શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્ય શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પુંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના ગુરુભાઈઓને લખ્યું હતું. ‘હમણાં જ મેં અક્ષયનું પુસ્તક વાંચ્યું, તેને મારા તરફથી પ્રેમપૂર્વકના લાખો આલિંગનો આપજો. તેની કલમ દ્વારા શ્રીરામકૃષ્ણ પોતાને વ્યક્ત કરે છે.’ આ ગ્રંથનું ભાષાંતર સ્વામી ચૈતન્યાનંદજીએ કર્યું છે, જે હજી અપ્રકાશિત છે. વાચકોના લાભાર્થે અમે તેને ધારાવાહિકરૂપે રજૂ કરી રહ્યા છીએ.

જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ;
જય જય ભગવાન જગતના ગુરુ.
જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ;
યાચું રજ ચોટેલી એ સહુનાં ચરણ.
બાળલીલા પ્રભુની જે ગાય ને સાંભળે;
અંધને અંતર માંહે દિવ્યચક્ષુ મળે.
દેખી આંખે લીલા ખેલ થાય કુતૂહલ;
ત્રિતાપિત ચિત્ત થાય ક્ષણમાં શીતળ.
ગામનાં બાળક એવાં શ્રીપ્રભુને ચાહે;
દેખે ઘડીભર ન, તો મન જાણે દાહે.
ગદાઇ વિનાનું ખેલવાનું નવ ગમે;
ઇચ્છા ગદાધર સાથે રાતદિન રમે;
નિજ નિજ ઘેર રહેવામાં ન ઉમંગ;
દિવાનિશિ રમે, ગમે ગદાઇનો સંગ.
ઘેર આઇ ઠાકુરાણી કરી દે રંધન;
ગદાઇની સાથે બાળકો કરે ભોજન.
જમે બહુ બાળકો હંમેશ નિજ ઘરે;
દેખી દ્વિજ-દ્વિજ પત્ની કેરાં મન ઠરે.
આઇની રસોઇ હતો વિષે કૈં વિશેષ;
ગાયે સુણ્યે કથા નવ રહે ભૂખ લેશ.
સામાન્ય રસોઇ, પણ ખૂટી નવ જાય;
મૂઠીભર ભાત માંહે ત્રિભુવન ખાય.
આઇ ખાધે પૂરું થાય સુણી કથા કથી;
મધુર આખ્યાન સુણો, ગપોડા આ નથી.
એક વાર સાંજ પડવાને વાર નહિ;
તોય જમ્યાં નથી આઇ ઠાકુરાણી અહીં.
કારણ બન્યું કે ખાવાવાળા અતિથિઓ;
તથા યાત્રીઓનો સમુદાય વધી ગયો.
તેઓ સારું રાંધ્યા કરે આઇ દિનભર;
ખાવાનો સમય પામ્યાં નવ ક્ષણભર.
અન્ને વધુ રહ્યું ન્હોતું પાત્રોની અંદર;
એવામાં અતિથિ દસ આવીને હાજર.
અગાઉ કે’વાઇ ગયું, ચેટર્જીનું ઘર;
હતું જગન્નાથપુરી તણા માર્ગ પર.
એમ તો દરરોજ આવે અતિથિ ફકીર;
આજે કિંતુ આ સમયે દસ છે હાજર.
બીજું અન્ન નહિ ગૃહે જુએ ઠાકુરાણી;
અંતરમાં ભય થયો આંખે આવ્યાં પાણી.
ધ્રૂજે મનમાં વિચારે હવે કેમ થાશે;
આવેલી આ દસ મૂર્તિ કેમ કરી ખાશે?
ચોખા નથી ઘરમાં ને થશે ક્યાંથી ભાત?
હૈયે પડે ચીરો, માથે જાણે વજ્રપાત.
એવામાં આશ્ચર્ય જુએ આઇ ઠાકુરાણી;
આઠેક વર્ષની એક છોકરી દેખાણી.
પાત્રો પાસે ઊભી રહી હલાવતી હાથ;
તેથી વધે તપેલામાં શાક, દાળ, ભાત.
