‘આળવાર’ એટલે ભગવાનની ભક્તિમાં નિમગ્ન, ડૂબી ગયેલા; નિરંતર ભગવદ્ – જાપ કરનાર. દક્ષિણ હિન્દુસ્તાનમાં આવા બાર આળવાર ભક્તો થઈ ગયા. તેમાંના પ્રથમ ત્રણ આળવારની આ વાત છે. એમનાં નામ સરોયોગી, ભૂતયોગી અને મહાયોગી. આ ત્રણ આળવાર ‘મુનિત્રય’ સંજ્ઞાથી પણ ઓળખાય છે.

ત્રણે ભક્ત સમકાલીન હતા, પણ એકબીજાને પિછાનતા નહતા. એક વખત સરોયોગી યાત્રા કરતાં કરતાં તિરક્કોઈલૂર નામના ગામમાં ગયા. ત્યાં મંદિરમાં ભગવાનની પૂજા કરી. એવામાં સાંજ પડી. ભારે વરસાદ પડવા માંડ્યો. સરોયોગીને નસીબજોગે એક નાનીશી ઝૂંપડીમાં આશ્રય મળ્યો. ઝૂંપડીમાં કેવળ એક જ માણસ સૂઈ શકે એટલી જગ્યા હતી. સૂતાં સૂતાં સંત ભગવાનનું ધ્યાન-સ્મરણ કરવા માંડ્યા. એવામાં કોઈએ બારણું ખખડાવ્યું. મૂશળધાર વરસતા વરસાદની અંધારી રાત્રે રહેવા માટે આશ્રય માગ્યો. સરોયોગીએ બારણું ખોલીને આગંતુક ભૂતયોગીને આવકાર્યા. બોલ્યા; “આ કુટીમાં એક માણસ આરામથી સૂઈ શકે છે, પરંતુ બે માણસ બેસી શકે છે.” બન્ને ભક્તો ભગવાનના ગુણાનુવાદ ગાવા લાગ્યા. એવામાં વળી એક બીજા માણસે કુટીનો દરવાજો ખખડાવ્યો અને આશ્રય માગ્યો.

સરોયોગીએ આવનાર મહાયોગીને, ‘આ કુટીમાં બે માણસ બેસી શકે છે, પણ ત્રણ માણસ ખુશીથી ઊભા રહી શકે છે.’ કહીને અંદર લીધા. ત્રણે ભક્તો ઊભા ઊભા ભગવતસ્મરણ કરવા લાગ્યા. ત્યાં તો તેમણે અનુભવ્યું કે, ત્રણની વચ્ચે કોઈ ચોથો મનુષ્ય ભીડ કરે છે! ત્રણે જણા વિચારવા લાગ્યા કે, કોઈ દેખાતું તો છે નહીં! પરંતુ એકાગ્ર ચિત્તે ધ્યાન કરતાં એમને ભગવાન નારાયણનાં દર્શન થયાં. ભક્તોએ શરીરનું સાન-ભાન, ‘હું’ પણાનું ભાન, ગુમાવી દીધું. નારાયણે વરદાન માગવા કહ્યું. આળવારોએ માગ્યું: “હે, પ્રભો! અમને આપનું નિરંતર સ્મરણ રહે અને અમે આપનાં ગુણગાન ગાયા જ કરીએ.”

ભગવાન વર આપતાં બોલ્યાં: “તમે મને પ્રેમપાશમાં બાંધી દીધો છે. હું તમારા હૃદયને છોડીને ક્યાં જઈ શકું એમ છું?”

ત્રણે આળવાર ભક્તોએ ભગવાનના મહિમાનાં સો-સો પદ (કુલ ૩૦૦ પદ) ગાયાં. એ પદ “જ્ઞાન-પ્રદીપ” નામથી ઓળખાય છે, અને ઋગ્વેદના સારભૂત મનાય છે.

આ ભક્તોએ ગાયું :

ભગવાન સમાન સ્પૃહણીય આ જગતમાં કશું નથી. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, ગ્રહો, દિશાઓ, નક્ષત્રો, વેદ અને વેદના આશય સર્વ કંઈ એ જ છે. નારાયણનું દર્શન કરવું એ જ માનવજીવનનું અંતિમ લક્ષ્ય છે. ધનથી સંતોષ કે સુખ નહિ મળે. એ તો ભગવાનનાં દર્શનથી જ મળે. ભગવાનનો અનુગ્રહ જ પ્રાણીમાત્રની રક્ષા કરી શકે. ભગવાન જ જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાનનું સાધન છે. સાંસારિક વિષયવાસનાઓમાં ભટકતાં મન અને ઈન્દ્રિયોનો નિગ્રહ કરો. એકાંતભાવથી નારાયણને ઉપાસો. ભક્તોને દર્શન દેવા માટે તો ભગવાન સગુણ રૂપ ધારણ કરે છે. એની મધુર ભક્તિમાં જે સુખ અને શાન્તિ છે તે સંસારની નાશવંત વસ્તુઓમાં ક્યાં છે?

ભક્ત જે રૂપ ઈચ્છે છે તે એનું રૂપ છે. જે નામ ભક્તને ગમે છે તે એનું નામ છે. ભક્ત જે રીતે ઉપાસના કરે છે તે રીતે ચક્રપાણિ વિષ્ણુ એના ઉપાસ્ય બને છે.

ભગવાનનું નામોચ્ચારણ કરવા માટે મુખમાં જિહ્‌વા છે, જેને ખોળવાની આવશ્યકતા નથી. જપ કરવા મીઠું ‘નારાયણ’ નામ છે. પોતાની પાસે જ રહેલા સાધન વડે ભગવાનને પ્રાપ્ત કરવાનું છોડીને લોકો દિશાભ્રમથી અવળા માર્ગે કેમ ચાલતા હશે?

જેમ લતા વૃક્ષોનો આધાર ખોળે છે એમ મારું મન પણ ભગવાનનાં ચરણોનો આધાર ખોળે છે. એના પ્રેમમાં જે સુખ છે તે નશ્વર વિષયોમાં ક્યાં છે? પ્રભો! હવે એવી કૃપા કરો કે, મારી વાણી કેવળ તમારું જ ગુણગાન કરે, મારા હાથ કેવળ તમને જ પ્રણામ કરે, મારાં નેત્ર સર્વત્રતમને જ નીરખે, મારા કાન તમારા જ ગુણોનું શ્રવણ કરે, મારું ચિત્ત તમારું જ ચિંતન કરે અને મારા હૃદયને તમારો જ સ્પર્શ થયા કરે.

તપ કરવા માટે પર્વતોમાં જવાની, જળમાં ઊભા રહેવાની કે પંચાગ્નિનો તાપ વેઠવાની કંઈ જરૂર નથી. સર્વેશ્વરનાં ચરણોમાં ભક્તિભાવથી ફૂલ ચડાવીને બે હાથ જોડો, એટલે પાપ પોતે જ, ‘અહીં મારે રહેવાની જગ્યા નથી,’ એમ વિચારીને નાસી જશે.

આ ત્રણે મહાન ભક્ત સંભવત: પાંચમી સદીમાં થયા છે.

Total Views: 163

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.