(ગતાંકથી આગળ)

સ્વામીજીની ઇચ્છા બંગાળમાં વૈદિક સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરવાની હતી. તેઓ સ્વામી શુદ્ધાનંદજીને શાસ્ત્રાભ્યાસ કરી, સંન્યાસીઓને શીખવવા વર્ગો શરૂ કરવા ઉત્સાહિત કરતા. ખરેખર તો સ્વામીજીએ શાસ્ત્રાભ્યાસના આ વિભાગને સ્વામી શુદ્ધાનંદજીના હવાલે કરી આશીર્વાદ આપતાં કહેલું, ‘હું તને આશીર્વાદ આપું છું કે, તું પંડિત બન.’ હું જ્યારે સ્વામીજી સાથે હતો ત્યારે સ્વામી શુદ્ધાનંદજી ઉદ્‌બોધન પ્રકાશન વિભાગમાં કાર્યરત હતા. સ્વામીજીએ તેમને મુક્ત કરી સંન્યાસીઓના શિક્ષણકાર્ય અંગે બેલુર મઠ બોલાવી લીધા. આવો હતો સ્વામીજીનો ધર્મોપદેશકાર્યનો રસ! એક વખત એમણે એવી ઈચ્છા વ્યક્ત કરેલી કે સંન્યાસીઓ અલગ અલગ જૂથમાં ‘રામકૃષ્ણ સંઘ’નો ધ્વજ લઈ શ્રીઠાકુરના આદર્શો અને ઉપદેશોનો ગામડે ગામડે ફરીને પ્રચાર કરશે.

જ૫-ધ્યાન માટે સ્વામીજી બહુ જ કડક હતા. એમના સમય દરમિયાન વહેલી સવારમાં ચાર વાગે ઘંટ વગાડવામાં આવતો. એમના સેવકોમાંના એક સેવક શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યો સહિત દરેક વ્યક્તિના ઓરડા પાસે જઈ ઘંટ વગાડતા. ધ્યાન માટે બધાએ શ્રીઠાકુરના પૂજાઘરમાં જવું પડતું. કોણ આવ્યું છે અને કોણ નથી આવ્યું, તે સ્વામીજી જાતે જઈને તપાસતા. શરૂઆતમાં જો કોઈ ગેરહાજર હોય તો તે વ્યક્તિના ઓરડામાં જઈ સ્વામીજી કહેતા, ‘કેમ છો સંન્યાસી બાબુ? ક્યાં સુધી સુઈ રહેશો?’ સ્વામીજી ધ્યાન માટે એટલા કડક હતા કે પૂજાઘરમાં ગેરહાજર રહેનાર સંન્યાસીઓને સજા કરતાં પણ અચકાતા નહિ. એક દિવસ એમણે બહુ ઓછા સંન્યાસીઓને પૂજાઘરમાં જોયા. ધ્યાન બાદ તેમણે નીચે આવી પોતાની નારાજી વ્યક્ત કરી. પછી તેમણે રસોયાને બોલાવી કહ્યું, ‘રસોડાની ચાવી મને આપી દે. આજે જે સંન્યાસી ‘પૂજાઘર’માં નથી ગયા તેમને ભોજન નહિ મળે. ભલે તે લોકો આજે બહાર જઈ ભિક્ષા માગી લાવે.’ સ્વામી વિજ્ઞાનાનંદજી ‘પૂજાઘર’માં આવેલા તેથી તેમને ચાવી સોંપી સ્વામીજી કલકત્તા જવા નીકળી ગયા. જ્યારે તેઓ મઠમાં પાછા ફર્યા ત્યારે પૂછપરછ કરતાં તેમને કહેવામાં આવ્યું કે, જે લોકો ‘પૂજાઘર’માં ગેરહાજર હતા તે લોકોએ તે દિવસે બહાર જઈ ભિક્ષા માગેલી.

