બધાંમાં પ્રભુ વસે છે

સૂર્ય પ્રકાશવાળું પ્રભાત છે અને હિમાલયની ઠંડી એટલે ઠંડી. એમાંય ઊંચા કૈલાસ શિખર પર તો એથીયે વધુ ઠંડી એટલે તો સૂર્યપ્રકાશ સૌને ગમે અને સૌ એમાં આનંદે.

આજે કોઈ રમવાવાળું સાથે ન હતું. અને બાળગણેશને કંટાળો આવતો હતો. એટલે બગીચામાં જઈને સૂર્યપ્રકાશમાં તેને રમવાનું મન થયું.

ગણેશ તો રસોડામાં રાંધતા મા પાર્વતી પાસે પહોંચી ગયા અને માને ભેટીને કહ્યું “મા, હું બગીચામાં રમવા જાઉં?” માતા પાર્વતીએ હસતાં હસતાં કહ્યું, “જા ને બેટા, પણ બધું ગંદુ ગંદુ ન કરી મૂકતો અને રમીને જલદી પાછો આવજે. તારે તારા પાઠ પાકા કરવાના છે.”

પાર્વતી વાત પૂરી કરે તે પહેલાં ગણેશજી તો થઈ ગયા રફુચક્કર અને નાચતા કૂદતા પહોંચ્યા બગીચામાં, મજાનાં સુગંધી ફૂલો વીણતા જાય અને સૂંઘતા જાય, રંગબેરંગી પતંગિયાંની પાછળ દોડે, વૃક્ષો પર ચડે અને મનભાવતાં ફળો ખાય, એણે તો એક હરણને પકડવા તેની પાછળ દોટ મૂકી પણ એ તે કંઈ પકડાય? આમતેમ દોડતા ફરતા અંતે ગણેશજી થાકી ગયા અને બેસી ગયા એક વૃક્ષ નીચે. એટલામાં તેણે મીંદડીનો મ્યાંઉં મ્યાંઉં અવાજ સાંભળ્યો. જોયું તો પોતાની જ પાળેલી બિલાડી તેને વહાલ કરતી હતી. વહાલભરી નજરે તેણે પોતાની બિલાડી તરફ જોયું. બિલ્લીબેન તો હળવે પગે આવ્યાં ગણેશજી પાસે અને એ તો એના ખોળામાં લપાઈ ગયાં,આંખો મીંચીને ચડ્યાં ઝોકે!

ગણેશને બિલ્લીબેનનું આમ દિવસે સૂઈ જવું ગમ્યું નહિ, તેને આમ સૂવા ન દેવાય એમ વિચારીને બિલાડીને જગાડી. બિલ્લીબેને આંખો જરાક ખોલી અને ધીમા ‘મ્યાંઉ મ્યાંઉ’ સાથે અણગમો બતાવ્યો. ગણેશજીએ બિલ્લીને તેના પાછલા પગે ઊભી કરી. તે તેને પાઠ ભણાવવા માગતા હતા એટલે હાથમાં સોટી લઈને ગણેશજીએ બિલ્લીને પોતે જે બોલે તે બોલવાનું કહ્યું, પણ બિલ્લીબેને ક્ષણવાર આંખો ખોલી પાછા ગણેશજીના ખોળામાં જઈને આંખો મીચી ગયાં.

અને ભાઈ, હવે ગણેશજીને આવ્યો ગુસ્સો, પોતાની શિષ્યા આજે માનતી ન હતી. તેણે તો ગુસ્સામાં ને ગુસ્સામાં બિલાડીને પકડીને તેના મોં પર કર્યાં નખોરિયાં. બિલ્લીબહેન તો નાસી છૂટ્યાં ગણેશજીના હાથમાંથી છટકીને, ગણેશજી હસ્યા અને બોલી ઊઠ્યા, “બિલાડી તો અંતે બિલાડી જ હોય ને!” થોડીવાર બગીચામાં આમ તેમ ટહેલીને ગણેશજી તો ઘરે પાછા ફર્યા.

