‘હિંદુ ધર્મ અને શ્રીરામકૃષ્ણ’ નામના નિબંધમાં સ્વામી વિવેકાનંદજી લખે છે, ‘આપણો દેશ જાણે કે વારંવાર મૂર્છામાં પડી ગયો છે અને વારંવાર ભારતના ભગવાને ભાગ્યવિધાતાઓએ પ્રગટ થઈને તેને પુનર્જાગૃત કરેલ છે. હવે લગભગ વીતી જવા આવેલી આ વર્તમાન ઘેરી-ઉદાસ અંધારી રાત્રિ કરતાં વધારે મોટો અંધકારપટ આપણી આ પવિત્ર ભૂમિ ઉપર પહેલાં કદી છવાયો ન હતો. અત્યારના પતનના ઊંડાણની સરખામણીમાં પહેલાંનાં બધાં પતન ગાયનાં પગલાં જેવાં નાનાં અને છીછરાં લાગે છે. તેથી ભારતની આ વખતની નવજાગૃતિના તેજના અંબાર સામે તેના ઇતિહાસમાંની ભૂતકાળની બધી જાગૃતિઓનો મહિમા ઊગતા સૂર્યની સામે તારાઓ ઝાંખા પડી જાય તેમ ફિક્કો પડી જશે અને આ પુનર્જાગૃત થયેલી શક્તિની બળવાન અભિવ્યક્તિની સરખામણીમાં આવી જાગૃતિના ભૂતકાળનાં સર્વ સીમાચિહ્નો બચ્ચાંના ખેલ જેવાં લાગશે….. આપણા આ ઉજ્જવળ ભાવિની નક્કર ખાતરીરૂપે ઉપર કહ્યું તેમ પરમ કૃપાળુ ભગવાન અત્યારના યુગમાં પ્રગટ થયા છે, અને આ વેળાનો અવતાર પ્રાગટ્યની પૂર્ણતાની દૃષ્ટિએ તમામ આદર્શોના સંયોજનપૂર્ણ સમન્વયમાં તેમ જ આધ્યાત્મિક સંસ્કૃતિના દરેક ક્ષેત્રનો વિકાસ સાધવામાં ભૂતકાળના તમામ અવતારોને વટાવી જાય છે… યુગનું આ નવવિધાન સમગ્ર વિશ્વને માટે અને ખાસ કરીને ભારતને માટે મહાન શ્રેયના ઊગમરૂપ થવાનું છે; અને આ નવવિધાનના પ્રેરક ભગવાન શ્રીરામકૃષ્ણ ભૂતકાળના સર્વ મહાન યુગધર્મપ્રવર્તકોનું નવસંસ્કરણ પામેલું પ્રકટ સ્વરૂપ છે. હે માનવ! એમનામાં શ્રદ્ધા રાખ અને તેને હૃદયમાં ધારણ કર.’ ૧૦

