શ્રીમા શારદાદેવીની જન્મતિથિ આ વર્ષે ૮ ડિસેમ્બરે આવે છે. આ પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વિરજાનંદજી મહારાજે શ્રીશ્રીમા પાસેથી ગ્રહણ કરેલ દીક્ષાના હૃદયસ્પર્શી પ્રસંગને અહીં રજૂ કરીએ છીએ.

શ્રી શ્રીમાના કેટલાક ભક્તજનોએ ભાડે લીધેલ બેલુરના એક ઉદ્યાન-ગૃહમાં (૧૮૯૩ના ઉનાળાના અંતભાગમાં) પ્રથમ મજલે ફક્ત એક જ ખંડ આવેલ હતો અને તે શ્રી શ્રીમાનો હતો. ગોલાપમા અને યોગીનમા પણ તેમની સાથે ~ રહેતાં. મકાનનું સંચાલન સ્વામી યોગાનંદજી મહારાજ કરતા અને તે ભોંયતળિયે આવેલ દીવાનખાનામાં રહેતા. તેમની સાથે સ્વામી ત્રિગુણાતીતાનંદજી મહારાજ પણ રહેતા. તે દિવસોમાં આલમબજારમાં અમારો મઠ હતો. એક યા બીજા સંન્યાસી શ્રી શ્રીમાનાં દર્શનાર્થે અવારનવાર આવતા અને એક-બે દિવસ ગાળતા. તે દિવસોમાં ભક્તજનો ગણ્યા-ગાંઠ્યા હતા. પરિણામે મા શાંતિમય જીવન ગાળી શકતાં.

આ ગૃહમાં મા ઠરીઠામ થયાં પછી તેમનાં દર્શન માટેની તક મેં લીધી. આલમબજારના મઠથી હું ત્યાં ગયેલ. તેમનાં આ દર્શન મારે માટે બીજી વારનાં હતાં. મેં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યાં. મા બોલ્યાં: “રાતવાસો આજે અહીં કરજે!” મેં તેમ કર્યું. બીજે દિવસે જવાની રજા લેવા ગયો ત્યારે તેઓ મમતાપૂર્વક બોલ્યાં- “દીકરા, તને આ વખતે જોઈને દુ:ખ થાય છે. અગાઉ તારું શરીર કેવું તંદુરસ્ત અને સુડોળ હતું? વારંવારના મેલેરિયાને કારણે તારું શરીર નંખાઈ ગયું છે. વારુ, તું મઠમાં તો જોડાયો છે. પણ તને તો ખબર છે કે, મઠમાં બધા નાણાં વગરના ફકીર જેવું જીવન ગાળે છે. તો પછી તારે માટે જરૂરી એવો પૌષ્ટિક આહાર તેઓ કેવી રીતે મેળવી શકશે? તારી માવજત માટે જરૂરી સંભાળ શું ત્યાં શક્ય છે? માટે કહું છું કે, તું તારે ઘેર પાછો જા અને યોગ્ય આહાર દવાદારૂ લઈને ફરી પાછો તંદુરસ્ત ન થા ત્યાં સુધી ત્યાં રહે.”

પૂજ્ય માનાં આવાં વચનો માટે મારી ભાગ્યે જ અપેક્ષા હતી. સંપૂર્ણ દિગ્મૂઢ સ્થિતિમાં થોડી વાર તો હું કંઈ બોલી પણ ન શક્યો. થોડી વારે સ્વસ્થ થતાં મેં કહ્યું, ‘મા, તમે મને ઘેર જવા કહો છો. વારુ, પણ ત્યાં હું શું કરીશ?’

શ્રી શ્રીમા બોલ્યાં, કેમ? ધ્યાન, જપ, પૂજા, ધાર્મિક પુસ્તકોનો અભ્યાસ – આ બધાંમાં તારો સમય તું ગાળી શક.’

હું નીચે આવ્યો. મારાં આંસુ હું ખાળી શક્યો નહીં. બગીચાના કોઈ એકલવાયા ખૂણે હું ગયો અને આંસુ સારીને મારું મન ખાલી કર્યું. પછી દીવાનખાનામાં જ્યારે હું એકલો બેઠો હતો ત્યારે મને લાગ્યું કે, ઘનઘોર વાદળાંથી હું ઘેરાઈ ગયો છું. ઘર તો વાઘની બોડ જેવું લાગતું હતું. ઘેર પાછા ફરવાનો ખ્યાલ જ મારા માટે માથા પર વીજળી પડવા જેવો હતો.

