વિરોધાભાસ જ છે જીવન

આપણે સવારે ઊઠીને એવી આશામાં અખબાર હાથમાં લઇએ છીએ કે કોઈ સારા સમાચાર વાંચવા મળે. પણ હવે આપણને પૂરતો અનુભવ થઈ ગયો છે કે જો અખબારમાં એક સારા સમાચાર હશે કે ભારતમાં ગરીબી ઓછી થઈ, કે વિદેશી મૂડીરોકાણમાં વધારો થયો, કે આઇટી સેક્ટરમાં એક્સપોર્ટ વધી ગયો, તો એની સામે દસ સમાચાર એવા હશે કે જે આપણને પૂરા દેશ ઉપર હતાશા લાવી દે. આઝાદીનાં ૭૫ વર્ષ થઇ રહ્યાં છે અને હજુ પણ આપણે બધા ભેગા મળી એક મજબૂત સક્ષમ આત્મવિશ્વાસી ભારતનું ગઠન કરી શક્યા નથી, એ વાત પર આપણને બધાને થોડી નિરાશા તો ઉપજે જ છે.

જ્યાં આશા છે ત્યાં નિરાશા છે, જ્યાં હાસ્ય છે ત્યાં રુદન છે, જ્યાં ખુશી છે ત્યાં દુઃખ છે, અને આ જ છે જીવન. આપણે કેટલી મહેનત કરીને પરીક્ષા પાસ કરવાનો પ્રયત્ન કરીએ, કેટલાંય સ્વપ્નાઓ સેવીએ, સારી કંપનીમાં ઉચ્ચ પદ મેળવવાની મહત્ત્વાકાંક્ષા રાખીએ, હર્યોભર્યો પરિવાર હોય એના માટે પ્રાર્થના કરીએ, નિયમિત વ્યાયામ કરીએ, અને સ્વાસ્થ્યકર ખોરાક ખાઈએ, પણ છેવટે જોઈએ છીએ કે ક્યાંકથી ને ક્યાંકથી નિષ્ફળતા, હતાશા, અણધાર્યા અકસ્માતો આવીને ઊભા જ રહે છે. સ્વામી વિવેકાનંદ કહે છે:

“આપણે એવી જરૂર કલ્પના કરીએ કે એવી કોઈક જગ્યા હોય જ્યાં માત્ર સારું જ હોય પણ ખરાબ જરાય ન હોય, જ્યાં આપણે માત્ર હસ્યા જ કરીએ, પણ કદી રડવાનું હોય જ નહીં. આ પરિસ્થિતિ સ્વાભાવિક રીતે જ અસંભવિત છે, કેમ કે પરિસ્થિતિ જે છે તે જ રહેવાની છે. જ્યાં જ્યાં આપણા ચહેરા પર હાસ્ય લાવવાની શક્તિ છે ત્યાં ત્યાં તેની પછવાડે આંસુ લાવવાની શક્તિ પણ છુપાયેલી હોય છે; જ્યાં જ્યાં સુખ ઉત્પન્ન કરવાની શક્તિ છે ત્યાં ત્યાં આપણને દુઃખી કરવાની શક્તિ પણ ક્યાંક છુપાયેલી છે.” (ગ્રંથમાળા 2.340)

અને આ વિરોધાભાસ જ છે માયા. ખ્રિસ્તી અને ઈસ્લામ ધર્મમાં સ્વર્ગની કલ્પના એવી રીતે કરવામાં આવી છે કે જાણે કે આપણે એક વાર ત્યાં પહોંચી ગયા પછી સ્વર્ગીય સુખનો અંત ક્યારેય નહીં આવે. પણ આપણને હિન્દુઓને તો ખબર છે કે એકવાર સુકર્મોનો અંત આવ્યો કે સાથે જ તમારા સ્વર્ગવાસનો પણ અંત આવ્યો. ટીવીમાં આપણે ગોવા, માલદીવ, કે વેનિસના વેકેશન-ટુરના પેકેજની જાહેરાત જોઈએ છીએ ત્યારે આપણને લાગે કે જે લોકો ત્યાં રહેતા હશે એ લોકો તો સ્વર્ગમાં જ રહેતા હશે ને. જેટલી ભોગ્ય વસ્તુઓ છે એ બધાનો ખડકલો કરીને ત્યાં રાખી દેવામાં આવી છે. આપણે ત્યાં જઈને ખૂબ આનંદ કરીશું પણ જેવા ઘરે પાછા આવ્યા એવા જ સાંસારિક ચક્રમાં પાછા સપડાણા.