ભાઈને લાગી કકડીને ભૂખ એટલે સીધે સીધા રસોડામાં જઈ માને પૂછ્યું, ‘મા, મા, જમવાનું તૈયાર છે ને?’ પાર્વતીએ મરકતાં મરકતાં કહ્યું “હા, જા બેટા હાથપગ ધોઈને આવ ત્યાં સુધીમાં હું થોડી પાટાપીંડી કરી લઉં.”

ગણેશજીને એ ન સમજાયું કે માને લાગ્યું કેવી રીતે? તેણે માના મોં ઉપર નજર કરી અને તેના સુંદર ચહેરા પર નખના ઉઝરડા જોઈને ગણેશને આઘાત લાગ્યો ક્રોધથી લાલચોળ થઈ તેણે માને પૂછ્યું, “મા, કોણે તને આ નખોરિયાં કર્યાં છે. મને એનું નામ દે તો હું પિતાને કહીને એ દુષ્ટને સરખો કરું!”

પાર્વતીએ હસતાં હસતાં કહ્યું, “ભાઈ, એ દુષ્ટ તો મારો વાલો પુત્ર ગણેશ જ છે! આ પણ તેના માટે બીજો આઘાત હતો. મા શું કહેવા માગે છે તે સમજી ન શક્યા એટલે તેઓ બોલી ઉઠ્યા, “મેં મારી માને ઈજા કરી? અશક્ય, સપનામાંય હું આવું ન કરી શકું અને આ સમય દરમિયાન તો હું બહાર બગીચામાં રમતો હતો. કદાચ કોઈ બીજો તોફાની છોકરો મારા જેવું રૂપ લઈને આવું અનિષ્ટ કરી ગયો હોય.”

પાર્વતીએ નકારમાં માથું ધુણાવ્યું અને કહ્યું, “બેટા ગણેશ, તેં આજે બગીચામાં રમતાં રમતાં કોઈને ઈજા નથી પહોંચાડીને!” ગણેશે કહ્યું, “ના મા, આજે તો મારી સાથે બીજું કોઈ રમનારુંય નહતું.” એટલે પાર્વતીએ પૂછ્યું, “આજે તું કોઈ પાળેલા પ્રાણી સાથે રમ્યો હતો અને એને ઈજા કરી હતી ખરી?”

હવે ગણેશજીને પોતાની ઉદ્ધત બિલાડીને કરેલી સજાની વાત યાદ આવી, તેણે એ વાત પાર્વતીને કરીને પૂછ્યું, “પણ મા એ વાતને અને તમારા ચહેરા પરનાં નખોરિયાંને શું લાગે વળગે?”

પાર્વતીએ હસતાં હસતાં કહ્યું, “ગણેશ, તને ખ્યાલ નથી કે હું જગદંબા – જગજનની છું! મારો વાસ બધાં પ્રાણીઓમાં છે એટલે તું જ્યારે કોઈને ઈજા કરે ત્યારે એ ઈજા મને પણ થાય છે.”

ગણેશના મનમાં જ્ઞાન – પ્રકાશ થયો અને તેને હવે વાત સમજાણી કે તે દિવ્ય માતા જગદંબાનાં અનેક સંતાનોમાંનું એક સંતાન છે. આ જગદંબા પોતાના દરેક સંતાનના સુખે સુખી અને દુ:ખે દુઃખી થાય છે, તેની સામે પોતાનાં અને પારકાં એ ભેદ ન રહે. માતાને પ્રણામ કરીને ગણેશે કહ્યું, “હે જગદંબા, આજથી હું કોઈપણ વ્યક્તિ કે પ્રાણીની મન, વચન અને કર્મથી હિંસા નહિ કરું.”

જે પ્રતિજ્ઞા ગણેશે લીધી એવી પ્રતિજ્ઞા આપણે સૌએ લેવી જોઈએ અને તો જ આપણે જગદંબાના સાચા સંતાન બની શકીએ.

સંકલન : શ્રી મનસુખભાઈ મહેતા

Total Views: 176

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.