આજનું જીવશાસ્ત્ર હિન્દુધારણાની નજીક :

ડાર્વિનના વિકાસવાદે ભલે એ ન સ્વીકાર્યું હોય કે વિકાસક્રમ કોઈક લક્ષ્ય છે. પણ આજનો જીવશાસ્ત્રી આ જીવનપ્રવાહનું એક લક્ષ્ય માનવા વણછૂટકે કબૂલ થયો છે. એટલું જ નહિ, એનો એ લક્ષ્યસંબંધી દૃષ્ટિકોણ પણ પૂર્ણતાની હિન્દુધારણાની ખૂબ નજીક આવી લાગ્યો છે. હવે એ ડાર્વિન દ્વારા પ્રતિપાદિત પ્રતિદ્વંદ્વિતા અને હોંસાતોસીને વિકાસનાં કારણોમાં ગૌણ ગણવા લાગ્યો છે. અને fulfilment (પૂર્ણતા)ની પ્રેરણાને પ્રથમ સ્થાન દઈ રહ્યો છે. આજના સર્વશ્રેષ્ઠ જીવશાસ્ત્રી જૂલિયન હકસ્લે “Evolution after Darwin” નામના ગ્રંથના પહેલાં ખંડ (પૃ. ૨૧)માં પ્રકાશિત પોતાના “The emergence of Darwinism.” નામનાં લેખમાં હે છેઃ “In the light of our present knowledge, man’s most comprehensive aim is seen not as increased complexity of organisation or increased control over his environment, but as a greater fulfilment – the fuller realization of more possibilities by the human species collectively and more of its component members individually.” આજના જ્ઞાનના પ્રકાશમાં મનુષ્યનું સૌથી વ્યાપક લક્ષ્ય કેવળ જીવતાં બચી રહેવામાંય નથી. અને સંખ્યાની વૃદ્ધિમાંય નથી. એ સમુદાયની વધેલી જિટલતામાં પણ નથી અને પોતાના વાતાવરણ પર વધુ કબજો જમાવવાના સામર્થ્યમાં પણ એ જણાતું નથી. પરન્તુ એ તો વધારેમાં વધારે પૂર્ણતાના રૂપમાં જ જણાય છે કે જેનાથી માનવજાતિ સમષ્ટિગત રૂપે અને એથીય વધારે એનાં અલગ અલગ ઘટકોના વ્યક્તિગતરૂપે – પોતાની હજુ વધારે સંભાવનાઓને – સારી રીતે અનુભવી શકે.’

ડાર્વિનનો વિકાસવાદ, વિકાસપ્રક્રિયાને પૂરેપૂરી રીતે યાંત્રિક (mechanical) અને જૈવિક (biological) માને છે. જ્યારે હિન્દુદર્શન એને મનના વિકાસ અને આત્માની અભિવ્યક્તિના રૂપમાં ગ્રહણ કરે છે. એથી સ્વાભાવિક રીતે જ આપણને એ જાણીને સુખદ આશ્ચર્ય થાય છે કે આજનો જીવશાસ્ત્રી પોતાની શોધખોળને પરિણામે એ જ વાત કરી રહ્યો છે કે જે ભારતના ઋષિઓને હજારો વર્ષો પહેલાં જાણીતી થઈ ચૂકી હતી! જૂલિયન હસ્તે ઉપર્યુક્ત ગ્રંથના ત્રીજા ખંડમાં (પૃ. ૨૫૧) પ્રકાશિત પોતાના “The evolutionary vision” નામના લેખમાં કહે છે : “Man’s evolution is not biological, but psychological”- ‘માનવનો ક્રમવિકાસ જૈવિક નહિ, પણ મનોસામાજિક છે.’

