શ્રીરામકૃષ્ણે પોતાના પ્રત્યક્ષ સ્પર્શથી ગિરીશચંદ્ર ઘોષ જેવી અધમ વ્યક્તિનું રૂપાંતર કરીને તેમને સંતશિરોમણિ બનાવી દીધા હતા. સ્પર્શની વાત અહીં પૂરી નથી થતી. તેમના અપ્રત્યક્ષ સ્પર્શથી જે અનેક લોકોનું આશ્ચર્યજનક રીતે રૂપાંતર થયું તે બધાંનું વિવરણ આપણને જાણવા પણ મળતું નથી. બધું જાણવું સંભવ પણ નથી, પરંતુ આ પ્રમાણે એક વૃત્તાંત મળેલ છે. લૌકિક અને અલૌકિક સીમાઓની પારનો એક વૃત્તાંત મળેલ છે, જે આધુનિક હિન્દી સાહિત્યના એક વિશિષ્ટ લેખકને વિશે છે અને એમનું નામ છે ફણીશ્વરનાથ રેણુ.

ઈ.સ. ૧૯૨૧માં એક પૂર્ણિમાને દિવસે બિહારના ઔરાહી હિંગના ગામે ફણીશ્વરનો જન્મ થયો હતો. આઝાદી પહેલાં અને પછી પણ તેઓ રાજનીતિ સાથે વિશેષ સંકળાયેલા હતા. તેઓ સમાજવાદી વિચારધારાને વરેલા હતા. તેમ જ શ્રીજયપ્રકાશ નારાયણ અને શ્રીરામમનોહર લોહિયાના ઘનિષ્ટ સાથી હતા. ઈ.સ. ૧૯૩૦ના આંદોલનમાં ભાગ લઈને બાળપણમાં જ તેમણે એક વર્ષ કારાવાસ વેઠેલો. આંદોલનમાં ભાગ લેવા તેમને ફરી કારાવાસ વેઠવો પડ્યો. ત્યાર બાદ શ્રીજયપ્રકાશના જન-સંઘર્ષ આંદોલનમાં ભાગ લેવાને કારણે તેમને ફરી કારાવાસમાં જવું પડ્યું. ફણીશ્વરનાથ રેણુને ભારત સરકાર તરફથી “પદ્મશ્રી” અને રાજ્ય સરકાર તરફથી ભથ્થું મળતું હતું. પરંતુ, દેશમાં ફેલાયેલી અને ક્રમશ: વધતી અનીતિએ તેમને વિચલિત કરી દીધા હતા. તેઓ કહેતા હતા – ‘વારંવાર એમ લાગે છે કે, શ્વાસ રૂંધાઈ જશે. આ અસ્થિના માળામાં જ તરફડિયાં માર્યા કરું છું. ચારે બાજુ ભયંકર દશા છે. શું આવા ભારતવર્ષને આપણે ઇચ્છતા હતા?’ તેમણે રાષ્ટ્રપતિને પદ્મશ્રીનો ઈલકાબ અને રાજ્યપાલને ભથ્થું પાછાં મોકલાવી દીધાં.

સમાજચેતના અને રાજનીતિ જેમની નસોમાં વહે છે તેમના સાહિત્યસર્જનમાં આ બધા ભાવોનું પ્રાધાન્ય તો હોય જ. આધુનિક હિન્દી સાહિત્યમાં લોકચેતનાને પ્રકાશિત કરવાની બાબતમાં ફણીશ્વરનાથની ભૂમિકા ઉલ્લેખનીય છે. ઈ.સ. ૧૯૫૨-૫૩માં તેઓએ લાંબા સમય સુધી માંદગી ભોગવી. માંદગીમાંથી ઊઠ્યા બાદ સાહિત્ય તરફની તેમની રુચિ વધી. ૧૯૫૪માં તેમની પ્રથમ નવલકથા “મૈલા-આંચલ” પ્રકાશિત થઈ ત્યારે તેમને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો. “મૈલા-આંચલ”, “પરતી પરીકથા”, વગેરે કેટલાક ગ્રંથો ખૂબ લોકપ્રિય થયા. પટણાના ડાકબંગલા રોડ ઉપર આવેલા તેમના નિવાસસ્થાને આ અનુભવોથી સભર લેખક કોઈ પણ સંધ્યા-સમયે કવિઓ, સાહિત્યકારો, સંવાદદાતાઓ, શિલ્પકારો અને રાજનીતિજ્ઞોથી ઘેરાયેલા જોઈ શકાતા. તેઓ ચપળ પ્રકૃતિના હતા. પ્રચલિત નૈતિકતાની ચિંતા કરતા નહોતા. દરેક પ્રકારના આત્મવિનાશકારી વ્યસનમાં આસક્ત હતા.

