(ઈ. ૧૮૯૨ની શરૂઆત. ક્રાંગાનોર (કેરાલા)ના એક મંદિરમાં વહેલી સવારનો સમય. મંદિરના બે સાધુ દરવાજા પાસે ઊભા ઊભા શ્લોક બોલે છે અને ક્રાંગાનોરના રાજકુંવરોના આગમન માટે એક બાજુ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. નાદસ્વરમાં કર્ણાટકનું મધુર સંગીત બજી રહ્યું છે.)

પહેલો (યુવાન) સાધુ : અરે! ક્રાંગાનોરના આપણા રાજકુંવરોને મોડું કેમ થયું? જગદંબાના પાવન મંદિરનો એ રિવાજ છે કે રાજકુટુંબના કુમારોએ માતાજીની પૂજા પહેલી કરવી. તે પછી જ બીજાને છુટ્ટી મળે!

બીજો વડીલ સાધુ : (સમયની ચોકસાઈ માટે આકાશ તરફ જુએ છે.) ચિંતા કરશો નહિ. તે હમણાં જ આવશે. આ પવિત્ર મંદિરમાં બીજું કોઈ પેસી જાય નહિ તેનું આપણે ધ્યાન રાખીએ. અરે! એ કોણ છે? (રંગમંચની બીજી બાજુ તે અચાનક નજર કરે છે તો સ્વામીજીને તેમની પરિવ્રાજક શૈલીથી પ્રવેશના જુએ છે) જુઓ! જુઓ! અહીં એક સંન્યાસી છે! ઓહ! જાણે સાક્ષાત્ શિવ જેવા લાગે છે.

પહેલો સાધુ :- સાચે જ એ શિવ જેવા લાગે છે! આપણે રાજકુમારોની રાહ જોઈએ! (સ્વામીજી મંદિરમાં પ્રવેશવા શાહી દબદબા તેમ જ ગહન અને સમર્પિત ભાવથી આગળ વધે છે.)

પહેલો સાધુ :- માફ કરજો બાબાજી, આપ ક્યાં પધારો છો?

સ્વામીજી : જગદંબાને ચરણે મારી પ્રાર્થના ધરવા. હું ખૂબ લાંબો પલ્લો કાપીને આવું છું.

બીજો સાધુ : બાબાજી, આપ જરાક થોભી જાઓ! હમણાં મંદિરમાં પધારશો નહિ. અમારા રાજકુમારો હમણાં આવશે. એમણે દર્શન કર્યા પછી જ આપ પ્રવેશ કરી શકશો.

પહેલો સાધુ : (વડીલ સાધુને કાનમાં કહેતો હોય તેમ) તમે એમને પૂછ્યું છે કે એ શી નાત છે? આ મંદિર ફક્ત રાજકુટુંબ અને બ્રાહ્મણો માટે જ ઉઘાડું છે એ ભૂલવું જોઈએ નહિ!

બીજો સાધુ : બાબાજી, અમને કહેશો કે આપ શી નાત છો?

(સ્વામીજી : અંતર્મુખ બને છે અને રંગમચની નજીક આવે છે. મસ્તક ઊંચું કરી ઈશ્વર સાથે વાત કરતા હોય એમ બોલે છે.)

સ્વામીજી : મારે કોઈ નાત નથી. કોઈ નાત મને ઝકડી રાખી શકે તેમ નથી. સાધુ નાત-જાતથી પર છે. દુનિયાદારી અમીરીનો સ્પર્શ એને વર્જ્ય છે. હું તો “ચિદાનંદરૂપ:શિવોહં શિવોહં” છું.

બીજો સાધુ : બાબાજી સંસ્કૃત શ્લોકો ખૂબ સરસ બોલે છે. એના પરથી એ ચોખ્ખું છે કે એ ખૂબ ઊંચી જાતના બ્રાહ્મણ છે.