ડાર્વિનનું પ્રદાન : આપણા વિવેચનનું તાત્પર્ય એવું ન સમજવું જોઈએ કે આપણે ચાર્લ્સ ડાર્વિનની મહત્તા ઘટાડી રહ્યા છીએ. વૈજ્ઞાનિક દૃષ્ટિએ તેઓ મહાન હતા. જ્યારે વિજ્ઞાન જીવનપ્રક્રિયા બાબત અજાણ હતું, ત્યારે ડાર્વિને આ જીવનપ્રક્રિયામાં છુપાયેલાં સૂત્રો શોધી કાઢ્યા, તત્કાલીન અન્ય વૈજ્ઞાનિકોએ એમની ટીકા પણ કંઈ ઓછી નથી કરી. ડાર્વિન એક રીતે તો ક્રાંતિકારી હતા. આજનું જીવવિજ્ઞાન એમની જ ભેટ છે. એમણે જ શોધેલા સૂત્રોનું આજે પરિમાર્જન અને પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. વર્તમાન યુગના સૌથી મોટા જીવશાસ્ત્રી સ૨ જૂલિયન હક્સલે ડાર્વિનની પ્રતિભાને વખાણતા કહે છે :- ‘A century after Darwin’s modest statement that light will be thrown on the origin of man, we can truly say that as a result of Darwin’s work in general and of ‘The origin of species in particular, Light has been thrown on his desting’ ડાર્વિને પોતાના જમાનામાં એક વિનયપૂર્ણ ઘોષણા કરી હતી કે માનવજીવનના પ્રારંભ ઉપર પ્રકાશ પાથરવામાં આવશે. આ ઘોષણાનાં સો વર્ષો પછી આજે ડાર્વિનની શોધો અને ખાસ કરીને તેમના યુગાન્તરકારી ગ્રંથ, ‘ધી ઓરીજીન ઓફ સ્પીસીઝ’ના ફળરૂપે એ સાચોસાચ કહી શકાય કે માનવની નિયતિ પર ખરેખર પ્રકાશ પથરાયો છે.’ અસ્તુ.

હિન્દુવિકાસવાદની વિશિષ્ટતા :

આપણે કહી ગયા કે હિન્દુદર્શનના મત મુજબ, જીવનપ્રવાહના માધ્યમથી અભિવ્યક્ત થતી પૂર્ણતા, એ ‘અમીબા’ -માં- જીવાણુકોશમાં સંકુચિત છે. ચેતના (consciousness) પણ એ જ ‘અમીબા’માં ક્રમસંકુચિત છે. આ પહેલેથી રહેલી પૂર્ણતા પોતે પોતાને પ્રકટ કરવાનો પ્રયાસ કરી રહી છે. અને આ પ્રયાસમાં જીવનપ્રવાહ નીચીથી ઊંચી યોનિઓમાં પસાર થતો થતો આગળ વધે છે. એક ખાસ સ્તર પર જઈને આ ચેતના પણ અભિવ્યક્ત થઈ જાય છે. એ ‘અમીબા’ માટે આ વિકાસક્રમનો અંત ત્યારે આવી જાય છે કે જ્યારે મનુષ્ય યોનિના માધ્યમથી એમાં રહેલી પૂર્ણતા પૂરેપૂરી પ્રકટ થઈ રહે. ત્યારે ‘અમીબા’થી આરંભાયેલો આ વિકાસક્રમ જાણે કે પોતાનો વર્તુળમાર્ગ પૂરો કરી લે છે. તાત્પર્ય એ છે કે આ વિકાસક્રમ એક વર્તુળાકારે થયો કે જેનું આરંભબિન્દુ ‘અમીબા’ છે અને અંતિમબિન્દુ પૂર્ણમાનવ છે. અને આ પૂર્ણમાનવ જ વિકાસ ક્રમનું લક્ષ્ય છે.

