(ગતાંકથી આગળ)

પ્રાર્થના કેવી રીતે કરવી?

તો હવે પ્રશ્ન એ થાય છે કે પ્રાર્થના કેવી રીતે કરવી?

જેને આપણે ચાહીએ, તેમની સાથેનો વાર્તાલાપ હંમેશાં અંગત અને અવિધિસરનો જ હોય છે. ઈશ્વર સાથેનો અંતરંગ વાર્તાલાપ અથવા પ્રાર્થના પણ ખૂબ જ અંગત, સ્વાભાવિક અને સ્વંયસ્ફૂરિત જ હોવાં જોઈએ. દરેક વ્યક્તિ ભલે પોતપોતાની રીતે પ્રાર્થનાનો આરંભ કરી લે. આગળ કેવી રીતે વધવું એનું માર્ગદર્શન પ્રાર્થના પોતે જ એને આપશે અને એની પ્રાર્થનાને પરિપૂર્ણ બનાવશે.

જોકે બધા લોકો પ્રાર્થના માટે એકસરખી ક્ષમતા ધરાવતા હોતા નથી અને પ્રાર્થના શાને માટે કરવી, એ બાબતમાં પણ સ્પષ્ટ હોતા નથી. જે લોકો દરરોજ પ્રાર્થના કરવા ટેવાયેલા છે તેઓ પણ કંઇ હંમેશાં પ્રાર્થના કરવાના મિજાજમાં હોતા નથી. આ પ્રકારના લોકોના ઉપયોગ માટે મહાન દ્રષ્ટા ઋષિઓએ વિધિપૂર્વકની પ્રાર્થનાઓની રચના કરી છે. ગાયત્રીમંત્ર અને અભ્યારોહ મંત્ર એ હિંદુ ધર્મની આવી જ સૌથી વધુ જાણીતી અને લોકપ્રિય વિધિપૂર્વકની પ્રાર્થના છે. અભ્યારોહ પ્રાર્થનાનો અર્થ છે: ‘જે અસત્-આભાસી છે તેનાથી મને સત્ તરફ લઇ જા, અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જા અને મૃત્યુમાંથી અમરત્વ તરફ લઇ જા.’ (બૃહદારણ્યક ઉપનિષદ ૧:૩:૨૮) કોઇ પણ વ્યક્તિ અવારનવાર આ પ્રાર્થનાઓ દિશાસૂચન તરીકે ભલે કર્યા કરે, પરંતુ આત્માની અંતરતમ અપેક્ષાઓ કુદરતી રીતે જ વ્યક્તિના હૃદયના ઊંડાણમાંથી બહાર આવે અને તે જ સાચી પ્રાર્થના છે.

પ્રાર્થના બે રીતે કરી શકાય: બાહ્ય અને આંતરિક. બાહ્ય પ્રાર્થનામાં વ્યક્તિ બને ત્યાં સુધી ઘરના પવિત્ર સ્થાનમાં અથવા તો મંદિરમાં પ્રભુની મૂર્તિ કે ચિત્ર પાસે ઊભીને કે બેસીને મૂર્તિને કે ચિત્રને પોતાનાં નયનોથી એકીટશે નીરખતાં નીરખતાં હૃદયપૂર્વકની આજીજીભરી વિનંતી કરે છે. જ્યારે આંતરિક પ્રાર્થનામાં વ્યક્તિ આંખો બંધ કરીને પ્રભુની મૂતિનાં પોતાનાં હૃદયમાં દર્શન કરે છે. અને માનસિક રીતે પ્રભુને ઉત્કટ વિનંતી કરે છે.