સ્વામીજીનું ‘પૂજાઘર’માં ધ્યાનમાં બેસવા તરફનું વલણ એટલું બિનસમાધાનકારી હતું કે એક દિવસ એમણે મારી હાજરીમાં સ્વામી શિવાનંદજીને કહેલું, ‘તારકદા, તમે એક મહાત્મા હશો. પણ બીજા લોકો માટે દાખલો બેસાડવા તમારે પોતે ‘પૂજાઘર’માં જવું જ જોઈએ.’ ત્યારથી જ્યાં સુધી શિવાનંદજીની તબિયત સારી રહી ત્યાં સુધી તેઓ ‘પૂજાઘર’માં જ ધ્યાન કરતા. સંઘના વરિષ્ઠ સંન્યાસીઓને આ બનાવની જાણ હતી. સ્વામીજી સંન્યાસીઓને ખાસ, વિશિષ્ટ દિવસોમાં, જેવા કે સૂર્યગ્રહણ વગેરે દિવસોએ વધુ તપસ્યા કરવા પ્રોત્સાહિત કરતા. પોતાના અંતિમ શ્વાસ સુધી પછી ભલેને પોતે બીમાર હોય, પણ સ્વામીજી પોતાના ધ્યાન માટે ખૂબ જ નિયમિત હતા. તેઓ સંન્યાસીઓને પોતાની દરરોજની ફરજોની સાથે સાથે બે વખત જપ-ધ્યાન પણ કરવાનું કહેતા.

સ્વામીજીને ગુરુભાવમાં જોવા એ એક લહાવો હતો. એક દિવસ એમણે સ્વામી સ્વરૂપાનંદજીને કહ્યું : “જો સ્વરૂપ, જેમના માથે મેં હાથ મૂક્યો છે તેમણે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી આ ચોક્કસ જાણજે.” બીજી એક વાર સ્વામી સદાનંદ (સ્વામીજીના શિષ્ય) વિષે બોલતાં સ્વામીજીએ સ્વામી પ્રેમાનંદજીને કહેલું, ‘જો મારા શિષ્યો હજાર વાર નરકમાં જશે તો હું હજાર વાર તેમને ઊંચકી લઈશ. જો આ સાચું ન પડે તો શ્રીરામકૃષ્ણદેવ ખોટા છે.’

એક દિવસ સ્વામી પ્રેમાનંદજી ‘પૂજાઘર’માં (ઠાકુર -ઘરમાં) પૂજા કરવા ગયા. સ્વામીજી પણ ત્યાં ગયા અને સ્વામીજી પ્રેમાનંદજીને આસન પરથી ઊભા કરી પોતે જાતે પૂજા કરવા લાગ્યા. તેમણે થોડી વાર શ્રીરામકૃષ્ણદેવનાં ચરણે ફૂલો ધર્યા અને પછી તેઓ પોતાના મસ્તકે ફૂલો મૂકવા માંડ્યા. આ પછી તેઓ એકદમ જ ઊંડા ધ્યાનમાં ગરકાવ થઈ ગયા. જ્યારે તેઓ ‘પૂજાઘર’માંથી બહાર આવ્યા ત્યારે અહા! કેવું ભવ્ય દૃશ્ય હતું! તેમનો ચહેરો ભક્તિભાવથી પ્રકાશિત હતો, પછી અમે બધાએ તેમને વંદન કર્યાં.