વેદાંત અને અન્ય વિચારસરણીઓ વચ્ચેનો તફાવત જ આ છે. જો આપણે કાર્લ માર્ક્સ, ચાર્લ્સ ડાર્વિન, કે અન્ય ફિલોસોફરો કે વૈજ્ઞાનિકો, રાજનેતાઓ, કે કોર્પોરેટ સેક્ટરના અગ્રણીઓને વાંચીએ તો તેઓ બધા ભેગા મળીને એક જ વાત કહેશે કે તેઓના પોતાના ક્ષેત્રમાં સતત પ્રગતિ થઈ રહી છે. પણ વેદાંત કહે છે કે જ્યાં પ્રગતિ થાય છે ત્યાં સાથે સાથે જ અધોગતિ પણ થાય છે. જો ઇકોનોમીમાં જીડીપી વધશે તો સાથે જ જે લોકો ગરીબીમાંથી બહાર નીકળી ગયા છે અને સારી નોકરી કરે છે એ લોકો પર માનસિક તણાવ વધી જાય છે.

એક ભાઈ સાથે મારી વાત થઈ હતી. તેઓ કહેતા હતા કે આજથી પંદરેક વર્ષ પહેલાં એમનો પગાર આજના કરતા પાંચમા ભાગનો હતો. પણ જો આજે એમનો પગાર પાંચ ગણો વધી ગયો છે તો મોંઘવારી ૫૦ ગણી વધી ગઈ છે. પહેલાં સવારના નવ થી સાંજના પાંચ વાગ્યા સુધીની નોકરી હતી, આજે હવે રાતના આઠ-નવ વાગ્યા સુધી બેસી રહેવું પડે છે. પગાર કરતાં મોંઘવારી હંમેશાં વધારે જ રહેવાની અને આ જ છે માયા. સ્વામીજી કહે છે:

“યંત્રો વસ્તુઓને સસ્તી બનાવે છે, તેનાથી પ્રગતિ અને ઉત્ક્રાંતિ થાય છે, પણ એક માણસ પૈસાદાર થાય તે ખાતર લાખો લોકો કચડાઈ જાય છે. જ્યારે એક માણસ પૈસાદાર બને છે, ત્યારે હજારો માણસો તે જ વખતે વધારે ને વધારે ગરીબ બને છે અને સંખ્યાબંધ લોકોને ગુલામ બનાવાય છે. આમ બધું ચાલ્યા જ કરે છે.” (ગ્રંથમાળા 2.239)

જે લોકો આપણા અતિપ્રિય છે, જેમની ઉપર આપણો આજન્મ ભરોસો રહ્યો છે તેઓ પણ ક્યારેક એવું વર્તન કરી બેસે કે એમના પ્રતિ આપણા મનમાં વિતૃષ્ણા આવી જાય. સ્વામીજી કહે છે:

“માતા બાળકને ખૂબ સંભાળપૂર્વક ઉછેરે છે; તેનો જીવ—તેનું આખું જીવન બાળકમાં જ છે. બાળક મોટું થાય છે; પુખ્ત વયે પહોંચે છે અને કદાચ ગુંડો બને છે, પશુ જેવો બને છે; માતાને દરરોજ તે લાતો મારે છે, માર મારે છે; અને છતાંયે માતા તે બાળકને વળગી રહે છે; તેને બુદ્ધિથી બધું સમજાય છે, તોપણ પ્રેમના બહાના હેઠળ તે હકીકતને ઢાંકી દે છે. માતાને ભાગ્યે જ એવા વિચાર આવે છે કે પોતે આચરે છે તે પ્રેમ નથી; તે કંઈક એવી વસ્તુ છે કે જેણે તેના જ્ઞાનતંતુઓ ઉપર કબજો જમાવ્યો છે અને તેને તે છોડી શકતી નથી; માતા ગમે તેટલો પ્રયત્ન કરે પણ જે બંધનમાં તે આવી છે તેને તે તોડી શકતી નથી. આનું નામ માયા.” (ગ્રંથમાળા 2.335)

આવી હદ વટાવી જનારી ઘટનાઓ જવલ્લે જ જોવા મળે છે પણ સગાંવહાલાં સાથે નાના-મોટા મનદુઃખ તો આપણા બધાના જીવનમાં રહેલા જ છે. સ્વામીજી કહે છે:

“…દુઃખનો અંત લાવવાનો એકમાત્ર રસ્તો એ છે કે સુખનો પણ અંત લાવવો; બીજો કોઈ માર્ગ નથી. મૃત્યુને અટકાવવું હોય તો આપણે જીવનને અટકાવવું પડશે. મૃત્યુ વગરનું જીવન અને દુઃખ વિનાનું સુખ એ વિરોધાભાસ છે; બેમાંથી એકલું એક પણ હયાતી ધરાવી શકે જ નહીં, કેમ કે તે બંને એક જ વસ્તુની ભિન્નભિન્ન અભિવ્યક્તિઓ માત્ર છે.” (ગ્રંથમાળા 2.341)