તે દિનથી ખાય નહીં આઇ જ્યાંહાં સુધી;
રસોઇ ખૂટે જ નહીં, કશી ત્યાંહાં સુધી.
આવે ગમે તેટલા અતિથિ ખાઇ જાય;
દાળ ભાત શાક કદી ખૂટી નવ જાય.
બહુવિધ શાકો તથા ભાત રાંધી આઈ;
જમાડતાં બાળકોને સાથમાં ગદાઈ.
તેલી માળી જાતનાં એ છોકરાં હતાં;
અવસ્થા ગરીબ તેથી ગાયો ચરાવતાં.
કદી કદી સાથે તેડી જાય ગદાધર;
રંગ જામે ખેલ કરી વનની અંદર.
ગદાઇ બહુ જ રાજી એ બધાંની સાથે;
ખેલ કરી ગાયો વળી ચારે નિજ હાથે.
બહુ જ મધુર પ્રભુબાળ લીલાગાન;
ગદાઇને સુણીને થાય પ્રેમમગ્ન પ્રાણ.
સુણો મન એકચિત્તે કથા રસભરી;
કામાર પુકુરે પ્રભુલીલા મનહરી.
સાધારણ બાળકોના ખેલ થાય જેવા;
ગમે નહિ ગદાઇને ગ્રામ ખેલો તેવા.
વનની અંદર બેસી કોઇ વૃક્ષ પરે;
ખેલ ગદાધર કહે તેમ સહુ કરે.
વ્રજની રમત ગમે ગદાઇને મન;
ગોપખેલ ખેલે મળી સહુ બાળજન.
કોઇ થાય સુબલ તો કોઇક શ્રીદામ;
કોઇ થતું દામ, વળી કોઇ વસુદામ.
પોતે જ ગદાઇ ભાઇ થઇને કનૈયા;
ધારી હાથે બંસરી ને ચરાવતા ગૈયાં.
તોડી કૂણું ઘાસ ખવરાવે ગાય-બાળ;
હીંચે ખૂબ જોરે ઝાલી ઝાડ કેરી ડાળ.
કપડાં ઉતારી પાસે તળાવમાં ન્હાય;
જળક્રીડા જમુનામાં ગોપો સાથે થાય.
જો કે દૂર જવા માતાપિતાની મનાઇ;
કાન બહાર કાઢી નાંખે સઘળું ગદાઇ.
ચાલે તહીં વન માંહે બાળકોની મોજ;
ખેલ નવા કરે ગદાધર રોજરોજ.
સુમધુર કથા વનમાંહી ગોચારણ;
જેવી જાણું છું હું તેવું કહું વિવરણ.
ગામડાના ગોવાળોમાં રીત એવી ચાલે;
ખાવાનું તે સાથે ગાયો ચારવાને કાળે.
ગામ બહાર ગોંદરે કે વનમાંહીં જાય;
ગોપબાળો ભેગા મળી ખાવાનું ત્યાં ખાય.
આનંદની છોળો ઊડે જાયે ના વર્ણવી;
ખાતાં-ખાતાં નાચે કરી વાતો અવનવી.
એક દિન ખાવા બેઠા તળાવની પાળે;
ઘેરાઇ ગદાઈ ચારે બાજુ ગોપબાળે.
ખાતાં ખાતાં એકબીજા તાણાતાણી કરે;
સ્ફૂરે વ્રજભાવ ગદાધરને અંતરે.
ભાવસિંધુ એકદમ ઊછળી ઊઠીયો;
ભાવનો આવેશ જાણે બહાર ફૂટીયો.
ભાવમાં ખોવાયું તેનું સર્વ બાહ્ય જ્ઞાન;
સ્થિર નેત્ર, શ્વાસ બંધ, ચાલે નહિ પ્રાણ.
દેખી થયા છોકરાઓ વિહીન વિચાર;
ગદાઇ ગદાઇ બૂમો માટે વારંવાર.
છોકરા બાળકબુદ્ધિ કશું નવ જાણે;
પરસ્પર મુખ જુએ માત્ર એવે ટાણે.