પ્રાર્થના વિષેની ખોટી કલ્પનાઓ

કેટલાક લોકો એમ વિચારતા જણાય છે કે, પ્રાર્થના તેમની પ્રતિષ્ઠાને હીણી બનાવી દે તેવા એક ભિક્ષુકની કક્ષાએ તેમને લાવી દેશે. આવી માન્યતાના મૂળમાં અજ્ઞાન અને અભિમાન રહેલાં છે. સામાન્ય ભીખ માંગવામાં ભીખ માગનાર અને ભીખ આપનાર વચ્ચે કોઇ જ સંબંધ હોતો નથી એ ખરું, પણ આધ્યાત્મિક પ્રાર્થના કંઇ સાવ અજાણ્યા પ્રત્યે નથી થતી, એ તો એક એવા અસ્તિત્વ પ્રત્યે કરાય છે કે જે આત્માનો પણ પરમાત્મા છે, વિશ્વનો પણ નિયંતા છે અને જે સનાતન અને કદી પણ અલગ પાડી ના શકાય એવું પ્રિયપાત્ર છે. જ્યારે એક બાળક પોતાની અપેક્ષાઓ માબાપ પાસે વ્યક્ત કરે છે ત્યારે માબાપ કંઇ એમ તો નથી જ વિચારતાં કે, બાળક તેમની પાસે ભીખ માગે છે. તેઓ તો ખરેખર જે તેનું છે તે જ તેને આપે છે. તે જ રીતે, પ્રાર્થના તો જે આપણું પોતાનું જ છે તેને દૈવી અધિકાર દ્વારા પ્રાપ્ત કરવા માટે આપણી પોતાની જાતને તૈયાર કરવાનો એક માર્ગ જ માત્ર છે. જ્યારે એક વિદ્યાર્થી એક શિક્ષક પાસે માર્ગદર્શન માટે જાય છે ત્યારે તેને ભીખ ગણવામાં આવતી નથી. પ્રાર્થના તો જે તમામ ગુરુઓના પણ ગુરુ છે તેવા શાશ્વત ગુરુ પાસેથી માર્ગદર્શન મેળવવાની માત્ર મથામણ છે.

પ્રાર્થના વિષે બીજી પણ એક એવી ખોટી કલ્પના પ્રવર્તે છે કે, પ્રાર્થના એ કંઇક મેળવવાની અભીપ્સાનું એક સ્વરૂપમાત્ર છે. પરંતુ સંત ટેરેસાએ કહ્યું છે તેમ, “ભક્ત કૃપાની ઝંખના-ઇચ્છા રાખે, એ એક વાત છે અને ઈશ્વર પાસે તે તેની માગણી કરે એ સાવ બીજી જ વાત છે.” કંઇક મેળવવાની ઇચ્છા ત્યારે જ અસરકારક બને છે જ્યારે તેનું સાધનામાં પરિવર્તન થાય છે. ઘણીબધી રીતે આ થઇ શકે. અને એ બધામાં પ્રાર્થના એ એક ખૂબ જ સરળ રીત છે. પ્રાર્થના એ કંઇક વધારે મેળવવાની ઇચ્છા છે; તે ઈશ્વર સાથેનો આત્માનો સંવાદ છે.

વળી, બીજી એક કલ્પના છે, જો કે તે બહુ ખોટી નથી કે, પ્રાર્થના એ એક નિમ્ન પ્રકારનો એવો આધ્યાત્મિક અભ્યાસ છે કે જે માત્ર શિખાઉ માણસો માટે જ છે. ખરેખર તો આ સાચી વાત છે. પ્રાર્થનાને આધ્યાત્મિક જીવનની બાલવાડી તરીકે ગણાવી શકાય પણ જ્યારે આધ્યાત્મિક જીવનની વાત કરીએ છીએ ત્યારે મોટા ભાગના લોકો એમાં બાળકો જેવા જ છે અને એમને આ બાલવાડીની જરૂર છે. આજકાલ યોગ અને ધ્યાન બહુ લોકપ્રિય થવા લાગ્યાં છે. પૂર્વ અને પશ્ચિમનાં લાખો લોકો એનો અભ્યાસ કરવા લાગ્યાં છે. પરંતુ બહુ ઓછા લોકો સમજે છે કે, સાચું ધ્યાન તો ખૂબ ઉચ્ચ પ્રકારની એકાગ્રતાનો તબક્કો છે. મોટા ભાગના લોકો ધ્યાનનો પ્રયત્ન કરવામાં જ પોતાનું આખું જીવન ઘસી નાંખે છે. ઘણા લોકો માટે ધ્યાન એક ફાંસલાની ગરજ સારે છે કે જે તેમને આગળ વધતાં અટકાવી દે છે. પ્રાથમિક શરતોને પરિપૂર્ણ કર્યા સિવાય ઉચ્ચ કક્ષાની એકાગ્રતાનો પ્રયત્ન કરવો એ આધ્યાત્મિક જીવનમાંની નિષ્ફળતા માટેનું એક મુખ્ય કારણ છે. આભાસી વસ્તુઓ માણસનું જીવન બદલી શકે નહિ. હંમેશાં યાદ રાખવું જોઈએ કે, જે સાધકોને માટે વાસ્તવિક નથી અને જે તેની પોતાની શક્તિની મર્યાદા બહારની છે તેવી ઉચ્ચ પ્રકારની આધ્યાત્મિક પ્રક્રિયા કરતાં, ઘણા વધારે પ્રમાણમાં, જે સાધકને માટે સાચી છે એવી એક સીધી-સાદી પ્રાર્થના તેના જીવનનું પરિવર્તન કરી શકશે.

(ક્રમશ:)

ભાષાંતરકાર: શ્રી વાલ્મિક દેસાઇ

Total Views: 243

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.