તેવામાં સ્વામી યોગાનંદજી ત્યાં આવી ચડ્યા અને ગોલાપ-માએ તેમને જે કંઈ બન્યું હતું તે કહ્યું- “કાલીકૃષ્ણનું નખાઈ ગયેલ શરીર જોઈને માને દુ:ખ થયું અને તેથી તેને થોડા દિવસો ઘેર ગાળવા વાત કરી પણ તેમને પોતાને પણ આવી વાત કરતાં દુ:ખ થયું છે. તે મને કહેતાં હતાં કે, છોકરાની આવી બેહાલ તબિયત જોઈ તેમને આઘાત લાગ્યો છે. તેના પર તાવના ફરી ફરી હુમલા આવ્યા છે. મઠનો અપૌષ્ટિક આહાર પણ આ છોકરા માટે ઠીક ન કહેવાય. તેથી સારો ખોરાક લઈ ફરી તંદુરસ્ત થઈ શકે માટે મેં તેને ઘેર જવા કહ્યું છે. પણ મારા શબ્દોથી તેના પર કુઠારાઘાત થયો જાણી મને પણ દુ:ખ થયું છે.”

સ્વામી યોગાનંદજીએ મને આશ્વાસન આપ્યું અને પૂછ્યું કે, મેં દીક્ષા લીધી છે કે નહિ! મેં જવાબ આપ્યો કે, એવું મેં કંઈ કર્યું નથી.

“તો પછી તેં, માને કેમ ન પૂછ્યું કે ઘેર કોનું ધ્યાન કે કોના જપ કરવા? વારુ, આવતી કાલ સ્નાન કર્યા પછી પૂછી જોજે.” તેમણે કહ્યું.

સ્વામી યોગાનંદજી મહારાજના આ શબ્દોએ મારા મનમાં પ્રકાશ પાડ્યો. અત્યાર સુધી મને ખ્યાલ જ ન હતો કે, મા દીક્ષા પણ આપે છે. પછીથી મને જાણવા મળ્યું કે, મારા જ મિત્ર ખેલાતે જયરામવાટીમાં દીક્ષા લીધેલ પણ અમને તેણે તે વાત પણ ન કરેલ.

શ્રી શ્રીમાને જ્યારે જાણવા મળ્યું કે, તે અનાથ છે ત્યારે ખાસ તેના માટે તેમને દયાભાવ ઊપજ્યો હતો. ત્યાર બાદ અમારા સમૂહના બીજા અનેકને માએ દીક્ષા આપેલ, પણ દીક્ષા લીધેલ દરેક વ્યક્તિ તે વાત કોઈ અન્ય ન જાણે તેવી કાળજી રાખતો. પછીથી જાણવા મળ્યું કે, અમારા સમૂહના સ્વામી શુદ્ધાનંદ સિવાયના દરેક જણે શ્રી શ્રીમા પાસેથી જ દીક્ષામંત્ર પ્રાપ્ત કરેલ.

આમ છતાં સ્વામી યોગાનંદજીની સૂચના પ્રમાણે, બીજે દિવસે સવારે માએ પૂજન અર્ચન પતાવ્યા પછી હું તેમનાં દર્શનાર્થે ગયો અને મને પઢાવેલ પ્રશ્ન મેં તેમને કર્યો ત્યારે મને ઔપચારિક રીતે માએ દીક્ષા આપી. જપ અને ધ્યાન માટે જે મંત્ર તેઓએ મને આપ્યો તે અત્યાર સુધી જે સાધના હું કરતો તેની સાથે બંધબેસતો ન લાગ્યો. તેથી હું જરા મૂંઝાયો અને મેં તેમને સીધો જ પ્રશ્ન કર્યો: “મા, સાધના હું અમુક ખાસ મંત્રથી કરું છું અને તેનાથી મને સંતોષ થાય છે.” પણ તેમણે મને મિતાક્ષરી જવાબ આપ્યો: “નહિ દીકરા, મેં તને કહ્યું છે તે જ તારે માટે વધારે સારું છે. અને નવાઈ તો એ વાતની છે કે, જેવા તેમને મુખેથી એ શબ્દો નીકળ્યા કે તરત જાણે ચમત્કાર થયો. સાધનાના મારા ખ્યાલમાં તત્કાલ મને પરિવર્તન જણાવા લાગ્યું. અગાઉના સાધનાના ખ્યાલો મારા મનમાંથી એકાએક અદૃશ્ય થયા અને માએ આપેલ સાધનાના નવા આદર્શે જાણે મારા સમગ્ર અંતરને ભરી દીધું અને અતિપ્રેરક બળ અને અખૂટ શાંતિ આપ્યાં. ઘેર પાછા ફરવાનો ખ્યાલ હવે મારે માટે આતંકરૂપ ન રહ્યો પણ કોઈ ચોક્કસ સમય માટે પ્રખર આધ્યાત્મિક સાધના માટેની તક મળી હોય તેમ લાગવા માંડ્યું. મને માએ વિધિસરની દીક્ષા આપ્યાના સમાચાર જાણી સ્વામી યોગાનંદજી મહારાજ ખુશ થયા. .