આપણે પાછલા અંકમાં જોયું કે શ્રીરામકૃષ્ણ લીલા અવતારરૂપી ગજરો પૂર્વના અનેક અવતારોનાં ભાવપુષ્પોથી બનેલો છે. એટલું જ નહિ પરંતુ કેટલાંક એવાં પણ ભાવપુષ્પો છે જેનું વર્ણન ન તો ઇતિહાસમાં મળે છે, ન તો વેદાદિ શાસ્ત્રોમાં. એટલું જ નહિ તે કલ્પનાતીત પણ છે. શ્રીરામકૃષ્ણદેવે સ્વયં કહ્યું છે, ‘અહીંની અનુભૂતિઓ વેદ-વેદાંતને પણ પાર કરી ગઈ છે.’ શ્રીરામકૃષ્ણદેવના માનવપ્રેમ અને એકત્વની અનુભૂતિને દર્શાવતાં એક પ્રસંગનો ઉલ્લેખ કરવાથી આ વાત સ્પષ્ટ થશે. એક વાર શ્રીરામકૃષ્ણદેવ ગંગાને કિનારે ઊભા રહી જોઈ રહ્યા હતા કે, બે નાવિકો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. એક નાવિકે જ્યારે બીજા નાવિકની પીઠ પર માર્યુ તો અદ્વૈતાનુભૂતિમાં પ્રતિષ્ઠિત શ્રીરામકૃષ્ણ ચીસ પાડીને રડી પડ્યા. તેમના આ વ્યાકુળ ક્રંદને કાલીમંદિરમાં તેમના ભાણેજ હૃદયરામના કાનોમાં પ્રવેશ કર્યો. તરત જ ત્યાં આવીને તેણે જોયું કે શ્રીરામકૃષ્ણદેવની પીઠ લાલચોળ થઈ ગઈ છે અને ફૂલી ગઈ છે. ક્રોધમાં અધીર હૃદયરામ વારંવાર પૂછવા લાગ્યો, “મામાજી, મને બતાવી દો, કોણે તમને માર્યું છે? હમણાં જ તેનું માથું ધડથી અલગ કરી દઉં.” શ્રીરામકૃષ્ણદેવ ત્યારે ભાવાવસ્થામાં હતા. આ પછી જ્યારે શ્રીરામકૃષ્ણદેવ સાધારણ અવસ્થામાં આવ્યા ત્યારે તેમણે જણાવ્યું કે, નાવિકોના ઝઘડાથી તેમની આ દશા થઈ છે. આ સાંભળીને હૃદયરામ આશ્ચર્યચકિત થઈ વિચારવા લાગ્યા, શું આ પણ સંભવી શકે?

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, “હે ભારત! જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું પોતાને પ્રગટ કરું છું. સાધુ-પુરુષોના ઉદ્ધાર અને દુષ્ટોના સંહાર માટે અને ધર્મની સ્થાપના માટે હું પ્રત્યેક યુગમાં પ્રગટ થાઉં છું.” (ગીતા : ૪/૭-૮)

શ્રીરામકૃષ્ણદેવના ધર્મસ્થાપનાના વિધિમાં અવતારોની સરખામણીમાં ઘણી વિશેષતાઓ જોવા મળે છે –

(૧) અન્ય અવતારોએ ધર્મ અને અધર્મ વચ્ચેના સંઘર્ષની સમસ્યાનું સમાધાન કર્યું હતું. વર્તમાન યુગની આવશ્યકતા પ્રમાણે, શ્રીરામકૃષ્ણદેવે ફક્ત ધર્મ અને ધર્મ વચ્ચે જ નહિ, પણ ધર્મ અને વિજ્ઞાન અને ધર્મ અને ધર્મ વચ્ચેના સંઘર્ષની સમસ્યાઓનું સમાધાન પણ કર્યું. શ્રીરામે રાવણ, કુંભકર્ણ, મેઘનાદ, વગેરે રાક્ષસોનો અને શ્રીકૃષ્ણે કંસ, શિશુપાલ, વગેરે રાક્ષસોનો વધ કરી ધર્મની સ્થાપના કરી હતી. જ્યારે શ્રીરામકૃષ્ણ આધુનિક જડવાદી સભ્યતાના પરિણામરૂપ સંશયવાદ અને નાસ્તિકતારૂપી રાક્ષસો પર વિજય પ્રાપ્ત કર્યો. સ્વામી વિવેકાનંદજી શ્રીરામકૃષ્ણ વિશેના સ્તોત્રમાં તેમના વિશે લખે છે – ‘संशयराक्षसनाशमहास्त्रं’, સંશયવાદ અને તર્કવાદના પ્રતીકરૂપ યુવા નરેન્દ્રનાથે જ્યારે શ્રીરામકૃષ્ણને એજ પ્રશ્ન પૂછ્યો, જે તેઓ અન્ય મહાત્માઓને પૂછતા – “મહાશય, શું તમે ઈશ્વરનાં દર્શન કર્યાં છે?” ત્યારે શ્રીરામકૃષ્ણે જવાબ આપ્યો, “હા, દીકરા મેં ઈશ્વરનાં દર્શન કર્યાં છે, જેવી રીતે હું તને જોઈ રહ્યો છું. એથી વધુ પ્રત્યક્ષ રીતે હું તેમનાં દર્શન કરું છું, અને તને પણ તેમનાં દર્શન કરાવી શકું છું.” જેવી રીતે એક વૈજ્ઞાનિક પોતે પ્રયોગશાળામાં સફળતાપૂર્વક પ્રયોગ કરી બીજાઓને પણ પ્રયોગ કરવા પ્રેરણા આપે છે તેવી રીતે શ્રીરામકૃષ્ણ આ ઉત્તરના માધ્યમથી બધાંને ઈશ્વરનાં દર્શન કરવાની પ્રેરણા આપે છે. આને ધર્મની વૈજ્ઞાનિકતા કહી શકાય.

