શ્રીમદ્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે.

પ્રાચીન ઋગ્વેદમાંથી આવતાં, શ્રીકૃષ્ણ અને ‘ગીતા’ના સંદેશથી પરિપુષ્ટ થયેલાં, પંથો અને ધર્મોની સંવાદિતાનાં સત્યો અને સંદેશો માત્ર કંઇ આપણા સાધુસંતો આગળ આવીને જ નથી અટકી ગયાં. એ બધાં લોકોમાં પ્રસર્યા કર્યા છે, અને લોકો પર, આપણા સમાજ પર, આખા ભારત વર્ષમાંના સામ્રાજ્યો અને નાનાં રાજ્યોના રાજકીય ચિંતન પર અને આપણી રાજનીતિ પર એની સારી એવી અસર પડ્યા કરી છે. ભારતના બધા સંપ્રદાયોની પ્રજાને મળેલો આ મોટો વારસો છે. દરેક ધર્મ માટે આદર અને સમજશક્તિ અને સંવાદિતાનો ભાવ તેમ જ આંતર સમુદાયોના વ્યવહારમાં પણ એ જ ફળદાયી વલણ ઇસુની પહેલી સદી પછીથી ભારતમાં આવવા માંડેલા પરધર્મોનું સ્વાગત આ વલણ અને નીતિએ કર્યું હતું. હું પરધર્મોની વાત કરું છું, તેનો અર્થ ભારતની બહાર ઉદ્‌ભવેલા યહૂદી, ખ્રિસ્તી, ઇસ્લામ, બહાઇ, વગેરે ધર્મો છે. પરંતુ આજે એ બધા અહીંના ધરતીજાયા જેવા બની ગયાં છે. અને ધીમે ધીમે ભારતીય પર્યાવરણથી પ્રભાવિત થતા જાય છે.

પરંતુ એ બધાનું ભારતમાં આગમન થયું ત્યારે એમનું આગમન કેવા આદરથી કેવા સ્વાગતથી થયું હતું! બીજે ક્યાંય એનો જોટો સાંપડતો નથી.

આવું પ્રથમ આવેલું ટોળું યહૂદીઓનું હતું. કેરળમાં એમને સારો આવકાર આપવામાં આવ્યો હતો. આનું મૂલ્ય સમજવા માટે, રોમન ત્રાસવાદ હેઠળ ઇ.સ. ૭૦માં યરુસલેમનું એમનું દેવળ નાશ પામ્યું તે પછી તેઓ બીજે જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તેમના ઉપર જુલમ ગુજારવામાં આવ્યો હતો તે આપણે યાદ રાખવું જોઇએ. અને યહૂદીઓનો જે સમુદાય અહીં આવ્યો તે અહીં આપણી સાથે જ રહ્યો છે, એમના પ્રત્યે આપણે આદરમાનથી જોઇએ છીએ અને એ લોકોને પોતાનાં ધર્મસંસ્કૃતિને છૂટથી અનુસરવા દેવામાં આવે છે. માનવ-ઇતિહાસનું એ એક આગળ તરી આવતું પાસું છે. જે ધર્મ અને જે લોકો પ્રત્યે આખી દુનિયામાં કેર વરતાવવામાં આવ્યો અને ખ્રિસ્તી યુરોપે જેનો બે હજાર વરસથી તિરસ્કાર કર્યો છે તેને માત્ર ભારતમાં જ માન આદર સાંપડ્યો. જગતના ઇતિહાસની આ નોખી તરી આવતી અને અનન્ય ઘટના છે. અને ભારતના ઇતિહાસનું આ એક ઉજ્જવળ પાસું છે. એ જ રીતે, ઇસુ પછીની પહેલી સદીમાં, પરંપરાગત માન્યતા અનુસાર ઇસુના નિજી શિષ્યના વડપણ હેઠળ, એ જ કેરળમાં ખ્રિસ્તીઓ આવ્યાં. સંત થોમસ સાથે આવેલા આ વૃંદ પછી, પછીની સદીઓમાં બીજાં વૃંદો આવ્યાં. એ સૌને પણ એવો જ આવકાર સાંપડ્યો હતો. વિવિધતામાં એકતાનાં આપણાં દર્શન અને તત્ત્વજ્ઞાનની જ્યોત હેઠળ, આપણો દેશ સદાય અનેક ધર્મોનો દેશ રહ્યો છે. અને દરેક ધર્મને માટે દેશમાં આદર સેવવામાં આવ્યો છે. વેદના એક સ્તોત્ર ‘પૃથ્વીસુક્ત’ના એક પ્રખ્યાત મંત્રમાં આ સત્ય પોકારાયું છે. ‘અથર્વવેદ’ -(૧૨-૧-૪૫)