કેટલીક શંકાઓ અને સમાધાન :

અહીં કેટલાંક પ્રશ્નો ઊઠે છે. પહેલો તો એ કે વિકાસક્રમની ગતિને જો વર્તુલાકાર માની લઈએ તો એક દોષ એ આવે છે કે જીવનપ્રવાહ જ્યાંથી શરૂ થયો હતો, ત્યાં જ ફરીથી ગોળ ચક્કર ફરીને આવી ગયો! તો તો પછી કરોડો વર્ષોનાં વહેણનો કશો જ અર્થ ન રહ્યો. આનો ઉત્તર આ રીતે આપવામાં આવે છે કે ‘વર્તુલાકાર ગતિનો સામાન્ય રીતનો અર્થ ભલેને એવા ભાવવાળો થતો હોય કે વર્તુળ જ્યાંથી આરંભાય ત્યાં આવીને પૂરું થાય. પણ ગણિતની ભાષામાં વર્તુળનાં પ્રારંભિક અને અંતિમ બિન્દુઓ એક હોતાં નથી, એ બે હોય છે. આ બંનેને identical points (અભિન્ન બિન્દુ) ન હેતાં contiguous points (સંસ્પર્શી બિન્દુ) કહેવામાં આવે છે. અને આ બન્ને બિન્દુઓ વચ્ચે એટલું અને એવું અંતર છે કે પ્રકાશનાં અભાવથી થતા અંધકાર તેમ જ આંખો આંજી દેતી રોશનીમાં હોય! એ બંનેમાં વસ્તુઓ જોવાની શક્તિ હોતી નથી! આંખો અંધકારમાંય દેખી શકતી નથી અને આંજી દેતી રોશનીમાંય જોઈ શકતી નથી. ‘અમીબા’ જાણે કે એવો અંધકાર છે કે જે અજ્ઞાનાવરણથી જન્મે છે અને પૂર્ણમાનવ એ બિન્દુ છે કે જે જ્ઞાનની ઉત્કટતાથી પ્રકટ થાય છે. ‘અમીબા જો અસત્તમસ્ કે મૃત્યુનું બિન્દુ છે, તો પૂર્ણમાનવ સત્જ્યોતિ અથવા અમૃતનું બિન્દુ છે. એટલે તો ઋષિ પ્રાર્થના કરતાં કહે છે ને કે, “असतो मा सद्गमय। तमसो मा ज्योतिर्गमय। मृत्योर्मा अमृतगमय” – ‘અસત્યમાંથી મને સત્ય તરફ દોરી જાઓ, અંધકારમાંથી મને પ્રકાશ તરફ લઈ જાઓ, મૃત્યુમાંથી મને અમૃત તરફ લઈ જાઓ.’

બીજો પ્રશ્ન એ ઊઠે છે કે વિકાસક્રમ જો બધાને આગળ ને આગળ ધકેલતો જ રહેતો હોય, તો આપણને એ પૂર્ણમાનવના બિન્દુ સુધી ધકેલતો જ રહેવાનો. અર્થાત્ એ સ્થિતિએ પહોંચ્યા પહેલાં તો એનું ધકેલવાનું અટકવાનું નથી. આવી સ્થિતિમાં કશી સાધનાનો શો અર્થ? આપણે શા માટે સાધના કરવી જોઈએ? જો આ વિકાસપ્રવાહ પોતાની સ્વાભાવિક ગતિથી આપણને લક્ષ્ય સુધી પહોંચાડ્યા વિના અટકવાનો હોય જ નહિ, તો પછી સાધના કોને માટે કરવી? આ પ્રશ્નનું આવું પણ રૂપ હોઈ શકે કે શું બધું જ વિકાસપ્રવાહથી બંધાયેલું નથી? શું આપણે સૌ વિકાસપ્રક્રિયાના હાથની કઠપૂતળીઓ નથી? શું આપણને કોઈ એવા પ્રકારની સ્વતંત્રતા છે ખરી કે આપણે કર્મ કરી શકીએ? પુનર્જન્મમાં શું મનુષ્યોનાં પોતાનાં કર્મો કારણરૂપ છે કે પછી એ વિકાસના અપરિવર્તનીય નિયમોથી બંધાયેલો જ છે?

