જય જય રામકૃષ્ણ વાંછા કલ્પતરું,
જય જય ભગવાન જગતના ગુરુ,
જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ,
યાચું રજ ચોટેલી એ સહુને ચરણ.
મધુર પ્રભુની બહુ બાળલીલા કથા;
ગાયે જાઉં દેવ તમે આપો શક્તિ યથા.
સર્વજ્ઞ હે પ્રભુ, તમે સર્વ તત્ત્વજ્ઞાતા;
ધારી નરરૂપ ખેલો નરવત્, ત્રાતા!
રૂપ નર જેવું ભલે, કાર્યો કિંતુ ન્હોય;
અમાનુષી લોકોત્તર ખેલ આ બધોય.
નરબુદ્ધિગમ્ય નથી પ્રભુ કોઈ કાળે;
ક્ષુદ્ર બુદ્ધિ વડે કેવી રીતે એને ભાળે?
જોકે તમે આપ્યાં ચક્ષુદ્વય જ્યોતિષ્માન્;
પરદો પ્રગાઢ સામે મૂક્યો લંબમાન,
બન્યો જાણે પરદો એ પથ્થરનો ખાસ;
ભેદ કરી જોવા શક્તિ નહિ મુજ પાસ.
કેમ કરી જોઉં પ્રભુ તવ કારભાર;
બ્રહ્માય જ્યાં દૃષ્ટિહીન, મારો તે શો ભાર?
અવિદ્યાથી મેલું મન, મોહે ભરપૂર;
કૃપા કરો બાળરૂપી દયાળુ ઠાકુર.
હજી તો પ્રભુનું વય આઠની અંદર;
ત્યાં તો પિતાજીએ તજી દીધું કલેવર.
ગયા’તા ભાણેજગૃહે પૂજા માટે ખાસ;
પૂરાં થયાં નવરાત્ર અને મૂક્યો શ્વાસ.
પછી ગદાઈનું વય જનોઈનું થાય;
શોધવા મુહૂર્ત, દિન પંચાંગ જોવાય.
ભિક્ષા, વિપ્ર વિના અન્ય જાતિ કે સમાજ;
પાસેથી લેવાનો નહિ કુળનો રિવાજ,
એથી ગામવાસી વિપ્ર પત્નીઓ ચતુર;
ગદાઈની ભિક્ષામાતા થવાને આતુર.
કિંતુ વચ્ચે ઘટના બનેલી એક સુણો;
ધનીનો ગદાઈ પર પ્રેમ શતગુણો.
લુહારણ કહે, “બેટા, સુણ મારી વાત;
જનોઈની પ્હેલી ભિક્ષા લેવી મારે હાથ.”
બોલે જોઈ પ્રેમ લુહારણનો ગદાઈ;
“ભિક્ષા માતા નહીં કરું બીજી કોઈ બાઈ!”
સ્મરી એ ગદાઈ બોલ્યો, “ધની લુહારણ;
ભિક્ષા આપે તો જ કરું જનોઈ ગ્રહણ.
ભિક્ષા નહિ લઉં અન્ય કોઈ સ્ત્રીને હાથ;
આપ્યું મેં વચન, ધની થાય ભિક્ષામાત.”
નવાઈ પામીને સહુ બોલાબોલ કરે;
નહિ આવી રીત કુળ આપણાની અરે!
ચાલી આવે કુળ પ્રથા શાને કરે ભંગ;
ગદાઈની હઠથી કુટુંબી થયા દંગ,
શૂદ્રદાન લીધું નથી હજી કોઈએ વંશે;
કુળ ઊંચું બીજાઓથી એટલે તો અંશે.
જાણી કરી વાત એવી કેમ તું તે કરે?
ગદાધર કિંતુ કશું કાને નવ ધરે.
બોલે, “ભિક્ષા ધની માતા પાસેથી જ લઉં;
નહીં તો જનોઈ લેવી સાવ મૂકી દઉં.”
સમજાવે ભ્રાત, માત તથા આખી નાત;
ધની થાય ભિક્ષામાતા મૂકી દે એ વાત.
પણ કશું સુણે નહિ બટુક ગદાઈ;
‘પ્હેલી ભિક્ષા ધની આપે,’ એ જ લીધી વાઈ.
એમ કહી મોં ચડાવી, ગયો એ ભીતર;
ઓરડામાં પેસી વાસી કડી બરાબર.
ભોજનની વેળા થઈ ખોલે નહિ દ્વાર;
નરનારી આવે બધાં સુણી સમાચાર.
જેને ખવરાવી લોકો પોતે સુખી થાય;
ગદાધર ઓરડામાં ભૂખ્યો એ સુકાય.
ગામલોકો તણાં ચિત્ત રહે કેમ સ્થિર;
વાત સુણી દોડી આવી થયા છે હાજીર.
બહુ સમજાવે સહુ, આપે ન જવાબ;
સુણે નહિ કોઈનું કથન કે રુવાબ.
અંતે રામેશ્વર કરે આંટ નિવારણ;
કહ્યું, ‘ભલે ભિક્ષા આપે ધની લુહારણ.
તારે લીધે ભલે જાયે વંશકુળાચાર;
પાક્યો એક કરવા તું વંશનો ઉદ્ધાર.’
સુણી શબ્દો ગદાધરે ઉઘાડીયું દ્વાર;
ઉત્તર ટોણાનો દેતાં કરી નિહ વાર.
સત્ય પાળે નહિ તે બ્રાહ્મણ ન કહેવાય;
અધિકારી જનોઈનો શાનો એ ગણાય?
વારી જાઉં તારા પર ધની લુહારણી;
ભિક્ષા પૂરી તેને, જેહ બ્રહ્માંડનો ધણી.
માતા, પાતા, તારક, પાલન કરનાર,
શિવમય, ઈચ્છામય, ભવકર્ણધાર.
અગર રહેતી બાઈ હજી તું જીવંત;
પગે માથું મૂકીને હું થાત ભાગ્યવંત.
જે જે સ્થાને પડ્યું તવ પગ તણું પાનું;
ત્યાંથી રેણુ મળે તો હું મહાભાગ્ય માનું.
કોનો અવતાર હતી, કળાયું ન કાંઈ;
વત્સહારા ગાય જાણે વિના એ ગદાઈ.
શી રીતે મહિમા ગાઉં, શી મારી શક્તિ;
વાત્સલ્યની મૂરતિ એ અતિ બલવતી,
મહાભાગ્યવતી ધરા પર વિદ્યમાન;
જાણું કે સમજું નહિ કોણ તું સમાન.
બાળરાંડ, પુત્રહીન, લુહારણ ધની;
જન્મ દીધા વિના થઈ રામની જનની.
ભક્તપ્રિય પ્રભુદેવ, ભક્તો તેના પ્રાણ;
ભક્તિ જોરે ભક્ત કરે તેમને સંતાન.
અપાર કરુણા એની ભક્તો એને દોરે;
અપૂર્વ આ રામકૃષ્ણ-પુરાણ સુણો રે…

Total Views: 500

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.