जनान्बिभर्ति बहुधा विवचसाम्
नाना धर्माणां पृथिवी यथौकसाम् ।
सहस्त्रं धारा द्रविणस्य मे दुहम्
ध्रुवेव धेनुः अनपस्फुरन्ति

પોતાનાં રુચિ અને વલણ અનુસાર ભિન્ન ભાષાઓ બોલતાં અને ભિન્ન ધર્મ પાળતા ભિન્ન ભિન્ન લોકોને ધારણ કરતી આ પૃથ્વી એક ઘર છે. (દોહવાની વખતે) સ્થિર ઊભેલી ગાયની જેમ દ્રવ્યની અને કલ્યાણની સહસ્ર ધારાઓ દ્વારા એ આપણને સમૃધ્ધ કરી રહી છે.

ભગવાનને નામે કે, કોઇ આધ્યાત્મિક ગુરુને નામે, આ દેશમાં આવતી કોઇ પણ વ્યક્તિ અહીં સન્માન પામે છે. આ સંદર્ભમાં, પછીથી નવમી સદીમાં બનેલી ઘટના સૌથી વિશેષ ધ્યાન ખેંચે તેવી છે. તે છે ઇરાનમાંથી જરથોસ્તીઓનું, પારસીઓનું આગમન. તેઓ ધાર્મિક અને સાંસ્કૃતિક નિરાશ્રિતો હતા. ૧૧મી સપ્ટેમ્બર, ૧૯૮૩ના, શિકાગોની વિશ્વધર્મ પરિષદમાંના, પોતાના પ્રથમ વ્યાખ્યાનમાં સ્વામી વિવેકાનંદે કહ્યા પ્રમાણે એ હતા, “મહાન જરથોસ્તી રાષ્ટ્રનો શેષ! ભારતમાંના એમના સ્વીકાર પાછળની ભાવના અને તેની પધ્ધતિનો અભ્યાસ આપણને બોધદાયક છે. એક પારસી વિદ્વાન શ્રીમતી પીલુ નાણાવટીએ લખેલા ને નવી દિલ્હીના નેશનલ બુક ટ્રસ્ટે પ્રકાશિત કરેલા, ‘ધી પારસીઝ’ નામના પુસ્તકમાં એ કથા આકર્ષક રીતે કહેવાઇ છે. એ પુસ્તક વાંચી હું ખૂબ અભિભૂત થયો હતો. આપણા ગુજરાત રાજ્યને પશ્ચિમ કાંઠે પારસી નિરાશ્રિતો લાંગર્યા. અને તેમને માથે શું વીત્યું તેનું હૃદયસ્પર્શી વર્ણન એ પુસ્તકમાં છે. (૧૯૮૦ની આવૃત્તિ, પૃ. ૩૮-૪૦)

“આરબોની સત્તા હેઠળ ઇરાનિયનોને પરાણે મુસલમાન બનાવવામાં આવતા હતા, જેઓ પોતાના પ્રાચીન ધર્મને વળગી રહ્યા, તેમના ઉપર જુલમ કરવામાં આવ્યો, અને તેઓ ખોરાસાન પ્રાંતમાં, કોહિસ્તાનના પહાડોમાં નાસી ગયા. પરંપરા અનુસાર તેઓ ત્યાં એક સૈકો રહ્યા પછી તેઓ ઇરાનના અખાતને કાંઠે આવેલા હોરમઝ બંદરે આવ્યા, જ્યાં તેઓ પંદર વર્ષ રહ્યા હોવાનું કહેવાય છે. પછી તેઓ સાત જંગ (વહાણમાં) બેસી (રેવ. હેન્રી લોર્ડે ૧૬૩૦ના લખાણમાં જણાવ્યા પ્રમાણે) સૌરાષ્ટ્રને દક્ષિણ કાંઠે આવેલા દીવના ટાપુમાં આવ્યા ત્યાં ઓગણીસ વર્ષ રહ્યા પછી, ફરી તેઓ વહાણે ચડી, ગુજરાતને પશ્ચિમ કાંઠે આવેલા માછીમારોના નાના ગામ સંજાણ, ઇ.સ.૭૮૫ની આસપાસ આવ્યા, ત્યાંના હિંદુ રાજા જાદી કે જાદવ રાણાએ તેમને આશ્રય આપ્યો.

