સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચર – કલકત્તાના સચિવ છે. તેમનો આ લેખ ૧૯૮૭ના ફેબ્રુઆરી માસના બંગાળી માસિક ‘ઉદ્‌બોધન’માં પ્રથમ પ્રકાશિત થયો હતો.

આજે પણ આપણો દેશ અનેક સમસ્યાઓથી ગ્રસ્ત છે. હવે આ બધી સમસ્યાઓના સમાધાન માટેના સંમિલિત પ્રયાસની આવશ્યક્તા છે. પરંતુ આ સંમિલિત પ્રયાસ માટે જે એકમતની ભાવના જોઈએ, તેનો આપણામાં અભાવ છે. આપણો એક દેશ છે, આપણું એક રાષ્ટ્ર છે તે આપણે ભૂલતા જઈએ છીએ. આપણે બંગાળી છીએ કે પંજાબી, હિન્દુ હોઈએ કે પછી મુસલમાન! બસ, એ જ આપણી ઓળખાણ રહી છે. એટલે કે ભાષા, વર્ણ કે ધર્મની ભીંત પર જ આપણો પરિચય થાય છે, એક ભારતવાસી તરીકેનો એ નથી. આજે બધાને મુખેથી એક જ વાત નીકળે છે, “રાષ્ટ્રીય એકતા સંકટમાં છે. દેશના ટુકડે-ટુકડા થઈ જશે.” સ્વાધીનતાના એક દિવસ પહેલાં જ દેશ બે ભાગમાં વિભાજિત થયો હતો, તે દુ:ખ, તે કષ્ટ આજે પણ આપણે ભૂલી શક્યા નથી, તો પણ આપણે એમાંથી કોઈ બોધપાઠ લીધો છે ખરો? ફરી એ જ સાંપ્રદાયિકતા, સંકુચિતતા, બીજાઓ પ્રત્યેની જ ઘૃણા, એ જ અવિશ્વાસ આપણી રાષ્ટ્રીય એકતાને નિર્બળ બનાવી રહેલ છે. આપણે પોતાના સંપ્રદાયની જરૂરિયાતોને મોટા રૂપમાં જોઈ રહ્યા છીએ. પરંતુ સમગ્ર રાષ્ટ્રની આવશ્યકતાઓને એ રીતે જોઈ શકતા નથી. તો પછી આપણે એકસાથે કેવી રીતે રહી શકીશું?

