(શ્રીમા શારદાદેવી છે ‘જન્મ-જન્માંતરની મા’, ‘સત્‌ની પણ મા અને અસત્‌ની પણ મા’. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ મા પોતાના પૈતૃક નિવાસસ્થાન જયરામવાટી ગ્રામમાં રહેતાં અને ભક્તોના આગ્રહનું માન રાખી કોલકાતા આવતાં ત્યારે ઉદ્‌બોધન ભવનમાં રહેતાં. મા જ્યારે કોલકાતા આવતાં ત્યારે સંન્યાસી સંતાનો માને સાક્ષાત્‌ જગજ્જનનીની જેમ સન્માનપૂર્વક રાખતા. પરંતુ જયરામવાટીમાં મા જાણે કે આપણા પોતાના મા. તેઓ ગ્રામ્ય પરિવેશમાં સરળ આડંબરહીન જીવન ગાળતાં અને પોતાના હાથે ભક્ત-સંતાનોની કાળજી રાખતાં અને સહજે એમની સાથે વાર્તાલાપ કરતાં. આ દિવસોની કેટલીક પવિત્ર યાદો ‘શ્રીશ્રીમાયેર પદપ્રાંતે’ (ભાગ-1) પુસ્તકમાંથી અહીં આલેખાયેલ છે. -સં.)

જયરામવાટીમાં એક બાળવિધવા હતી. ખૂબ ગરીબ. અતિ કષ્ટથી મજૂરી કરીને ગુજરાન ચલાવતી. ક્યારે લગ્ન થયા હતા, પતિ કેવો હતો, ક્યારે વિધવા થઈ હતી, કશી ખબર ન હતી. એ જ્યારે ઉંમર લાયક થઈ ત્યારે સમજી કે તે વિધવા, તેનાં હવે લગ્ન થશે નહીં, સંસાર-સુખભોગ કરવાનો એને અધિકાર નથી. ભક્તોના સામાનનો ભાર વહન કરવા માટે એ માના ઘરે આવ-જા કરતી. મા એને સ્નેહ કરતાં. સમયાંતરે એ પૂર્ણયૌવના થઈ. એક યુવક સાથેના અવૈધ સંબંધના પરિણામે વાત બહુ દૂર સુધી પહોંચી ગઈ અને બધાને ખબર પડી ગઈ. હૃદયહીન સમાજના મોભીઓએ આટલા દિવસો સુધી આ અનાથની કોઈ ખબર રાખી ન હતી, એને સદ્‌-શિક્ષા આપવાની કોઈ વ્યવસ્થા પણ કરી નહોતી. હવે આ દુઃખિની ઉપર તેમની તીક્ષ્ણ દૃષ્ટિ પડી. અભાગિની ઉપર મેણાં-ટોણાં વરસી પડ્યાં. મા બધું સાંભળી અને એ કન્યાના ભવિષ્યનો વિચાર કરી અત્યંત દુઃખી અને ચિંતિત થયાં. પરંતુ તેઓ ભગવાન પાસે પ્રાર્થના કરવા સિવાય બીજું વળી શું કરી શકવાના હતાં!

ભગવાનની કરુણા થઈ. માના દીક્ષિત સંતાનસ્વરૂપ એક જમીનદારે હસ્તક્ષેપ કરીને સામાજિક ખટપટ મીટાવી દીધી. મા એ સાંભળીને નિશ્ચિંત બન્યાં. કેટલાક દિવસો પછી માના એ જમીનદાર સંતાન પ્રણામ કરવા આવતાં માએ પ્રસન્ન ચિત્તે એમને આશીર્વાદ આપી કહ્યુંઃ “બેટા! તેં દુઃખિનીને બચાવી લીધી છે, રક્ષા કરી છે, સાંભળી મારો પ્રાણ શીતળ થયો. ભગવાન તારું મંગળ કરે.”

જેમની આપણે અતિ અધમ કહીને ઘૃણા કરીએ છીએ, એમની ઉપર પણ કરુણા વરસાવી અને એમની આપત્તિના સમયે આ સહાનુભૂતિ, આ અપાર સ્નેહ જગત્‌ જનની સિવાય, ‘જન્મ-જન્માંતરની મા’, ‘સત્‌ની પણ મા અને અસત્‌ની પણ મા’ સિવાય બીજું કોણ દર્શાવી શકે?