આ યુગની એક વધુ આવશ્યક્તા હતી – સમસ્ત સંસારના વિભિન્ન ધર્મો અને સંપ્રદાયો વચ્ચે સમન્વય કરવાની. શ્રીરામકૃષ્ણદેવે મા ભવતારિણીનાં દર્શન કર્યા બાદ હિન્દુ ધર્મના વિભિન્ન માર્ગોનું અવલંબન કરી વાત્સલ્યભાવ, દાસ્યભાવ, મધુરભાવ આદિની સાધના કરી સીતા, રાધા, શ્રીરામ, શ્રીકૃષ્ણ, વગેરેનાં દર્શન પ્રાપ્ત કર્યાં. ભૈરવી બ્રાહ્મણી પાસે તંત્રોની સાધના કરી, તોતાપુરી પાસે અદ્વૈતવેદાંતની સાધના કરી નિર્વિકલ્પ સમાધિનો અનુભવ કર્યો, ઇસ્લામ ધર્મની સાધનાને અંતે મહમ્મદ પયગંબરનાં દર્શન કર્યાં. ખ્રિસ્તી ધર્મની સાધનાને અંતે ઈસુ ખ્રિસ્તનાં દર્શન કર્યાં અને ત્યાર પછી સંસારની સમક્ષ ઘોષણા કરી – ‘જેટલા મત તેટલા પથ.’ બધા પંથો એક જ સત્ય તરફ લઈ જાય છે માટે પરસ્પર વિરોધનો પ્રશ્ન જ ઊભો થતો નથી – આ સત્યની ઘોષણા શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવનની પ્રયોગશાળામાં બધા ધર્મોની સાધનાને અંતે કરી. સ્વામી વિવેકાનંદજીએ શ્રીરામકૃષ્ણ વિષેના પ્રણામ-મંત્રમાં એમણે કહ્યું છે – ‘स्थापकाय च धर्मस्य सर्व धर्म स्वरूपिणे’ ધર્મોની વિવિધતાની સમસ્યાઓના સમાધાન માટે શ્રીરામકૃષ્ણદેવના મહત્ત્વપૂર્ણ અવદાનને હવે સંસારના વિખ્યાત ઇતિહાસકારો, વિદ્વાનો અને વિચારકો સ્વીકારી રહ્યા છે. કલૉડ ઍલન સ્ટાર્કે આ સંબંધમાં ‘God of All’ (સર્વેના ઈશ્વર) નામના પુસ્તકમાં વિસ્તારથી ચર્ચા કરી છે.૧૧