માના મકાને મેં આખો દિવસ વિતાવ્યો, અને હવે સંધ્યાકાળે હું આલમબજાર મઠ તરફ જવાનો હતો. બંગાળની વર્ષાઋતુનો બરાબર મધ્ય સમય-જુલાઈ માસ હતો. ગંગા બે કાંઠે વહેતી હતી. વાતાવરણ ધુમ્મસવાળુ હતું અને તરત જ રાત્રિ પડવાની હતી. ઝરમર ઝરમર વરસાદ પડતો હતો. એકાએક મારા હૃદયમાં જાણે કે ડૂસકું ભરાઈ આવ્યું હોય તેમ મેં અનુભવ્યું. કારણ કે થોડા સમય માટે પણ આનંદ અને શાંતિમય મઠનું વાતાવરણ મારાથી દૂર થવાનું હતું. માએ અલબત્ત મને આશીર્વાદ આપ્યા અને ખાતરી આપી હતી છતાં મને અંતરમાં અસ્વસ્થતા અનુભવાતી હતી. બાહ્ય ગમગીન વાતાવરણ જાણે કે ત્યારના મારા મનની સ્થિતિનું પ્રતીક હતું. ખિન્ન હૃદયે મા પાસે ગયો અને મેં કહ્યું, “મા, હવે હું તમારી રજા લઉં છું.” તેમણે કહ્યું: “વારુ, સમય થઈ ગયો છે. અવારનવાર અહીં આવતો રહેજે, અને શરીર બળવત્તર બને એનો ખ્યાલ રાખજે.” અને મા જેમ આશીર્વાદ આપે તેમ મારા ચિબુકને તેઓ સ્પર્શ્યાં. મકાનમાંથી નીકળી અને નજીકના નદી કાંઠે હોડીઆરે જઈ હોડીમાં બેઠો. ઉત્તર દિશામાં જતી હોડી ઉદ્યાનગૃહ પાસેથી પસાર થઈ. સંધ્યાના પ્રકાશમાં મેં દૂર માનો ખંડ અને અગાસી જોયાં. તેઓ એકધારી દૃષ્ટિએ ગંગામાં હોડી તરફ ખુલ્લી અગાસીમાં ઊભીને જોઈ રહ્યાં હતાં. જ્યાં સુધી હોડીમાંથી મકાન દેખાયા કર્યું ત્યાં સુધી મેં તેમને તે જ સ્થિતિમાં ઊભેલાં જોયાં. મારું હૃદય ભરાઈ આવ્યું અને આંખમાંથી ખૂબ અશ્રુ વહેવા લાગ્યાં. પછીથી મને જાણવા મળ્યું કે, જ્યારે ઝરમર વરસતા વરસાદમાં તે રીતે તેમને ઊભેલાં જોઇને ગોલાપ-માએ વાંધો લીધો ત્યારે અશ્રુભીની આંખે કહેલું- “હું વિચારી રહી છું કે, પેલા છોકરાને કેવી દુ:ખની લાગણી થતી હશે? તેથી તો હું તેના તરફ જોઈ રહી છું.”

(‘વેદાન્ત કેસરી’ જુલાઈ ૧૯૫૪)

ભાષાંતરકાર : શ્રી વીરેન્દ્રભાઈ અંતાણી

Total Views: 373

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.