પાત્રો : (૧) સ્વામી વિવેકાનંદ

(૨) અર્વાચીન ભારતના ત્રણ નાગરિકો – અ, બ, ક.

(પાર્થભૂમિમાં સમૂહગાન)

“સાંભળો, ઓ અમૃતનાં સંતાનો! અને ઓ ઊંચા નભોમંડલના નિવાસીઓ! તમે પણ સાંભળો બધા તમસની પેલી પાર, પ્રદીપ સૂર્ય સમા પરમ તત્ત્વને મેં પિછાણ્યું છે. કેવળ એને જાણીને જ માનવ મૃત્યુનો પાર પામી શકે છે. એ સિવાય અમૃતનો કોઈ માર્ગ નથી – કોઈ જ માર્ગ નથી.

(અ અને બ પ્રવેશે છે, અને રંગમંચને એક ખૂણે ઊભા રહે છે.)

અ :       આ તો ભારતવર્ષે પાંચ હજાર વર્ષો પહેલાં સાંભળેલો ઉપનિષદોનો, વેદોનો અને પ્રાચીન ઋષિઓનો અવાજ!

બ :       હા, પણ એ તો મરી પરવાર્યો! મોગલો, શકો, હૂણો, ફ્રેન્ચો, ફિરંગીઓ અને અંગ્રેજો – એ બધાએ પોતાના પગ તળે આપણી માતૃભૂમિની ગરદનને ચગદી નાખી છે અને આપણે બધું જ ગુમાવી દીધું છે. બધું જ, બધું જ ગુમાવી ચૂક્યા છીએ.

અ :       હા, જ્યાં સુધી સને ૧૮૯૩માં શિકાગોની સર્વધર્મપરિષદમાં વિશ્વે આ જ વિસ્મયકારી દેવી વાણીનો ગર્જનધ્વનિ ફરીથી સાંભળ્યો ન હતો, ત્યાં સુધી તો આપણે ગૌરવ લઈ શકીએ તેવું કશું જ ન હતું.

(સ્વામી વિવેકાનંદ પ્રવેશે છે અને રંગમંચને બીજે ખૂણે ઊભા રહે છે.)

સ્વા. વિ. : “અમર પરમાનંદનાં સંતાનો!” – કેટલું મધુર, કેટલું સુંદર નામ છે આ? બંધુઓ, મને તમ સૌને એ મધુર નામે બોલાવવા દો. શાશ્વત પરમાનંદનાં વારસદારો – હા, હિન્દુ તમને પાપીઓ કહેવાનો ઇન્કાર કરે છે. તમે તો ઈશ્વરનાં સંતાનો છો; શાશ્વત આનંદનાં ભાગીદાર છો; તમે પવિત્ર છો, પૂર્ણ આત્માઓ છો; તમે તો છો આ ધરતી ઉપરની દિવ્યતા! તમે શું પાપીઓ? માનવને પાપી કહેવો એ પાપ છે. આ તો માનવસ્વભાવમાં રહેલું કલંક છે. ઊઠો, ઊઠો ઓ સિંહો! પોતાને ઘેટાં માની લેવાનો ભ્રમ ખંખેરી નાખો. તમે તો શાશ્વત આત્માઓ છો, ચૈતન્યસ્વરૂપ છો, મુક્ત છો, આનંદમય છો અને અમર્ત્ય છો. તમે જડ પદાર્થ નથી, તમે શરીરો નથી. જડ પદાર્થ – પ્રકૃતિ – તો તમારો નોકર છે. તમે કંઈ જડ પદાર્થના નોકર નથી.

(ક પ્રવેશે છે.)

ક:         કોનો છે આ અવાજ? જે પશ્ચિમી પ્રજાએ અત્યાર સુધી ભારતને મૂર્તિપૂજકો અને સદાય બીજાના ગુલામો રહેવા સર્જાયેલા લોકોના દેશ તરીકે ગણ્યો છે, એ જ પશ્ચિમી દેશોની પ્રજાઓ વચ્ચે આ હિન્દુધર્મની રણભેરી વગાડનાર આ છે કોણ?

