(ગતાંકથી આગળ)

દેહ, મન અને આત્માનું અંતર :

પુનર્જન્મનો સિદ્ધાંત, શરીર અને મનથી અલગ એવા તેમ જ એ બંનેથી પર રહેલ આત્મતત્ત્વની હસ્તીનો સ્વીકાર કરે છે. આ આત્મતત્ત્વના વિષયમાં જુદાં જુદાં ભારતીય દર્શનોએ ભલે પોતપોતાના અલગ અલગ મતો પ્રતિપાદિત કર્યા હોય, પણ આ એક વાતમાં તો તેઓ બધા જ સંમત છે કે, આત્મા, શરીર અને મનથી પર રહેલો છે. શરીર અને મન તો જડ છે શરીર સ્થૂળ જડ છે, તો મન સૂક્ષ્મ જડ છે, પરંતુ આત્મા ચૈતન્યસ્વરૂપ છે. જડતાની સ્થૂળ કે સૂક્ષ્મ હોવાની પરખ કસોટી એ છે કે સ્થૂળ જડ આત્મચૈતન્યનું પ્રતિબિંબ પોતામાં પાડી શકતું નથી, જ્યારે સૂક્ષ્મ જડ ચૈતન્યનું પ્રતિબિંબ પોતામાં પાડી શકે છે અને પાડે પણ છે જ. ધૂળ-કીચડથી ખરડાયેલો કાચ પ્રકાશને ઝીલીને એનું પરાવર્તન કરી શક્તો નથી, પણ એ જ કાચ જો સ્વચ્છ હોય તો પ્રકાશને પૂરી રીતે જેમ પ્રતિફલિત કરી શકે છે. એ જ રીતે વાસના તેઓથી ગંદું થઈ ગયેલું મન આત્મજ્યોતિને વિશેષ પ્રમાણમાં પ્રતિફલિત કરી શકતું નથી; પણ જ્યારે એ જ મન શુદ્ધ થઈ જાય છે ત્યારે આત્મજ્યોતિને એવી રીતે પ્રતિફલિત કરી દે છે કે, એ પોતે આત્મરૂપ જ થઈ જાય છે. જેવી રીતે સ્ફટિકની પાસે કોઈક ખાસ રંગનું ફૂલ મૂકી દઈએ તો સ્ફટિક એ જ રંગમય થઈને રહે છે. આપણને દેહ અને મનનું જ્ઞાન થાય છે એ બંનેમાં થતાં પરિવર્તનોનો આપણે અનુભવ કરીએ છીએ. આત્મા એ છે કે, જે મન અને દેહનાં આ બધાં પરિવર્તનોનો અનુભવ કરે છે; અને એટલા જ માટે એ પોતે તો અપરિવર્તનશીલ છે. દાખલા તરીકે, આપણે કોઈ નદીકાંઠે ઊભીને વહેતા જળને જોઈ રહ્યા હોઈએ. જળનું આ પરિવર્તન આપણને એટલા માટે જોવા મળે છે કે, આપણે જળની સરખામણીમાં અપરિવર્તનશીલ એવા કિનારે ઊભા રહીને એ જોઈએ છીએ. સિનેમાના પડદા ઉપર આપણે એક કથા પ્રતિફલિત થતી જોઈએ છીએ. જો પાછળ નજર કરીએ તો નાની નાની ફિલ્મો તીવ્ર વેગથી ફરી રહેલી જોવામાં આવે છે. હવે એ ફિલ્મોને અલગ અલગ કરીને જોઈશું તો એમાં તો કોઈ કથા કે ક્રમમેળ દેખાશે નહિ; પણ જ્યારે આ જ અલગ અલગ ટુકડાઓને તીવ્રતાથી ઘુમાવીને પડદા ઉપર પ્રતિફલિત કરવામાં આવે છે, ત્યારે એક સળંગ કથા જોઈ શકાય છે. જો પડદો સ્થિર ન હોય, એ હાલકડોલક થતો રહેતો હોય તો કથા બરાબર રીતે જોઈ શકાતી નથી. એ જ પ્રમાણે દેહ અને મનમાં બધાં પરિવર્તનોને એકસૂત્રે ગૂંથીને એક અર્થપૂર્ણ કથા પ્રસ્તુત કરનાર જે સ્થિર પડદો છે, એને આપણે આત્મા કહીએ છીએ. આ આત્મા અપરિવર્તનશીલ છે અને જે અપરિવર્તનશીલ હોય છે, તે અવિનાશી હોય છે અને અવિનાશી પણ તે જ હોઈ શકે કે, જે સર્વવ્યાપ્ત હોય. એટલે આત્મા સર્વવ્યાપી છે.

