જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ,
જય જય ભગવાન જગતનો ગુરુ;
જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ;
યાચું રજ ચોટેલી એ સહુને ચરણ.
ભણીને વેદાંત, વેદ, શાસ્ત્રો ને પુરાણ;
જપ, તપ, યજ્ઞો કેરાં કમઠાણ.
ચાર ધામ દરશનો સુદ્ધાં જે ન ફળે;
રામકૃષ્ણ-પુરાણ શ્રવણથી તે મળે.
અનાયાસે મળે તેનું લાખ ગણું ફળ;
રામકૃષ્ણ કથા એવી શ્રવણમંગળ.
ખરે, સાવ મૂઢ હું, શું પ્રભુકથા જાણું;
અખિલના સ્વામી, વિશ્વ જેનાથી રચાણું.
હારી ગયા શુકદેવ મહા વેદવ્યાસ;
કરતાં પ્રકાશ એ અનંતનો આભાસ.
કોણ પ્રભુ રામકૃષ્ણ, તેનો શો મહિમા;
અલ્પશક્તિ હું તો, તેની નહિ કોઈ સીમા.
ક્ષુદ્ર મમ હૃદયની અણુશી ગાગર;
પ્રભુલીલા સિંધુસમ અફાટ સાગર.
વિશાળ તરંગે ડૂબે વિશ્વ જુઓ ખૂબી;
બ્રહ્મા, વિષ્ણુ, શિવેય જાય અને તેમાં ડૂબી.
અસંખ્ય બ્રહ્માંડો જેનાં રેતી કેરા કણ;
સહસ્ર પ્રચંડ ને પ્રખર સૂર્યો પણ.
પ્રભાક્ષીણ, જ્યોતિહીન આગિયાના જેવા;
લુપ્ત લીલાતરંગે નજરે ના’વે એવા.
બ્રહ્માંડનો ગ્રાસ કરે જે મહાપ્રલય
તેય દેખી ચમકે ને ચિત્તે પામે ભય.
અચિંત્ય, અસીમ જો કે છતાં યે ગોચર
કૃપાપૂર્ણ રામકૃષ્ણરૂપે ભક્તો પર.
ઇંદ્રિયોથી પર, જ્યાંહાં બુદ્ધિ નવ જાય;
છતાં આંખો આંખ અને પ્રત્યક્ષ દેખાય.
મટે ફંદ, મન દ્વંદ્વ કરે પરિહાર;
પ્રકાશ ઊગીને નાસે અજ્ઞાન-અંધાર.
અટૂટ માયાનો બંધ ટૂટી છિન્ન થાય;
શ્રદ્ધાથી જો રામકૃષ્ણ-કથા સુણ્યે જાય.
ચીનુ એક જણ, જાતે શાંખારી કે’વાય;
શંખની બનાવી ચૂડી, પેટીયું કમાય.
વૃદ્ધ ને ગરીબ, ઘરે બેસી કામ કરે;
ચીનુ શાંખારીને પૂરી ભક્તિ પ્રભુ પરે.
ધંધામાં આવક ઓછી કષ્ટે ગુજરાન;
ગદાધર પ્રતિ અતિ પ્રીતિ અને માન.
ગદાધરેય એને ઘેર જાય નિત નિત;
સૌએ જાણે એ બેઉમાં હતી અતિ પ્રીત.
આદર આપી એ ગદાધરને બેસારે;
મીઠાઈ લાવીને તાજી, ધરી કહે ખા રે!
ધીરે ધીરે ખાય પ્રભુ, ચીનુ બેસી દેખે;
દુકાને ઘરાક આવે, એ પણ ઉવેખે.
પ્રેમે ગદ્ગદ્ચિત્ત, ચીનુ ભક્તિમાન;
ભક્તિથી વિઝહ્વળ એવો, રે’ ન બ્રહ્મજ્ઞાન.
શું એ બોલે, શું એ કરે, ભાન નહિ કાંઈ;
ફાટી આંખે, બેઠો દેખે, માત્ર એ ગદાઈ.
એક દી શો ભાવ આવ્યો ચીનુ તણે મન;
ગૂંથે માળા કરી પુષ્પો સુગંધી ચયન.
ગૂંથી અનુરાગે અને બહુ ટાપટીપે;
એવે ટાણે આવ્યો ગદાધર ત્યાં સમીપે.