સાધનાનું તત્ત્વ : આના ઉત્તરમાં એમ કહી શકાય કે મનુષ્યયોનિમાં પ્રવેશ કર્યા પહેલાં સુધી વિકાસક્રમ યાંત્રિક અને જૈવિક છે. પણ મનુષ્યયોનિમાં આવતાં જ એ પ્રધાનપણે માનસિક બની જાય છે. આનો અર્થ એ થયો કે ડાર્વિને વિકાસક્રમને જે યાંત્રિક અને જૈવિક માન્યો હતો, એ મનુષ્યેતર યોનિઓને જ લાગુ પડે છે. મનુષ્યયોનિમાં એનું સ્વરૂપ બદલી જાય છે. અહીં સુધી પહોંચીને આ વિકાસક્રમ મનુષ્યને એક એવા ઘેરાવામાં મૂકે છે જેની અંદર મનુષ્ય સ્વતંત્ર છે, અને જેનો ખરેખરો ઉપયોગ કરવામાં આવતાં એ વિકાસની સુયોગ્ય દિશા દર્શાવે છે. અને પોતાની અંદર એની ગતિને વધુ વેગીલી પણ કરી શકે છે. સાધનાનું આ તાત્પર્ય છે. આ જ કર્મવાદ છે. દાખલા તરીકે આપણે પ્રવાહમાં વહી રહેલું એક તણખલું લઈએ. એ તણખલું કોઈક ને કોઈક દિવસ તો અવશ્ય સાગરને જઈ મળવાનું તો ખરું જ એ સાચું, પણ જો એને એના પોતાના જ ભરોસે છોડી દઈએ તો કોણ જાણે કેટલોય સમય એને સાગરને મળતાં વીતી જશે. ક્યાંક જઈને જો એ સલવાઈ ગયું તો કેટલાય દિવસો એ ત્યાં ને ત્યાં જ પડ્યું રહેવાનું. પછી વળી પવનના સપાટાથી એ એમાંથી બહાર નીકળ્યું, તો વળી બીજી જગ્યાએ ક્યાંક અટકી પડવાનું. આ રીતે અટકતાં અટકતાં અને વહેતાં વહેતાં સમુદ્ર સુધી પહોંચવામાં એને કોણ જાણે કેટલાય દિવસ વીતી જશે! હવે કલ્પના કરો કે કોઈ એ તણખલાંના અવરોધોને અવિરત દૂર જ કરતો રહે, તો એ સ્થિતિમાં એ તણખલું પહેલાં કરતાં ખૂબ જ ઓછા સમયમાં સાગરને મળશે ને? બસ, કર્મ કે સાધના, આ અવરોધને દૂર કરવાની જ પ્રક્રિયા છે. સામાન્ય રીતે વિકાસપ્રવાહ પોતાની સામાન્ય ગતિએ આપણને ‘પૂર્ણમાનવ’નાં બિન્દુ સુધી પહોંચાડી તો દેવાનો જ છે પણ કોને ખબર, રસ્તામાં કેટકેટલાં અવરોધો આવી પડશે અને આપણે રખડતા આથડતા કોણ જાણે ક્યારેય ત્યાં સુધી પહોંચી શકીશું? સાધના આપણી આ મુશ્કેલીઓ દૂર કરે છે, અને વિકાસને દિશા તેમજ ગતિ આપે છે. આજનું જીવવિજ્ઞાન જરા જુદી રીતે પણ આ જ વાતની પુષ્ટિ કરે છે. જૂલિયન હકસ્લે પોતાના ઉપરના જ લેખમાં (પૃ. ૨૫૨) મનુષ્યનાં સંબંધમાં કહે છે: “It is only through possessing a mind that he has become the dominant portion of this planet and the agent responsible for its future evolution, and it will be only by the right use of that mind that he will be able to exercise that responsibility rightly. He could all too readily be at failure in the job. he will succeed only if he faces it consciously and if he uses. all his mental resources of knowledge and reason, of imagination, sensitivity and moral effort.’- ‘માણસ મનથી યુક્ત છે. અને એટલાં માટે જ એ આ ગ્રહનું પ્રભાવક અંગ બની ગયો છે. તેમજ એના ભાવિ વિકાસક્રમ માટે જવાબદાર અંગ બની ગયો છે; એ પોતાના મનના સમુચિત ઉપયોગ દ્વારા જ પોતાની એ જવાબદારી સુંદર રીતે અદા કરવામાં સમર્થ નીવડશે. આ કાર્યમાં એ સદંતર નિષ્ફળ પણ નીવડી શકે છે ખરો. એ સફળ તો ત્યારે જ થશે કે જ્યારે એ સજગ થઈને એનો સામનો કરે. અને પોતાના જ્ઞાન અને વિવેક, કલ્પનાશક્તિ અને સંવેદનશીલતા તથા નૈતિક પ્રયાસરૂપ સમસ્ત માનસિક સ્ત્રોતોનો ઉપયોગ કરે.’

