વેદોનું શૈક્ષણિક મનોવિજ્ઞાન

કર્મ વિચારમાંથી ઉદ્‌ગમ પામે છે. વિશુદ્ધ વિચારો સારા કર્મોમાં પરિણમે છે, જ્યારે અશુદ્ધ વિચારો વિનાશક કૃત્યોમાં પરિણમે છે. મનુષ્ય જેવું વિચારે છે તેવો તે બને છે. તેથી વિશુદ્ધ મનને વિકસિત કરવા, સદ્‌ગુણોનું સર્જન કરવા અને જગતના સર્વ જીવો અર્થે શુભકામનાઓ જગાડવા માટે યથાર્થ શિક્ષણની આવશ્યકતા છે. નિમ્નલિખિત મંત્રો તેના પુરાવારૂપે છેઃ

यज्जाग्रतो दूरमुदैति दैवं
तदु सुप्तस्य तथैवैति।
दूरङ्गमं ज्योतिषां ज्योतिरेकं
तन्मे मनः शिवसंकल्पमस्तु।।
(યજુર્વેદ ૩૪.૧)

અર્થાત્‌

भद्रं नो अपि वातय मन:।
(ઋગ્વેદ ૧૦.૨૦.૧)

અર્થાત્‌ (ઓ અગ્નિ!) વિવિધ પથે અમારાં મનને માર્ગદર્શિત કરો.

आ नो भद्रा: क्रतवो यन्तु विश्वत:।
(ઋગ્વેદ ૧.૮૯.૧)

અર્થાત્‌ સર્વ દિશાઓમાંથી અમારા પ્રતિ શુભ વિચારો આવો.

મનની એકાગ્રતા એ શિક્ષણનું સારતત્ત્વ છે. પ્રતિક્ષણ અસ્થિર થતાં રહેવું એ મનનો સ્વભાવ છે. જ્યારે વ્યક્તિ કોઈ વિષય અંગેનું જ્ઞાન સંપાદન કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે ચંચળ હોવાને કારણે મન પૂરેપૂરું એકાગ્ર થતું નથી. આમ ઉપરચોટિયું જ્ઞાન સંપાદિત થાય છે. પરંતુ જો વ્યક્તિને તેનું મન એકાગ્ર કરીને, જ્ઞાનના વિષય પર અંતરાય વિના કેન્દ્રિત કરવા માટે સક્ષમ બનાવી શકાય તો સંપાદિત થતું જ્ઞાન સર્વગ્રાહી હશે. મનના વિક્ષેપો કાં તો ભૂતકાળની પ્રવૃત્તિઓ અથવા ભવિષ્યની અપેક્ષા સાથે સંબંધિત છે. જો આ બન્ને પ્રકારનાં ચક્રાકાર વલણને ઉદ્‌ભવતાં રોકી શકાય અને મનને વર્તમાન નિર્દિષ્ટ કાર્યમાં એકાગ્રતાપૂર્વક ટકી રહેવા માટે પ્રશિક્ષિત કરી શકાય તો જ મન દ્વારા સંપાદિત જ્ઞાન સર્વગ્રાહી અને ફળપ્રદ બની શકશે. તેથી વેદો કહે છેઃ

यत्ते भूतं च भव्यं च मनो जगाम दूरकम्‌।
तत्त आ वर्तयामसीह क्षयाय जीवसे।।
(ઋગ્વેદ ૧૦.૫૮.૧૨)

અર્થાત્‌ જે કંઈ ભૂતકાળમાં બની ગયું છે અને ભવિષ્યકાળમાં બનશે, ત્યાં દૂર સુદૂર મન દોડી ગયું છે. અમે તેને અમારી સમીપ પાછું બોલાવીએ છીએ જેથી તે સુદીર્ઘકાળ તારી અધ્યક્ષતા હેઠળ રહે.

જો કે વેદોના મતાનુસાર મનની પવિત્રતા અને એકાગ્રતા માત્ર વસ્તુનિષ્ઠ જ્ઞાન સંપાદન કરવાના ઇરાદાથી જ કેળવવાનાં નથી. પરંતુ આત્મલક્ષી જ્ઞાન-સંપાદન માટે પણ તેમ કરવાનું છે. આવું આત્મલક્ષી જ્ઞાન વ્યક્તિને તેના મનોદૈહિક અસ્તિત્વના સ્તરેથી સચેતપણે વિકસિત થવા પ્રતિ દોરી જાય છે જેથી તે પરિણામ સ્વરૂપે પોતાના અમર આધ્યાત્મિક સ્વરૂપને પિછાણે. શિક્ષણ, રાષ્ટ્ર પ્રતિ પ્રેમ અને સત્યનિષ્ઠાને વેદોમાં વિશેષપણે ઉજાગર કરવામાં આવ્યાં છે. પરંતુ આ બધાંનું કેન્દ્રવર્તી વિષયવસ્તુ છે અજ્ઞાન અને યાતનાઓનો અંત.