સ્વા. વિ. : મેં ધર્મપરિષદને ‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ’ એમ કહીને સંબોધી હતી અને કાન ફાડી નાખે તેવો તાળીઓનો ગડગડાટ બે મિનિટ સુધી ચાલુ રહ્યો. ત્યાર પછી મેં આગળ ચલાવ્યું. પ્રવચન પૂરું થયે લાગણીઓના આવેશથી જાણે થાકી ગયો હોઉં એમ હું બેસી ગયો.

ક :        આ વિસ્મયકારી વક્તા છે કોણ?

અ :       એ છે સ્વામી વિવેકાનંદ. ભારતના હિન્દુ સંન્યાસી.

બ :       તેઓ દિવ્ય શક્તિસંપન્ન એક વક્તા છે. તેમના આ આશા – ઉલ્લાસભર્યા શબ્દો અને તેમણે ઉચ્ચારેલ સમૃદ્ધ લયબદ્ધ ઉદ્‌ગારો કરતાંય પીળાં-ભગવાં વસ્ત્રોમાં સજ્જ થયેલ ચિત્રસમ સબળ અને બુદ્ધિશાળી એવો તેમનો ચહેરો પણ કંઈ ઓછો આકર્ષક તો નહોતો.

અ :       વિશ્વધર્મપરિષદમાં વિવેકાનંદ નિ:શંક રીતે સૌથી મહાન વ્યક્તિ હતા. તેમને સાંભળ્યા પછી પશ્ચિમના લોકોને લાગ્યું કે આ પુણ્યભૂમિ ભારતમાં મિશનરીઓને મોકલવામાં તેમની કેવી મૂર્ખતા હતી!

ક :        આ સાધુને ધર્મપરિષદમાં કોણે મોકલ્યા? તેમનું નામ તો સૂચિમાં હતું નહિ. બીજા બધા આમંત્રિત ભારતીય પ્રતિનિધિઓ તો તેમને માટેના ખાસ નિયત કરેલા જલયાનમાં ત્યાં ગયા હતા અને ન્યૂયૉર્કના નગરપતિએ બંદર ખાતે તેમને આવકાર્યા હતા. આ સાધુનું ઓળખપત્ર શું હતું?

વિવેકાનંદ તો એકલા-અટૂલા, વણનોતર્યા, કેવળ ભગવાનના ભરોસે અથડાતા-કુટાતા ત્યાં જઈ ચડ્યા હતા. એ લગભગ સાવ અકિંચન હતા. અસહ્ય ભૂખ, અપમાનો અને ઠંડીનો તેમને સામનો કરવો પડ્યો. તેમણે પોતાના દેશબાંધવોને મદદ માટે અપીલ કરી. અને છેવટે એક જૂથે અનુકૂળ પ્રતિસાદ પાડ્યો.

ક :        તો ઠંડીમાં ભલેને એ ‘ભૂત’ મરતું.

બ :       ના, પણ એમ મરી જવાનું કે ક્યાંય ઝૂકી પડવાનું આ ‘ભૂત’નું ભાગ્ય નહોતું.

સ્વા. વિ. : ભલે હું આ ભૂમિમાં ઠંડીથી થીજી મરું પણ ઓ યુવાનો! હું તમને આ ગરીબો માટે, અજ્ઞાનીઓ માટે, દબાયેલાં-કચડાયેલાં માટેની સહાનુભૂતિ અને સંઘર્ષ વારસામાં આપતો જાઉં છું. કહેવાતા ધનિકો ઉપર વિશ્વાસ રાખશો મા. તેઓ તો જીવતા હોવા કરતાં વધુ મરેલા જ છે. આશા તો તમારામાં દૂબળા અને નીચે પડેલા હોવા છતા નિષ્ઠાવાળા એવા તમારામાં જ રહેલી છે. ઈશ્વર ઉપર જ શ્રદ્ધા રાખો; બીજા નીતિચાતુર્યની જરૂર નથી, એની કશી વિસાત નથી. દીનહીનો પર સદ્‌ભાવ રાખીને તેમની સહાય કરવા સજ્જ થઈ જાઓ. સહાય તો ગમે ત્યાંથી અવશ્ય આવી મળશે. મારે હૈયે આ બોજો વધારીને મેં બાર બાર વર્ષો સુધી ભ્રમણ કર્યા કર્યું છે અને આ વિચાર મારા મસ્તિષ્કમાં ઘર કરી બેઠો છે. કહેવાતા ધનિકો અને કહેવાતા મોટા માણસોના ઘરને બારણે બારણે હું ઘૂમી વળ્યો છું. લોહી નીંગળતા હૃદયે અડધી દુનિયાને ઓળંગીને હું આ અજાણી ભૂમિ ઉપર મદદ માગવા આવ્યો છું. ઈશ્વર મહાન છે. હું માનું છું કે તે મને મદદ કરશે.