કોઇએ દોડી જઇ વસ્ત્ર જળે ભીંજવીયું;
ધીરેથી વદન ગદાધરનું લૂછીયું.
ખબર ગદાઇમાં કદીક આવે ભૂત;
કાઢવાને રામ રામ બોલે ગોપસુત.
થોડી વારે ગદાધર નેત્રો બંને ખોલે;
‘ભૂત ગયું ભાગી’ એમ છોકરાઓ બોલે.
સહુ કહે, ‘અલ્યા એ શું થયું’તું ગદાઇ!
આંખોમાંથી અશ્રુ વહે, મુખે શબ્દ નાંઇ.
હાથ તારા વળી બેય થરથર કંપે;
જોઇ એવું અમારું તો હૈયું નવ જંપે.
ગાયો ચારવાને સાથે લાવવો ન તને;
એક્લો રહેજે ભાઇ તું તારે ભવને.”
લોકમુખે મલ્યો છે આ કથા પરિચય;
જન્મથી જ થતો મહા ભાવનો ઉદય.
કોઇ સ્થળે ઈશ્વરીય કથાવાર્તા થાય;
જરૂર દોડીને ગદાધર ત્યાંહાં જાય.
ભાગવત, કીર્તન, પુરાણ જ્યાંહાં થતું;
સુણવાનું બહુ ગદાધરને ગમતું.
લઇને સમાન વયવાળાં બાળગણ;
ચૂકે ન કદાપિ કથા એવી એક પણ.
માત્ર એક વારે કંઇ કરે જો શ્રવણ;
આજીવન તેનું તેને રહેતું સ્મરણ.
એને લીધે મોટાં મોટાં કથાનાં આખ્યાન;
આખે આખાં બોલી જતા પ્રભુ ભગવાન.
ગોવાળ બાળકો સાથે ગૌ ચારવા જાય;
કથાનાં આખ્યાનો વનમાંહે ભજવાય.
એક દિન મિત્રો સાથે ચારે ગાયધણ;
રાધાની વિરહકથા થઇ છે સ્મરણ.
કહે ગોપમિત્રોને એ ‘આવો અહીં ભાઈ’;
રાધાની વિરહકથા મળી સહુ ગાઇ.
સમસ્વરે દઇ સાથ સહુ ગોપગણ;
વૃક્ષ નીચે રાધાલીલા ગાય સહુ જણ.
આનંદ ગદાઇને તો થયો ચાર ચંદા;
કોઇને બનાવ્યો સખી, કોઇ થયો વૃંદા.
ગદાધરે લીધો પાઠ રાધારાણી કેરો;
રાધાજીનો ભાવ આવ્યો અંતરે અનેરો.
ગીત ગાતાં ભાવે રાધા વિહ્‌વલિત થયાં;
પ્રિયતમ! બોલી બહુ રડવા લાગીયાં.
કૃષ્ણ ક્યાંહાં, કૃષ્ણ ક્યાંહાં, કૃષ્ણ આપો લાવી;
કૃષ્ણ રે, શ્રી કૃષ્ણ રે દર્શન આપો આવી.
ભીંજાયું છે વસ્ત્ર આખું નયનનાં જળે;
બાહ્ય જ્ઞાનહીન થઇ પડ્યાં ધરા તળે.
થયાં બાળમિત્રો તણાં વ્યાકુલિત મન;
થયું શું, થયું શું? બોલી કરે છે રુદન.
કોઇ લાવી છાંટે જળ મોઢે અને આંખે;
‘ગદાઇ, ગદાઈ’ એમ બૂમો કોઇ નાંખે.
ભૂતનો આવેશ એમ મનમાં વિચારી;
રામ, હરિ, કૃષ્ણ બોલે જોરથી ઉચ્ચારી.
તેઓમાંથી એકજણ બોલે ઉચ્ચ સ્વરે;
હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે;
જીવન સંચારી મંત્ર કૃષ્ણ નામ સુણી.
કૃષ્ણ, ક્યાં છે કૃષ્ણ? બોલી ઊઠીયાં સલુણી;
ઊભા છે આ કૃષ્ણ, મારા કૃષ્ણ પ્રાણનાથ.