પહેલો સાધુ : (બીજા સાધુને કાનમાં) સંસ્કૃત બોલતા હોવાથી આમ સસ્તામાં ભોળવાઈ ન જશો. (સ્વામીજીને) બાબાજી, અમને કહો કે તમે બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા છો કે નહિ? નહિ તો અમારા રાજકુમારો આપને મંદિરમાં પ્રવેશવાની રજા આપશે જ નહિ.

બીજો સાધુ : (પહેલા સાધુને કાનમાં) જ્યાં સુધી રાજકુંવર તેમને પ્રવેશવાની છુટ્ટી ન દે ત્યાં સુધી આપણે તેમને શી રીતે પ્રવેશવા દઈએ?

સ્વામીજી (પ્રેક્ષકોને) : અરે મારા શાશ્વત સનાતન ધર્મ! વેદના સૌથી પ્રાચીન મારા ધર્મ! તું આજે ક્યાં જઈ પડ્યો છે? આપણો મહાન હિંદુ ધર્મ આજે સ્પર્શાસ્પર્શ અને જ્ઞાતિભેદમાં અટવાઈ પડ્યો છે. એ જોતાં મારા હૃદયને ઘા લાગે છે. મા જગદંબા, બહુ બહુ સમય પહેલાં મેં મારી જિંદગી તમારા ચરણે સમર્પિત કરી અને આજે હું તમારાં દર્શન પણ કરી શકતો નથી! હું જાણું છું કે આ વિશ્વમાં તમે સર્વત્ર છો. તમારા ચરણે મારાં પ્રણામ સ્વીકારો અને મને આશીર્વાદ આપો કે ધર્મનો સાચો મર્મ જાણ્યા સિવાય અજ્ઞાનથી સહન કરતાં મારા લાખો-કરોડો દેશબાંધવોને હું ઉન્નત કરી શકું! વેદ કે ઉપનિષદ કોરાણે મૂકીને અહીં કેટલાક સ્થાનિક રિવાજોને તેમણે જાણે અંતિમ અધિકાર તરીકે સ્વીકારવામાં આવે છે.

(સ્વામીજી ઝાડ નીચે એક પથ્થર પર ધ્યાનમાં બેસે છે. પશ્ચાદ્ભૂમાં મૃદુ સંગીત ચાલી રહ્યું છે. બે રાજકુમારો પ્રવેશે છે. સ્વામીજી તરફ દૂરથી ઊંડા આદરભાવથી જુએ છે. તેઓ આદરયુક્ત ભીતિથી ઊભા રહે છે.)

૧લો કુમાર : ભાઈ, એ કોણ છે? સાચે જ ને શિવ જેવા લાગે છે. તને નથી લાગતું?

બીજો કુમાર કોઈ દૈવી ફિરસ્તા જેવી દિવ્યતા તેમનામાં પ્રકાશે છે.

૧લો કુમાર : આજના પવિત્ર પ્રભાતે તેમનાં પુણ્ય ચરણમાં નમવાની જાણે ઈચ્છા થાય છે!

બીજો કુમાર : પહેલાં મંદિરમાં જઈ આપણે જગદંબાને પ્રાર્થના કરીએ. આપણે ઉતાવળ કરીએ. આ પુણ્ય પુરુષને આપણે મળવું જોઈએ.

(બન્ને કુમારો મંદિરમાં પ્રવેશે છે. એક સાધુ તેમની સાથે જાય છે. બીજો યુવાન સાધુ ત્યાં રહે છે. સંગીત ચાલુ છે.)

પહેલો સાધુ : કેવું વિચિત્ર! આપણા રાજકુમારો આ સાધુના પ્રેમમાં પડ્યા છે! હું જાણું છું અને બરાબર જાણું છું કે એ પણ તે (સાધુ)ને મંદિરમાં આવવાની રજા નહિ આપે! હા, એમને ખાતરી થાય કે એ બ્રાહ્મણ છે તો જુદી વાત! ગમે તેમ પણ આપણા રાજકુમારો શિક્ષિત છે અને આપણો ધર્મ મોટો છે.