બ :       આ તો ભારતના પુનરુત્થાનની પયગંબરી વાણી જ તેમના દ્વારા ઉચ્ચારાઈ રહી છે!

અ :       અને ઊંઘતા ઉપખંડના આ કાળા હિન્દુને અમેરિકાનાં સમાચારપત્રોએ અપૂર્વ આવકારથી વધાવી લીધા!

અ :       જુઓ તો ખરા! વિનાશને આરે ઊભેલા અને મરવા વાંકે જ જીવતા આ રાષ્ટ્રના – આપણી માતૃભૂમિના – જીવનમાં તેઓ નવા પ્રાણ પૂરી રહ્યા છે! સાંભળો, યુરોપે તેમનો સંદેશ કેવી રીતે ઝીલ્યો, તે સાંભળો. રોમા રોલાં શું કહે છે, તે સાંભળો.

બ :       તેમની વાણી એટલે ભવ્ય સંગીત, તેમની શબ્દાવલીઓમાં બીથોવનની શૈલીનો રણકો છે અને ભાવોત્કર્ષ જગાવતા એમના વાણીલયમાં ફ્રેન્ડેલનાં સમૂહગીતોની પરંપરા પ્રતીત થાય છે. આજથી ત્રીસ વર્ષ પહેલાં ગ્રંથસ્થ થયેલાં તેમનાં વચનામૃતો હું જ્યારે જ્યારે વાંચું છું, ત્યારે ત્યારે હું વીજળીના આંચકા જેવી ઝણઝણાટી અનુભવ્યા વિના રહી શકતો નથી.

સ્વા. વિ. : આ દેશમાં હું કંઈ મારી જિજ્ઞાસા સંતોષવા આવ્યો નથી કે નામ અને યશ કમાવા માટે પણ આવ્યો નથી. હું તો એ જોવા આવ્યો છું કે ભારતમાં ગરીબ નરનારીઓને ક્યાંય ઓથ મેળવવાનાં સાધનો મળે તેમ છે કે કેમ? ભગવાન જો મારી મદદ કરશે તો તમે ધીરે ધીરે જાણશો કે એ સાધનો ક્યાં ક્યાં છે.

ક :        એ સાધુ તો બહિષ્કૃત છે. શું શંકરાચાર્ય કે બુદ્ધ હિન્દુધર્મનો ઉપદેશ આપવા માટે જઈને મ્લેચ્છો વચ્ચે રહ્યા હતા ખરા કે? વિવેકાનંદ તો શૂદ્ર છે, એ અસ્પૃશ્ય છે, એણે સાગર પાર કરવાનું પાપ કર્યું છે.

સ્વા. વિ. : આવો, માનવ બનો. તમારી સંકુચિત કૂપમંડૂકતામાંથી બહાર નીકળો અને ચારે તરફ બહારની દુનિયા નિહાળો. જુઓ તો ખરા કે, દુનિયાનાં રાષ્ટ્રો કેવી પ્રગતિ કરી રહ્યાં છે! તમે માનવને ચાહો છો? તમે તમારા દેશને ચાહો છો? તો આવો, વધારે સારી અને વધારે ઊંચી વસ્તુઓ મેળવવા માટે આપણે મથામણ કરીએ. પાછળ જોશો નહિ, નહિ જ. ભલે તમને ત્યાં વધારેમાં વધારે નજીકમાં અને વધુમાં વધુ મનગમતી બુમો સંભળાતી હોય! પાછળ જુઓ જ નહિ, આગળ જ ધપો.

