દરેક પુરુષને, દરેક સ્ત્રીને, સર્વ કોઈને ઈશ્વરરૂપે જુઓ. તમે કોઈને મદદ કરી શકતા જ નથી; તમે માત્ર સેવા કરી શકો છો. ઈશ્વરનાં સંતાનોની સેવા કરો, અધિકાર હોય તો ઈશ્વરની પોતાની સેવા કરો. જો ઈશ્વરની ઈચ્છા થાય કે તમારે તેના કોઈક સંતાનની સેવા કરવાની છે, તો તમે તમારી જાતને ધન્ય માનજો. પોતાની જાત વિષે બહુ ઊંચો વિચાર ન બાંધશો. એ સેવાનો અધિકાર બીજાઓને ન મળતાં તમને મળ્યો માટે તમે પોતાને ધન્ય માનજો. એ સેવા કેવળ આરાધનાના રૂપમાં કરજો. ગરીબમાં રહેલા ઈશ્વરને મારે જોવા જોઈએ; મારે જઈને તેમની આરાધના કરવી એ તો મારી પોતાની મુક્તિને માટે છે; ગરીબો અને દુ:ખીઓ આપણી મુક્તિને માટે છે. એ રીતે આપણે રોગીના રૂપમાં ઈશ્વરની સેવા કરીએ; એમ પાગલના રૂપમાં, રક્તપિત્તિયાના રૂપમાં અને પાપીના રૂપમાં દેખાતા ઈશ્વરની આપણે સેવા કરીએ. મારા શબ્દો બહુ સખત છે. પણ હું ફરી વાર કહેવા માગું છું કે, આ બધાં રૂપોમાં ઈશ્વરની સેવા કરવાનું આપણને મળે છે એ જીવનમાં મોટામાં મોટો લહાવો છે. બીજાઓ ઉપર હકૂમત ચલાવીને તમે કોઈનું ભલું કરી શકો એ ખ્યાલ સાવ છોડી દેજો. પણ નાના રોપાની બાબતમાં જેટલું તમે કરી શકો, તેટલું જ આ બાબતમાં કરી શકો, ઊગતા બીજને માટે જરૂરી માટી, પાણી, હવા, પ્રકાશ, વગેરે આપીને તેના વિકાસમાં મદદ કરી શકો; તેમાંથી તેને જોઈએ તેટલું એ પોતાની મેળે અને સ્વાભાવિક રીતે જ લઈ લેશે; એને પોતાનામાં સમાવીને તે પોતાની મેળે, સ્વાભાવિક રીતે જ વધશે.

જગતમાં બધે પ્રકાશ ફેલાવો, પ્રકાશ બસ પ્રકાશ લાવો! સૌ કોઈને પ્રકાશ મળે એમ કરો. જ્યાં સુધી સૌ કોઈ પરમાત્મા પાસે પહોંચ્યું નથી, ત્યાં સુધી આ કાર્ય પૂરું નહીં થાય. ગરીબોને પ્રકાશ આપો; પણ પૈસાદારોને વધુ પ્રકાશ આપો. કારણ કે તેમને ગરીબો કરતાં એની વિશેષ જરૂર છે. અશિક્ષિતોને પ્રકાશ આપો; પણ સુશિક્ષિતોને વધુ પ્રકાશ આપો. કારણ કે આપણા જમાનાના શિક્ષણની અહંતા જબરજસ્ત છે! આ પ્રમાણે સૌને પ્રકાશ આપો અને બાકીનું ઈશ્વર પર છોડી દો. કારણ કે એ ઈશ્વર જ કહે છે કે “कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन। તને કર્મ કરવાનો અધિકાર છે, ફળનો નહીં. मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि। તારાં કર્મોનાં ફળનો ઉપભોગ તારે માટે ન હો; સાથે સાથે કર્મ કર્યા વિના પણ તું રહીશ નહીં.”

જે પરમ શક્તિએ આપણા પૂર્વજોને યુગો પૂર્વે આવા ભવ્ય વિચારોનો ઉપદેશ આપ્યો, તે પરમાત્મા જ આપણને તેના આદર્શોને આચરણમાં ઉતારવાનું સામર્થ્ય આપો.

-સ્વામી વિવેકાનંદ

(સ્વામી વિવેકાનંદ : ‘ભારતમાં આપેલાં ભાષણો’ (૧૯૮૭) પૃ. સં. ૧૨૪ – ૧૨૫)

Total Views: 236

One Comment

  1. Rasendra August 3, 2022 at 11:32 am - Reply

    માંહ્યલાને ઝનકોરતી વાત.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.