ગૃહસ્થ ભક્તોના સંસારમાં બેદરકારી અને અસ્તવ્યસ્તતા મા પસંદ કરતા નહીં. ભગવાનનો જ સંસાર—ત્યાં આપણને એમણે જે કામ માટે રાખ્યા છે, એ એમની પર નિર્ભર રહીને યથાસાધ્ય સુસંપન્ન કરવાનો પ્રયત્ન કરવો એ આપણા માટે હંમેશની આવશ્યકતા છે. પોતાનાં બધાં સંતાનોને મા આ જ શિક્ષા આપતાં. પોતાનું કર્તવ્યપાલન કરવા અનિચ્છુક વ્યક્તિઓ સંબંધે દુઃખ વ્યક્ત કરી મા કહેતાં: “જેમના પહેરેલાં વસ્ત્ર સરખા નહોતા રહેતા, એવા ઠાકુરને પણ મારા માટે કેટલી ચિંતા હતી!” (ઠાકુરને વારંવાર ઈશ્વરીય ભાવ થતો અને એ વખતે તેઓ પોતાના વસ્ત્ર સંભાળી ન શકતા અને દિવ્ય શિશુની જેમ દિગંબર થઈ જતા.)

એક વાર એક ભક્તસંતાને માને અતિ કિંમતી સાડી આપવાનો વિશેષ આગ્રહ પ્રગટ કર્યો. માએ અસહમત થઈ કહ્યું: “જો પૈસા ખર્ચ કરવાનો ખૂબ આગ્રહ હોય તો એક ટૂકડો ખેતીની જમીન ખરીદી આપો—સાધુભક્તોની સેવા થશે.” ભક્તે પૈસા આપતા એક ખંડ જમીન ખરીદવાનું નક્કી થયું પરંતુ વિક્રેતાની ઇચ્છા પરિવર્તન થતાં જમીન ખરીદી શકાઈ નહીં.

આ વિષયે માએ એક સંતાનને કહ્યુંઃ “બેટા, જમીન તો અત્યારે ખરીદી શકાઈ નહીં, પૈસા હાથમાં રહેવાથી જ ખર્ચો થઈ જાય, માટે પૈસા કોઆલપાડાના કેદારની પાસે મોકલી દીધા છે, અનાજ ખરીદી રાખવા માટે—આ સમયે અનાજ ખૂબ સસ્તું. જ્યારે જરૂર પડે ત્યારે અનાજ વેચવાથી જ રૂપિયા મળી જાય.” સુવિધા અનુસાર જમીન ન મળવાથી ખરીદી શકાઈ નહીં, પરંતુ થોડા સમય પછી જ્યારે અનાજ વેચવામાં આવ્યું હતું ત્યારે તેની કિંમત ચારગણી વધી ગઈ હતી.

જયરામવાટીમાં નવું ઘર તૈયાર થયું ત્યારે ગ્રામપંચાયતે એના ઉપર ચોકીદારી ટેક્સ લગાવ્યો હતો. સેવક બ્રહ્મચારી જ્ઞાનાનંદ એ વખતે ત્યાં રહેતા હતા અને એમણે પ્રથમ વર્ષે માની અનુપસ્થિતિમાં ચાર રૂપિયા વાર્ષિક ટેક્સ આપ્યો હતો. બીજા વર્ષે મા પણ જયરામવાટીમાં હતાં. ટેક્સની ઉઘરાણી કરવા આવતા માએ ઉપસ્થિત સેવકને (લેેખક સ્વયં) આદેશ કર્યો કે પ્રયત્ન કરીને ટેક્સ બંધ કરાવી દે. માએ એને કહ્યુંઃ “અત્યારે હું અહીં છું તો મેં તો જાણે કે ટેક્સના રૂપિયા આપી દીધા, પરંતુ પછીથી જે સાધુ-બ્રહ્મચારી અહીં રહેશે એમને તો કદાચ ભીક્ષા માગીને જ ખાવું પડશે. તેઓ ક્યાંથી ટેક્સના રૂપિયા ભેગા કરશે? માટે ટેક્સ બંધ કરવા પ્રયત્ન કર.”

આ માટે માએ આગ્રહપૂર્વક પોતાના નામે પત્ર લખાવી સંતાનને યુનિયન બોર્ડના પ્રેસિડેન્ટની પાસે મોકલી દીધો. એ વર્ષે ટેક્સ આપવો પડ્યો હોવા છતાં પછીના વર્ષથી ટેક્સ-માફીની પરવાનગી મળી ગઈ હતી. પછીના વર્ષે માએ ઉપર્યુક્ત સમયે એક સંતાન દ્વારા પૂછપરછ કરાવી હતી અને તેના પરિણામે ટેક્સ બંધ થઈ ગયો હતો.

