(ગતાંકથી આગળ)

પ્રાર્થનાનાં કાર્યો

શ્રીકૃષ્ણે કહ્યું છે કે, “મારી આ માયાની પાર જવું ખૂબ મુશ્કેલ છે. જે મારું શરણું મેળવી શકે છે તે જ આ માયાને તરી શકે છે.” વિઘ્નોને દૂર કરવા માટે અને આધ્યાત્મિક અનુભૂતિ પામવા માટે આધ્યાત્મિક શક્તિની આવશ્યક્તા છે. જેમ ભૌતિક વિશ્વે આપેલા ખોરાકમાંથી શારીરિક શક્તિ આવે છે, અને જેમ બૌદ્ધિક વિશ્વમાંથી ઉત્પન્ન થતા વિચારોમાંથી જ્ઞાન સંપાદન કરાય છે, તેવી જ રીતે ઈશ્વર તરફથી આધ્યાત્મિક શક્તિનું પ્રદાન થાય છે. ઈશ્વરી કૃપાનાં સુવર્ણરશ્મિના અદૃશ્ય સ્પર્શથી હૃદયરૂપી કમળ સોળે કળાએ ખીલી ઊઠે છે. દૈવી શક્તિ મેળવવાનો પ્રયત્ન એ જ પ્રાર્થનાનો મુખ્ય હેતુ છે.

શ્રીરામકૃષ્ણે કહ્યું છે, “બધા વ્યક્તિગત આત્માઓનું સર્વોચ્ચ આત્મા સાથેનું જોડાણ પ્રાર્થના દ્વારા શક્ય છે. દરેક ઘરમાં ગેસનું જોડાણ તો હોય જ છે, પણ ગેસ કંપનીએ જ્યાં ગેસનો સંગ્રહ કર્યો હોય તે ટાંકીમાંથી જ એ મેળવી શકાય. ગેસ કંપનીને અરજી કરો અને તે ગેસ પૂરો પાડવાની ગોઠવણ કરશે અને પછી તમારા ઘરમાં પ્રકાશ રેલાશે. પણ આવી દિવ્ય શક્તિના મુક્ત પ્રવાહ સામે આપણા સહુમાં એક આંતરિક પ્રતિકાર તો ઊભો જ હોય છે – આ પ્રતિકાર આપણામાં રહેલો અહમ્ કરે છે.” શ્રીરામકૃષ્ણ કહેતા હતા કે, “માટીના ટેકરા ઉપર વરસાદનું પાણી એકઠું થતું નથી.” પ્રાર્થના આંતરિક પ્રતિકારશક્તિને ક્ષીણ બનાવે છે અને હૃદયને દિવ્ય કૃપા માટે મોકળું બનાવે છે.

સાચું ધ્યાન એ એક વિશ્રાંતિ છે, શાંતિ છે. મન જ્યારે સલામતીનો અનુભવ કરે, અને તમામ કામનાઓથી અનાસકત થઈ જાય ત્યારે જ તે વિશ્રાંત થાય અથવા શાંતિ મેળવે. જીવન અનિશ્ચિતતાઓ અને મુશ્કેલીઓથી ભરપૂર છે અને માનવીની જીવન જીવવાની આજની પદ્ધતિઓએ તેની ચિંતાઓને અને અસલામતીની ભાવનાને વધારી મૂકી છે. આ ભય અને અસલામતીમાંથી ઊગરવાનો એક ઉત્તમ માર્ગ છે, અને તે છે, પ્રાણીમાત્રની નિયતિનો જે નિયંતા છે તેવા સર્વોચ્ચ પ્રભુની સતત પ્રાર્થના કરવાનો. જેઓ જપ અને ધ્યાનનો અભ્યાસ કરે છે તેઓને પણ અંધકારમય સમયનો અનુભવ થાય છે અને ત્યારે તેઓ પોતાની જાતને નિરાશ અને તરછોડાયેલ અનુભવે છે. આવા મુખ્ય સમયગાળામાં પ્રાર્થના આત્માને ખૂબ આરામ પહોંચાડે છે. ક્રોસના સંત જોહ્‌ન કહે છે કે, “આપણી તમામ આવશ્યકતાઓ, કસોટીઓ અને સંકટોમાં પ્રાર્થના – અને ‘ઈશ્વર એની પોતાની રીતે આપણી અપેક્ષાઓ પૂરશે’ એવી શ્રદ્ધા જેવો કોઈ બીજો વધુ સારો અને વિશ્વસનીય ઉપાય નથી.”

સતત ચાલતા વિચારોના પ્રવાહનું કોઈ એક બૌદ્ધિક પદાર્થ ઉપર સભાન અને સ્વયં નિયંત્રિત કેન્દ્રીકરણ એનું જ નામ ધ્યાન. જ્યારે મન (અથવા તો વધુ ચોક્કસ રીતે કહીએ તો ઇચ્છાશક્તિ) બાહ્ય પદાર્થો અને વાસનાઓની પકડથી મુક્ત રહે ત્યારે જ આ બાબત શક્ય બને. મનને (અથવા તો ઇચ્છાશક્તિને) આ રીતે વાસનાઓમાંથી બહાર કાઢી લેવાની વાત એનું જ નામ પ્રત્યાહાર. આમ કરવા માટેની એક રીત છે સતત અને વારંવારનો અભ્યાસ. પરંતુ ખાસ કરીને આધ્યાત્મિક જીવનના પ્રારંભિક તબક્કામાં મોટા ભાગના સાધકોને એ અતિ મુશ્કેલ લાગે છે. તેમ છતાં ઉત્કટ પ્રાર્થના એને જલદીથી પ્રાપ્ત કરી લે છે. પ્રત્યાહારનો પોતાની રીતે અભ્યાસ કરવાની ભક્તની તીવ્રતા એ જ પ્રાર્થના.