બ :       ધનિકોની સમૃદ્ધિ વગર અને પંડિતોના પ્રમાણાધાર વગર પણ તેઓ ભારતને ઉન્નત કરવાનાં સ્વપ્નાં સેવી રહ્યા છે.

અ :       ભારતની યુવાન પેઢીની શક્તિ અને તમન્નાને જોરે તેઓ ભારતને બેઠો કરવાનાં સ્વપ્નો ઝંખી રહ્યા છે.

સ્વા. વિ. : ઉત્સાહમયી પવિત્રતાના પ્રદીપ્ત પાવકથી ઝળહળતાં, ઈશ્વરમાં શાશ્વત શ્રદ્ધા ધરાવનારા તેમજ દીનહીનો અને દબાયેલા પિસાયેલા લોકો પ્રત્યે સહાનુભૂતિ રાખવામાં સિંહ સમાન ખમીરવંતાં લાખ્ખો નરનારીઓ આ ભૂમિનો ખૂણેખૂણો ખૂંદી વળશે અને મુક્તિનો સંદેશ, સેવાનો સંદેશ, સમાજોત્થાનનો સંદેશ. સમાનતાનો સંદેશ પ્રસરાવશે.

ક : હેં ? સમાજોત્થાનનો સંદેશ? સમાનતાનો સંદેશ? કેવી મૂર્ખતા! ના, ના. ભારતવર્ષ તો બ્રાહ્મણોની શ્રેષ્ઠ વર્ણ તરીકેની પ્રાચીન પરંપરાને નભાવતો જ રહેશે અને બીજા લોકોએ એ બ્રાહ્મણપુરોહિતોને જ ભગવાનના એકમાત્ર મધ્યસ્થી ગણીને સાંભળવા જ જોઈએ. હિન્દુ ધર્મ કે સનાતન ધર્મનો આ જ તો પાયો છે.

સ્વા. વિ. : હિન્દુ ધર્મે ભારપૂર્વક ઉપદેશેલી માનવતાની મહત્તા આ ધરતીના બીજા કોઈ ધર્મે ઉપદેશી નથી અને સાથે સાથે હિન્દુધર્મ જે રીતે દીનહીનોનાં ગળાં ચગદી રહ્યો છે, એવું પણ ધરતીનો કોઈ ધર્મ કરતો નથી. ઈશ્વરે મને બતાવ્યું છે કે એમાં ધર્મનો પોતાનો દોષ નથી. એ તો છે હિન્દુધર્મમાં ઘૂસી ગયેલ નરી દાંભિકતા અને અવસાદનાં પરિણામ! પારમાર્થિક અને વ્યાવહારિક સિદ્ધાંતોને નામે ત્રાસ ગુજારવાની અનેક તરકીબો દંભી જનોએ શોધી કાઢી છે. હું આખી જિંદગી આવાં ત્રાસ અને તકલીફોમાં ઘસડાતો રહ્યો છું, મેં મારાં નજીકનાં સગાંસંબંધીઓને લગભગ ભૂખથી તરફડી મરતાં જોયાં છે. મને નિંદતા અને અવગણતા લોકો તરફ પણ સહાનુભૂતિ રાખવા બદલ એ જ લોકો દ્વારા મારો ઉપહાસ થયો છે, તિરસ્કાર થયો છે, વિશ્વાસઘાત થયો છે, મારે ઘણું ઘણું સહન કરવું પડ્યું છે.

ક :        કારણ કે તે નિંદા અને તિરસ્કારના લાગનો જ હતો! આપણે એને શું ભૂતકાળમાં ચેતવણી નહોતી આપી કે તે હવે વધારે આગળ ન વધે? આપણા પંડિતો અને પુરોહિતોની પવિત્ર પરંપરાને એ ભાંગે નહિ? અને મ્લેચ્છોની ભૂમિમાં સનાતન ધર્મનો ઉપદેશ ન આપે? એ તો છે ધર્મભ્રષ્ટ, પતિત, પાખંડી. ભલે એ ભારતમાં પાછો ન આવે.