(દરમ્યાન રાજકુમારો મંદિરમાંથી પાછા ફરે છે અને ધ્યાનસ્થ સ્વામીજીને મળે છે.)

પહેલો રાજકુમાર : પ્રભો! આજના સુપ્રભાતે આપ મહાત્મા ક્યાંથી પધાર્યા તે અમને કહશો?

સ્વામીજી : (ધીમેથી આંખ ખોલે છે અને કહે છે) મિત્રો, મારે કોઈ ઘર નથી. સાધુને માટે તો આકાશ એ જ છત છે. ત્રણ-ભુવન એનો દેશ છે. સર્વત્ર ભગવાનના ભક્તો એના મિત્રો છે.

‘बांधवाः शिव भकताश्च स्वदेशो भुवन त्रयम् ।’

બીજો રાજકુમાર : પરંતુ સ્વામીજી, અમે એ જાણી શકીએ ખરા કે મંદિરમાં જવાને બદલે આપ અહીં કેમ બેઠા છો?

સ્વામીજી : દુર્ભાગ્ય! મને તમારા સાધુઓએ જગદંબાના મંદિરમાં જવા દીધો નહિ.

બીજો રાજકુમાર : (બૂમ પાડીને) શા માટે, સ્વામીજી? શું બન્યું હતું? એમણે તમને શા માટે અંદર જવા ન દીધા?

સ્વામીજી : એમણે કહ્યું કે તમારા રાજકુટુંબની રસમ પ્રમાણે ફક્ત રાજવંશીઓ અને બ્રાહ્મણો જ અંદર જઈ શકે. મેં તેમને કહ્યું કે સાધુ નાતજાતથી પર છે અને બ્રહ્મને જાણનાર જ સાચો બ્રાહ્મણ છે.

પહેલો કુંવર : (જરા ગૂંચવાઈને) પણ પૂજ્ય મહાત્મા! અમારા રાજપૂર્વજોએ આ નિયમ કેટલીય સદીઓ પહેલાં બનાવ્યો. એને અમે રાતોરાત બદલી શકીએ નહિ!

સ્વામીજી : પ્રિય રાજપુત્રો! આપને ઉચ્ચ શિક્ષણ મળ્યા છતાં આપ બાળકના જેવી વાત કરો છો. ધર્મ એ જડ રિવાજ નથી પણ જીવતું સત્ય છે અને સત્યને સ્વીકારવાની હામ તો માનવીમાં હોવી જોઈએ.

બીજો રાજકુમાર : પરંતુ સ્વામીજી, આપ જાણો છો કે ભારતમાં ફક્ત બ્રાહ્મણો જ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે!

સ્વામીજી : ના, કદી નહિ; પ્રિય રાજપુત્રો! એ જ તો અજ્ઞાન છે. શું ભગવાન કૃષ્ણ જન્મથી બ્રાહ્મણ હતા? શું રામચંદ્ર જન્મે બ્રાહ્મણ હતા. ભગવાન બુદ્ધ શું બ્રાહ્મણ તરીકે જન્મ્યા હતા? ઉપનિષદમાં બ્રહ્મને જાણનાર મહાન રાજા જનક બ્રાહ્મણ નહોતા. તમે શું માનો છો? સર્વ વ્યાપક એવું બ્રહ્મતત્ત્વ ને ઈશ્વરને બરાબર જાણનાર જ માત્ર બ્રાહ્મણ છે. એમ તમને નથી લાગતું?

પહેલો કુંવર : પરંતુ સ્વામીજી! આપણા પ્રાચીન ધર્મગ્રંથોએ તો હંમેશાં એ વાતને જ ટેકો આપ્યો છે.