જ્યારે ફણીશ્વરનાથ ત્રીસ વર્ષના થયા ત્યારે તેમના જીવનમાં અલૌકિક રીતે શ્રીરામકૃષ્ણનો પ્રવેશ થયો. આ વાત તેમણે અથાક અને મુક્ત ભાવે કરી છે. તેમણે કેવળ વ્યક્તિગત રૂપે શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદને આરાધ્ય ન માન્યા. (જેમ ઘણા લેખકોએ કર્યું છે.) પરંતુ પોતાના સાહિત્યને પણ શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદની ભાવધારાથી સીંચ્યું, જે તેમના જેવા અનેક લેખકોએ નથી કર્યું. ફણીશ્વરનાથ રેણુનાં સહધર્મિણી શ્રીમતી લતિકા રેણુ સાથે તા. ૧૮-૩-૮૫ના રોજ તેમના પટણાના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત થતાં તેમણે પોતાના હસ્તાક્ષર સાથે નિમ્નલિખિત વૃત્તાંત લેખકને આપ્યો :

‘અમારાં લગ્ન ૧૯૫૨ના ફેબ્રુઆરીમાં થયાં હતાં. એ સમયે ફણીશ્વરનાથને દેવી-દેવતાઓમાં કોઈ શ્રદ્ધા નહોતી. તેઓ સમાજવાદી પાર્ટીમાં હતા. જયપ્રકાશ નારાયણ, અશોક મહેતા, રામમનોહર લોહિયા, વગેરે સાથે ઘનિષ્ઠ સંબંધો હતા. હિન્દુઓની રીત અનુસાર હું પૂજા-પાઠ કરતી. આ જોઈને તેઓ કહેતા – ‘આ બધું ફોટાનું જ પ્રદર્શન છે! નહીં તો વળી આ કાચ અને લાકડામાં શું છે? તેમના ઘરના લોકો પણ કહેતા કે, તેઓ દેવી-દેવતામાં માનતા જ નથી. કેટલાક વખતથી તેમની તબિયત ખરાબ હતી. વળી, આંદોલનમાં ભાગ લેવાને કારણે તેમને જેલમાં જવું પડ્યું અને ત્યાં પ્લુરસી થઈ ગઈ. ૧૯૫૧માં તેઓ એવા માંદા પડી ગયા કે જીવવાની કોઈ આશા ન રહી. તેમની સારવાર કરનાર બેનર્જી સાહેબે તેમને બચાવી લેવાના ભરપૂર પ્રયત્નો કર્યા. આ જ દિવસોમાં તેમને ઠાકુર શ્રીરામકૃષ્ણનાં દિવ્ય દર્શન થયાં. આ વાત તેઓ મને વારંવાર કહેતા હતા. (તેમને થયેલું રામકૃષ્ણનું દર્શન હવે ફણીશ્વરનાથની પોતાની જ વાણીમાં વર્ણવવામાં આવશે.)

પેલી અલૌકિક ઘટના પછી ૧૯૬૦થી પટણાના રામકૃષ્ણ આશ્રમમાં જવા આવવાનું શરૂ થયું. પોતાની બહેનના પુત્ર નિર્મળ બોઝને ૧૯૬૪માં વિદ્યાર્થી નિવાસમાં રાખવાની વ્યવસ્થા કરી. તેઓ નિયમિત રીતે નિર્મળને મળવા ત્યાં જતા હતા. સ્વામી વીતશોકાનંદ અને સુનીલ મહારાજ સાથે તેમનો વધારે ભાવ હતો.

૧૯૬૪માં તેમણે સ્વામી માધવાનંદજી પાસે દીક્ષા લીધી. ત્યાર બાદ તેઓ રોજ સવારે અને સાંજે નિયમિત જપ કરતા હતા. ગુરુમહારાજનો ફોટો રાખતા હતા. દુર્ગા અને કાલીમાતાની પૂજા કરવા નિયમિત આશ્રમે જતા હતા. જો હું એમ કહેતી કે, ‘બીજી જગ્યાએ પૂજા થાય છે ત્યાં કેમ નથી જતા?’ તો તેઓ કહેતા કે, ‘મારી સાથે એવી વાત ન કરશો. હું ફક્ત આશ્રમમાં જઈશ.’ કાલીપૂજાને સમયે આખી રાત આશ્રમમાં રહેતા. ગાવાના સમયે તબલાં પણ વગાડતા. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદનાં બંગાળી અને હિન્દીમાં લખાયેલાં ઘણાં પુસ્તકો તેઓ ખરીદતા, અને વાંચતા. જ્યારે તેઓ આ પુસ્તકો વાંચતા હોય ત્યારે કોઈને નજદીક આવવા દેતા નહોતા. જો કોઈ બોલાવે તો પોતે ક્ષુબ્ધ થઈ જતા હતા.