એક દિવસ સ્વામીજીએ કહેલું, ‘તમે જોશો કે, ૨૦૦ વર્ષ બાદ લોકો સ્વામી વિવેકાનંદના એક વાળ માટે પણ મરણિયો પ્રયાસ કરતા હશે.’ સ્વામીજીએ અમને સમજાવેલું કે, ગુરુ અને સંઘના અધ્યક્ષ બન્ને સરખા જ કહેવાય. એક દિવસ તો તેઓ ‘પૂજાઘર’ની નીચેના વરંડામાં ગંભીર ભાવમાં બેઠેલા અને સ્વામી બ્રહ્માનંદજી તેમની પાછળ ઊભેલા. હું ચોગાનમાંથી પસાર થઈ રહ્યો હતો. મને જોઈ સ્વામીજી બોલ્યા, “થોડાં ફૂલો લઈ અહીં આવ.” હું થોડાં ફૂલો ચૂંટીને ત્યાં ગયો. પછી તેમણે મને કહ્યું : ‘ફૂલો મારા ચરણે મૂક અને દરરોજ મારી પૂજા કરજે.’ ફરીથી તેઓ બોલ્યા, ‘થોડાં વધુ ફૂલો લઈ આવ.’ જ્યારે ફૂલો લઈને હું પાછો ફર્યો ત્યારે તેઓ બોલ્યા, ‘હવે રામકૃષ્ણ સંઘના અધ્યક્ષ (સ્વામી બ્રહ્માનંદજી)ની પૂજા કર. યાદ રાખજે કે, ગુરુ અને અધ્યક્ષ બન્ને એક જ છે. તેથી અધ્યક્ષની પણ દરરોજ પૂજા કરજે.’ આ રીતે જુદી જુદી રીતે સ્વામીજી અમને શિક્ષણ આપતા.

એક વખત શાસ્ત્રના વર્ગ દરમિયાન કોઈએ પ્રશ્ન કર્યો, ‘ધ્યાન અને કર્મ તે બન્નેમાં ચડિયાતું શું?’ સ્વામીજી શાંતિથી ચર્ચા સાંભળતા રહ્યા અને છેવટે બોલ્યા, ‘મારા છોકરાઓ! બેમાંથી એકને પણ પૂર્ણ હૃદયથી અનુસરો, તો આ પ્રશ્ન આપમેળે ઉકેલાઈ જશે.’ બીજા એક દિવસે સ્વામી સ્વરૂપાનંદજીએ સ્વામીજીને પૂછ્યું, ‘તમે લોકો વરાહનગર મઠમાં કેવું કઠોર જીવન જીવી ગયા! તો તે જીવન અને અત્યારે અમે જે મઠજીવન જીવી રહ્યા છીએ તે બેમાંથી ક્યું ચડિયાતું? કેટલાક એવું કહે છે કે, વરાહનગર મઠના તે દિવસો અદ્‌ભુત હતા!’ સ્વામીજીએ જવાબ આપ્યો, ‘હા, એ વખતે એવું કઠોર તપસ્યામય જીવન જરૂરી હતું. હાલમાં વર્તમાન પેઢી માટે એવું જીવન શક્ય નથી. તેથી આ લોકો માટે આવી નવી જીવનપદ્ધતિ નિયત કરવામાં આવી છે.’

સ્વામીજી સંન્યાસને ઉચ્ચતમ સ્થાન આપતા. જ્યારે તેઓ બ્રહ્મચારીને સંન્યસ્તની દીક્ષા આપતા ત્યારે કહેતા, ‘હું ઠાકુરને તમારા લોકોનું બલિદાન આપું છું.’ (જેવી રીતે દેવીને બકરાનું બલિદાન આપવામાં આવતું.) આ પ્રસંગે સૌ પ્રથમ તેઓ ધ્યાનમાં બેસીને વાતાવરણ ઊભું કરતા. ત્યાર બાદ તેઓ સંન્યાસના મંત્રોચ્ચાર કરતા અને બીજા બધા લોકો તે મંત્રોચ્ચારનું રટણ કરતા અને પછી સ્વામીજી તે સંન્યાસીઓને પોતપોતાની જનોઈ અને વાળને હોમાગ્નિમાં હોમી દેવા કહેતા. ત્યાર બાદ તે લોકોને કહેવામાં આવતું, ‘આજથી તમે લોકો નાત-જાતથી પર (અતીત) છો. (જ્ઞાતિબંધનથી મુક્ત થયા છો). અને દુનિયાની કોઈ પણ વ્યક્તિ પાસેથી તમે ભિક્ષા લઈ શકો છો.’