આપણે આગળ જોયું તેમ, જો કે વેદો સર્વ પ્રકારનું જ્ઞાન વિતરિત કરે છે, વેદો લોકોને સર્વદા પોતાના અમર આધ્યાત્મિક સ્વરૂપની ઓળખ કરવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂકે છે, માત્ર આવી ઓળખ જ પરમ શાંતિ તરફ દોરી જાય છે. આવા સાક્ષાત્કારની ગહનતામાં યથાર્થ જ્ઞાનનો ઉદય થાય છે કે જે જ્ઞાનને માહિતી સંગ્રહ કરતી બુદ્ધિની ઉપરછલ્લી પ્રવૃત્તિઓ સાથે અલ્પમાત્ર સંબંધ છે. વેદોના મત મુજબ યથાર્થ શિક્ષણ આપણને એવા સક્ષમ બનવા પ્રેરિત કરે છે કે જીવન એ મહાન અને ગહન વૈયક્તિક સાહસ છે. અને આપણે અસીમના અંશ છીએ એવા અનંત અમર સ્વરૂપને વિશેષપણે ઉદ્‌ઘાટિત કરવાની નિરંતર અને અસીમિત તકો પણ પૂરી પાડે છે:

विद्ययाऽमृतमश्नुते।
(યજુર્વેદ ૪૦.૧૪)

અર્થાત્‌ વિદ્યા આપણને અમરત્વ પ્રતિ દોરી જાય છે.

જીવન, સત્ય, સૌંદર્ય અને પ્રેમ પ્રતિ આપણાં મન-હૃદયને બંધ કરી દેતાં આપણા અસ્તિત્વની તેજસ્વિતા હણાઈ જાય છે તેથી વેદો આપણને જ્ઞાન- પ્રકાશની પ્રાપ્તિ અર્થે પ્રોત્સાહિત કરે છે જેથી તમસમાં ધકેલાઈ જવાને બદલે આપણે પ્રકાશ પ્રતિ અગ્રસર થઈએ.

गूहता गुह्यं तमो वि यात विश्वमत्रिणम्‌।
ज्योतिष्कर्ता यदुश्मसि।।
(ઋગ્વેદ ૧.૮૬.૧૦)

અર્થાત્‌ અમારી અંદરના પ્રગાઢ તમસને દૂર કરો, સર્વ વિષમય વિચારોને હઠાવી દો અને અમારા ચિરકાંક્ષિત પ્રકાશપુંજને પ્રગટાવો.

असतो मा सद्‌गमय।
तमसो मा ज्योतिर्गमय।
मृत्योर्माऽमृतं गमय।।
(બૃહદારણ્યક ઉપનિષદ ૧.૩.૨૮)

અર્થાત્‌ અમને અસત્યમાંથી સત્ય તરફ દોરી જાઓ, અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાઓ. મૃત્યુમાંથી અમરત્વ તરફ દોરી જાઓ.

ઉપસંહાર

વેદોના પ્રકાશમાં ચર્ચા કર્યા મુજબ શૈક્ષણિક પ્રક્રિયા આત્મસંયમ પર ભાર મૂકે છે, તે જીવનના નિરાશાવાદી પાસાની ચર્ચા કરતા નથી. માનવીય વ્યક્તિત્વને વિશુદ્ધ કરવું અને આપણને જીવનકળામાં દીક્ષિત કરવા એ આત્મસંયમનો મુખ્ય ઉદ્દેશ છે કે જેથી આપણે પૂર્ણ જીવનકાળ જ્ઞાન, શાંતિ અને સમૃદ્ધિની શોધમાં વિતાવી શકીએઃ

पश्येम शरदः शतम्। जीवेम शरदः शतम्।
बुध्येम शरदः शतम्। रोहेम शरदः शतम्।
पूषेम शरदः शतम्। भवेम शरदः शतम्।
भूयेम शरदः शतम्। भूयसीः शरदः शतात्।।
(અથર્વવેદ ૧૯.૬૭)

અર્થાત્‌ અમે ૧૦૦ વર્ષ સુધી જોઈ શકીએ. અમે ૧૦૦ વર્ષ જીવીએ. અમે ૧૦૦ વર્ષ સુધી જ્ઞાનસંપન્ન રહીએ. અમે ૧૦૦ વર્ષ સુધી નિરંતર વૃદ્ધિ પામીએ. અમે ૧૦૦ વર્ષ સુધી પરિપુષ્ટ રહીએ. અમે ૧૦૦ વર્ષ સુધી સંતાન વગેરેના પ્રભાવથી બરાબર સંપન્ન રહીએ. ૧૦૦ વર્ષથી પણ વધારે સમય સુધી અમે જીવીએ.

Total Views: 816

One Comment

  1. Rahulkumar Chandani July 23, 2022 at 12:58 am - Reply

    100% Logical article, No fuss and no fake info, This is the kind of article I want to read.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.