પુરુષાર્થની આવશ્યકતા

તો શું આપણે એક આશામય જીવનની ઇચ્છાનો ત્યાગ કરી દેવો? શું નિરાશામાં ગરકાવ થઈ જવું? કોઈપણ પ્રકારની મહેનત છોડી દેવી? બધા સગાંવહાલાં અને મિત્રો સાથે સંબંધ તોડી દેવો? ઉત્તર છે–ના. સ્વામીજી કહે છે:

“આ માયા સર્વત્ર છે. તે ભયંકર છે, છતાં આપણે તેમાં જ કામ કરવાનું છે. જે માણસ એમ કહે છે કે જ્યારે દુનિયા તદ્દન સારી થઈ જશે ત્યારે પોતે કામ કરશે અને ત્યારે સુખી થશે, તે માણસ, ગંગા નદીને કિનારે બેઠો બેઠો કહે કે ‘જ્યારે આ બધું પાણી દરિયામાં ચાલ્યું જશે ત્યારે હું પેલે પાર જઈશ,’ તેના જેવો છે. માયાની સાથે સાથે ચાલવું એ માર્ગ નથી પણ તેની સામે થવું તે છે.” (ગ્રંથમાળા 2. 347)

જો આપણે પુરુષાર્થ કરીને સુખ મેળવવાની અપેક્ષા રાખીશું તો આપણે દુઃખને પણ આવકારવા તૈયાર રહેવું પડશે. પણ જો દુઃખથી મુક્તિ મેળવવી હોય તો પુરુષાર્થનો નહીં પણ ઇન્દ્રિયજનિત સુખનો ત્યાગ કરવો પડશે. પુરુષાર્થહીન જીવન મૃત્યુ કરતાં પણ બદતર છે. પરંતુ હવે આપણે જે પુરુષાર્થ કરીશું એ નિ:સ્વાર્થ હશે. હવે આપણો પુરુષાર્થ જગત કલ્યાણ માટે હશે. તમે ભલે ગમે તે ક્ષેત્રમાં હો, ભલે એક નાનકડી પાનની દુકાન પણ ચલાવતા હો, જો તમે નિ:સ્વાર્થ રહીને પાન બનાવશો તો તમારું એ કર્મ પણ સમાજ માટે આશીર્વાદરૂપ નીવડશે. સ્વામીજી કહે છે:

“…આપણે પ્રકૃતિના સહાયક તરીકે જન્મ્યા નથી પણ તેના હરીફ તરીકે જન્મ્યા છીએ. આપણે તેના માલિક છીએ, છતાં આપણે પોતે જ બંધાઈ જઈએ છીએ. આ મકાન અહીં શા માટે છે? કુદરતે આ બાંધ્યું નથી. કુદરત કહે છે કે જઈને જંગલમાં રહો; માણસ કહે છે કે હું ઘર બાંધીશ, કુદરત સામે ઝૂઝીશ અને તે તેમ કરે છે. માનવજાતનો આખોયે ઈતિહાસ કહેવાતા કુદરતના નિયમો સામેનો સતત સંગ્રામ છે અને આખરે માણસ વિજયી બને છે.” (ગ્રંથમાળા 2. 347)

આમ, સ્વાર્થ ત્યાગ કરીને પુરુષાર્થ કરવાની, કુદરત સામે ઝઝૂમવાની શરૂઆત જ છે આપણી આધ્યાત્મિક ચેતનાની જાગૃતિ. સ્વામીજી આપણને આશીર્વાદ આપે છે:

“…જીવનમાં આ બધાં દુઃખો, દિલગીરીઓ, આનંદ, ઉપભોગ કે આંસુઓ છતાં એક વસ્તુ ચોક્કસ છે કે બધી વસ્તુઓ પોતાના ધ્યેય તરફ જઈ રહી હોય છે; તમે અને હું, વનસ્પતિઓ તથા પશુઓ અને જીવનનું અસ્તિત્વ ધરાવતું અણુએ અણુ પેલા પૂર્ણતાના અનંત મહાસાગરમાં જરૂર ક્યારેક પહોંચીશું; સવાલ માત્ર સમયનો જ છે; મુક્તિને— ઈશ્વરને જરૂર પામીશું.” (ગ્રંથમાળા 2. 345)

Total Views: 464

One Comment

  1. Shakti Kishorbhai Gohel July 12, 2022 at 12:26 pm - Reply

    🙏

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.