પકડવા ભાવમાં જ પસારીયા હાથ;
કૃષ્ણ નામે ગદાઇને ચેતન આવીયું.
કૃષ્ણ કૃષ્ણ ગાવા સહુ જોરથી લાગીયું;
સ્વસ્થ થયો દેખી પ્રિય મિત્ર ગદાધર.
રાજી થયા ગોપ, ધેનુ ચારી આવ્યા ઘર;
કોઇ કોઇ દિન વનમાંહે સંકીર્તન.
કરે એવા જોરે જાણે ફાટશે ગગન.
બાળરૂપી ભગવાન બાળસંગે ફરે;
કામારપુકુરે ખેલો બહુવિધ કરે.
ગામને પશ્ચિમ છેડે બેનરજીનો બાગ;
ગોચર ભૂમિ એ ઘાસ હતું ત્યાં અથાગ.
અતિ રમણીય સ્થળ ખેતરોને તીરે;
નજીક ભૂતી-ઝરણ વહે ધીરે ધીરે.
ગામથી ન અતિ દૂર બહુ જ નિર્જન;
મોટાં આમ્રવૃક્ષો તણો બાગ સુશોભન.
આડી ઊગી મોટી ડાળો ઝૂલે સાવ નીચે;
નાનાં નાનાં છોકરાં માથે ચડી હીંચે.
બાળકો પ્રભુનાં સાથી બાળપ્રભુ જેમ;
આમ્રતણાં નાનાં વૃક્ષો હતાં વળી તેમ.
મહાભાગ્યવંતાં એ બેનરજી-સંતાન;
બાળ-લીલા સ્થળ થયું જેમનું ઉદ્યાન.
પ્રભુ આવી ખેલશે એ પહેલાંથી જાણી;
રચી રાખ્યો બાગ જાણે ભવિષ્ય પિછાની.
કોણ એ બેનરજી હતા કર્યો જેણે બાગ;
જેના પર પ્રભુ કેરી કરુણા અથાગ.
શ્રી માણિક્ય નામ, ભુરસુબો ગામે ઘર;
કામારપુકુર થકી થોડું જ અંતર.
ધનાઢ્ય તાલુકદાર ઉદાર પ્રકૃતિ;
અતિથિસેવક સાધુ સંતો પરે પ્રીતિ.
ભગવત પદે તેનું હતું ખૂબ મન;
પ્રશાંત ઉદાર ચિત્ત દારિદ્ર મોચન.
પરહિતે રત સદા પર ઉપકારી;
ગાળતા વન માત્ર એ જ વ્રતધારી.
આમદાની થતી જે જમીનદારી તણી;
તેમાંથી કરાતી સાધુ સંત સેવા ઘણી.
હરિપદે મગ્ન મન, મહામતિમાન;
કર્યું એ માણિક્યરાજે રમણીય સ્થાન.
જાણે કે કરશે પ્રભુલીલા એ ખબર;
જાણી રચી બાગ છોડી દીધું ક્લેવર.
પ્રભુની કૃપાનો માત્ર બેનરજીતનય;
સુણો મન ક્રમે ક્રમે આપું પરિચય.
બાળલીલા થતી જ્યારે કામારપુકુરે;
છોડી દેહ બેનરજી ગયા’તા ઉપરે.
કોઇ કહે હતા રામ ત્યારેય જીવંત;
ખરા સમાચાર દેવા નથી શક્તિમંત.
પછી તેનો સહોદર ઉત્તરાધિકારી;
મોટાભાઇ જેવું મન ધરમમાં ભારી.
પરિવાર જાણે બધો દોડ્યો એક ઘાટે;
સર્વે જણા ભક્ત, અર્પે જીવ પ્રભુ માટે.
માણેક રાજાનો વંશ માણેક જ હતા;
જેને ઘેર વારંવાર ગદાધર જતા.
ગદાઇને દેખી રાજી થતા અતિશય;
વય નાનું તેથી સાથે પિતા મહાશય.
રમતો રમતો જાય માણિક્ય ભવને;
બેનરજીને ઘેર, ગમે નારી મંડળને.