મનનો આ સમ્યક્ ઉપયોગ જ સાધના છે. પોતાનાં જ્ઞાન અને વિવેક, ક્લ્પનાશક્તિ અને સંવેદનશીલતા તથા નૈતિક પ્રયાસરૂપ માનસિક સ્ત્રોતોનો સદુપયોગ જ સાધના છે. જૂલિયન હકસ્લે અજાણપણે જ પોતે સાધનાની આ વૈજ્ઞાનિક વ્યાખ્યા રજૂ કરી દે છે. આનાથી સુંદર અને સટીક સાધના અથવા કર્મવાદની પરિભાષા વળી બીજી કઈ હોઈ શકે? આનું તાત્પર્ય તો જાણે એ થયું કે સામાન્ય ગતિએ ચાલતાં, વિકાસપ્રવાહ, જેટલું અંતર બસો વર્ષે કાપે, એટલું જ અંતર સાધના દ્વારા, મનના સમ્યક્ ઉપયોગથી કેવળ વીસ જ વર્ષોમાં કાપી શકે છે.

આ બાબતમાં કોઈ એમ કહી શકે ખરો કે, લક્ષ્ય સુધી પહોંચવાની ઉતાવળ શા માટે કરવી જોઈએ? પ્રવાહમાં પડેલાં પેલાં તણખલાની પેઠે જ શા માટે ન રહેવું? તો એનો ઉત્તર એ છે કે મનુષ્યનાં સ્વભાવમાં જ આ ઉતાવળની પ્રવૃત્તિ (વલણ) રૂઢ થયેલી છે. એની આ પ્રવૃત્તિ, આ વલણ, એની ક્રિયાઓમાં ઝબકે છે. એ પોતાનો જાન જોખમમાં મૂકીને ય સડક પાર કરશે, રેલગાડી, બસ કે ટ્રામમાં ચડવા અને ઊતરવામાં એ સૌની પહેલાં કોશિશ કરશે. સૌથી આગળ નીકળી જવાનો આ ભાવ, એની દરેકે દરેક ક્રિયામાં દેખાય છે. લક્ષ્ય સુધી પહોંચી જવાની એની ઉતાવળમાં પણ આ જ તર્ક લાગુ પડે છે.

આપણે કહ્યું કે ‘પૂર્ણ માનવ’ જ જીવનપ્રવાહનું લક્ષ્ય છે. આ બિન્દુએ પહોંચીને માનવની બધી માનસિક તાણો સમાપ્ત થઈ જાય છે. અને એ અક્ષય શાન્તિનો અધિકારી બની જાય છે. માનવ શાન્તિ અને આનંદની શોધમાં જ તો સતત ભટકતો રહ્યો છે. શ્રીમદ્ ભાગવતમાં એક સુંદર શ્લોક આવે છે :

यश्च मूढतमो लोके यश्च बुद्धेः परे गतः ।
तावुभौ सुखमेधेते नश्यत्यन्तरितो जनः ॥

‘કેવળ બે પ્રકારનાં લોકો જ તાણોથી મુક્ત છે, અને સુખી છે. એક તો એ કે જે મૂઢતમ છે, અને બીજો એ કે જે બુદ્ધિની પેલી પાર ચાલ્યો ગયો છે. બાકીનાં બધાં માનસિક તાણો અને દુ:ખો ભોગવે છે.’