જયરામવાટીમાં ટપાલી મનીઓર્ડરના રૂપિયા લઈને આવે. મા અંગુઠો મારતાં. કોઈ લખી દેતુંઃ “શ્રીશારદાદેવીનો અંગુઠો”. ટપાલી રૂપિયા ગણીને આપી જતો. મા મૂઠીમાં પૈસા લઈને ઘરમાં રાખી દેતાં. ટપાલીને સ્નેહભરી વાત કરીને વિદાય કરતા. કોઈ જાણી શકતું નહીં કે કેટલા પૈસા આવ્યા છે કે કોણે મોકલ્યા છે. પછી સમય મળતા મા કોઈની પાસે ચિઠ્ઠી લખાવી પ્રાપ્તિ સ્વીકાર અને આશીર્વાદ જણાવતાં. જો કોઈ સેવક ઉપસ્થિત હોય અને મનીઓર્ડર ગ્રહણ કરે તોપણ મા પૈસા આમતેમ કરવાની કે ગણવાની ના પાડતાં અને કહેતાં: “બેટા, પૈસાનો શબ્દ સાંભળીને પણ ગરીબના મનમાં લોભ જન્મે. પૈસા એવી વસ્તુ છે કે એ જોઈને લાકડાનું પૂતળું પણ (લોભમાં) ‘હા’ કહે.”

સ્વામીજીએ રામકૃષ્ણ મિશનની પ્રતિષ્ઠા કરી સાધુઓને જનસેવાના કામમાં લગાવ્યા છે, એ ઠાકુરના ભાવાદર્શ અનુરૂપ છે કે નહીં એ સંશય શરૂઆતમાં ઘણાના મનમાં ઊઠ્યો હતો. કોઈ કોઈએ આ વિષયે વિભિન્ન સમયે શ્રીશ્રીમાને પ્રશ્ન પણ કર્યા હતા. મા ક્યારેક કહેતાં: “આ બધું જ ઠાકુરનું કામ” તો વળી ક્યારેક કહેતાં: “બેટા, તમે કામ કરીને ખાઓ, જો કામ નહીં કરો તો ખાવાનું કોણ આપશે? તડકામાં ફરી ફરીને ભિક્ષા કરતાં કરતાં માથું ચકરાઈ જશે. સારી રીતે ખાવા નહીં મળે તો શરીર ખરાબ થઈ જશે. તમે એ બધી વાતો સાંભળો નહીં. કામ કરો, સારી રીતે ખાઓ-પીઓ અને ભગવાનનું ભજન કરો.”

મા જપ-ધ્યાન કરવા માટે જેમ ઉત્સાહિત કરતા, તેમ જ વળી અતિશયોક્તિ કરીને માથું ગરમ ન થઈ જાય એ પ્રત્યે દૃષ્ટિ રાખી પ્રયોજન અનુસાર સાવધાન પણ કરી દેતાં. અત્યંત કઠોરતા કરવાનો નિષેધ કરતાં, વળી આહારમાં અને પોષાકમાં અસંયમ અને વિલાસિતા પણ પસંદ કરતાં નહીં. શ્રીશ્રીઠાકુરના દેહત્યાગ પછી એમના સંન્યાસી-સંતાનોના રહેવા-ખાવાના કષ્ટ અને અભાવ-દારિદ્ર્ય વગેરેને કારણે માના મનમાં અતિશય દુઃખ થયું હતું. બોધગયા મઠના ઐશ્વર્ય અને સાધુઓની સુખ-સુવિધા જોઈ તેઓના મનમાં પોતાના નિરાધાર પરિવ્રાજક સંતાનોની યાદ આવી ગઈ હતી અને તેઓ વ્યાકુળતાપૂર્વક રોઈ પડ્યા હતાં, અને પોતાનાં સંતાનો માટે ઠાકુર પાસે પ્રાર્થના કરી હતી. માટે જ પૂજનીય યોગેન-માએ એક દિવસ મને કહ્યું હતુંઃ “(મઠ અને આશ્રમ વગેરે) તમે જે કંઈ જુઓ છો એ બધું એમની (માની) કૃપાથી! જ્યાં જે કંઈ પણ જોયું છે—શિલા હોય કે ભગવાનની મૂર્તિ હોય એમની સામે રોઈ રોઈને બોલ્યાં હતાં, ‘ઠાકુર! મારા દીકરાઓ માટે થોડી માથું રાખવાની જગ્યા કરો, અને થોડું ખાવાની વ્યવસ્થા કરો.’ માની એ ઇચ્છા પૂર્ણ થઈ છે.”

Total Views: 622

One Comment

  1. Atul Jani (Agantuk) July 17, 2022 at 2:25 am - Reply

    મા તો જગત જનની. સમગ્ર સંસારના બાળકોની તેમને ફિકર હોય તો ઠાકુર ના બાળકોની તો તેમને ફિકર હોય જ. મા વ્યવહારિક બાબતે પણ કેટલા સાવધ રહી વ્યવહાર કરતા.

    જય મા

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.