(ડિસેમ્બરથી આગળ)

પુનર્જન્મનો વ્યાવહારિક પક્ષ : કર્મવાદ :

આ રીતે, પુનર્જન્મના સૈદ્ધાંતિક પક્ષને વૈજ્ઞાનિક દૃષ્ટિથી પુષ્ટ કરીને હવે આપણે એના વ્યાવહારિક પક્ષ ઉપર પણ થોડોક વિચાર કરી લઈએ. આ વ્યાવહારિક પક્ષ, એ કર્મનો પક્ષ છે. કર્મ અને પુનર્જન્મનો એકબીજા સાથે અવિચ્છેદ્ય સંબંધ છે. આપણો વર્તમાન જન્મ આપણા પાછલા જન્મનાં કર્મો દ્વારા નિયંત્રિત થયેલો હોય છે; અને આપણો આવનારો જન્મ, આ વર્તમાન જન્મનાં કર્મો દ્વારા નિયંત્રિત થશે. કર્મના આ સિદ્ધાંત વગર તો પુનર્જન્મનો સિદ્ધાંત ટકી શકે એમ નથી. વળી, એ સિદ્ધાંતને માન્યા વગર જગતમાં રહેલી વિષમતાની વ્યાખ્યા પણ આપણે કરી શકતા નથી. મનુષ્યેતર યોનિઓની વિષમતા તો જીવનપ્રવાહમાં રૂઢ થઈ રહેલી છે; પણ માનવ-માનવ વચ્ચેના પરસ્પર અંતરને કેવળ કંઈ એ જીવનપ્રવાહ ઉપર જ છોડી દઈ શકાય નહિ. કારણ કે મનુષ્યેતર યોનિઓમાં તો સહજવૃત્તિ (Instinct) જ મુખ્ય છે. જ્યારે મનુષ્યમાં બુદ્ધિવૃત્તિ (Intellect) ની પ્રધાનતા હોય છે. સહજવૃત્તિથી થતી ક્રિયાઓ (Instinctive activities)માંથી કોઈ સંસ્કાર ઉત્પન્ન થતા નથી, પણ બુદ્ધિવૃત્તિથી થતી ક્રિયાઓથી મનમાં સંસ્કાર ઉત્પન્ન થાય છે અને મનુષ્ય તો બુદ્ધિવૃત્તિથી યુક્ત ક્રિયાઓ જ કરે છે. ફક્ત ગાંડા માણસો જ આ વાતનો અપવાદ છે. આપણે જે કોઈ કાર્ય કરીએ છીએ, તે સૂક્ષ્મ રૂપ ધારણ કરીને અંત:કરણમાં સંસ્કારના રૂપમાં ટકી રહે છે; આપણું કોઈ પણ કર્મ નાશ પામતું નથી. આપણું સામાન્યમાં સામાન્ય કર્મ પણ સંસ્કારના સ્વરૂપે બાકી બચી જ રહે છે. આ કર્મસંસ્કાર કંઈ કર્મના બાહ્ય રૂપ પ્રમાણે બનતા નથી. એ તો તે કર્મની પાછળ રહેલી ભાવના અનુસાર જ બન્યા કરે છે. દાખલા તરીકે, એક સર્જન (શલ્યચિકિત્સક)ના મેજ પર એક છરી પડી છે. એકાએક એક ડાકુ ધસી આવે છે, અને એ છરીથી કોઈકનો હાથ કાપી નાખે છે, અને એની પાસે જે કંઈ પૈસાબૈસા હોય, તે લૂંટી લે છે. હવે થોડા વખત પછી એક દરદી આવે છે. એના હાથમાં એક ઝેરી ઘા લાગી ગયો છે, અને એ દરદીનો જીવ બચાવવા માટે પેલો સર્જન એ જ છરીથી દરદીનો હાથ કાપી નાખે છે. હવે ઉપરછલ્લી નજરે જોઈએ તો તો આ બંને કર્મ એકસરખાં જ દેખાય છે, બંને સ્થિતિમાં એક જ છરીથી હાથ કાપવામાં આવે છે; તો શું એ બંનેનું ફળ પણ એકસરખું જ હોઈ શકે? નહિ જ. પહેલી વ્યક્તિને-ડાકુને-સજા થશે અને બીજી વ્યક્તિ-સર્જન-ને પુરસ્કાર મળશે. બંનેનાં ફળમાં જે ફરક પડે છે, એનું કારણ તે તે કર્મની પાછળ રહેલી ભાવનાનો ફરક છે. પેલા ડાકુના કર્મની પાછળ માણસના પ્રાણ લઈ લેવાની ભાવના છે, જ્યારે સર્જનના કર્મમાં માણસને બચાવવાની ભાવના છે. પહેલો દુ:ખ દેવા ઈચ્છે છે અને બીજો સુખ આપવા ચાહે છે. જેવી રીતે બે વ્યક્તિઓ એક વિધવાને મદદ કરે છે, એમાંની એક વ્યક્તિના મનમાં વાસના છે અને બીજી વ્યક્તિ શુદ્ધ સેવાભાવનાથી વિધવાને મદદ કરે છે. ઉપરછલ્લું જોઈએ તો તો આ બંનેનું સહાયતારૂપ કર્મ એકસરખું જ લાગે છે, પરંતુ એની પાછળ રહેલી ભાવનાના અંતરને કારણે એ બંનેનાં કર્મ અલગ અલગ સંસ્કારોને ઉત્પન્ન કરે છે. વાસ્તવમાં કર્મ પાછળની ભાવના જ કર્મસંસ્કારને ઉત્પન્ન કર્યા કરે છે. કોઈ વ્યક્તિ પોતાને ચાલાક માનીને દુનિયાના બધા લોકોને છેતરી શકે છે, પણ એ પોતે પોતાને છેતરી શકતી જ નથી. ઉપર ઉપરથી એ કોઈ એવી ક્રિયા કરી શકે છે કે જે નિ:સ્વાર્થ દેખાતી હોય, પણ એનું અંત:કરણ તો એ પૂરેપૂરું સમજતું હોય છે કે, એ ક્રિયાની પાછળ કઈ ભાવના કામ કરી રહે છે! આપણું મનોયંત્ર એટલું બધું સંવેદનશીલ (Sensitive) અને ખરું-સ્પષ્ટ (Precise) હોય છે કે એક જરા જેટલું સ્પંદન પણ એમાં અંકિત (record) થઈ જાય છે. આપણે ક્યારેક ક્યારેક ભલેને પોતાને છેતરવાના કેટલાક પ્રયત્નો કરીએ. પણ હકીકતમાં ક્યારેય આપણે પોતાને છેતરી શક્તા નથી. ભલે આપણે મનને આડીઅવળી ભ્રમણાના ગૂંચવાડામાં નાખીને કંઈક અનુચિત કાર્ય કરી લઈએ, પણ એ કાર્યનો જે સંસ્કાર બાકી રહ્યો હશે, એમાં તો એ કાર્ય પાછળની આપણી ખરેખરી ભાવનાનું જ અંકન થયું હશે, પેલી દેખાડો કરનારી ભાવનાનું નહિ.