સ્વા. વિ. : જ્યાં સુધી આગ ઝરતા વિસ્ફોટકની જેમ હું આ સમાજ પર ન ત્રાટકું અને સમાજ એક કૂતરાની પેઠે મને ન અનુસરે ત્યાં સુધી આ સમાજ તરફ હું પાછો નહિ વળું.

ક :        આ તો ધર્મનાશક, બળવાખોર, પ્રાચીન જીવનમૂલ્યોનો ધ્વંસક!

સ્વા. વિ. : ના, હું નાશ કરવા નથી આવ્યો, પૂર્તિ કરવા આવ્યો છું, હું ભાંગવા નથી આવ્યો. હું તો આવ્યો છું પ્રાચીન પાયા ઉપર નૂતન નિર્માણ કરવા.

બ :       મુંબઈમાં ભારતના પંડિતોએ આ શૂદ્રના તરતમાં થનારા ગૃહાગમન વિશે જે નિર્ણય કર્યો તે વિશે શું તમે સાંભળ્યું નથી?

અ :       હા, તેમણે નક્કી કર્યું કે વિવેકાનંદે મ્લેચ્છભૂમિમાં જવાનું પાપ કર્યું છે. હવે તો પ્રાયશ્ચિત્ત કર્યા પછી જ એ ભારતભૂમિમાં પ્રવેશી શકે અને એ પણ શૂદ્રોની હાજરીમાં જ અને હવેથી કદાપિ બ્રાહ્મણો ભેળા જમી શકશે નહિ.

સ્વા. વિ. : બેટા, કોઈ માનવ કે કોઈ રાષ્ટ્ર બીજાનો ધિક્કાર કરીને જીવી શકે નહિ. ભારતના લોકોએ જ્યારથી આ ‘મ્લેચ્છ’ શબ્દ શોધ્યો અને બીજાઓ સાથેનો સંબંધ તોડી નાખ્યો ત્યારથી ભારતના જનોની નિર્ણયશક્તિને તાળાં લાગી ગયાં છે.

અ :       વિવેકાનંદ કહે છે કે, તે પોતે તો એક સંન્યાસી છે, અને એટલે બધા વર્ણોની ઉપરવટ રહ્યા છે.

ક :        આ બ્રાહ્મણેતરનો દીકરો જાણે એક સંન્યાસી, પરમહંસ, દંડી, એક યતિરાજ હોય એવો આડંબર કરી રહ્યો છે! અરે ભલા ભગવાન, આનાથી વધુ હાસ્યાસ્પદ બીજું શું હોઈ શકે?

સ્વા. વિ. : તેમના ગમે તેવા કહેવાની મને કશી પરવા નથી. હું તો બસ, મારા ઈશ્વરને, મારા ધર્મને, મારા દેશને અને તે ઉપરાંત મને પોતાને – એક ગરીબ ભિક્ષુકને ચાહું છું. હું તો ગરીબગુરબાને, અજ્ઞાનીઓને અને દબાયેલાં-કચડાયેલાંને ચાહું છું. મને તેવાં તરફ લાગણી છે. એ કેટલી છે, તે ભગવાન જાણે છે, અને એ જ મને માર્ગ બતાવશે. માણસના ધન્યવાદની કે ટીકાકારોની મને તલભારેય પરવા નથી. હું તો તેમનામાંના લગભગ બધાયને અજ્ઞાની ઘોંઘાટિયાં બચ્ચાં જેવા જ લેખું છું સહાનુભૂતિની ભીતરના સર્વપ્રેમમય સર્વ સુધી તેઓ પહોંચી શક્યા નથી.

ક :        પછી તેઓ પાછા આવ્યા ત્યારે ભારતવર્ષે તેમને આવકાર્યા હતા ખરા કે?

અ :       અહીં પાછા ફરી રહેલા તેમને આવકારવા માટે તો કોલંબોમાં વીસ હજાર નરનારીઓ મધરાત સુધી ખડે પગે ઊભાં રહ્યાં!

