(ગતાંકથી આગળ)

પ્રાર્થનાની સફળતા માટેની શરતો

આપણે જોયું કે પ્રાર્થના ભક્તિના પથ ઉપર જવા માટેનું સરળમાં સરળ પ્રાથમિક પગથિયું છે. પરંતુ એને જો અસરકારક અને શક્તિશાળી સાધન બનાવવું હોય તો તે માટે તેના સાધકે કેટલીક શરતો પરિપૂર્ણ કરવી જોઈએ. પહેલી શરત તો અલબત્ત એ છે કે સાધકની પ્રકૃતિ નમ્ર હોવી જોઈએ; બધાં જ લોકોને તો કંઈ પ્રાર્થના તરફી વલણ અને ક્ષમતા હોતાં નથી. જેમને પ્રાર્થના અઘરી લાગતી હોય તેમણે અન્ય આધ્યાત્મિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરવો જોઈએ.

પ્રાર્થના તરફી પ્રકૃતિની કસોટી સ્વયંસ્ફુરિતતા છે. સાચી પ્રાર્થના હૃદયના ઊંડાણમાંથી આપોઆપ પ્રગટે છે તે ખરું પરંતુ સાથેસાથે એ પણ સાચું છે કે માણસ અભ્યાસ દ્વારા ક્રમે ક્રમે પ્રાર્થના માટેની ક્ષમતા મેળવે છે. અથવા તો તે ક્ષમતાને વધુ ને વધુ બળવત્તર બનાવે છે.

પ્રાર્થના તરફી પ્રકૃતિને, દૃઢ શ્રદ્ધા – ઈશ્વરના અસ્તિત્વમાં દૃઢ શ્રદ્ધાનો ટેકો હોવો જોઈએ. ઈશ્વર પ્રાર્થના સાંભળે છે અને તેનો પ્રત્યુત્તર પણ આપે છે, એવી એ શ્રદ્ધા એટલી બધી દૃઢ હોવી જોઈએ કે ત્યાં નકારાત્મક કે વિરોધી વિચારોને અવકાશ જ ન હોય. જો આપણે કોઈક વસ્તુ માટે પ્રાર્થના કરીએ અને તેમ છતાં આપણને ચોક્કસ ખાતરી જ હોય કે તે વસ્તુ આપણને મળવાની નથી તો ઈશ્વરની કૃપાને આપણે અટકાવીએ છીએ. પ્રાર્થના ત્યારે જ અસરકારક બને છે કે જ્યારે પ્રાર્થનાને ટેકો આપનારી શ્રદ્ધા સંપૂર્ણપણે દૃઢ હોય. જે માણસનું વલણ પ્રાર્થના તરફી હોય તેણે વૈષ્ણવ ધર્મગ્રંથોમાં દર્શાવેલી છ પ્રકારની શરણાગતિનો અભ્યાસ કરવો જોઈએ : “જે શકુનવંતું અને લાભકારક છે એનો જ વિચાર કરો, જે લાભકારક અને શકુનવંતું નથી એનો વિચાર જ ન કરો; ઈશ્વરની રક્ષણહાર તરીકેની શક્તિમાં શ્રદ્ધા; ઈશ્વરના રક્ષણને જ હંમેશાં ચડિયાતું ગણવું; શરણાગતિ અને દીનતા.”

શ્રદ્ધાની સાથે સાથે અહંભાવમાં ઘટાડો થવો જોઈએ અને શરણાગતિની ભાવના આવવી જોઈએ. દીનતા અથવા તો અસહાયતાની લાગણી જ, શરણાગતિ તેમ જ પ્રાર્થના એ બંનેના અભ્યાસમાં ખૂબ જ મદદ કરે છે. ખરેખર, માણસ જ્યારે અસહાયતાની લાગણી અનુભવે છે ત્યારે જ તે ઈશ્વરને પ્રાર્થના કરે છે. જે માણસોને તમામ બાબતોની સંપૂર્ણ ખાતરી હોય છે તેઓએ પ્રાર્થના કરવાની જરૂર નથી. શ્રીરામકૃષ્ણ કહેતા કે, કોઠારની સંભાળ માટે ભંડારી હોય ત્યાં સુધી મકાનના માલિક ત્યાં જતા નથી. શરણાગતિ વિષે બોલતાં સ્વામી વિવેકાનંદ પોતાનાં પ્રેરણાત્મક ભાષણોમાં શીખવે છે કે, “જેઓ પોતાને મદદ નથી કરતા તેઓને ઈશ્વર મદદ કરે છે.” પ્રભુના ભક્ત વ્યથા, દુ:ખ અને મુશ્કેલીના તમામ અનુભવોને પ્રાર્થના કરવા માટેના પ્રોત્સાહનરૂપે સ્વીકારે છે. દીનતા એ કંઈ નબળાઈ નથી. તેનો અર્થ એટલો જ થાય છે કે ભક્તને સ્થૂળ પર શ્રદ્ધા નથી પરંતુ માત્ર આત્મા પર જ શ્રદ્ધા છે. ઈશ્વરની શક્તિમાં એવું મનોબળ દૃઢ હોવાથી એને મૃત્યુનો પણ ભય લાગતો નથી.