સ્વામીજી : કદી નહિ. તમને એવું કોણે કહ્યું? તમે ઉપનિષદો વાંચ્યાં છે? તમે વેદો સાદ્યંત વાંચ્યા છે? અરે! તમે મનુસંહિતા પણ વાંચી છે? હિંદુ ધર્મનાં બારણાં કોઈને માટે બંધ નથી. આજે કેટલાક સ્થાનિક રિવાજોએ વેદનો અધિકાર લઈ લીધો છે. પ્રિય રાજપુત્રો! તમે એટલા ભણેલા છો, એટલા સંસ્કારી છો અને ધર્મશાસ્ત્રોના જ્ઞાતા છો કે તમારે આ સ્થાનિક રિવાજોથી ઉપર ઊઠવું જોઈએ. હિંદુધર્મને જ્ઞાતિપ્રથા સાથે કાંઈ લાગતું-વળગતું નથી. જ્ઞાતિ એ સામાજિક ભેદ છે. બુદ્ધિજીવી અને પંડિતો એક જૂથમાં રહે છે. આપણે તેમને બ્રાહ્મણ કહીએ છીએ. વહીવટ કરનારા તેમના જૂથમાં રહે છે એમને આપણે ક્ષત્રિય કહીએ છીએ. વેપાર કરનારને તેમનો સંઘ હોય છે. આપણે તેમને વૈશ્ય કહીએ છીએ. કામદારને એમનું પોતાનું જૂથ હોય છે એમને શૂદ્ર કહીએ છીએ. એટલે દરેક ફક્ત જન્મને કારણે નહિ પણ પોતાના ધંધા પ્રમાણે એક યા બીજી જ્ઞાતિ સાથે જોડાયેલ હોય છે. કોઈ વર્ગ માટે ખાસ વિશિષ્ટ હકો હોઈ શકે નહિ. આવા કોઈ જ્ઞાતિના વિશિષ્ટ હકની વિરુદ્ધ વેદાંતનું તત્ત્વજ્ઞાન હંમેશાં ઊભું છે. પછી તે જ્ઞાતિ ઊંચી હોય કે નીચી!

બીજો રાજકુંવર : પણ સ્વામીજી, આત્માની અમરતા અને બ્રહ્મની અપરિમેય શક્તિ એ હિંદુ ધર્મના સર્વોચ્ચ તત્ત્વને સામાન્ય જનસમાજ સમજી શકે ખરો?

સ્વામીજી : દરેક જીવમાં દૈવી ક્ષમતા છે. એક ઝાડુ મારનાર શેરી બરાબર સાફ કરતો હોય તો તે ઉટપુટાંગ બોલનાર યુનિવર્સિટી પ્રોફેસર કરતાં વધારે સારો છે. વેદાંત કહે છે કે, દરેક પોતાના ધંધામાં મહાન છે. વેદાંત ધર્મના શિક્ષણથી આપણે આપણા જનસમાજને અળગો રાખ્યો છે તે આજે કદર બૂજી ન શકે પણ આવતી કાલે જ્યારે તે આત્માના દૈવીપણાનો સંદેશ સાંભળી તે આપણા જ્ઞાનની કક્ષા સુધી ઊંચે ઊઠશે જ અને હિંદુધર્મને બચાવશે.

(રાજકુમારો શાંત રહે છે. સ્વામીજી ઊંડા ધ્યાનમાં ઊતરી જાય છે. રાજકુમારો એકબીજા સામે જુએ છે. સ્વામીજીથી દૂર જાય છે અને પ્રેક્ષકો તરફ જોઈને બોલે છે.)

પહેલો કુંવર : એ બોલ્યા તે દરેક શબ્દ ખરો છે. દરેક વાક્ય સંશયાતીત છે. આપણે આપણી ભૂલ સમજ્યા છીએ દરેક સ્ત્રી – પુરુષમાં રહેલા દૈવીપણાને હિંદુ ધર્મે માન આપવું ઘટે.