બાળક સુંદર વળી કેશની લંબાઇ;
તેલ ચોળી માથું ઓળી શોભાવતાં આઇ.
કંદોરો સોહાય કેડે, કડાં બંને હાથે;
રંગીન વસન પહેરી શોભે ધોતી સાથે.
ખીલ્યું સ્વર્ગીય રૂપ શ્રીવદને લાગે;
વેણીમાંની ઘુઘરીઓ ઝીણી ઝીણી વાગે.
જીભ જરા સ્વાભાવિક તોતડાતી ખરે;
અમૃત વરસી વાણી કાલી કાલી ઝરે.
સુધાની મીઠાશ શી છે? સુધા પાણી ભરે;
ગદાઇની વાણી સુણી સૌનાં ચિત્ત ઠરે.
વાણી છે આનંદકારી વદનને સ્થાને;
સુણે તેને મુગ્ધ કરે પડે જેવી કાને.
ગૃહની નારીઓ લીએ ગદાઇને ખોળે;
અંતરે આહલાદ કેરો સ્રોત વહે છોળે.
પ્રભુના પિતાને બોલે સર્વનારી ગણ;
તમારા તનયમાં છે દેવનાં લક્ષણ.
ભક્તિમતી માણિક્ય ગૃહિણી એક વાર;
ઘડાવી સુવર્ણકેરા નાના અલંકાર.
ગદાઇને લાવી ઘેર દીધો શણગારી;
મળી નાનીમોટી સર્વે ગૃહ તણી નારી.
ગદાઇમાં મુગ્ધ મન, એવાં સહુ જન;
તેડવા નોકર મૂકે ચેટરજી ભવન.
ગદાઈને આણવાનો આગ્રહ એ ધરે;
વિવિધ પ્રકારનાં એ ખાદ્યો ભેટ કરે.
પ્રભુનાં વદનમાંહે મૂકે હેત ધારી;
વિવિધ મીઠાઇ લઇ એકે એકે નારી.
બોલ ગદાધર કોના હાથમાંથી ભાવે;
ગદાધર દોડી સૌનું ઝડપીને લાવે.
કહે, વ્રજમાંહે ખેલવામાં કૃષ્ણ લીન;
ક્ષુધાતુર ગોપબાળો થાય એક દિન.
પેટે ભૂખ્યે, સૂકે મુખે કહીયું, “કનાઇ!”
ભૂખે મરી જઇએ, હવે ખાવાનું શું, ભાઇ?
તમે છો ગોપાળરાજ ભરોસો સહાય;
વિજન વિપિનમાં કરોને કંઇ ઉપાય.”
સુણી વાણી કૃષ્ણે મોકલીયા ગોપબાળ;
બ્રાહ્મણોના યજ્ઞમાં લેવા અન્નભાત.
યજ્ઞનાં નૈવેદ્યો બ્રાહ્મણોએ નવ આપ્યાં;
દેખી ભૂખ્યાં બાળ હૈયા બ્રાહ્મણીનાં કાંપ્યાં.
થાળી થાળી અન્ન લઇ છુપાવીને જાય;
કૃષ્ણને જ્યાં વીંટી બેઠો ગોપસમુદાય.
બ્રાહ્મણ પત્નીઓ કેરો અનુરાગ ભાળી;
કનૈયો બોલાવે પાડી બૂમ તથા તાળી.
આવો ભૈયા ખાવું આવ્યું સહુ મળી ખાઇ;
બ્રાહ્મણીઓ તણું અન્ન ગયું ઝૂંટવાઈ.
અહીં સુખે નાખે મુખે માણિક્ય નારીઓ;
તેઓ બધી પૂર્વે હતી બ્રાહ્મણનારીઓ.
માણિક્ય-આગાર ખરે માણેક આગાર;
પદરજ એ સર્વેની માગું વારંવાર.
આપો મતિ પ્રભુપદે ભક્તો દયા કરી;
રામકૃષ્ણ-પુરાણ હું ગાઉં પ્રેમ ધરી.

Total Views: 212

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.