બ :       રામનદના રાજાએ તો તેઓ બધાએ ભારતની ધરતી પર પગ મૂક્યો તે પહેલાં જ પોતાનું માથું સ્વામીજીને ચરણે ધરી દીધું હતું! એ શું આશ્ચર્યજનક નથી લાગતું? મદ્રાસમાં તો વીસ હજાર લોકો પાગલ બનીને ઊમટી પડ્યા હતા અને તેમને ઘેરી વળ્યા હતા અને કુરુક્ષેત્રમાં જાણે કે શ્રીકૃષ્ણ બોલતા હોય તેમ રથ ઉપર રહીને જ તેમણે લોકોને સંબોધ્યા હતા.

અ :       અને તેમની જન્મભૂમિ કલકત્તામાં તો હજારો લોકોએ તેમની ગાડી ખેંચી હતી.

બ :       પંજાબમાં રાજાઓ તેમનાં ચરણોમાં ઘૂંટણિયે પડ્યા હતા.

ક :        અરેરે, આ તો જાણે ખરેખર આંધીના ઉન્માદ સાથે પર્વતશિખરેથી પ્રચંડવેગી હિમપાત આ ઉપખંડ પર ધસી આવ્યો! આશ્ચર્ય! પણ એ બધું થયું કેવી રીતે?

અ :       ભારતનાં લાખ્ખો નરનારીઓએ તેમને આવેશભર્યાં અરમાનો સાથે સાંભળ્યા!

સ્વા. વિ. : ઊઠ, મારા ભારત! આ દીર્ઘતમ રાત્રિ દૂર થતી દેખાય છે, ને છેવટે આ અત્યંત પીડાકારી અવરોધોનો અંત આવતો જણાય છે, આ દેખાતા મડદામાં જાણે ચેતના સ્ફૂરતી હોય એમ લાગે છે, અને જ્યાં ઇતિહાસ કે પરંપરાગત કથા પણ ડોકિયું કરી ન શકે ત્યાંથી, ધૂંધળા અતીતમાંથી જ્ઞાન, ભક્તિ અને કર્મનો અવાજ જાણે કે વિશાલ હિમાચલના શિખરે પડઘાતો પડઘાતો આપણી તરફ નીચે આવી રહ્યો છે! – આ આપણી માતૃભૂમિ ભારતવર્ષ તરફ! આ અવાજ, ધીમો, દૃઢ અને છતાં પોતાના વક્તવ્યમાં અસંદિગ્ધ! દિવસે દિવસે એ મોટો થતો જાય છે અને જુઓ, ઘોરતા જનો જાગી રહ્યા છે. જુઓ, આ મરેલાં અસ્થિપિંજરો અને માંસપેશીઓમાં, હિમાલયમાંથી મન્દાનિલની માફક પ્રાણ ફૂંકી રહ્યો છે. જડતા ઓસરી રહી છે. લાંબી નીંભર નીંદરમાંથી આપણી માતૃભૂમિ ભારતવર્ષ જાગી રહી છે. ફક્ત આંધળો જ એ જોઈ શક્તો નથી. હવે એને વધુ વખત કોઈ રોકી શકશે નહિ; હવે વધુ વખત એ ક્યારેય ઊંઘતી નહિ રહે; બહારની કોઈ તાકાત એને હવે પાછી હડસેલી શકશે નહિ. કારણ કે એના ચરણોમાં અમાપ મહાકાયનો ઉદય થઈ રહ્યો છે.

અ :       એ એક પયગંબરની પેઠે વાણી ભાખે છે અને રાષ્ટ્રના મરેલા અસ્થિપિંજરમાં નવા પ્રાણ ફૂંકે છે. મરેલા લેઝરસની પાસે જાણે કે ક્રાઇસ્ટ ખડા થઈને લેઝરસને “ઊભો થઈ જા” એમ કહેતા હોય તેવા તે લાગે છે.

બ :       અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી સર્વ સ્થળે નવજીવનના પુનરુત્થાનની હલચલ મચી ગઈ.

અ :       કન્યાકુમારી? આહ, એક વરસ પહેલાં તેમણે ત્યાં કરેલા ઐતિહાસિક ધ્યાનની તમને યાદ આવે છે ને?