ફણીશ્વરનાથ રેણુ સાથેનો પરિચય અને વાતચીતની એક સુંદર સ્મૃતિ-કથા રામકૃષ્ણ મિશનના એક સંન્યાસીએ લખી મોકલી છે :

“૧૯૬૫ના છેલ્લા દિવસોથી ૧૯૬૬ના માર્ચ મહિના સુધી હું પટણામાં હતો. આ દિવસોમાં સામાન્ય રીતે રેણુજીને મળવાનું થતું હતું. ઘણું કરીને સંધ્યા સમયે તેઓ આશ્રમમાં આવતા, ઘાસ પર એકલા બેસતા. કોઈ કોઈ વખત “વિદ્યાર્થી-નિવાસ”ના છાત્રોની વૉલીબૉલની રમત જોતા. પુસ્તકાલયમાં પણ જતા. સાધુઓની સાથે વાત કરતી વખતે ચૂપ રહેતા. ઘણી વખત તેઓ વાત સાંભળવાનું જ પસંદ કરતા. મંદિરમાં ઠાકુરને એકીટશે જોઈ રહેતા.

આ દિવસોમાં જ મારો એમની સાથે પરિચય થયો. એક દિવસ મેં કહ્યું કે, હું આપની મુલાકાત લઈને ‘લીટલ મેગેઝિન’માં છપાવવા માગું છું. હસીને તેમણે કહ્યું, ‘તો પછી ઘેર આવજો.’ એક દિવસ સંધ્યાસમયે હું જઈ પહોંચ્યો. આંગણામાં ખુરશી પર બેઠો અને રેણુજીને કહ્યું, ‘આપ તો પ્રથમ કક્ષાના હિન્દી સાહિત્યકારોમાં છો. આપની લઘુવાર્તાઓ મને બહુ ગમે છે.’

રેણુજી – મહારાજ, આ બધી વાત જવા દો. ઠાકુર અને સ્વામીજીની વાત કરો. આજે જ્યારે હું આપને મેળવી શક્યો છું તો આ સુઅવસર એળે જવા દેવા માગતો નથી.

હું – આ શું? હું તો આપની મુલાકાત લેવા આવ્યો છું. શું આપ પોતાનું વક્તવ્ય પોતાની- અનુભૂતિ નહીં બતાવો? આપે તો કોઈ દિવસ ઠાકુર કે દેવતાઓમાં શ્રદ્ધા જ નથી રાખી.

રેણુજી – આજે પણ એવું જ ઇચ્છું છું. પરંતુ તોય તેમનો અસ્વીકાર કરી શકતો નથી. પ્રેમનો શું અસ્વીકાર કરી શકાય?

હું – પ્રેમ?

રેણુજી – શું આપ રામકૃષ્ણદેવનો ફોટો નથી જોઈ શકતા? પ્રેમ – તરબોળ પ્રેમ! આપ સૌ તેમને અવતાર કહો, મહાપુરુષ કહો, જે ગમે તે કહો, મારે માટે તો તે પ્રેમના સજીવ સમ્રાટ છે. જ્યારે જ્યારે આ ફોટો જોઉં છું, ત્યારે ત્યારે મને લાગે છે કે જાણે તેઓ મારા તો ચિરકાલથી સ્વજન છે. (આવેશમાં આવીને કેટલીક વાર સુધી રેણુજી ચૂપ થઈ જાય છે.) કેટલીક વખત વિચારું છું કે આ તો ફક્ત મનનો ભ્રમ છે. પરંતુ જ્યારે પણ આ છબી તરફ જોઉં છું તો ખ્યાલ આવે છે કે તે કેટલા મારા પોતાના છે. તેમની આંખોમાંથી ફક્ત પ્રેમ જ વહી રહ્યો છે.

હું – આપ ક્લાપ્રેમી છો. આ કથન માત્ર ભાવાવેશ તો નથી ને?