(૨) શ્રીરામ, શ્રીકૃષ્ણ, વગેરેના સમયમાં અધર્મની સમસ્યા વ્યક્તિપરક હતી, થોડા વિશેષ અસુરોના અત્યાચારથી પૃથ્વી પીડિત હતી, પણ આધુનિક યુગમાં જડવાદી સભ્યતાની આસુરી શક્તિએ સમસ્ત વિશ્વના લોકોને કામકાંચનલોલુપ બનાવી દીધા છે. શ્રીરામકૃષ્ણદેવે ત્યાગનો જ્વલંત આદર્શ રજૂ કરી આ સમસ્યાનું સમાધાન કર્યું છે. સ્વામી વિવેકાનંદે ‘મારા ગુરુદેવ’ વિષય પર બોલતાં કહ્યું હતું, “મારા ગુરુદેવ ત્યાગની સાક્ષાત્ મૂર્તિ હતા…. અને અત્યારના દિવસોમાં આવા જ મહાપુરુષની આવશ્યક્તા છે. ખાસ કરીને તો આજકાલ જ્યારે મનુષ્યો જે ચીજોને પોતાની આવશ્યક્તાઓ માને છે કે જેમને તેઓ દિવસે દિવસે હદ બહાર વધારતા જાય છે અને જેના વિના તેઓ એક મહિનો પણ જીવતા રહી શકે નહિ એમ સમજવા લાગ્યા છે, ત્યારે આવા જ ત્યાગની અત્યંત જરૂર છે. વર્તમાન યુગમાં કોઈ એક એવા પુરુષે ઊભા થઈને સંસારની શ્રદ્ધાહીન જનતાને એ બતાવી આપવાની જરૂર છે કે, દુનિયામાં આજે પણ એક એવો મહાપુરુષ અસ્તિત્વ ધરાવે છે કે જે દુનિયાની સંપત્તિ તથા કીર્તિની એક તણખલા જેટલીયે પરવા કરતો નથી.” ૧૨

(૩) ધર્મની સ્થાપના માટે ભગવાન પરશુરામે તામસિક વિધિનો પ્રયોગ કર્યો – ‘કોઈ પણ રીતે ધર્મની સ્થાપના કરો, ભલે તેમ કરવા જતાં ભલા લોકોનો પણ સંહાર કરવો પડે.’ શ્રીરામ તથા શ્રીકૃષ્ણ રાજસિક વિધિનો પ્રયોગ કર્યો – ‘ધર્મની સ્થાપના માટે દુષ્ટોનો સંહાર કરો, ભલા લોકોને બચાવો.’ પણ શ્રીરામકૃષ્ણદેવે સાત્ત્વિક વિધિનો પ્રયોગ કર્યો – “કોઈનો પણ સંહાર કર્યા વગર ધર્મની સ્થાપના કરો.” શ્રીરામકૃષ્ણદેવે પાપીઓનો સંહાર ન કર્યો પણ તેમનાં હૃદય પરિવર્તન કરી તેમને સંતોમાં પરિવર્તિત કરી દીધા. મહાકવિ ગિરીશ ઘોષ, કાલીપદ ઘોષ જેવા અનેક દુરાચારી શ્રીરામકૃષ્ણદેવના સંસ્પર્શમાં આવી સંત બની ગયા. ગિરીશ ઘોષ કહેતા, “અન્ય અવતારોએ તો ધનુષ્ય-બાણ, સુદર્શનચક્ર વગેરે અસ્ત્રો દ્વારા દુરાચારીઓ પર વિજય પ્રાપ્ત કર્યો પણ શ્રીરામકૃષ્ણદેવે તો પ્રણામઅસ્ત્ર દ્વારા દુરાચારીઓને પરાજિત કર્યા.”

શ્રીરામકૃષ્ણદેવે સત્ત્વગુણનો આશ્રય લીધો હતો એ વાત સ્વયં તેમણે પોતે સ્વીકારી છે. મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ વગેરે ભક્તોને તેમણે કહ્યું હતું. “અહીં પારકું માણસ કોઈ નથી, એટલે કહું છું…. મેં જોયું તો આ ખોળિયું છોડીને સચ્ચિદાનંદ બહાર આવ્યો; આવી બોલ્યો કે, ‘હું યુગે યુગે અવતાર લઉં છું’…. જોયું તો (મારામાં) પરમાત્માનો પૂર્ણ પ્રકાશ! તે પણ સત્ત્વગુણનું ઐશ્ચર્ય!” ૧૩