ક :        એ ધ્યાન વળી શું હતું? અમે તો ફક્ત એટલું સાંભળ્યું છે કે, શંકરાચાર્યે આ જગતની સતત ક્ષણભંગુરતાનું અને બુદ્ધ બધી વાસનાઓના નાશનું – નિર્વાણનું ધ્યાન ધર્યું હતું.

અ :       વિવેકાનંદે ત્યાં કંઈ ઈશ્વરનું ધ્યાન નહોતું ધર્યું. તેમણે ધ્યાન ધર્યું હતું અભાવગ્રસ્ત, દુખિયારી, મૂંગી, દબાયેલી લાખોની સંખ્યામાં સબડતી ભારતની જનતાનું! એ માનવજાતનું કે જે પોતાનો ઉદ્ધાર કરનારા તારણહારની વાટ જોવામાં દહાડા ગણી રહી હતી.

સ્વા. વિ. : યાદ રાખો કે રાષ્ટ્ર ઝૂંપડાંમાં વસે છે. પણ અરેરે, હજુ સુધી કોઈએ તેમને માટે કશું જ કર્યું નથી! આપણા આધુનિક સુધારકો તો વિધવા પુનર્વિવાહમાં વ્યસ્ત છે. અલબત્ત, હું તો દરેક સુધારા પ્રત્યે સહાનુભૂતિ ધરાવું છું પણ રાષ્ટ્રનું ભાવિ કંઈ વિધવાઓને મળતા પતિઓની સંખ્યા પર આધાર રાખતું નથી. એ તો સમગ્ર જનસમાજની અવસ્થા ઉપર આધાર રાખે છે. શું તમે તે બધાને ઊંચે લાવી શકો ખરા? તેમની ભીતરના આધ્યાત્મિક સહજસ્વરૂપની હાનિ કર્યા વગર તમે તેમને તેમનું ખોવાયેલું વ્યક્તિત્વ પાછું અપાવી શકશો ખરા? સમાનતા, સ્વતંત્રતા, પરિશ્રમની તમારી ચેતનામાં તમે પાશ્ચાત્યાય પાશ્ચાત્ય બનીને પણ સાથોસાથ ધર્મસંસ્કાર અને મૂલવૃત્તિઓના આધારસ્તંભની બાબતમાં એક સાચા હિન્દુ બની શકશો ખરા? આ કરવું પડશે અને આપણે કરીશું જ. એ બધું કરવા માટે જ તમે જન્મ્યા છો.

ક :        આપણે પણ શું એને અનુસરવું પડશે? આપણે તો રહ્યા સામાન્ય માણસો! તે આપણને તેના પોતાના જેવા થવાની અપેક્ષા તો કેવી રીતે રાખી શકે!

સ્વા. વિ. : મેં તો હજુ સુધી કશુંય કર્યું નથી. આ કર્તવ્ય તો તમારે બજાવવાનું છે. હું આવતી કાલે મરી જાઉં તો પણ કામ અટકવાનું નથી. હું શ્રદ્ધાપૂર્વક માનું છું કે એ કોટિના હજારો આવીને આ કામ માથે લેશે અને એને આગળ ને આગળ વધારતા રહેશે. મારા અત્યંત આશામય કલ્પનાચિત્ર કરતાંય એ વધારે હશે. મને મારા દેશ પર અને ખાસ કરીને દેશના યુવાનો પર પૂરી શ્રદ્ધા છે.

ક :        ભારતે પોતાના આ પયગંબરની વાણી મન દઈ સાંભળી ખરી?

બ :       હા, અવશ્ય સાંભળી. એણે સાંભળવી જ પડે. તેમના શબ્દો તો પ્રવર્તમાન યુગની સુવાર્તાઓ સમા હતા. આપણામાં પુન: યૌવનની મનોહર તાજગી લાવનારા એ પથપ્રદર્શક છે.

ક :        શી છે તેમની સુવાર્તા? તેઓ ખરેખર શું કહેવા માટે આવ્યા હતા?

બ :       તેઓ પોતાના જીવન દ્વારા બધા આત્માઓની મૂળભૂત દિવ્યતા અને બધા ધર્મોની મૂળભૂત એકતા દર્શાવવા આવ્યા હતા.

(ક્રમશ:)

ભાષાંતરકાર : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 188

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.