બેહમાન કૈકોબાદના જણાવ્યા પ્રમાણે, સંજાણની ધરતી ઉપર વસવાટ કરવા દેવા માટે પારસીઓ જાદી રાણા પાસે અનુમતિ માગવા આવ્યા ત્યારે રાણાએ પાંચ શરતો લાદી. એ હતી: ઇરાનથી ભારત સુધી આતશ બહેરામને લાવનાર અને પારસી નિરાશ્રિતોને સાથ આપનાર વડા ધર્મગુરુએ રાણાને જરથોસ્તી ધર્મની સમજણ આપવી; એ લોકોએ ગુજરાતીને પોતાની માતૃભાષા તરીકે સ્વીકારવી; પારસી સ્ત્રીઓએ સાડી પહેરવાનું અપનાવવું, બધાં શસ્ત્રો સોંપી દેવાં; અને છેલ્લું, પારસીઓના લગ્નના વરઘોડા રાતે અંધારામાં કાઢવા. આ છેલ્લી શરત, કદાચ, નિરાશ્રિતોએ જ અરજ કરી માગી હોય, જેથી પોતાની કોમ તરફ પરકોમોનું લક્ષ ન જાય.

પારસી નિરાશ્રિતો અને જાદવ રાણાના મિલનના આ વૃત્તાંત કરતાં અનેક ગણો જીવંત વૃત્તાંત ગુજરાતી ગરબાઓમાં જોવા મળે છે. આ ગરબાઓના રચયિતા પારસી છે અને ‘નવજોત’ના કે લગ્નના આનંદદાયક પ્રસંગોએ પારસી સ્ત્રીઓ આ ગરબાઓ ગાય છે. પદ્ય રૂપમાં ગવાતી એ કથા હું અહીં ગદ્ય રૂપમાં આપું છું.

જાદવ રાણાએ એક ઢંઢેરો બહાર પાડી બધા નાગરિકોને એક ખુલ્લા મેદાનમાં એકઠા થવા ફરમાવ્યું. કિનખાબથી છવાયેલા સિંહાસને રાજા આરૂઢ થયા. એનો રાજવી પોશાક ભપકાદાર હતો. એણે માથે ભપકાદાર પાઘડી બાંધી હતી અને ભરત ભરેલ મખમલના જોડા પહેર્યા હતા. એની આસપાસ શ્વેત વસ્ત્રધારી અને ચમકતાં ભાલાંથી સજ્જ એના અંગરક્ષકો હતા.

જાદવ રાણાએ સંકેત કરતાં પારસી નિરાશ્રિતોને ત્યાં, સભાની વચમાં, આણવામાં આવ્યા. એમનો દુર્બળ વૃદ્ધ મોબેદ, આતશ બહેરામના અફરદાન હાથમાં ધારણા કરી ઊભો હતો. તે એક દુભાષિયા દ્વારા બધા નિરાશ્રિતો વતી બોલતો હતો.

જાદવ રાણાએ પૂછ્યું, ‘દૂર દેશથી આવેલા હે પરદેશીઓ , અમારી પાસેથી તમે શું માંગો છો?”

“મહારાજ, અમારો ધર્મ અનુસરવાની સ્વતંત્રતા” વૃદ્ધ મોબેદે કહ્યું.

“તે આપી. બીજું તમે શું ઇચ્છો છો?”

“અમારાં બાળકોને અમારી રૂઢિપરંપરા અનુસાર ઉછેરવાની સ્વતંત્રતા.”

“…આપી. બીજું વધારે શું જોઇએ?”

“જેમની વચ્ચે અમે વસીએ તેમની ઉપર બોજારૂપ ન થઇએ એ માટે ખેડી ખાવા માટે જમીનનો ટુકડો.”

“આપ્યો. એના બદલામાં જે દેશમાં તમે વસવાટ કરશો, તેને માટે તમે શું કરશો?”

વૃદ્ધ મોબરે દૂધથી ભરેલો પિત્તળનો એક કટોરો ત્યાં સભામાં લાવવાની માંગણી કરી. એ લાવવામાં આવ્યો. તે મોબેદે એક ચમચો ખાંડ તેમાં નાખી હલાવીને તે એકરસ કર્યું પછી પોતાના ધ્રૂજતા હાથમાં તે કટોરો ઉપાડી તેણે પૂછ્યું

“દૂધના આ કટોરોમાં કોઇને ખાંડ દેખાય છે?” સભામાં સૌએ ડોકું હલાવ્યું.

“મહારાજ, આપની માનવતાના દૂધમાં, અમે સૌ ચપટી ખાંડના માફક ભળી જવા પ્રયત્ન કરીશું.”