એકતાનો અર્થ છે ‘એકાત્મતા’. પ્રશ્ન એ ઊભો થાય છે કે, ભારતમાં કોઈ દિવસ એકાત્મતા હતી ખરી? જ્યાં આટલી ભાષાઓ, આટલા ધર્મમતો, બધાં ક્ષેત્રોમાં આટલી વિવિધતાઓ હોય, ત્યાં એકાત્મતા કઈ રીતે સંભવી શકે? કોઈ કોઈ વળી એવો પ્રશ્ન કરે છે કે શું ભારતમાં ક્યારેય રાષ્ટ્રીય એકતા વિદ્યમાન હતી? નાનાં-નાનાં અનેક રાજ્યોનું એકીકરણ કરીને આપણો આ દેશ બન્યો છે. અશોક અને અકબરના શાસનકાળ દરમિયાન જુદાં જુદાં રાજ્યોને એક કેન્દ્રીય શાસન નીચે લાવવાના પ્રયત્નો થયા હતા; પરંતુ અકબર પછી કેન્દ્ર જ નિર્બળ બની ગયું, અને પ્રાંતીય રાજ્યોએ પોતે જ વધારે સબળ બનવાનું શરૂ કરી દીધું. એક દેશ, એક રાષ્ટ્ર એવી ભાવના કોઈનામાં નહોતી. આ ભાવના ભારતમાં નથી એ જાણીને અલ્પ સંખ્યાબળવાળા અંગ્રેજો આવડા મોટા દેશને જીતવા સમર્થ બની શક્યા અને લગભગ ૨૦૦ વર્ષ સુધી તેમણે અહીં શાસન કર્યું. તેમણે શાસન તો આ આપણા દેશના લોકો દ્વારા જ કર્યું છે. તેઓમાં ક્યાં હતો દેશપ્રેમ કે ક્યાં રહી હતી રાષ્ટ્રીયતાની ભાવના? સ્વામી વિવેકાનંદે આ દેશને પોતાના ગૌરવમય ભૂતકાળની યાદ કરાવી છે. ભારત દેશની પ્રાચીનતમ ગૌરવશાળી સંસ્કૃતિનો મહિમા, જેવી રીતે તેમણે પાશ્ચાત્ય દેશોના નિવાસીઓને કહ્યો છે તેવી જ રીતે ભારતવાસીઓને પણ કહ્યો છે. પાશ્ચાત્ય દેશોએ ભારતનો આવિષ્કાર કર્યો. તેના કરતાં મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, ભારતે પોતે જ ભારતદેશને ઓળખ્યો. સ્વામી વિવેકાનંદે માત્ર હિન્દુધર્મનો કે માત્ર હિન્દુ સંસ્કૃતિનો જ પ્રચાર નથી કર્યો. તેમણે તો સંપૂર્ણ ભારતવર્ષની ભાવસંપત્તિનો અને ભારતવર્ષના સમસ્ત સંપ્રદાયોના સંમિલિત પ્રયાસોથી વિકસિત સંસ્કૃતિનો પ્રચાર કર્યો છે. આ સંસ્કૃતિમાં જે રીતે હિન્દુઓનું પ્રદાન છે તેવી જ રીતે ઇસ્લામ, ખ્રિસ્તી, બૌદ્ધ અને જૈન સંપ્રદાયોનું પણ પ્રદાન છે. આમાં જેમ પ્રાચીન પુરુષોનું યોગદાન છે તેવી જ રીતે નવાગંતુકોનું પણ યોગદાન છે. સ્વામી વિવેકાનંદે જ આપણી આંખો ઉઘાડી; જેથી આપણે પોતાની જાતને ઓળખી શક્યા અને પાશ્ચાત્ય મોહનો નાશ થયો. પશ્ચિમ સ્વર્ગ નથી. જો સ્વર્ગ ક્યાંય હોય તો ભારત જ તે સ્વર્ગ છે. બીજા મતો માટેની સહિષ્ણુતા બીજે ક્યાંય નથી. આટલી ઉદારતા, આટલો પ્રેમ અને એકબીજા પ્રત્યેની આટલી શ્રદ્ધા બીજે ક્યાંય નથી. સ્વામી વિવેકાનંદે જ વાસ્તવિક રાષ્ટ્રીય એકતાનું પ્રદાન કર્યું છે. પાશ્ચાત્ય દેશમાં તેમની સફળતા એ એક વ્યક્તિ કે સંપ્રદાયની સફળતા નથી પરંતુ સંપૂર્ણ ભારતવર્ષની સફળતા છે, ભારતીય સંસ્કૃતિની સફળતા છે. સ્વામીજીની પ્રેરણાથી જ રાષ્ટ્રીય આંદોલન અને પછી સ્વાધીનતા માટેના આંદોલનની શરૂઆત થઈ. પરંતુ જે સાંપ્રદાયિકતા ભારતમાં ક્યાંય વિદ્યમાન નહોતી તેનાં બીજ ચતુર અંગ્રેજ શાસકો જતાં જતાં વાવતા ગયા અને તેણે ભારતનું બે ભાગમાં વિભાજન કરાવ્યું. અંગ્રેજો ચાલ્યા ગયા, પરંતુ સાંપ્રદાયિકતા હજુ પણ પોતાનું કામ કર્યે જાય છે. એટલે જ આપણે બંગાળી કે પંજાબી, હિન્દુ અથવા તો મુસલમાન, બ્રાહ્મણ અથવા શૂદ્ર છીએ. પરંતુ આપણામાંથી કોઈ ભારતીય નથી. આપણે ભૂલી ગયા છીએ કે આપણે એક દોરામાં ગૂંથેલાં જુદાં જુદાં ફૂલોની માળા છીએ. આપણામાં આવી ભેદબુદ્ધિ પ્રબળ થઈ ગઈ છે, અને ઐક્યબુદ્ધિ ધીમે ધીમે લુપ્ત થતી જાય છે.

