હાથી નારાયણ અને મહાવત નારાયણ

એક જંગલમાં એક તપસ્વી સંત રહેતા હતા. તેઓ પવિત્ર અને વિદ્વાન હતા. તેમની પાસે ઘણાં શિષ્યો ભણવા આવતા. પોતાના આશ્રમમાં આવતા વિદ્યાર્થીઓની પિતાની માફક કાળજી રાખતા અને પોતાનાં જ્ઞાન – શાણપણ સમજણ તેમને આપતા. તેઓ શિષ્યોને કહેતા : “વત્સ, આટલું હંમેશા યાદ રાખજો કે પ્રભુ બધે વસે છે. અને દરેકે દરેકમાં તેઓ રહેલા છે. ઈશ્વર આ સૃષ્ટિમાં વ્યાપેલા છે. અને આ સૃષ્ટિ એટલે જ પ્રભુમય. તમે, હું અને બધાં સચેતન ઈશ્વર જ છે. જુદાં જુદાં આકારોમાં આપણે સૌ ઈશ્વરનાં રૂપ જ છીએ. આપણે કોઈના પ્રત્યે ક્યારેય નિર્દય ન બનવું જોઈએ. કોઈ બીજાનું અપમાન કરવું કે તેને હાનિ કરવી એ ખુદ પ્રભુની જ હાનિ, અપમાન કરવા સમાન છે. બીજાનું બૂરું કરવું એ તમારું જ અહિત કરવા જેવું છે. એટલે તમારે સુખી થવું હોય, તો બધામાં રહેલા પ્રભુને ઓળખી લેજો.”

આ મહાન ઉપદેશથી શિષ્યોએ એક રોમાંચ અનુભવ્યો. તેઓ પોતપોતાની ફરજ બજાવતાં બજાવતાં એમના ગુરુએ શિખવેલાં સંદેશનો અર્થ વિચારવા લાગ્યા.

આ આશ્રમમાં ગોવિંદ નામનો ખૂબ ભાવભક્તિ અને નિષ્ઠાવાળો વિદ્યાર્થી પણ હતો. તેણે તો ગુરુના આ ઉપદેશનું અક્ષરશ: પાલન કરવા માંડ્યું. તેણે તો મનમાં પાકો નિર્ણય કરી લીધો કે આજથી માનવ, પ્રાણી, વૃક્ષો અને પથ્થરમાંયે પ્રભુને જોવા. તે વિચારવા લાગ્યો, “કેટલો મહાન વિચાર! સજીવ નિર્જીવ બધું પ્રભુમય હોય, તો લડાઈ, ઝઘડા, શોક, દુ:ખ ક્યાંથી આવે? ગુરુજીને મારા લાખ લાખ વંદન હજો. હું તો હવે બધે જ નારાયણને જ નિરખીશ. અને પરમાનંદનો અનુભવ કરીશ.”

એક દિવસે શિષ્યોને નજીકના ગામમાં ચીજવસ્તુઓ ખરીદવા મોકલ્યા. ગોવિંદેય તેમની સાથે ગયો. ગામના મોટા રસ્તેથી તેઓ પાછા ફરતા હતા ત્યારે તેમણે મોટો કોલાહલ ઘોંઘાટ – સાંભળ્યો. લોકો અહીંતહીં નાસતા ભાગતા હતા. તેમણે દૂરથી આવતા હાકલા પડકારા સાંભળ્યા: ‘ભાગો, ભાગો, ભાઈ હાથી ગાંડો થઈ ગયો છે.’ વાસ્તવિક રીતે જ આ ગાંડો હાથી ગર્જના કરતો ગુસ્સામાં વિદ્યાર્થીઓ તરફ ધસી આવતો હતો. આ ગાંડા હાથી પર બેઠેલો મહાવત બધાને દૂર રહેવા ચેતવણી આપતો હતો. ગોવિંદ સિવાયના બાકીના બીજા બધા નજીકમાં જેના તેના ઘરમાં છુપાઈ ગયા. ગોવિંદભાઈ તો ઊભા રહ્યા રસ્તા પર, હાથીના આવવાના માર્ગ પર. ગુરુજીએ કહ્યું છે કે બધું પ્રભુમય છે. આ હાથી એ નારાયણ છે. મારે નારાયણથી ડરવાની શી જરૂર? એમ માનીને તે તો રસ્તામાં જ ઊભો રહ્યો. હાથી પરના મહાવતે વારંવાર ગાંડા હાથીથી દૂર ખસી જવા બૂમો પાડી. પણ ગોવિંદભાઈ ખસ્યા જ નહીં. ગાંડા હાથીએ ગોવિંદને રસ્તામાં જોયો. તેને સૂંઢમાં પકડીને શેરીના એક છેડે ફેંક્યો.

અનેક ઘાવથી ઘવાયેલો ગોવિંદ તો રસ્તામાં પડ્યો હતો. બીજા બધા વિદ્યાર્થીઓ પોતાના ગુરુજી પાસે દોડી ગયા. અને બધી વાત કહી. ગુરુજી તરત જ ઘાયલ ગોવિંદ પડ્યો હતો ત્યાં આવી પહોંચ્ય. ગોવિંદને ઊચકીને પોતાના આશ્રમમાં લાવ્યા. તેની સેવાચાકરી કરી. થોડા દિવસમાં ગોવિંદ સાજોસારો થઈ ગયો. એટલે ગુરુજીએ પુછ્યું : “વત્સ, તે આવું મૂર્ખ જેવું વર્તન કેમ કર્યુ? જ્યારે બીજા બધા આ ગાંડા હાથીની ચેતવણી સાંભળીને ભાગી ગયા. ત્યારે તું કેમ ન નાસી ગયો?’ ગોવિંદે જવાબમાં કહ્યું: “ગુરુજી, આપે જ શીખવ્યું હતું કે બધું જ ઈશ્વરમય છે. શું હાથી પણ ઈશ્વર ન કહેવાય? તો પછી તેનાથી ડરવાની શી જરૂર?”

ગુરુજીએ હસતાં હસતાં કહયું, “બેટા, તું તો પરમ મૂર્ખ છો. હાથી પણ ઈશ્વર છે, તે વાત સાચી. પણ મહાવતે ય ઈશ્વર છે. એ મહાવત નારાયણે તને રસ્તામાંથી દૂર નાસી જવાનું નહોતું કહ્યું? તે મહાવત નારાયણનું કહ્યું કેમ ના માન્યું? અને જો આ પરિણામ કેવું આવ્યું?” બધાંમાં પ્રભુને જોવા એટલે શું? એ હવે ભલા-ભોળા ગોવિંદને સમજાયું. આધ્યાત્મજ્ઞાની મૂર્ખ ન હોવો જોઈએ. આપણે આપણી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. બધાંમાં ઈશ્વરનાં દર્શન કરવાં તેનો અર્થ એ નથી આપણે મૂર્ખ બનીએ કે આપણને કોઈ મૂર્ખ બનાવી જાય. આપણે વાસ્તવિક સત્યને જાણવું જોઈએ અને ભ્રામક ખ્યાલોમાં તણાવું ન જોઈએ. અંદરનો આત્મા – અંદરનું સત્ય સર્વમાં એક સમાન છે. પણ તેના બાહ્યરૂપમાં ભેદભાવ છે. બહારથી વિવિધ દેખાતા સ્વરૂપોમાં રહેલાં એક આત્મતત્ત્વરૂપી સત્યને સાચી રીતે ઓળખવામાં જ સાચું જ્ઞાન – શાણપણ છે.

સંકલન : શ્રી મનસુખલાલ મહેતા

Total Views: 143

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.