સંસ્કારોના ત્રણ પ્રકાર : સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ

જેવી રીતે કર્મના સંસ્કાર બનતા રહે છે, તેવી જ રીતે મનમાંથી ઊઠતા રહેતા વિચારોના પણ સંસ્કારો બનતા રહે છે. આ બધા સંસ્કારો અંત:કરણમાં જ્યાં ભેગા મળે છે, એને ‘ચિત્ત’ કહેવામાં આવે છે. આ ચિત્તમાં જેવી રીતે આ ચાલુ જન્મમાં બનતા સંસ્કારો આવીને જમા થઈ જાય છે, એવી જ રીતે જન્મજન્માંતરના બનેલા સંસ્કારો પણ સંચિત હોય છે. એક કલ્પના કરો કે, એક મનુષ્ય આજે મૃત્યુના મોંમાં ચાલ્યો ગયો. મરણ પહેલાં બરાબર થોડેક વખતે એના ચિત્તમાં ભેગા થયેલા સંસ્કારોનો એક પ્રબળ ભાગ જાણે કે એના ચિત્તરૂપી ખજાનામાંથી છૂટો પડી જાય છે. આ અલગ થયેલો સંસ્કારસમૂહ જ ‘પ્રારબ્ધ’ને નામે ઓળખાય છે, અને એ મનુષ્યના આવતા, હવે પછીના જન્મનું કારણ બને છે. હવે ચિત્તમાં જે બાકીનો સંસ્કારસમૂહ બચેલો પડ્યો હોય છે, એને સંચિતને નામે ઓળખવામાં આવે છે. પેલા પ્રારબ્ધ દ્વારા જ્યારે નવો જન્મ પ્રાપ્ત થાય છે ત્યારે વળી એ નવા જન્મમાં પાછા સંસ્કાર બનતા રહે છે. આ સંસ્કારોને ‘ક્રિયમાણ’ કહેવામાં આવે છે. આ રીતે કર્મસંસ્કારોની આ ત્રણ શ્રેણીઓ થઈ: સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ. પ્રારબ્ધથી નવું શરીર મળે છે, અને પ્રારબ્ધ જીર્ણ થઈ જાય એટલે શરીરનું મૃત્યુ થાય છે. ભલે પછી એ વખતે શરીર શૈશવ અવસ્થામાં હોય કે કિશોરાવસ્થામાં કે પછી તરુણાવસ્થામાં હોય! પ્રારબ્ધ ક્યારે જીર્ણ થાય છે, એ આપણે જાણી શક્તા નથી, એટલે કોઈનું કાચી ઉંમરમાં મૃત્યુ થઈ જાય, ત્યારે આપણે ઘણું કરીને એમ બોલી ઊઠીએ છીએ કે ‘અરે, એનું તો અકાળે અવસાન થઈ ગયું.’ પણ તાત્ત્વિક દૃષ્ટિથી જોઈએ તો, અકાળ મૃત્યુ જેવી કોઈ વસ્તુ જ નથી. ગમે તે મૃત્યુ થાય, તે પોતાના કાળમાં જ થતું હોય છે. આપણને કાળની ખબર પડતી નથી એટલા માટે આપણે કાળને અકાળ કહી દેતા હોઈએ છીએ. પાંચ વરસનું કોઈ સ્વસ્થ બાળક અચાનક મૃત્યુ પામે, તો આપણે એના મૃત્યુને ‘અકાળ’ વિશેષણ લગાવી દેશું. કોઈ ચિકિત્સક એના રોગને પારખવામાં, પકડવામાં નાકામિયાબ નીવડશે તો કહેશે કે હૃદયની ગતિ અટકી જવાથી એ બાળકનું મૃત્યુ નીપજ્યું છે, પણ એક જ્ઞાની પુરુષ તો એવું જ નિહાળશે કે એનું પ્રારબ્ધ જીર્ણ-ખલાસ થઈ ગયું, એટલા માટે એ બાળક ચાલી નીકળ્યો!

પ્રવચનો કરતા લોકો આ વાત એક દાખલો આપીને સમજાવતા હોય છે. જેમ કે કોઈ એક ગ્રાહક કપડું ખરીદવા માટે એક દુકાનમાં ગયો અને એણે કપડું માગ્યું. દુકાનદારે અંદરથી એક તાકો કાઢીને ગ્રાહકે માગ્યા મુજબ માપી-કાપીને કપડું આપી દીધું. હવે ગ્રાહક તો મનમાં એમ જ સમજશે કે, કપડું નવું નકોર જ છે, પણ ફક્ત દુકાનદાર જ એ જાણે છે કે, તાકો વીસ વર્ષ જૂનો પુરાણો છે! બસ, આવી જ રીતે સંસારના લોકોની નજરે ભલેને મરનાર શરીર નવું-તાજું જણાતું પણ પ્રારબ્ધને જાણનાર અને એને સંચાલિત કરનાર પરમાત્મા તો જાણે જ છે કે, શરીર કેટલું જીર્ણશીર્ણ થઈ ચૂક્યું છે.

(ક્રમશ:)

ભાષાંતરકાર : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 193

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.