સભાજનોમાં સંમતિ સૂચક ગણગણાટ થયો. પછી મોબેદ તરફથી સંકેત થતાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો સહિતના બધા નિરાશ્રિતોએ ત્યાં દંડવત પ્રણામ કર્યાં. દરેકે ધરતીની મૂઠી ભરી અને આંસુ નીતરતી આંખે તેને કપાળે ને આંખે લગાડી લીધી.

પછી એ નિરાશ્રિતોએ પોતાના હાથ-મોં ધોયાં અને સૂર્યાભિમુખ વળી સૌએ ‘કુસ્તીની બંદગી’ કરી અને ‘કુસ્તી સંસ્કાર’ કર્યા.

ભારતીય સમાજ અને સંસ્કૃતિના વચને, પારસીઓ વડે અર્પાતી રહેલી આ શાંત મધુરતા છેલ્લાં બારસો વર્ષના ઇતિહાસમાં કેટલી સાચી પુરવાર થઇ છે! બે સંસ્કૃત પ્રજાઓનો સંગમ થાય ત્યારે, આવું જ નિષ્પન્ન થાય. દુનિયાના બીજા કોઇ પ્રદેશમાં આનો જોટો છે?

ભારતની સંસ્કૃતિનું સ્વરૂપ કેવું છે, એ સંસ્કૃતિની ભાવના કઇ છે અને એની પાછળનું શાણપણ ક્યું છે તે આજની યુવા પેઢીએ સમજવું જ જોઇએ. આજે આપણી પાસે તે નથી, એની ઝાંખી આપણું શિક્ષણ કરાવતું નથી. એથી આપણે આડે માર્ગે ચાલીએ છીએ. આપણા વલણો અ-ભારતીય અને આપણા પ્રતિભાવો અ-હિંદુ બની ગયા છે, આપણે આ સમજવું જોઇએ કે બુદ્ધની અને એમના આંદોલનની પાછળ આ સંવાદિતાના વિચારનું કાર્યરત સહિષ્ણુતાનું, સમજદારીનું અને સ્વીકૃતિનું આ વિસ્તૃતીકરણ આવ્યું હતું. એક જ શાસન બે, ત્રણ કે વધારે ધર્મોને સહાય કરે, આદર અને માન આપે અને તે દરેકને ટેકો આપે તેવું બનતું.

ઇસુ પછીની સાતમી સદીમાં ચીની યાત્રી યવન ચાંગ ભારત આવ્યો ત્યારે તેણે આ ભાવનાને આપણા સમાજમાં વ્યાપ્ત થયેલી જોઇ હતી. નાલંદા જેવી વિદ્યાપીઠોને પોષતા ભારતને તેણે ‘જ્ઞાનની મહાન ભૂમિ’ તરીકે જોયો. એણે ત્યાં કેટલોક સમય ગાળ્યો હતો, આયુર્વેદ અને શલ્ય ચિકિત્સાના ક્ષેત્રો જ્યાં ખૂબ વિકસ્યાં હતાં એવી, હાલના પેશાવર નજીક તક્ષશિલા નામની બીજી વિદ્યાપીઠ પણ હતી. આપણો દેશ જ્ઞાનને વરેલો છે. કેટલાંક હજાર વર્ષો સુધી આમ ચાલ્યું હતું. પણ પછીથી એમની સર્જકતા મંદ પડી, સ્થગિતતા આવી અને માઠા દિવસો આવ્યા. લાંબુ જીવીએ તો જીવનમાં ચડતી-પડતી બેઉ અનુભવવી પડે. રાષ્ટ્ર તરીકે આપણી આવરદા લાંબી છે. એટલે, આપણે ઘણી ચડતી-પડતી ખૂબ સમૃદ્ધિ, પછી વિપત્તિ, રાજકીય એકતા અને સત્તા પછી રાજકીય વિભિન્નતા અને દેશનું નાના નાના ટુકડાઓમાં વિભાજન, અને પછીની સદીઓમાં પરદેશી આક્રમણોને નિમંત્રણ, પરદેશી હુમલાઓનો સામનો કરી શકે એવું બળવાન શાસન દેશમાં રહ્યું ન હતું. આજના યુગમાં ઇ.સ. ૧૦૦૦ પછીના આપણા ઇતિહાસમાંથી આપણે એ ખાસ શીખવાનું છે.

ભાષાંતર : શ્રી દુષ્યત પંડ્યા

(‘પ્રબુદ્ધ ભારત’માંથી સાભાર)

Total Views: 185

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.