સ્વામી વિવેકાનંદજીએ સ્વામી રામકૃષ્ણાનંદજીને અમેરિકાથી ૧૮૯૫માં પોતાના પત્રમાં લખ્યું હતું, “જે દિવસથી શ્રીરામકૃષ્ણ અવતારનો આવિર્ભાવ થયો ત્યારથી સત્યયુગનો પ્રારંભ થયો છે… આ અવતારમાં જ્ઞાનની તલવાર વડે નાસ્તિક વિચારોનું છેદન થશે. ભક્તિ અને (દિવ્ય) પ્રેમથી આખું જગત સંયુક્ત થશે. વળી, આ અવતારમાં નામ, કીર્તિ આદિની ઇચ્છારૂપ રજોગુણ છે જ નહિ. બીજી રીતે કહીએ તો, જે તેના ઉપદેશ પ્રમાણે વર્તશે તે ધન્ય જ થશે, તે શ્રીરામકૃષ્ણદેવમાં માને છે કે નહિ, તે સવાલ જ નથી.” ૧૪

આમ, શ્રીરામકૃષ્ણદેવમાં સત્ત્વગુણનું ઐશ્વર્ય છે માટે તેમને ‘અવતારવરિષ્ઠ’ કહી શકાય. પણ તેનો અર્થ એ નથી કે, બીજા અવતારો નાના છે. સ્વામી વિવેકાનંદ આવી સંકીર્ણ ભાવનાનો વિરોધ કરતા અને તેઓ તો ત્યાં સુધી છૂટ આપે છે કે કોઈ શ્રીરામકૃષ્ણને ‘અવતાર’ રૂપે ન પણ માને, પણ જો તેમના ઉપદેશોનું પાલન કરે તો પણ યથેષ્ટ છે. રામકૃષ્ણ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી આ વિષયને સમજાવતાં કહે છે –“ઈશ્વરને નાનોમોટો કહી શકાય નહિ. આમ કરવા જતાં આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈશું. પણ હા, જો આપણે અભિવ્યક્તિના રૂપમાં જોઈએ. ઈશ્વર પોતાને વિભિન્ન રૂપોમાં અભિવ્યક્ત કરે છે. ક્યારેક શ્રીરામના રૂપમાં, ક્યારેક શ્રીકૃષ્ણના રૂપમાં તો ક્યારેક શ્રીરામકૃષ્ણના રૂપમાં …. એમ અભિવ્યક્તિનાં રૂપમાં જોઈએ તો નાના મોટાનો થોડો અંદાજ થઈ શકે.”૧૫ એક જ ઈશ્વર યુગના પ્રયોજન પ્રમાણે વિભિન્ન રૂપો ધારણ કરે છે, વિભિન્ન રીતે પોતાને અભિવ્યક્ત કરે છે, વિભિન્ન લીલા કરે છે અને શ્રીરામકૃષ્ણદેવના અવતારમાં આપણને સત્ત્વગુણનો ઐશ્વર્ય જોવા મળે છે અને આ યુગના પ્રયોજન પ્રમાણેની સર્વશ્રેષ્ઠ લીલાનું પ્રદર્શન જોવા મળે છે.

આધુનિક યુગ માટે શ્રીરામકૃષ્ણદેવ વધુ ગ્રહણીય છે. કારણ કે તેઓ આ જ યુગના પુરુષ છે, હજુ એકસો વર્ષો પૂર્વે જ તેમણે પોતાની ભૌતિક લીલા સંવરણ કરી. તેમનું પ્રામાણિક જીવન-ચરિત્ર ઉપલબ્ધ છે, તેઓ એક ઐતિહાસિક સત્ય છે. તેમણે ઉપયોગમાં લીધેલ ચીજવસ્તુઓ, તેમના પવિત્ર ભસ્માવશેષ વગેરે બેલુડ મઠમાં આજે પણ સંરક્ષિત છે અને સૌથી વિશેષ તો તેઓ આ વૈજ્ઞાનિક યુગના હોવાને કારણે કેમેરા દ્વારા લીધેલા તેમના ફોટા ઉપલબ્ધ છે, જ્યારે અન્ય પ્રસિદ્ધ સુમાન્ય અવતારો વિષે ઐતિહાસિક સામગ્રી અથવા કેમેરા દ્વારા લીધેલ ફોટા ઉપલબ્ધ નથી.