હું જ્યારે બેલુર મઠમાં સ્વામીજી સાથે રહેતો હતો ત્યારે એક દિવસ મેં તેમની પાસેથી સંન્યાસ ગ્રહણ કરવાની ઈચ્છા પ્રદર્શિત કરી તો તેમણે કહ્યું : ‘શું તું દ્વારે દ્વારે ભિક્ષા માંગવા જઈ શકીશ?’ મેં જવાબ આપ્યો, ‘આપના આશીર્વાદથી હું તે કરવા શક્તિમાન છું.’ ત્યારે તેમણે કહ્યું, ‘તું અહીં રહે. સમય થતાં તને તારી છેલ્લી દીક્ષા પણ મળી જશે.’ એ વખતે સ્વામીજીનું માયાવતી જવાનું આયોજન હતું. પરંતુ તે મુલાકાત મુલતવી રહેતાં ફરીથી મેં તેમને સંન્યાસ દીક્ષા આપવા વિનંતી કરી. તેમણે બુદ્ધની જન્મજયંતીનો દિવસ નક્કી કર્યો. અને સ્વામી બોધાનંદજીને બધી જ તૈયારી કરવા કહ્યું. તે રાત્રિ મેં ચિંતામાં જ પસાર કરી. મારે વહેલી સવારે ઊઠવાનું હતું. જ્યારે મારી ઊંઘ ઉડી ત્યારે મેં જોયું કે ૪ ને ૧૦ મિનિટ થઈ છે. પણ ખરેખર તો ર ને ૨૦ મિનિટ થઈ હતી. મેં ઘડિયાળના કાંટા જોવામાં ભૂલ કરેલી. હું તરત જ ઊઠી ગયો અને સ્વામી નિશ્ચયાનંદજીને ઘંટ વગાડવા કહેતાં એમણે ઘંટ પણ વગાડી દીધો. જ્યારે સ્વામી બોધાનંદજી પૂજા-ઘરમાં જઈ રહ્યા હતા ત્યારે સ્વામીજીએ બાથરૂમ જવાના રસ્તે તેમને જોયા અને પૂછ્યું, ‘આટલી વહેલી સવારે ‘પૂજાઘર’ તરફ કોણ જઈ રહ્યું છે?’ સ્વામી બોધાનંદજીએ ઘંટ વાગી ગયાના સમાચાર મારા નામના ઉલ્લેખ સાથે આપ્યા. સ્વામીજી બોલ્યા, ‘એ છોકરો ગભરાઈ ગયો છે. થોડા સમય બાદ સ્વામીજી ‘પૂજાઘર’માં આવ્યા અને વિરજા હોમ (ખાસ પ્રકારનો હોમાગ્નિ કે જેમાં સંન્યાસીઓ આહુતિ અર્પે) કરવામાં આવ્યો. આહુતિ અર્પણ થઈ ગયા બાદ સ્વામીજી બોલ્યા, ‘આજથી તમારી બધી જ દુન્યવી પ્રવૃત્તિઓ તેમ જ ફરજો પૂરી થાય છે.’ એમણે મને સંન્યાસીનું નામ “અચલાનંદ” આપ્યું. હું સ્વામીજીનો અંતિમ સંન્યાસી શિષ્ય!

સ્વામીજી લોકોને ઘણી બધી રીતે શિક્ષણ આપતા. અમે લોકો ખરેખર ભાગ્યશાળી છીએ કે, અમને તેમની સેવા કરવાની તેમ જ તેમના માટે કાર્ય કરવાની તક મળેલી. ભવિષ્યમાં આવનાર જે કોઈ લોકો જો સ્વામીજીના આદર્શો પ્રમાણે પોતાના જીવનને વળાંક આપશે તો તે લોકો પણ ભાગ્યશાળી ગણાશે અને ઉચ્ચતમ સત્યનો સાક્ષાત્કાર કરશે.

એક વખત સ્વામીજીએ અભયવચન આપતાં કહેલું : ‘જે કોઈ પોતાની દુન્યવી ફરજો પણ ઉત્તમ રીતે બજાવી શકશે તે લોકોને પણ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થશે.’

અનુવાદ : કુ. સીમા માંડવીયા

Total Views: 174

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.