ખરી રીતે સ્થાયી સુખ તો મનની સીમાઓને ઓળંગીને જ મેળવી શકાય છે. સંસારના ઘેરાવાનું સુખ તો ફક્ત સંવેદનાત્મક જ હોય છે એ તો ઊપજીને અસ્ત થાય છે. આપણે બધા અલગ અલગ પરિમાણોની તાણના શિકાર છીએ. એમાંથી છૂટવા માટે આપણે ‘પૂર્ણ માનવ’ રૂપી બિન્દુ તરફ આગળ વધવું જોઈએ. એકવાર એક શ્રોતાએ મને પૂછ્યું કે જો અત્યન્ત મૂઢ પણ તાણોથી મુક્ત અને સુખી હોય તો પછી આપણે મૂઢતા તરફ જવાનો પ્રયાસ શા માટે ન કરવો? બુદ્ધિની પેલી પાર જવાનું તો ભારે કઠિન છે. એટલે પાછા જ વળી જઈએ અને મૂઢ બનીને સુખ-શાન્તિ ભોગવીએ, એ શું ઇચ્છનીય નથી? આવો જ એક પ્રશ્ન આદિવાસી કલ્યાણ સમિતિની બેઠકમાં એક સભ્ય પણ કર્યો હતો. એમણે કહ્યું હતું કે જેમ જેમ આદિવાસીઓને આપણે શિક્ષિત બનાવતા જઈએ છીએ, તેમ તેમ તેમનામાં નવા નવા અસંતોષો અને તાણો ઉત્પન્ન થતાં રહે છે, જે પહેલાં એમનામાં કદી ન હતી. એટલા માટે શું એ ચિત નથી કે આપણે આદિવાસીઓને એવા ને એવા જ રહેવા દઈએ? પ્રશ્ન આમ તો સારો લાગે છે, પણ આપણે એક વાત ભૂલી જઈએ છીએ. તે એ કે વિકાસક્રમમાં પાછળ જવું સંભવિત જ નથી. વિકાસપ્રવાહ તો બધાને આગળ ને આગળ જ ધકેલતો રહે છે. આદિવાસીઓ માટે જો આપણે શિક્ષણની વ્યવસ્થા ન કરીએ તોપણ આદાન પ્રદાનના માધ્યમથી એ સંસ્કારોને ગ્રહણ કરવાના જ. અને એથી એમની અંદર એ અસંતોષો અને તાણો ઊગવાનાં જ છે. આપણે એને ટાળી શકવાનાં નથી. એ તો એવી દલીલ થઈ કે બાળક સાવ અબૂધ, નિર્દોષ, નિર્દંશ અને પવિત્ર અને પ્રિય હોય અને પછી મોટો થતાં એ જ કુટીલ તેમજ તરેહ તરેહનાં અનિષ્ટ સંસ્કારોથી યુક્ત બની જાય છે. એટલે એને મોટો થવા જ ન દેવો! એને મોટો થયો રોકવો એ શું શક્ય છે? સાચી અને યોગ્ય વાત તો એ છે કે આપણે બાળકના ત્વરિત વિકાસનો પ્રયત્ન કરીએ. અને સાથોસાથ એ પણ જોતા જઈએ કે વિકાસથી જન્મતી ગ્રન્થિઓ અને જન્મતા અસંતોષોનો એ શિકાર ન બની જાય. આ જ વાત આદિવાસીઓને સંબંધે પણ કહી શકાય છે.

(ક્રમશ:)

ભાષાંતરકાર : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 171

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.