આનો અર્થ એવો નથી કે જ્યારે આપણે મુશ્કેલીઓમાં મુકાઈએ ત્યારે જ પ્રાર્થના કરવી. જ્યારે પ્રાર્થનામાં સાતત્ય અને તીવ્રતા હોય ત્યારે જ તે એક સાધના તરીકે અસરકારક બને છે. સાચો સાધક ઈશ્વરનાં દર્શન માટે જ પ્રાર્થના કરતો હોય છે. એની આવશ્યકતા આંતરિક છે અને બાહ્ય પદાર્થો ઉપર એ આધાર રાખતો નથી અને તેથી જ એ સતત પ્રાર્થના કરતો રહે છે. જ્યારે એના માર્ગમાં મુશ્કેલીઓ આવે છે ત્યારે તેનો સામનો કરવા માટે એ તૈયાર હોય છે. એવી જ રીતે, એ ઉત્કટ ઇચ્છાઓ (અભીપ્સાઓ) સાથે પ્રાર્થના કરે છે. ઉત્કટતા સિવાયની પ્રાર્થનામાં કોઈ શક્તિ નથી. અધ્યાત્મની સાધનામાં આગળ વધતા કોઈ ધીરોદાત્ત વીરો જ આ પ્રકારની પ્રાર્થનાની તીવ્રતા દીર્ઘકાળ પર્યંત અને જરૂર પડે વર્ષો સુધી ચાલુ રાખી શકે છે.

દૈવી શક્તિ અને દૈવી પ્રકાશનો અસીમ મહાસાગર જીવાત્માની ચારે બાજુએ ફેલાયેલો છે અને તેમ છતાં કેટલા ઓછા લોકો એનો ઉપયોગ કરે છે! આમ જોઈએ તો કોઈ દેવની પ્રાર્થના કરવાની પણ જરૂર નથી. મનુષ્ય પોતાના હૃદયને પ્રાર્થનામય દૃઢ વિશ્વાસ દ્વારા દૈવી શક્તિ અને દૈવી પ્રકાશ તરફ મોકળું મૂકી દે એટલું જ માત્ર બસ છે. આને આપણે “સ્વયંસૂચિત પ્રાર્થના” (auto-suggestive prayer) કહીશું. વિધિવિધાનોમાં ઉપયોગમાં લેવાતી ઘણીબધી વૈદિક પ્રાર્થનાઓમાં કોઈ ખાસ દેવ પ્રત્યેનો નિર્દેશ નથી. ઘણું કરીને તે બધી સ્વયંસૂચિત છે.

અંતે એટલું યાદ રાખવું ઘટે કે હિંદુધર્મ બધા લોકો ઉપર પ્રાર્થના ઠોકી બેસાડતો નથી. તેને એની જરૂર લાગતી નથી અને જેમને સ્વભાવથી જ એને માટે અણગમો હોય તેમને માટે હિંદુધર્મે અન્ય માર્ગો ખુલ્લા રાખ્યા છે. જેમ કે આત્મખોજ, ધ્યાન, કુંડલિની જાગૃત કરવાની પ્રક્રિયા, વગેરે. તેમ છતાં એ પણ એટલું જ સાચું છે કે જે વ્યક્તિ માત્ર પોતાનાં મર્યાદિત સાધનો પર આધાર રાખે છે તેના કરતાં જે વ્યક્તિ પ્રાર્થના કરે છે અને તે કારણે દૈવી બળના ટેકા અને રક્ષણથી રક્ષિત છે તે વધુ ઝડપથી આધ્યાત્મિક પંથે આગળ વધે છે. અહીં કેટલીક વ્યક્તિઓ સામા પ્રવાહે નાવ ચલાવી આખી જિંદગી વૈતરું કરે છે ત્યારે અન્ય વ્યક્તિઓ સઢ તાણીને દૈવી કૃપારૂપી સમીરને પોતાની જીવનનૈયા સુપરત કરી દે છે, જે તેમને ભવસાગરથી પાર લઈ જાય છે.

ભાષાંતરકાર : શ્રી વાલ્મિક દેસાઈ

Total Views: 279

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.