુબોધ બનાવીને પ્રસ્તુત કરવામાં આવ્યાં છે. મહાભારતકાળમાં પણ ભૌતિક તથા આધ્યાત્મિક શક્તિઓનો પરસ્પર ઘોર સંઘર્ષ ચાલતો હતો. આ કથામાં પણ આ બે શક્તિઓ વચ્ચે ચાલતા આવતા સંઘર્ષનું વર્ણન કરીને આ વાતને સિદ્ધ કરી છે કે ખરેખર તો આધ્યાત્મિક શક્તિ જ શ્રેષ્ઠ છે તથા અંતમાં વિજય એનો જ થાય છે.

એકવાર ગાધિનન્દન વિશ્વામિત્ર એક હરણની પાછળ દોડી રહ્યા હતા. ગીચ જંગલમાં હરણ એમની દૃષ્ટિથી અદૃશ્ય થઈ ગયું. રાજાને તરસ લાગી એમણે ચારે તરફ જોયું. થોડે દૂર એમને લીલાંછમ વૃક્ષો દેખાયાં. રાજા એ તરફ ચાલવા લાગ્યા નજીક જઈને તેમણે જોયું કે એવા ઘોર વનમાં એક સુંદર ઉપવન છે અને ઉપવનની વચ્ચે વાંસની બનેલી કેટલીક કુટિરો છે.

વિશ્વામિત્રે તો કુટિરોની વચ્ચે ફળિયામાં પ્રવેશ કર્યો. એક બ્રહ્મચારીની દૃષ્ટિ તેમના તરફ પડી. તેણે રાજાનું સ્વાગત કરીને અભિવાદન કર્યું.

વિશ્વામિત્રે પૂછ્યું, ‘બ્રહ્મચારી, આ ક્યા મહાપુરુષનો પવિત્ર આશ્રમ છે?’

બ્રહ્મચારીએ કહ્યું, ‘અતિથિપ્રવર! આ બ્રહ્મર્ષિ ભગવાન વસિષ્ઠનો આશ્રમ છે! આપ પધારો અને અતિથિગૃહમાં વિરાજો.’

વિશ્વામિત્રે કહ્યું, ‘બ્રહ્મચારી, હું પહેલાં ભગવાન વશિષ્ઠનાં દર્શન કરીશ તે પછી જ અતિથિગૃહમાં જઈશ.’

બ્રહ્મચારીએ માર્ગદર્શન કર્યું. થોડે દૂર એક વૃક્ષની નીચે બ્રહ્મર્ષિ બેસીને જિજ્ઞાસુઓના પ્રશ્નોનું સમાધાન કરી રહ્યા હતા. વિશ્વામિત્રે ઋષિનો ચરણ-સ્પર્શ કર્યો. વસિષ્ઠજીએ પણ રાજાનું બનતું સ્વાગત કર્યું. કુશળ મંગળ પૂછ્યા પછી વસિષ્ઠે પૂછ્યું, ‘રાજન, આપ અચાનક જ આશ્રમમાં કેમ પધાર્યા?’

વિશ્વામિત્રે તેમને પોતે શિકાર પર નીકળેલા તેની બધી વિગત જણાવી થોડીવાર પછી તેમણે ઋષિની પાછા જવા માટેની પરવાનગી માગી. વસિષ્ઠજીએ આગ્રહપૂર્વક કહ્યું, ‘રાજન, આપ અમારા અતિથિ છો. અતિથિની સેવા કરવી એ અમારો ધર્મ છે. તેથી ભલે એક દિવસ માટે પણ તમે અમારું આતિથ્ય સ્વીકાર કરો.’

વિશ્વામિત્રે કહ્યું, ‘ભગવન, આપના આશીર્વાદ જ અમારા માટે પૂરતા છે. મારી સાથે મંત્રીઓ, અમાત્યો તથા ઘણા સૈનિકો છે. આશ્રમનું આતિથ્ય સ્વીકારવાથી આપ બધાને તકલીફ થશે.’

વસિષ્ઠજીએ કહ્યું, ‘રાજન, આપ અમારી તકલીફની ચિંતા ન કરશો. પ્રભુની કૃપાથી આપના મંત્રી, સૈનિકો, અમાત્યો, બધાના આતિથ્ય સત્કારની વ્યવસ્થા થઈ જશે.’