પરંતુ ભારત ચિરકાળથી વિવિધતામાં વિશ્વાસ રાખતો આવેલો દેશ છે. એક જ લક્ષ્ય પરંતુ માર્ગ અનેક – આ નીતિને કેન્દ્રસ્થાને રાખીને જ ભારતીય સંસ્કૃતિનો પાયો નંખાયો હતો. મનુષ્ય કંઈ માટી કે લોખંડ નથી કે તેને એક બીબામાં ઢાળીને બનાવી શકાય. પ્રત્યેક મનુષ્ય સ્વતંત્ર જ છે. જો માનવ સ્વતંત્ર હોય તો તેની રુચિઓ પણ સ્વતંત્ર જ હોય. એટલે જ શિવમહિમ્ન: સ્તોત્રમાં ગવાયું છે –

“रुचीनां वैचित्र्यादृजुकुटिलनानापथजुषां
नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव”

‘જેમ બધી નદીઓનું ગંતવ્ય સ્થાન સમુદ્ર હોય છે તેમ આપણા બધાંયનું ગંતવ્યસ્થાન છે ઈશ્વર. કોઈ પણ નદી સીધી વહેતી નથી. તેનું વહેણ આડું અવળું હોય છે. વહેવાના માર્ગો પણ જુદા જુદા હોય છે, તેવી જ રીતે, મનુષ્યો પણ એક જ રસ્તે અને સીધે સીધા ચાલતા નથી. પ્રત્યેક મનુષ્ય પોતાની રુચિ પ્રમાણે યોગ્ય લાગે તે રીતે પોતે નક્કી કરેલ રસ્તે ચાલે છે. રસ્તા અલગ-અલગ ભલે હોય પરંતુ લક્ષ્ય તો બધાંયનું એક જ છે – ઈશ્વર.’ આ વિશ્વાસને કારણ જ આટલી વિવિધતાઓ ઊભી થઈ છે. કેટલા બધા જુદા જુદા પહેરવેશ, આચાર, વ્યવહાર અને કેટલી બધી જુદી જુદી ભાષાઓ, આકૃતિઓ અને ધાર્મિક વિચારણાઓ! રાજા એક નથી અને રાજ્ય પણ એક નથી. દેશ જુદા જુદા ભાગોમાં વિભક્ત છે છતાં એક છે! કઈ બાબતમાં એક છે? જીવનદર્શનમાં એક છે. આ જીવનદર્શન શું છે? સત્ય એક છે; ઈશ્વર એક છે. આ જ છે જીવનદર્શન. આ જીવનદર્શનનો ઉદ્ભવ ઠેઠ ઋગ્વેદના એક મંત્રથી થયો છે. એ મંત્ર છે – “एकं सद्विप्रा बहुधा वदन्ति” આ મંત્ર દ્વારા જ ભારતનો ઇતિહાસ બનેલો છે અને ભારતીય સંસ્કૃતિની રચના થઈ છે. આ જ મંત્રે ભારતની રક્ષા કરી છે. ભારતનો ઇતિહાસ પ્રેમની વાતોથી અને વધારે તો કરુણા અને મૈત્રીની વાતોથી ભરેલો છે. હિંસા અને રક્તપાત? એની વાતો પણ ભારતીય ઇતિહાસમાં છે ખરી, પરંતુ ઘણી જ ઓછી. સત્ય અને ધર્મને લીધે હિંસા ઓછી દેખાય છે. બાહ્ય શક્તિઓનાં આક્રમણ વખતે પણ હિંસા ઓછી દેખાય છે, અને આ સહિષ્ણુતા માટે દેશને મોંઘી કિંમત પણ ચૂકવવી પડી છે. ઘણાને લાગે છે કે, આ દુર્બળતા છે. છતાંય આ દેશમાં કેટલાય વીર પુરુષોએ જન્મ લીધો છે પરંતુ તેઓ માટે પોતાનો દેશ મોટો નથી, પોતાની સુખશાંતિ મોટી નથી, મોટાં છે નીતિ, ધર્મ અને સત્ય. તેઓ સત્ય માટે બધું ત્યાગી દે છે. પરંતુ બીજી કોઈ બાબત માટે સત્યનો ત્યાગ કરી શકતા નથી. તેઓની પાસે સ્વદેશ-વિદેશ નહોતા. હતી ફક્ત ‘वसुधैव कुटुम्बकम’ની ભાવના દરેક જીવમાં એક જ ઈશ્વર વિદ્યમાન છે. નામ – રૂપ ગમે તે હોય પરંતુ આપણે સૌ એક જ છીએ. જાતિ જુદી જુદી હોય, કુટુંબ જુદાં હોય, એટલે વિવિધતા તો હોય જ. એ સ્વાભાવિક છે. વિવિધતા કે ભિન્નતા ન હોય તો વ્યક્તિગત વિકાસ સંભવી ન શકે. જો બધાંય ક્ષેત્રોમાં સ્વાધીનતા હોય તો જ વિકાસ સંભવી શકે. ભારત આ પ્રકારની સ્વાધીનતામાં માને છે. એટલે જ ભારતમાં આટલી વિવિધતા અને વિચિત્રતા છે. વિભિન્નતા છે પરંતુ સંઘર્ષ નથી અને સંઘર્ષ એટલા માટે નથી કે એકબીજાની વચ્ચે ભાઈચારાની ભાવના અને આદર વિદ્યમાન છે. એકતા જ મુખ્ય છે. વિવિધતા ગૌણ છે. ભારતની એકતા આધ્યાત્મિક આદર્શોમાં છે, રાજનૈતિક આદર્શોમાં નથી. જાતિ, ભાષા, વર્ણ કે પહેરવેશ ગૌણ છે. મુખ્ય છે સ્વરૂપ. આપણા સૌનું સ્વરૂપ એક છે, આપણો આત્મા એક છે. આ આત્મયીતા જ આપણી એકતા છે. આ આત્મયીતાનું બીજું નામ છે એકતા. આ જ એકતા વાસ્તવિક છે. બીજી કોઈ એકતા અવાસ્તવિક છે. રાજનૈતિક એકતા એ એકતા નથી. એ તો સગવડિયાઓનું એક દળ જ છે. એ જ પ્રમાણે, ભાષા કે ધર્મની એકતા પણ કૃત્રિમ જ છે, અસાર છે, સ્વાર્થસિદ્ધિ માટેનો ઉપાયમાત્ર છે. એકમાત્ર પ્રેમની એકતા એ જ એકતા છે. ભારત આ એકતાને જ એકતા માને છે, અને એટલે જ ભારત વિવિધતાને સન્માને છે. પ્રાચીન કાળમાં પોતાની માતૃભૂમિથી હડધૂત થયેલ કેટલીય જાતિઓ ભારતમાં આવી અને ભારતે તે લોકોને આશ્રય આપ્યો. તેઓ સન્માન સાથે પોતાની પરંપરાઓની રક્ષા કરીને આજે પણ ભારતમાં રહે છે. યહૂદી, પારસી, ખ્રિસ્તી, વગેરે તેનાં ઉદાહરણ છે.