પોતાને પસંદ હોય તો બાહ્ય પદાર્થો અને મનમાં ધારેલી મૂર્તિઓ ઉપર પણ કોઈ એક ચોક્કસ તબક્કા સુધી, દરેક માણસ એકાગ્રતા સાધવા શક્તિમાન છે. પરંતુ મુખ્ય મુશ્કેલી તો ચેતનાના ઉચ્ચ કેન્દ્ર ઉપર મનને કેન્દ્રિત કરવામાં છે. આ માટે બે શરતોનું પાલન કરવું જરૂરી છે. ઉચ્ચ આધ્યાત્મિક કેન્દ્રનો વિકાસ કરવો જોઈએ અને અમુક અંશ સુધી તેને સક્રિય બનાવવું જોઈએ અને તે પછી ઇચ્છાશક્તિને તથા માનસિક શક્તિઓને એક ઉન્નત વળાંક આપવો જોઈએ. પ્રાર્થના આ બંને કાર્યો સિદ્ધ કરે છે. અંત:કરણના કેન્દ્રને જાગૃત કરવા માટે પ્રાર્થના એ શ્રેષ્ઠ માર્ગ છે. મનને વિચલિત કરી નાંખે તેવી આખા દિવસની મહેનત કર્યા પછી જણાશે કે તમારી માનસિક શક્તિઓ તમારા શરીરના જુદા જુદા ભાગોમાં વેરવિખેર થઈ ગઈ છે અને ધ્યાન કરવું મુશ્કેલ છે. જ્યારે આવું બને ત્યારે ઉત્કટ પ્રાર્થના કરવાનો પ્રયત્ન કરો. તમને લાગશે કે, પ્રાર્થના તમારી વેરવિખેર થઈ ગયેલી શક્તિઓને અંત:કરણના કેન્દ્રમાં એકત્ર કરે છે અને તમને શક્તિઓના એક નવા જ આગમનનો અનુભવ કરાવશે. પ્રાર્થના ઇચ્છાશક્તિને માત્ર અનાસક્ત અથવા તટસ્થ બનાવે છે. એટલું જ નહિ પરંતુ, તેને ઊર્ધ્વ માર્ગે કેન્દ્રિત પણ કરે છે. જો પ્રાર્થના દ્વારા મનને ઊંચા ને ઊંચા કેન્દ્રમાં પ્રેરિત કરવામાં ન આવે તો, ઘણી વાર મનનું નિમ્ર કક્ષાના વિચારો ઉપર કેન્દ્રિત થવાનું જોખમ વધે છે.

બીજો ભય એ છે કે, જો મનનું ઊર્ધ્વગમન કરવામાં ન આવે તો એ તમસ્ અને જડતામાં સરી જાય અને નિદ્રા તેની ઉપર કાબૂ મેળવી લે. અને તેથી જ ઘણી વાર ધ્યાન નિદ્રામાં પરિણમે છે. ધ્યાન કરતી વખતે તંદ્રાવસ્થાને ટાળવા માટેનો ઉત્તમ ઉપાય પ્રાર્થના કરવી તે છે. પ્રાર્થના અને નિદ્રા બંને એકીસાથે રહી શકે નહિ. પ્રાર્થના મનને જાગૃત રાખે છે.

આ રીતે, પ્રાર્થના આત્માને સલામતીની ભાવના પ્રેરે છે, વાસનાઓ અને ભૌતિક પદાર્થોથી ઇચ્છાશક્તિને દૂર રાખે છે, ઉચ્ચ કેન્દ્રોને સક્રિય બનાવે છે, વિચારોને ઉન્નત દિશાદર્શન આપે છે, મનને જાગૃત રાખે છે અને સૌથી વધુ તો દિવ્ય શક્તિના સંચાર માટેનો માર્ગ ખુલ્લો કરે છે, જેમ જેમ સાધક વધુ ને વધુ ઉત્કટતાથી પ્રાર્થના કરતો થાય છે તેમ તેમ તેને જણાય છે કે, તેની પ્રાર્થના તેને ખબર પણ ન પડે તેવી રીતે ક્રમે ક્રમે ધ્યાનમાં અથવા તો સાચા ચિંતનમાં વિલીન થઈ જાય છે. માણસ પ્રાર્થનાની શરૂઆત શબ્દોનો ખૂબ ઉપયોગ કરીને વિનંતીરૂપે કરે પરંતુ જેમ જેમ પ્રાર્થના તીવ્રતા અને ગહનતા પ્રાપ્ત કરે છે તેમ તેમ શબ્દો આપો આપ સરી પડે છે, અને હૃદયમાં માત્ર મૌન આકાંક્ષા રહી જાય છે. પછી અંદરની છાયા શાંત થઈ જાય છે અને મન મૌન રહીને એ તરફ વળે છે. પ્રાર્થના સ્વયંભૂ અને સ્વાભાવિક રીતે ધ્યાનમાં પરિવર્તિત થાય છે. પ્રાર્થનાનું આ અંતિમ ધ્યેય છે.

(ક્રમશ:)

ભાષાંતરકાર : શ્રી વાલ્મિક દેસાઈ

Total Views: 447

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.