રેણુજી – (સહાસ્ય) શી ખબર પડે? કેટલીક વાર તેમની છબી તરફ જોઈને મેં કહ્યું છે : ‘ઠાકુર, તમે મને આટલો બધો પ્રેમ શા માટે કરો છો? હું તો મદિરાપાન કરું છું. મન જેમ ઇચ્છે તેમ કરું છું. લોકો જેને પાપ કહે છે તે પણ કર્યું છે તો પછી મને શા માટે પ્રેમ કરો છો?’ તેઓ ફક્ત ધીમું ધીમું મરકે છે અને કહે છે : ‘સાલા, જેટલાં પાપ કરવાં હોય તેટલાં કરી લે; જેટલો દારૂ પીવો હોય તેટલો પી લે. તો પણ હું તને છોડીશ નહીં, તું મારો છે. આવ, મારા ખોળામાં બેસીને તું પી લે.’

હું – આ બધો તો દૃષ્ટિભ્રમ હોઈ શકે.

રેણુજી – (ઉત્તેજિત થઈને) દૃષ્ટિભ્રમ? આપ આ શું કહો છો? મેં તેમને જોયા છે. આપને જેવી રીતે જોઈ રહ્યો છું તેવી જ રીતે. (શાંત થઈને) મારા જીવનમાં એક સમય એવો હતો, જ્યારે હું ટી.બી.થી પીડિત હતો. ડૉક્ટરોએ જવાબ આપી દીધો હતો. સગાંવહાલાં કે મિત્ર કોઈ પાસે ફરકતું નહોતું. હૉસ્પિટલમાં એક દિવસ જોયું – એક મનુષ્ય ઉઘાડું શરીર, કમર પર બાંધેલ ધોતિયું અને મોઢા પર દાઢી, મારી પાસે આવીને બોલ્યા – ‘જા સાલા, (બાળકોની માફક ઠાકુર આ શબ્દનો વારંવાર પ્રયોગ કરતા હતા) આટલી ચિંતા કેમ કરે છે? તું મરવાનો નથી, જીવતો રહેવાનો છે.’

મેં કહ્યું – ‘ડૉક્ટરોએ કહ્યું છે કે હું મરી જઈશ.’ તો એ માણસે કહ્યું – ‘સાલા, ડૉક્ટરોને શી ખબર પડે? હું કહું છું તું જીવી જઈશ.’ મહારાજ, હું ખરેખર જીવી ગયો! શું આપ જાણો છો કે એ માણસ કોણ હતો? એ હતા મારા રામકૃષ્ણદેવ!

હું – સ્વામીજીને તમે શું સમજો છો?

રેણુજી – સ્વામીજી? અરે ભાઈ, એ તો જાણે કે હિમાલય પર્વત જેવા છે. વાઘનું બચ્ચું.

હું – આપ તો ગાંધીજીના આંદોલન સાથે જોડાયેલા હતા. પાછળથી સમાજવાદી આંદોલન સાથે પણ હતા. આ પૃષ્ઠભૂમિમાં સ્વામીજી…

રેણુજી – સ્વામીજી આ બધા નેતાઓ કરતાં ઘણા મહાન હતા. તેઓએ આપણને આત્મસન્માનનું ફરીથી જ્ઞાન આપ્યું. અગાઉ જ્યારે હું વાર્તાઓ લખતો ત્યારે ગ્રામજનોનાં દુ:ખ-દર્દની વાતો લખતો. સ્વામીજીએ મને શીખવ્યું કે એ બધા મનુષ્યો નહીં, દેવતા છે. આજે હું સાહિત્યના માધ્યમ દ્વારા દેવપૂજા જ કરી રહ્યો છું અને સમાજવાદ વિશે શું કહું? સ્વામીજી સૌથી મહાન સમાજવાદી હતા. જો સ્વાતંત્ર્યસંગ્રામને સમયે સ્વામીજીએ ચીંધેલ માર્ગે ચાલ્યા હોત તો આજે દેશની અવસ્થા કંઈક જુદી જ હોત.

હું – આપના સાહિત્યિક જીવનમાં એમનો પ્રભાવ કેવો રહ્યો?

રેણુજી – એક નવલકથા લખી રહ્યો છું, જે બહુ જલદી પ્રકાશિત થવાની છે. તેમાં જણાવ્યું છે કે, બાપુજી કરતાં પણ સ્વામીજીના આદર્શો મહાન હતા. આ બાબતને લીધે મારા મનમાં જે વિચારો ઉત્પન્ન થાય છે તે બધાનું નિરાકરણ તમને તેમાંથી મળી રહેશે.

હું – મા (શારદામા)ની બાબતમાં આપની શી ધારણા છે?