ઋષિનો વિશેષ આગ્રહ જોઈને વિશ્વામિત્રે તેમનું આતિથ્ય સ્વીકારી લીધું. રાજા વિશ્વામિત્રે પોતાના સેવકો તથા અનુચરો સાથે નજીકના એક બગીચામાં ઉતારો રાખ્યો. થોડી જ વારમાં એક બ્રહ્મચારીએ આવીને ભોજન કરવા આવવા માટે નિવેદન કર્યું. રાજા તથા મંત્રીઓ મહર્ષિ વસિષ્ઠની સાથે એક તરફ બેઠા તથા બીજી તરફ સૈનિકો તથા બીજા અધિકારીઓ. નગરથી આટલા દૂર આવેલા વનમાં તેઓને વિવિધ પ્રકારની વાનગીઓ પીરસવામાં આવી. બધા ભોજન કરીને તૃપ્ત થયા. ભોજન કરતી વેળાએ મહારાજ વિશ્વામિત્રને ઘણું જ આશ્ચર્ય થતું હતું કે જે સ્વાદિષ્ટ વાનગીઓ નગરમાં પણ સરળતાથી નથી મળતી તે વાનગીઓ નગરથી આટલે દૂર જંગલમાં આટલા બહોળા પ્રમાણમાં ક્યાંથી લાવવામાં આવી હશે? તેઓ પોતાની જિજ્ઞાસા દબાવી ન શક્યા એટલે તેમણે ઋષિ વસિષ્ઠને પૂછ્યું, ‘ભગવન, આપનો આશ્રમ નગરથી આટલે દૂર ઘોર વનમાં આવેલો છે. અહીં સાધારણ અન્ન ફળકૂલ જ મળી શકે તેમ છે. તો પણ આપે અમારા માટે આટલી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી કે જે નગરમાં પણ સરળતાથી નથી મળી શકતી. આ બધી વસ્તુઓ તમે ક્યાંથી મેળવી, તે બતાવવાની કૃપા કરશો.’

મહર્ષિ વસિષ્ઠે કહ્યું, ‘રાજન, અમારી પાસે દેવલોકની એક કામધેનુ છે. અતિથિસત્કાર અને યજ્ઞ માટે અમારે જ્યારે જે વસ્તુની જરૂર પડે. ત્યારે અમે તે વસ્તુ તેની પાસે માગી લઈએ છીએ, અને તે પણ અમને તે વસ્તુ અમારી જરૂર પ્રમાણે આપે છે. આપ સહુના સત્કાર માટે પણ અમને તે કામધેનુથી જ બધી વાનગી મળેલ છે.’

રાજા વિશ્વામિત્રે તે ગાયને જોવાની ઇચ્છા વ્યક્ત કરી. ઋષિએ એક બ્રહ્મચારીને આજ્ઞા કરી. તેણે કામધેનુને લાવીને વિશ્વામિત્ર સામે હાજર કરી. તે સુંદર અને અદ્ભુત ગાયને જોઈને વિશ્વામિત્ર અવાચક થઈ ગયા. થોડી પળો પછી તેમણે વસિષ્ઠજીને કહ્યું, ‘મહામન, આપ તો અરણ્યવાસી તપસ્વી છો. આપને આ કામધેનુની એટલી જરૂર નથી કે જેટલી મને છે. હું રાજા છું અને મારી પાસે સદાય અતિથિ આંગતુક આવ્યા કરે છે. તેઓના ઉચિત સ્વાગત માટે મારી પાસે આ કામધેનુનું હોવું આવશ્યક છે. તેથી આપ કૃપા કરીને આ કામધેનુ મને આપી દો અને તેના બદલામાં આશ્રમ માટે જેટલી ગાયોની જરૂર હોય તે આપ મારી પાસેથી લઈ લો.’

વસિષ્ઠજીએ કહ્યું, ‘રાજન, આ ગાય અમારા યજ્ઞ વગેરે કાર્યોમાં મદદરૂપ થાય છે. તેની મદદથી જ અમે અતિથિઓની સેવા કરીએ છીએ. તેથી આપ જ વિચારી જુઓ કે તે ગાય અમે આપને કેવી રીતે આપી શકીએ?’

વિશ્વામિત્રે કહ્યું, ‘મહર્ષિ, આ એક ગાયના બદલે આપ મારી પાસેથી લાખો ગાયો લઈ લો. તે ગાયોથી પણ આપ યજ્ઞ વગેરે કરી શકશો અને અતિથિઓની સેવા કરી શકશો. આપ કામધેનુ મને આપી દો.’

વસિષ્ઠે કહ્યું, ‘રાજન, કામધેનુ તો અમારા આશ્રમની શોભા છે. તે અમારી ઇચ્છા પૂર્ણ કરવાવાળી કપિલા છે. અમે તે ગાય આપને કદાપિ નહીં આપી શકીએ.’

વસિષ્ઠજીએ જ્યારે ઘસીને ના પાડી દીધી ત્યારે વિશ્વામિત્રે સ્પષ્ટ થઈને કહ્યું, ‘ઋષિવર, હું ક્ષત્રિય છું અને રાજા છું. ક્ષત્રિયને અધિકાર છે કે જે કોઈ વસ્તુ તેને સરળતાથી ન મળે તો તે ઇચ્છિત વસ્તુને બળજબરીથી હરણ કરીને પ્રાપ્ત કરી શકે છે. તેથી હવે હું તમને યાચના નહી કરું પણ કામધેનુને બળજબરીથી લઈ જઈશ!’

મહર્ષિ વસિષ્ઠને આ પ્રમાણે કહીને વિશ્વામિત્રે પોતાના સૈનિકોને કામધેનુને બાંધીને લઈ જવાની આજ્ઞા કરી. રાજાની આજ્ઞા થવાથી સૈનિકો કામધેનુને જાડા દોરડાથી બાંધી અને તેને ઢસડીને લઈ જવા લાગ્યા. બિચારી અબળા ગાય તેઓ સાથે જવા નહોતી માગતી. સૈનિકો તેને લાકડી અને સોટીથી વીંઝવા લાગ્યા. તેઓના મારથી વ્યાકુળ થઈને કોઈ પણ રીતે તેઓના બંધનમાંથી છૂટીને કામધેનુ વસિષ્ઠજી પાસે દોડતી આવી ગઈ. જાણે તે મૂક સ્વરમાં કહેતી હોય કે, ‘ભગવન્, મારાથી શો અપરાધ થઈ ગયો છે કે તમે મને આ ક્રૂર સૈનિકોના હાથમાં સોંપી દીધી? શું તમે મારો ત્યાગ કર્યો છે?’

વસિષ્ઠજી કામધેનુની પીઠ ઉપર સ્નેહપૂર્વક હાથ ફેરવીને જાણે કહેતા હોય કે, ‘સુરધેનુ, મેં તારો ત્યાગ નથી કર્યો. વિશ્વામિત્ર ક્ષત્રિય છે એટલે તેઓ બળજબરીથી તને લઈ જવા માગે છે. જો તું તેમના સૈનિકોનો પ્રતિકાર કરી શકે તો અહીં આનંદથી રહી શકે છે. તારા પ્રતિ મારો સ્નેહ પૂર્વવત્ જ છે.’

ઋષિનું આશ્વાસન મળવાથી કામધેનુએ ઉગ્ર રૂપ ધારણ કર્યું અને ક્રોધિત થઈને તેણે અનેક જાતના સૈનિકોને ઉત્પન્ન કર્યા કામધેનુ દ્વારા ઉત્પન્ન થયેલા સૈનિકોએ વિશ્વામિત્રના સૈનિકો ઉપર ઘોર આક્રમણ કર્યું અને તેઓને વ્યાકુળ કરી દીધા. વિશ્વામિત્રના સૈનિકો વ્યાકુળ અને ભયભીત થઈને ત્યાંથી ભાગી છૂટ્યા.પોતાની સેનાને આમ ભાગી છૂટતી જોઈને વિશ્વામિત્ર ખૂબ ક્રોધિત થયા. તેમને લાગ્યું કે વસિષ્ઠજીએ જ કામધેનુને સૈનિક ઉત્પન્ન કરવાની આજ્ઞા કરી છે. તેથી તેમને જ આનો દંડ આપવો જોઈએ. આવું વિચારીને વિશ્વામિત્રે ક્રોધપૂર્વક વસિષ્ઠજીને પડકાર્યા અને તેમના પર તેઓ તીક્ષ્ણ બાણોની વર્ષા કરવા લાગ્યા. પરંતુ વસિષ્ઠ શાંત રહીને મંદ મંદ હસતા જ રહ્યા. તેમને હસતા જોઈને વિશ્વામિત્ર વધારે જ કોપાયમાન થઈ ગયા અને તીવ્ર વેગથી બાણોની વર્ષા કરવા લાગ્યા. તેમણે એક અસાધારણ દંડથી જ વિશ્વામિત્રના તીક્ષ્ણ બાણોને નષ્ટ કરી નાખ્યાં. એ ઘાતક બાણોને નષ્ટ થતાં જોઈને વિશ્વામિત્ર હજુય વધારે ક્રોધિત થયા અને તેમણે વસિષ્ઠજી પર દિવ્ય અસ્ત્રોનો પ્રયોગ કરવાનો આરંભ કર્યો. પરંતુ વસિષ્ઠજીએ તે દિવ્ય અસ્ત્રોને પણ એ સાધારણ દંડથી પ્રભાવહીન કરીને નષ્ટ કરી નાખ્યા.

દિવ્યાસ્ત્રોના પ્રભાવનો નાશ થતો જોઈને વિશ્વામિત્ર નિરાશ થઈ ગયા. તેમને અવાક્ જોઈને વસિષ્ઠે કહ્યું, ‘રાજન, શાંત કેમ થઈ ગયા? તમારી પાસે હજુ પણ કોઈ અસ્ત્ર-શસ્ત્ર બાકી રહ્યાં હોય તો તેનો પણ મારા પર પ્રયોગ કરી લો. હું તો હજુ પણ તમારી સામે જ ઊભો છું. તમે જોયું જ છે કે મારી પાસે કોઈ અસ્ત્ર-શસ્ત્ર નથી. ફક્ત આ એક નાનકડો બ્રહ્મદંડ જ છે. તમે ઇચ્છો તો તમારી શક્તિની હજુ પણ પરીક્ષા કરી શકો છો?’

વસિષ્ઠનો કટાક્ષ સાંભળીને વિશ્વામિત્ર અવસાદમાં ડૂબી ગયા. તેમને લાગ્યું – ‘ધિક્કાર છે મારા ક્ષત્રિય બળને. કેટલાં વર્ષોના કઠિન પરિશ્રમથી હું આ અસ્ત્ર-શસ્ત્રોનાં પ્રયોગ કરતાં શીખ્યો? કેટલી કઠોર તપસ્યા કરીને દિવ્યાસ્ત્રોનું રહસ્ય જાણીને તેનો પ્રયોગ શીખ્યો? દિવ્યાસ્ત્રોની મદદથી મેં કેટલાંયે યુદ્ધોમાં વિજય મેળવ્યો છે. પણ આજે એક કૃશકાય તપસ્વીએ મારી એ મહાન શક્તિઓને એક સાધારણ બ્રહ્મદંડથી જ નષ્ટ કરી નાખી! નિરાશ થઈ વિશ્વામિત્રે પોતાનાં અસ્ત્ર-શસ્ત્રો ત્યાં જ ફેંકી દીધાં અને દુ:ખી થઈને તેઓ ગીચ જંગલ તરફ જવા લાગ્યા. ત્યારે જ એકાએક તેમના મનમાં વિચાર આવ્યો, ‘ખરેખર તો બ્રહ્મતેજ જ સૌથી મહાન શક્તિ છે. એનાથી મોટી બીજી કોઈ શક્તિ નથી. બ્રહ્મતેજ પ્રાપ્ત કરીને જ માનવી અસીમ શક્તિશાળી બની જાય છે. તે અપરાજિત અને અમર બની જાય છે. તો હું પણ કેમ બ્રહ્મતેજ પ્રાપ્ત કરવા પ્રયત્ન ન કરું?’

આ વિચાર આવતાં જ વિશ્વામિત્રની નિરાશા દૂર થઈ ગઈ. તેમણે દૃઢ નિશ્ચય કરી લીધો કે હું હવે તપસ્યા કરીને બ્રહ્મતેજ પ્રાપ્ત કરીશ. નિર્ણય કરીને તેઓ ઘોર તપસ્યામાં લાગી ગયા. સમય જતાં તેમને બ્રહ્મતેજ પ્રાપ્ત થયું અને તેઓ બ્રહ્મર્ષિ થયા.

ભાષાંતર : ઉષાબહેન ગોરસિયા

Total Views: 276

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.