શરીર : સ્થૂલ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ

હવે, જો આત્મા સર્વવ્યાપી હોય તો મનુષ્યના મરણ પછી શું થાય છે? હિન્દુ દર્શને ત્રણ પ્રકારનાં શરીરો માન્યાં છે. એક તો, આ બહારથી દેખાતું સ્થૂળ શરીર છે. એની પાછળ અંત:કરણની વૃત્તિઓ અને સૂક્ષ્મ તન્માત્રાઓથી બનેલું સૂક્ષ્મ શરીર છે અને એની પણ પાછળ સંચિત સંસ્કારોના કેશરૂપ કારણ શરીર રહેલું છે. સ્થૂળ શરીર એ ક્રિયામાં ક્રિયમાણ સંસ્કારોનું વાહન છે. કારણ કે એના અભાવમાં ક્રિયમાણ સંસ્કારો બની જ શક્તા નથી. એ જ પ્રમાણે, સૂક્ષ્મ શરીર પ્રારબ્ધ સંસ્કારોનું વાહન છે; અને કારણ શરીર સંચિત સંસ્કારોનું વાહન છે.

આ ત્રણેય પ્રકારનાં શરીરોના આધારના રૂપમાં મહાકારણ શરીરનું અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું છે. કે જે તુરીય અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે.

આત્માના ચાર પાદ : ચાર અવસ્થાઓ

હિન્દુ દર્શન ચાર અવસ્થાઓની વાત કરે છે – જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય. એમાંની પહેલી ત્રણ અવસ્થાઓની અનુભૂતિ આપણામાંનો દરેક મનુષ્ય કરી શકે છે. આપણે જ્યારે જાગતા હોઈએ છીએ ત્યારે જાગૃત અવસ્થામાં હોઈએ છીએ. ઊંઘમાં જ્યારે સ્વપ્ન જોઈએ છીએ ત્યારે સ્વપ્નાવસ્થામાં હોઈએ છીએ. ગાઢ નિદ્રાની સ્થિતિ સુષુપ્તિ અવસ્થા કહેવાય છે. એક ચોથી પણ અવસ્થા છે એનો અનુભવ સામાન્ય રીતે આપણને થતો હોતો નથી. પણ સાધના દ્વારા એની અનુભૂતિ કરી શકાય છે. આ અવસ્થા આપણામાં સંભાવનાના રૂપમાં છુપાયેલી છે. આ જ્ઞાનની, આત્મસાક્ષાત્કારની, સમાધિની અવસ્થા છે. અવસ્થાને માંડુક્યોપનિષદે પોતાના સાતમાં મંત્રમાં વ્યાખ્યા કરીને આ પ્રમાણે બતાવી છે : प्रपंचोशम शान्तं शिवमद्वैतं चतुर्थं मन्यन्ते स आत्मा स विज्ञेयः । આ પ્રપંચનો ઉપશમ, શાંત શિવ અને અદ્વૈતરૂપ છે, તે જ આત્મા છે, અને એ જ જાણવા યોગ્ય છે. એને જ તુરીયાવસ્થાના નામથી ઓળખવામાં આવે છે. તો, જેવી રીતે મહાકારણ શરીર તુરીયાવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે, તેવી જ રીતે કારણ શરીર સુષુપ્તિ અવસ્થાનું, સૂક્ષ્મ શરીર સ્વપ્નાવસ્થાનું અને સ્થૂળ શરીર જાગૃત – અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. આ અવસ્થાઓને માંડુક્યોપનિષદે આત્માના ચાર પાદ તરીકે ઓળખાવેલ છે : ‘सोऽयमात्मा चतुष्पात’

મનની ચાર અવસ્થાઓ અને પંચકોશ

મનોવિજ્ઞાનની દૃષ્ટિથી જોઈએ તો આ ચાર પાદો જ મનની ચાર અવસ્થાઓનું પણ પ્રતિનિધિત્વ કરે છે. સ્થૂળ શરીર ચેતન મન (Conscious mind)નું, સૂક્ષ્મ શરીર અચેતન મન (Sub-conscious mind)નું, કારણ શરીર અચેતન મન (unconscious mind)નું અને મહાકારણ શરીર અતિ-ચેતન મન (Superconscious mind)નું પ્રતિનિધિત્વ કરે છે. આ ઉપરાંત વેદાંતમાં દર્શાવેલા પાંચ કોષોનો પણ આ ત્રણ શરીરો સાથે મેળ બેસી શકે છે. એ પાંચ કોષો આ છે : અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય. સ્થૂળ શરીર અન્નમય કોષથી બનેલું છે. સૂક્ષ્મ શરીર છે, તે પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમય એ ત્રણેય કોષોનું બનેલું છે અને કારણ શરીર આનંદમય કોષનું બનેલું છે. આ પાંચેય કોષોથી જે પર છે, એ જ મહાકારણ આત્મતત્ત્વ છે.