જોઈ તેને ચીનુનો હરખ ઉભરાય;
માળા પૂરી કરી ચીનુ બજારમાં જાય.
ખરીદી મીઠાઈ લાવ્યો, હર્ષે આંખ મીચે;
માળા ને મીઠાઈ ઢાંકી લીધાં વસ્ત્ર નીચે.
લઈ સાથે ગદાધર ચીન, નેત્રો ગળે;
આવ્યો ગામ બ્હાર નિર્જન ઝાડ તળે.
કોઈ ક્યાંય નથી, જુએ જઈ જરા છેટો;
પછી પગ વાળી હાથ જોડી સામે બેઠો.
સંભાળીને માળા પેલી હાથ માંહે લીધી;
પ્રેમથી પ્રભુને ગળે પહેરાવી દીધી.
મીઠાઈ લઈને પ્રભુમુખ પાસે ધરે;
વાણી વ્હોણું મુખ, નેત્રો થકી જળ ઝરે.
દિનકર-કર લુપ્ત મેઘ અંતરાળે;
છુપાઈ નયન દૃષ્ટિ નયનનાં જળે.
મીઠાઈસહિત હાથ જાય સ્થાને સ્થાને;
કદી નાકે, કદી આંખે, કદી જાય કાને.
પ્રભુએ ચીનનો હાથ કરીને ધારણ;
આનંદે કરીયું તેનું મિષ્ટાન્ન ગ્રહણ.
પ્રભુ ખાઈ રહ્યે ચીનુ પોતાને સંવરી;
ગદાઈને કે’વા લાગ્યો કર જોડ કરી.
આવી રહ્યો મારો કાળ, વૃદ્ધ થયું તનું;
દેખી નહિ શકું લીલાચરિત્ર આપનું.
બહુ જ રહ્યું એ દુ:ખ અંતરે મુજને;
રાખજો કૃપાળુ કિંકરને નિજ કને.
ધન્ય ધન્ય ચીનુ, જરા દેજે પદરજ;
નામ તારું ચીનુ પડીયું છે યથાર્થ જ.
ચીનવાનું કામ જાણે, તેથી ચીનુ નામ;
તારે ચરણે તો ભાઈ, અનેક પ્રણામ.
વૃદ્ધ ભલે ચીનુ દાદા લઠ્ઠ પઠ્ઠ કાય;
શરીરમાં ખૂબ બળ, નીરોગી સદાય.
પ્રભુને દેખીને ચીનુ એવો મત્ત થતો;
ખાંધે તેને ચડાવીને જોરથી નાચતો.
ભક્ત ચીનુ બલરામ તણો અવતાર;
મોટાભાઈ કહી પ્રભુ કરતા વે’વાર.
‘મોટાભાઈ’ શબ્દ સાવ ગળી જતો ચીનુ;
ઉલ્લાસથી ગદ્ગદ્ ગળું નેત્ર ભીનું.
હૃદયમાં દૃઢ ભક્તિ તથા શાસ્ત્રવિત્;
ભાગવત-કથામાં તો ચીનુ સુપંડિત.
કદી કદી પ્રભુ સાથે થતો તર્કવાદ;
ક્યારેક ખીજાતો વાદે તો કદી આહ્લાદ.
ચર્ચા યુદ્ધમાંથી બંને કદી ચડે ગાળે;
અવાજ ચીનુનો ત્યારે આકાશને ભાળે.
‘તારું મોઢું જોઉં નહિ’ સોગંદથી કહીં;
ઘૂસી જતો ઘરમાં એ ધોતી ખાંધે વહી.
પ્રભુનો ઉત્તર પણ જેવો ચીનુ તેવો;
‘મારોય સંકલ્પ તારું મોં ન જોઉં એવો.’
આવા વાગ્યુદ્ધ પછી બેય થોડી વારે;
પાછા ભેગા બેસીને વાતોનાં ગપ્પાં મારે.
ઘણે ભાગે રોજ થતો આવો મતભેદ;
વયમાં ભલેને દાદાપૌત્ર જેવો ભેદ.
ચાહતો પ્રભુને ચીનુ પ્રાણ બરોબર;
ચીનુએ ઓળખી કાઢ્યા પ્રભુ ગદાધર.

Total Views: 171

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.