રાજદરબારમાં નૃત્ય ચાલી રહ્યું છે. રાજા સિંહાસન પર બેઠો ‘વાહ વાહ’ કરી રહ્યો છે પણ પુરસ્કાર દેવાનું નામ પણ લેતો નથી. કંજૂસ રાજા અને જેવો રાજા તેવી પ્રજા. જોનારાઓમાં દરબારીઓ છે, રાજકુમાર, રાજકુમારી, નગરશેઠ ઘણાં છે. એક સંન્યાસી પણ ક્યાંકથી આવી ચડ્યો છે. બધાં નૃત્યાંગનાના નૃત્ય પર મુગ્ધ છે. પણ કોઈ પુરસ્કાર દેવાનું નામેય લેતું નથી. ધીરે ધીરે રાતનો બીજો પહોર અને ત્રીજો પહોર પણ વીતી ગયો. રાત ઢળવા આવી. નટી આખી રાત નૃત્ય કરતાં કરતાં થાકી ગઈ હતી. તેમાં વળી પુરસ્કારેય ન મળતાં નિરાશ થઈ, નૃત્ય બંધ કરવાનો વિચાર કરીને તેણે નટને ગીત ગાતાં ગાતાં કહ્યું –

રાત તો અબ બીત ચલી
થક ગઈ પૈંજની મોરી ।
નટી કહે સુનો વામદેવ
ઈનામ ન મિલા કોઈ ॥

નટ તો ગભરાયો. જો અત્યારે નૃત્ય બંધ થઈ જાય તો તો આખી રાતનો પરિશ્રમ વ્યર્થ જશે. તરત જ નટે ગીત ઉપાડ્યું –

બહુત ગઈ થોડી રહી
થોડી ભી અબ જાય ।
નટ કહે સુનો નટી
તાલ ભંગ ન હો પાય ॥

ત્યાં જ ચમત્કાર થયો. સંન્યાસીએ પોતાનો એકમાત્ર ધાબળો પુરસ્કારરૂપે ફેંકી દીધો અને તરત જ નગરશેઠે પોતાની હીરાની વીંટી ફેંકી, રાજકુમારે પોતાની કિંમતી ચાદર ફેંકી અને ઉપર ઝરૂખે બેઠેલી રાજકુમારીએ પોતાના ગળાનો હાર ફેંક્યો. રાજા તો આશ્ચર્ય પામ્યો. તેણે જિજ્ઞાસા સાથે આવી રીતે પુરસ્કાર આપવાનું કારણ બધાંને પૂછ્યું. સંન્યાસીએ કહ્યું, “મેં બધું ત્યાગ કરીને સમસ્ત જીવન આકરી તપસ્યા કરી તોય આત્મજ્ઞાન ન લાધ્યું. એટલે સંન્યાસધર્મ ત્યાગી ગૃહસ્થ બનવાનો વિચાર કરી રહ્યો હતો ત્યાં તો આ ગીતે મને આવી મૂર્ખતામાંથી બચાવી લીધો. મેં વિચાર્યું, સમસ્ત જીવનમાં તો બધું સુખ ત્યજ્યું છે. હવે તો થોડું જ જીવવાનું બાકી છે, જો આમને આમ પડ્યો રહું તો કોણ જાણે ક્યારે આત્મજ્ઞાન થઈ જાય! હવે થોડા માટે થઈ જીવનને ધૂળ ધાણી શા માટે કરું?” પછી નગરશેઠે કહ્યું, “ઘણા દિવસોથી મારા પુત્રના સમાચાર ન મળવાથી મેં એમ ધારી લીધું હતું કે કદાચ તે બધી માલમત્તાવાળા જહાજ સહિત સમુદ્રમાં ડૂબી ગયો હશે. હવે દિવાળિયો થઈ ગયો છું એમ સમજીને ઝેર ઘોળવાનો વિચાર મેં કર્યો હતો. પણ આ ગીતે મારી આંખ ઉઘાડી. રામ જાણે કદાચ મારો પુત્ર જીવતો પણ હોય! જ્યાં સુધી કોઈ સમાચાર ન આવે ત્યાં સુધી મારે ધીરજ શું કામ ગુમાવવી જોઈએ?”

રાજકુમારીએ પ્રત્યુત્તર આપ્યો, “તમે તમારા લોભી સ્વભાવને કારણે મને પરણાવતા નહોતા એટલે મેં નક્કી કર્યું હતું કે રાતે ભાગી જઉં. પણ આ ગીત સાંભળીને વિચાર આવ્યો – હવે તો તમે ઘરડા થયા છો. કેટલા દિવસોના મહેમાન? થોડા દિવસો માટે થઈને આ કલંક શું કામ લગાડું?”