શ્રીરામકૃષ્ણ ભારતનો આત્મા છે, એકતાનું પ્રતીક છે. તેઓ બધા પથ અને બધા મતની મિલનભૂમિ છે. તેઓ એક છે અને અનેક પણ. તેમનામાં કેટલી વિવિધતાઓ ભરેલી છે! તેઓ જ સ્વરાષ્ટ્ર છે અને તેઓ જ વિરાટ છે. હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી બધા ધર્મો એ એક આધારમાં છે. તેઓ સૌના છે અને સૌ તેમનાં છે. બધા ગ્રાહ્ય છે, ત્યાગ કરવા જેવું કોઈ નથી. બધા રસ્તા બરોબર છે. કારણ કે દરેકનો અંત ઈશ્વર છે. બધાંય રૂપ ઈશ્વરનાં જ રૂપ છે. બધાંય નામ ઈશ્વરનાં જ છે. એટલે જ બધા પ્રત્યે આદર અને ભાઈચારાનો ભાવ છે. ભારતીય સંસ્કૃતિની આ જ વિશિષ્ટતા છે, અને આ જ વિશેષતા શ્રીરામકૃષ્ણની પણ છે. એટલે જ શ્રીરામકૃષ્ણ ભારતનો આત્મા છે અને એટલે જ તેઓ વિશ્વવ્યાપી છે. તેમનું જીવન અને આચરણ વૈચિત્ર્યમય છે. પરંતુ તે વૈચિત્ર્યમાં એકતા જ ઉજ્જ્વલિત છે અને એટલે જ આટલો પ્રેમ તથા પોતાપણાનો અનુભવ થાય છે. માટે જ શ્રીરામકૃષ્ણે ચીંધેલો માર્ગ જ મૂળ છે. અનેકવિધતાવાળા ભારતની રક્ષા કરતો એક જ માર્ગ છે, અને તે છે શ્રીરામકૃષ્ણે દેખાડેલો એકતાનો માર્ગ

ભાષાંતર : શ્રીમતી પુષ્પા પંડ્યા

Total Views: 195

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.