રણુજી – (હસીને) એ નહીં બતાવી શકું. મા, મારી મા, યતને હૃદય રેખો આદરિણી શ્યામા મા કે, મન, તુઈ દેખ આર આમી દેખી આર કેઉ ન દેખે (આદરણીયા શ્યામા માને પ્રયત્નપૂર્વક હૃદયમાં જ રાખો. હે મન, તેને તું જો અને હું જોઉં – બીજું કોઈ જોઈ ન જાય.)

હું – અને શ્રીરામકૃષ્ણનો પ્રભાવ?

રેણુજી – ઠાકુર અને સ્વામીજીએ મને બે બાબતો શિખવાડી છે. પ્રેમ અને જીવનનું પૂર્ણત્વ. પહેલાં હું માણસને પ્રેમ કરતો હતો. પરંતુ તેમણે શીખવ્યું કે મનુષ્યના અંત:કરણમાં જ દેવતા છુપાયેલા છે ત્યારે તે પ્રેમ શુદ્ધ થયો. પહેલાં દુ:ખ અને આપત્તિકાળમાં હું અસહિષ્ણુ થઈ જતો. આ લોકોએ શીખવ્યું કે આ બધાં જીવનનાં જ અંગો છે. હવે હું જય-પરાજય, સફળતા-નિષ્ફળતા, બધાંને એકત્રિત રૂપે જ જોઉં છું અને જીવન પ્રત્યેના આ બધા દૃષ્ટિકોણે મને સાહિત્યના માર્ગે અગ્રસર કર્યો છે. સત્યને હું વધારે નજીકથી જોતાં શીખી ગયો છું. સ્વામીજીની Kali the Mother ‘કાલી મા’ કવિતા જ જીવનનું અસલી સ્વરૂપ છે. સાતુ મહારાજે (સ્વામી વીતશોકાનંદે) મને આ સમજાવી દીધું છે.

હું – એ કેવી રીતે?

રેણુજી – ઘણા દિવસો પહેલાંની આ વાત છે. ત્યારે હું આશ્રમમાં જતો નહોતો. સાધુઓની સાથે પરિચય પણ નહોતો. એક દિવસ મદિરાપાન કર્યા પછી રાત્રે દશ વાગ્યે મંદિરના બંધ દરવાજા પાસે જઈને જોર-જોરથી રડતો હતો. લગભગ દસ-બાર મિનિટ રુદન કર્યા બાદ એક સાધુએ આવીને મને ઉઠાડ્યો, અને કહ્યું – ‘આપ શા માટે રડી રહ્યા છો?’ મેં સ્વામીજીને જણાવ્યું કે, હું કેટલો દુ:ખી છું. મારો હાથ પકડીને તેઓ મને ઓસરીમાં લઈ ગયા અને બેસવા માટે તેમણે ખુરશી આપી. પછી કહ્યું – ‘જીવનમાં તો સુખ અને દુ:ખ હોય જ. એ બધાને માટે આટલી ચિંતા શા માટે કરો છો?’

હું – આ તત્ત્વજ્ઞાન શું આપને ગમી ગયું?

રેણુજી – તત્ત્વજ્ઞાન નહીં. હું એ જોઈને અવાક્ થઈ ગયો કે મારા મોઢામાંથી શરાબની દુર્ગંધ આવતી હોવા છતાં તેમણે મારો તિરસ્કાર ન કર્યો. ત્યારથી જ નિયમિત હું આશ્રમ જાઉં છું. બીજા મહારાજો સાથે પણ પરિચય થયો અને આશ્રમના વિદ્યાર્થી – નિવાસમાં મારા ભાણેજને મેં દાખલ કરી દીધો. અર્જુનને પણ એક દિવસ લઈ ગયો. અર્જુન ઈંટના ભઠ્ઠામાં કામ કરતો, તેને મજૂર કહી શકાય. મહારાજ પાસે લઈ ગયો અને કહ્યું, ‘મહારાજ, આ છોકરાએ સ્કૂલનું ભણતર પૂરું કર્યું છે. પરંતુ ગરીબીને કારણે મજૂરી કરે છે.’ સાતુ મહારાજે તરત જ કહ્યું, ‘તેને વિદ્યાર્થી-નિવાસમાં દાખલ કરાવી દો. તેના કૉલેજ અભ્યાસની વ્યવસ્થા થઈ જશે.’

(ક્રમશ:)

ભાષાંતર : શ્રીમતી પુષ્પા પંડ્યા

Total Views: 168

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.