બીજો રાજકુંવર : વેદાંતના જ્ઞાન અને પરમ પવિત્રતાથી તે ખરેખર શંકરાચાર્ય જેવા લાગે છે. કદાચ આજે અધોમુખ એવા આપણા હિંદુ ધર્મની શક્તિ અને માનને તે ફરી ઉન્નત કરશે. પણ આપણે પિતાજીને આ સાધુના ઊંડા જ્ઞાનની વાત સત્વરે કહેવી જોઈએ. જેથી આવતી કાલે સવારે આપણી જાતે જ તેમને પૂરા સન્માન અને ગૌરવથી મંદિરમાં લઈ જઈ શકીએ. આ કરવું જ જોઈએ.

પહેલો કુંવર : આ કરવું જ જોઈએ અને અમીરી રીતે કરવું જોઈએ. આ યોગીમાં કશુંક રાજવંશી છે.

(તેઓ ફરીથી એક વાર સ્વામી તરફ દૂરથી જુએ છે અને પૂરા ભાવથી નમન કરી રંગમંચ પરથી જાય છે. સ્વામીજી ધીમેથી તેમની આંખો ખોલે છે અને રંગમંચ પાસે આવી બોલે છે.)

સ્વામીજી : હું જાણું છું કે આ બે સુંદર રાજકુમારોને તેમની ભુલ સમજાઈ છે. હું જાણું છું કે કાલે સવારે મને શાહી માન-ગૌરવ સાથે મંદિરમાં લઈ જવામાં આવશે. પણ હું તો સંન્યાસી છું. મને સન્માન શું? લાખો મૂક માનવીઓની ઉન્નતિ માટે છ વર્ષથી ભારતની ધરતી પર ઘૂમું છું. કેટલા સંસ્કારી અને કેવા પવિત્ર આત્માઓ આ બે રાજકુંવરો છે! કોઈએ હિંદુ ધર્મનો સાચો અર્થ પણ કહ્યો નહિ! જ્યારે આમસમૂહને ઉન્નત કરવા આવા રાજપુત્રો નીકળી પડશે ત્યારે હિંદ કેવી સિદ્ધિ મેળવશે! રામનંદના રાજા, મૈસૂરના રાજા અને ખેતરીના રાજા ઉન્નત બન્યા છે. ભારતના વધુ ને વધુ જુવાનો, રાજપુત્રો અને પંડિતો આગળ આવશે અને હું જોઉં છું કે, હિંદુઓનો સનાતન ધર્મ ઈતિહાસમાં અપૂર્વ ઉન્નતિ પ્રાપ્ત કરશે. કેટલાક મહિનામાં અમેરિકામાં ધર્મની પાર્લમેન્ટ ભરાવાની છે, એમ મદ્રાસના ભક્તોએ મને કહેલું. કદાચ ભારતનું ગૌરવ ઉન્નત કરવા મારે ત્યાં જવાનું થાય! હવે વધુ નહિ! શાહી સન્માન મારા પર વરસી પડે તે પહેલાં મને આ સ્થળ છોડી જવા દે! મને અહીં કોઈ ઝકડી ન લે. મારે હજુ ઘણો લાંબો રસ્તો કાપવાનો છે; એક મહાન મિશન પૂરું કરવાનું છે.

(ખૂબ લાગણીસભર બની સ્વામીજી માતાજીના મંદિર તરફ જોઈ રહે છે. સાધુઓ ભયભીત ભક્તિ અને બાઘાઈથી ઊભા રહે છે. સ્વામીજી તેમનો દંડ ઉપાડી ધીમેથી ચાલવા લાગે છે. તેમની આંખો દૂર ક્ષિતિજ પર મંડાયેલી છે અને પશ્ચાદ્ભૂમાં “ચિદાનંદરૂપ: શિવોહં શિવોહમ્” મૃદુ સંગીત બજી રહ્યું છે.)

(“પ્રબુદ્ધ ભારત” ઑગસ્ટ ૧૯૮૮થી સાભાર ગૃહીત)

ભાષાંતરકાર : શ્રી જે. સી. વે

Total Views: 21
By Published On: June 28, 2022Categories: Bodhisattva0 CommentsTags: , , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram