(સ્વામી વિવેકાનંદે જૂન, 1899 થી નવેમ્બર, 1900ની દ્વિતીય વિદેશયાત્રા દરમિયાન અમેરિકાના પશ્ચિમી રાજ્ય કેલિફોર્નિયામાં વેદાંત પ્રચારની શરૂઆત કરી હતી. કેલિફોર્નિયા સ્થિત ત્રણ મીડ ભગિનીઓ—મિસિસ કેરી મીડ વાઈકોફ (Mrs. Carrie Mead Wyckoff), મિસિસ એલિસ મીડ હેન્સબ્રો (Mrs. Alice Mead Hansbrough), અને મિસ હેલન મીડ (Ms. Helen Mead) એમના પ્રધાન અનુયાયીઓ હતાં. સ્વામીજી જાન્યુઆરી, 1900નાં કેટલાંક અઠવાડિયાં સાઉથ પેસેડિના (South Pasadena) નગરસ્થિત એમના ઘરે રોકાયા હતા. મેરી લુઈસ દ્વારા લિખિત અંગ્રેજી પુસ્તક Swami Vivekananda in the West, Vol. 5, પૃ. 255ના આધારે આ લેખની રચના થઈ છે. -સં.)

મીડ ભગિનીઓના ઘરની પાસે એક ગિરિમાળા આવેલી હતી. ઘણીવાર સ્વામીજી મીડ ભગિનીઓ અને જે લોકો તેમના વર્ગોમાં નિયમિત આવતા એમની સાથે ભેગા મળી વનરાજીથી સુશોભિત પર્વત ઉપર વનભોજન માટે જતાં. પણ આ પ્રસંગે ચર્ચા તો બધી આધ્યાત્મિક વિષયો ઉપર જ થતી. ક્યારેક ક્યારેક તેઓ ભેગા મળેલ મિત્રો માટે વેદાંતના વર્ગો પણ લેતા. આવા એક વનભોજન દરમિયાન લેવામાં આવેલ ફોટોગ્રાફમાં આપણે સ્વામીજીને પલાંઠીવાળીને બેઠેલા જોઈ શકીએ છીએ. એની ડાબી બાજુએ મિસિસ હેન્સબ્રો બેઠાં છે અને એમની પાછળ મિસિસ વાઈકોફ ઊભાં છે. એમની ચારે બાજુ એમના વર્ગમાં નિયમિત હાજરી આપનાર બહેનો બેઠાં છે. સ્વામીજી એક નાની ચબરખીમાંથી કંઈક વાંચી રહ્યા છે અને મિસિસ વાઈકોફ પણ જુએ છે કે એમાં શું લખ્યું છે. અમેરિકામાં એક પ્રકારના બિસ્કીટ મળે છે, જેને ચાઈનીઝ બિસ્કીટ કહેવાય છે. આપણે એ બિસ્કીટ તોડીએ તો એમાંથી એક નાનકડી ચબરખી નીકળે, જેમાં આપણું ભવિષ્ય ભાખ્યું હોય. અવશ્ય એમાં બધા શુભ-પ્રસંગો જ લખ્યા હોય. સ્વામીજીના હાથમાં જે ચબરખી છે એ આ પ્રકારના ચાઈનીઝ બિસ્કીટમાંથી નીકળી હોય એવું લાગે છે. કાશ આપણને ખબર હોત કે એમાં સ્વામીજીના ભવિષ્ય વિશે શું લખ્યું હશે! કોઈએ કોટ, શાલ કે ગરમ કપડાં પહેર્યાં નથી, જેનાથી આપણે અનુમાન કરી શકીએ કે શિયાળાનો એ દિવસ એટલો બધો ઠંડો નહીં હોય. મિસિસ હેન્સબ્રો કહે છે કે એ શિયાળો પાંચ વર્ષમાં સૌથી વધુ ખુશનુમા હતો.

પર્વત ઉપર સ્વામીજીએ લીધેલ વર્ગોની કોઈ નોંધ આપણી પાસે નથી, પણ મિસિસ હેન્સબ્રો યાદ કરે છે કે એક વર્ગમાં સ્વામીજીએ જગતમાં બધાને—સારા અને નરસા, શુભ અને અશુભને—એક દિવ્યલીલાના રૂપમાં વર્ણવ્યું હતું.

એક વનભોજન દરમિયાન એક યુવતીએ સ્વામીજીને કહ્યું કે લોકોને સારા બનવાનું શીખવવું જોઈએ. એ સમયે અમેરિકામાં ‘ક્રિશ્ચિયન સાયન્ટિસ્ટ’ નામની એક વિચારસરણી પ્રસિદ્ધ હતી, જેમાં લોકો માનતા કે બધાને સારી વસ્તુઓ શીખવવી જોઈએ. લાગે છે કે આ બહેન પણ આ વિચારસરણીથી પ્રભાવિત થયા હશે. સ્વામીજીએ મુસ્કાન સહિત કહ્યું:

“હું ‘સારો’ બનવા માટે શું કામ ઇચ્છું? આ સમસ્ત જગત એમની (ઈશ્વરની) જ હસ્તકલા છે. જો તમે કોઈ વ્યક્તિને સુધારવા માગતા હો તો એની સાથે જઈને રહો, એને ખાલી ઉપદેશો આપવાથી નહીં ચાલે. જો તમારામાં દિવ્ય જ્યોતિ જલતી હશે તો લોકોમાં પણ એ જ્યોત પ્રગટી ઊઠશે.”

અહીં સ્વામીજી કહેવા માગે છે કે માત્ર ઉપદેશ આપવાથી કોઈનું જીવન પરિવર્તિત ન થાય. જેમ શ્રીરામકૃષ્ણદેવની સાથે રહીને સ્વામીજી સહિત અન્ય યુવા શિષ્યોએ ત્યાગ ને તપસ્યાનો માર્ગ ગ્રહણ કર્યો હતો, એમ એક દિવ્ય જીવન જ બીજું દિવ્ય જીવન તૈયાર કરી શકે.

પર્વતશિખર ઉપર વનભોજન કરતા અને વેદાંતના વર્ગ લેતા સ્વામી વિવેકાનંદ

ચાલો આપણે પણ એ લીલીછમ ઘાટીઓ અને હિમશિખરથી ઘેરાયેલ પર્વતમાળા પર જતા રહીએ જ્યાં બેસીને યુગાચાર્ય સ્વામી વિવેકાનંદ વેદાંત શીખવતા. એમની દિવ્ય ઉપસ્થિતિ આપણને ચેતનાના એક ઉચ્ચસ્તરે સ્થાપિત કરી દેશે અને એમની દિવ્ય જ્યોતિથી આપણો પણ હૃદયદીવડો પ્રજ્જ્વલિત થઈ ઊઠશે.

મિસિસ હેન્સબ્રો કહેતાં, “જેવો સ્વામીજીની વાત ચાલુ થતાં થોડો સમય થતો એવું જ વાતાવરણ આધ્યાત્મિક ઊર્જાથી પરિપૂર્ણ થઈ જતું.”

એક દિવસે સ્વામીજી એક વિષય ઉપર બોલતાં બોલતાં એ વિષયમાં એવા મગ્ન થઈ ગયા કે તેઓ સવારના દસથી સાંજના ચાર વાગ્યા સુધી, કોઈ ખલેલ વગર, સતત છ કલાક સુધી બોલતા રહ્યા.

મિસિસ હેન્સબ્રો કહે છે, “એમણે બોલવાનું સમાપ્ત કર્યું ત્યાં સુધીમાં તો હવા આધ્યાત્મિકતાથી ઝંકૃત થઈ ગઈ હતી.”

જો વનભોજન દરમિયાન પર્વત-શિખર ઉપર આધ્યાત્મિકતાનો વાયરો વાતો હોય તો અનુમાન કરો કે સ્વામીજી જ્યાં રોકાયા હતા એ મીડ ભગિનીઓનું ઘર કેવું શિવધામ કૈલાશમય બની ગયું હશે! મીડ ભગિનીઓ કહેતાં, “જાણે કે ઇશુ ખ્રિસ્ત સ્વયં એમની સાથે રહેતા હોય. સ્વામીજી ઝંઝાવાતની જેમ કાર્યરત હોય કે મિત્રો સાથે વિનોદપૂર્ણ શાંતિમય ક્ષણો વિતાવતા હોય, એમના અંતર-મનની ગહેરાઈ તો દિવ્યજ્ઞાનની પ્રશાંતિમાં તરબોળ રહેતી. સમયે સમયે ચેતનાના આ મહાસાગરમાંથી તેઓ એવાં વૈચારિક રત્નો શોધીને પોતાના શિષ્યોની સમક્ષ રજૂ કરતા કે એ સાંભળીને શિષ્યોના જીવનનો સૂર બદલાઈ જતો, એમના માથાનો બોજો હળવો થઈ જતો, અને ચારે બાજુ આધ્યાત્મિકતાની સુવાસ પ્રસરી જતી.