ખરી રીતે તો, આ અવતાર તત્ત્વ એટલું ગૂઢ છે કે તેની ચર્ચા કરવી આપણી સીમિત બુદ્ધિ દ્વારા શક્ય નથી. અંતમાં, શ્રીરામકૃષ્ણના અંતરંગ પાર્ષદ સ્વામી સારદાનંદે આ વિષે જે લખ્યું છે તેને જ અહીં આપી આ વિષયનો ઉપસંહાર કરીએ :

‘જે મહાન ધર્મશક્તિ પોતે સંચિત કરીને શિષ્યવર્ગમાં સંચારિત કરેલી છે, જેના પ્રબળ આવેગથી વીસમી સદીના વિજ્ઞાનના પ્રકાશમાં પણ લોકોને ધર્મ તે જવલંત પ્રત્યક્ષ અનુભૂતિનો વિષય છે એવી ખાતરી થાય છે અને સર્વે ધર્મમતોના અંતરંગમાં એક અપરિવર્તનશીલ જીવંત સનાતન ધર્મનો સ્રોત વહી રહેલો દેખાય છે. એ શક્તિનો ખેલ જગતે પહેલાં ક્યારેય પણ દીઠેલો કે?…. ભગવાન શ્રીકૃષ્ણ, બુદ્ધ, શંકરાચાર્ય, રામાનુજ, શ્રીચૈતન્ય, વગેરે ભારતના અને ઈસુ, મહમ્મદ વગેરે અન્ય દેશોના ધર્માચાર્યો ધર્મજગતનો જે એકાંગી ભાવ દૂર કરવા માટે સમર્થ નથી નીવડ્યા, તે એકાંગી ભાવને આ નિરક્ષર બ્રાહ્મણ બાળક પોતાના જીવનમાંથી સંપૂર્ણપણે નષ્ટ કરીને, પરસ્પર વિરોધી ધર્મમતોનો યથાર્થ સમન્વય સાધવાના અસાધ્ય કામમાં સમર્થ બન્યો એવું ચિત્ર બીજી વાર ક્યારેય કોઈએ શું દીઠું છે? હે માનવી! ધર્મજગતમાં શ્રીરામકૃષ્ણદેવનું ઉચ્ચ આસન ક્યાં પ્રતિષ્ઠિત છે, તેનો નિર્ણય કરવા તું સમર્થ હોય તો તું કહે, અમે તો એ બાબતમાં સાહસ નથી કરી શકતા. તે છતાં એટલું જ ફક્ત કહી શકીએ છીએ કે, નિર્જીવ ભારત એમના ચરણસ્પર્શે અધિક અધિક પવિત્ર અને જાગૃત થયું છે અને જગતનાં ગૌરવ અને આશાનું સ્થાન તેણે જીતી લીધું છે. એમણે મનુષ્યમૂર્તિ ધારણ કરી તે કારણે મનુષ્ય પણ દેવોને માટે પૂજ્ય બન્યો છે અને જે શક્તિનું ઉદ્‌બોધન એમના દ્વારા થયેલું છે, તેની આશ્ચર્યજનક લીલાના અભિનયનો કેવળ આરંભ માત્ર જ શ્રીવિવેકાનંદમાં જગતે જોયો જાણ્યો છે!’ ૧૬

સંદર્ભ સૂચિ

૧૦. શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ ભાગ-૩ (૧૯૮૯) પૃ.સં. ૨૩-૨૪

૧૧. “God of All” Claude Alan Stark

૧૨. ‘મારા ગુરુદેવ’ (૧૯૮૯) પૃ.સં. ૪૨

૧૩. શ્રીરામકૃષ્ણ કથામૃત ભાગ-૩ (૧૯૮૩) પૃ.સં.૧૬

૧૪. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા-૧૦ (૧૯૮૩) પૃ.સં.૧૦૩

૧૫. ‘ઉદ્‌બોધન’ કાર્તિક ૧૩૮૮ પૃ.સં.૪૮૧

૧૬. શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ ભાગ-૪ (૧૯૯૦) પૃ.સં. ૨૫૫-૨૫૬

Total Views: 159

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.