રાજકુમારે રાજાને કહ્યું, “ઘણા દિવસોથી હું રાહ જોઈ રહ્યો હતો કે હવે તમે ઘરડા થયા છો એટલે મને સિહાસને બેસાડશો. હવે તો મારી ધીરજ ખૂટી ગઈ હતી. આજે તમને મારી નાખવાનો વિચાર મેં કર્યો હતો પણ આ ગીતે મને પિતૃહત્યાના પાપમાંથી બચાવી લીધો. મને લાગ્યું-હવે તો ઘરડા થયા છે. કેટલા દિવસ જીવશે? આટલા દિવસો રાહ જોઈ નો થોડી વધુ રાહ જોઉં, નકામું પિતૃહત્યાનું પાપ માથે કેમ વહોરું?” રાજાએ આ સાંભળી પ્રસન્ન થઈ નટ-નટીને સારો પુરસ્કાર આપી વિદાય કર્યાં.

જીવનમાં આપણે ક્યારેક એવા કપરા કાળમાંથી પસાર થવું પડે છે જ્યારે ધીરજ છૂટી જાય છે, નિરાશાના સાગરમાં ડૂબી જઈએ છીએ અને ઉતાવળમાં ન કરવાનું કરી બેસીએ છીએ. આવા સમયે જો આપણે યાદ રાખીએ – “બહુત ગઈ થોડી રહી, થોડી ભી અબ જાય” તો આપણા જીવનમાં તાલ ભંગ નહિં થાય.

આધ્યાત્મિક સાધકોના જીવનમાં પણ ક્યારેક એવો સમય આવે છે જ્યારે ભક્તિરૂપી નદી સૂકાઈ જાય છે, ઈશ્વરમાં શ્રદ્ધા ડગી જાય છે. મન અધોગામી બની જાય છે. દીર્ઘકાળ સુધી સાધના કર્યા પછી પણ આધ્યાત્મિક ઉપલબ્ધિ ન થવાથી ધીરજ ખૂટી જાય છે અને જીવન નીરસ બની જતું લાગે છે. આવી વસમી વિપત્તિની પળે સાધકો શ્રદ્ધા ન ગુમાવે અને આ સત્ય પરીક્ષાના સમયને ધૈર્યપૂર્વક પસાર કરી સાધના કરતા રહે તો તેમને અચૂક સફળતા મળે છે. ક્યારેક ઈશ્વર મોટી કૃપા કરતાં પહેલાં ભક્તોની મોટી કસોટી કરે છે. જો શ્રદ્ધાભક્તિપૂર્વક ભક્ત સાધનામાં મંડ્યો રહે તો ઈશ્વર જ તેને આ કસોટીમાં પાર ઉતરવા સહાય કરે છે. એટલે જ કેટલાક ઉચ્ચ કોટિના સાધકો – આવી કસોટીઓને પણ ભગવાનની કૃપા જ સમજે છે.

પ્રખ્યાત નાટ્યકાર-કવિ શ્રી ગિરીશચંદ્ર ઘોષની શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યે અનન્ય શ્રદ્ધા હતી. સ્વયં શ્રીરામકૃષ્ણદેવ તેમની દૃઢ શ્રદ્ધાની પ્રશંસા કરતા પણ એક વાર એવું બન્યું કે તેમની શ્રદ્ધા-ભક્તિ ક્યાંક ઊડી ગયાં! જીવન નીરસ બની ગયું. તેઓ વ્યાકુળ થઈ ઊઠ્યા. આવે વખતે તેમની મુલાકાત સ્વામી બ્રહ્માનંદજી મહારાજ (શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ અને રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રથમ પરમાધ્યક્ષ) સાથે થઈ. સ્વામી બ્રહ્માનંદજી મહારાજે તેમની સમસ્યા સાંભળીને કહ્યું, “તેમાં ચિંતા શી કરવાની છે? મનનો સ્વભાવ તરંગાકાર છે – ક્યારેક ઉપર ચડે ક્યારેક નીચે જાય. અત્યારે તમારું મન નીચું થયું છે. એનો અર્થ છે – શ્રદ્ધાભક્તિનો એક પ્રચંડ તરંગ આવવાનો છે. આ સાંભળીને ગિરીશ ઘોષની નિરાશા ક્યાંય જતી રહી! તે જ વખતે શ્રદ્ધા-ભક્તિનું એવું પ્રચંડ મોજું તેમના મનમાં આવ્યું કે પહેલાં કરતાં પણ તેઓ વધુ આનંદવિભોર થઈ ગયા.

મહાપુરુષ મહારાજ (શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ સ્વામી શિવાનંદજી મહારાજ) કહેતા – ‘ગુરુ કે દ્વાર મેં કુત્તે કે માફિક પડે રહો.’ ગુરુના દ્વારમાં તેમની કૃપા પર ભરોસો રાખી ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ આપણે બધું દુ:ખ સહન કરી રહી શકીએ તો અંતે સૌ સારા વાનાં થશે જ.

Total Views: 177

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.