આટલી ઉચ્ચ કક્ષાના સંત હોવા છતાં સ્વામીજીનો વ્યવહાર સહજ અને સરળ પ્રતીયમાન થતો. કેટલાક કહેવાતા સંતોની જેમ તેમને અતિ ગંભીર કે અતિ કઠોર ક્યારેય જોવામાં નહોતા આવતા. તેઓ તો જાણે કે હતા મીડ ભગિનીઓના પોતિકા ભાઈ. મિસિસ હેન્સબ્રો કહે છે:

“સ્વામીજી અમારી સાથે અતિ આત્મિયતાપૂર્ણ વર્તન કરતા. તેઓ અમારા કરતાં અતિ ઉચ્ચ આસને વિરાજિત છે, એવું એમણે અમને ક્યારેય અનુભવવા નથી દીધું. કેટલાક લોકોને તેઓ અળગા લાગતા પણ મને તો એવું ક્યારેય લાગ્યું નથી. મને તો લાગતું કે મારો એમની સાથે ઘનિષ્ઠ સંબંધ છે—જેમને હું ઘણા સમયથી મળી ન હતી, જેમની હું ઘણા સમયથી રાહ જોઈ રહી હતી. મને લાગતું હતું કે હું મારી કમર પર નહીં પણ મારા હૃદય પર એક ભાર ઉપાડીને ફરું છું. સ્વામીજીને મળ્યા બાદ જ્યારે આ ભાર હલકો થઈ ગયો ત્યારે જ મને સમજાયું કે આ ભાર મારા હૃદય પર એટલા લાંબા સમયથી છે કે આ ભાર છે એવી સમજ પણ મેં ગુમાવી દીધી હતી.”

તેઓ આગળ કહે છે,

“અમારું ઘર છોડતાં પહેલાં એક દિવસ સ્વામીજીએ કહ્યું કે હું જ્યાંથી પણ વિદાય લઉં છું ત્યાં મારી કોઈ વસ્તુ રાખીને જાઉં છું. જ્યારે હું તમારા ઘરેથી વિદાય લઈશ ત્યારે મારી આ પાઈપ (ચિલમ) અહીં રાખીને જઈશ. તેઓ પોતાની પાઈપ ભોજનકક્ષના ફાયર-પ્લેસ (શિયાળામાં ગરમી માટે સળગાવવામાં આવતો ચૂલો)ની ઉપર રાખીને ગયા. અમે ઘણા લાંબા સમય સુધી એ પાઈપ ત્યાં જ એમના સંભારણા-સ્વરૂપ રાખી મૂકી હતી. એક દિવસ મિસિસ વાઈકોફે એ પાઈપ પોતાના હાથમાં ઉઠાવી. તેઓ શારીરિક પીડા અને વ્યક્તિગત સમસ્યાઓનો સામનો કરી રહ્યાં હતાં. છેલ્લા થોડા સમયથી તો પીડા અસહનીય બની ગઈ હતી અને તેઓ નિરાશામાં ગરકાવ થઈ ગયા હતાં.

“જ્યારે એમણે સ્વામીજીની પાઈપ પોતાના હાથમાં પકડી સાથે જ એમને સ્વામીજીનો અવાજ સંભળાયો, ‘શું તમને ખૂબ કષ્ટ થાય છે, બહેન?’ કોઈક કારણોસર મિસિસ વાઈકોફે એ પાઈપ પોતાના કપાળ ઉપર ઘસી. સાથે જ એમની બધી પીડા દૂર થઈ ગઈ અને એમનું મન આશા અને સ્વસ્થતાથી ભરાઈ ગયું. અમને લાગ્યું કે હવે આ પાઈપ મિસિસ વાઈકોફની પાસે જ રહેવી જોઈએ. હજુ પણ આ પાઈપ એમની પાસે જ છે.” આજે આ પાઈપ વેદાંત સોસાયટી, દક્ષિણ કેલિફોર્નિયામાં સયત્ને સંગ્રહિત છે.

Total Views: 797

2 Comments

  1. Atul Jani (Agantuk) July 19, 2022 at 4:07 am - Reply

    જાણે કે આપણે પોતે પણ વનભોજન મા હાજર હોઈએ તેવું લાગ્યું. સમગ્ર વિશ્વના માનવો સાથે ભાતૃ ભાવ અનુભવતા સ્વામીજીને મીડ બહેનો પોતાના ભાઈ જેવા જ અનુભવે તે સ્વાભાવિક છે.

    જય સ્વામીજી

  2. Darshan Shah July 19, 2022 at 3:24 am - Reply

    Pls don’t ask for comment…who are we and what are we to comment on swamiji’s words…

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.