જીવ અથવા જીવાત્માની ધારણા :

હવે સૂક્ષ્મ શરીરને જ બોલચાલની ભાષામાં અંત:કરણ અથવા મન કહી દેવામાં આવે છે. એને લિંગ શરીરના નામે પણ ઓળખવામાં આવે છે. આપણે પહેલાં કહી જ ચૂક્યા છીએ કે, સ્થૂળ શરીર જડ છે અને આત્મજ્યોતિને એ પ્રતિબિંબ કરી શકતું નથી. સૂક્ષ્મ શરીર અથવા મન એ સૂક્ષ્મ જડ છે. એમાં આત્મચૈતન્યને પ્રતિફલિત કરવાની ક્ષમતા રહેલી છે. આત્મા સર્વવ્યાપી અને વિભુ હોવાને લીધે શરીરમાં ઓતપ્રોત થઈને વિદ્યમાન છે. શરીરના મરણ પછી આવાગમનની જે ક્રિયા થાય છે, એ આત્મામાં નહિ, પરંતુ સૂક્ષ્મ શરીરમાં જ થાય છે. જેવી રીતે એક ઘડાને આપણે એક ઠેકાણેથી ઉપાડીને બીજે ઠેકાણે લઈ જઈએ, તો એથી એ ઘડાની અંદર રહેલું આકાશ તો ચાલતું નથી. પણ ઘડાના ચાલવાથી ઘડાની ભીતર રહેલ ‘ઘટાકાશ’ પર પણ ચાલવાનો વ્યાવહારિક આરોપ લાગી જાય છે. તેવી જ રીતે, સ્થૂળ શરીરનો નાશ થયા પછી સૂક્ષ્મ શરીર કારણ શરીરની સાથે બીજા દેહમાં આવનજાવન કરે છે, આત્મા કરતો નથી. પણ આત્મા વ્યાપક રૂપે તો એમાં સ્થિત છે જ. એટલા માટે એના ઉપર પણ સૂક્ષ્મ શરીરની આ આવનજાવનની ક્રિયાનો વ્યાવહારિક આરોપ કરી દેવામાં આવે છે. હકીકતમાં તો આત્મામાં કોઈ પણ પ્રકારની ક્રિયા થતી જ નથી. સૂક્ષ્મ શરીર આત્માના ચૈતન્યને પ્રતિબિંબિત કરે છે અને એટલા માટે એ આત્મા જેવું જ ચેતન હોય એમ દેખાય છે, આ વાત તો આપણે પહેલાં કહી ગયા છીએ. જ્યારે આ આત્માને સૂક્ષ્મ શરીરની ઉપાધિથી આપણે સંલગ્ન કરીએ છીએ, ત્યારે એને ‘જીવ’ કે જીવાત્મા’ નામ આપીને ઓળખીએ છીએ. ખરી રીતે તો, કર્તાપણું અને ભોકતાપણું સૂક્ષ્મ શરીરમાં જ થાય છે, પણ આપણી અજ્ઞાન દશામાં આ સૂક્ષ્મ શરીરને આત્મા સાથે જોડાયેલું જ માની લેવામાં આવે છે. એટલા માટે આ જીવાત્મા જ કર્તા અને ભોકતાની ઉપાધિઓથી યુક્ત થઈ જાય છે. પાપ-પુણ્ય આવા ઉપાધિગ્રસ્ત જીવાત્માને લાગે છે. કર્મોના સંસ્કારો આ સૂક્ષ્મ શરીરમાં જ આવી વળગે છે. એક સ્થૂળ શરીરનો નાશ થઈ જતાં આ સૂક્ષ્મ શરીર પોતાના ભોગ માટે, પોતાના સંસ્કારને પ્રમાણે બીજા એક નવા શરીરની રચના કરે છે; એને આપણે પુનર્જન્મની પ્રક્રિયા કહીએ છીએ.

ચેતન અને અચેતન

આપણે જોયું કે, આત્મા સર્વવ્યાપી અને વિભુ છે. પ્રાણવત્તા અને ચૈતન્ય, એ આત્માનો ધર્મ છે. જેવી રીતે અગ્નિનો ધર્મ એની દાહકતા છે, તેવી રીતે આત્માનો ધર્મ ચૈતન્ય, પ્રાણવત્તા છે. પણ આત્માનો આ ધર્મ અંત:કરણના માધ્યમ દ્વારા જ પ્રકટ થાય છે. જેમ વિદ્યુતનો એક ધર્મ પ્રકાશ છે. પણ આ ધર્મ ત્યારે જ પ્રકટ થાય છે કે, જ્યારે એને બલ્બ -વીજળીના ગોળા – વગેરેનું માધ્યમ પ્રાપ્ત થાય, એમ અહીં પણ જે જે ઠેકાણે, જેમાં જેમાં અંત:કરણ હશે, અથવા સાવ સીધાસાદા શબ્દોમાં કહીએ તો, જ્યાં જ્યાં જે જે ઠેકાણે મનોયંત્ર હશે, ત્યાં ત્યાં આ ચૈતન્ય પ્રકટ થશે, પ્રાણવત્તા પ્રકટ થશે. અંત:કરણને સહજ-સામાન્ય રૂપે સમજવા માટે ‘મન’ શબ્દનો ઉપયોગ કરી શકાય છે. જ્યાં જ્યાં અને જેમાં જેમાં આ મનોયંત્રની ક્રિયા થાય છે, ત્યાં ત્યાં અને તેમાં તેમાં આત્માના ચૈતન્યનું પ્રતિબિંબ પડવાને લીધે આપણે એને ‘જીવંત’ કે ‘પ્રાણયુક્ત’ અથવા તો ‘ચેતન’ કહીને પિછાણીએ છીએ અને જ્યાં મનની ક્રિયા થતી નથી, ત્યાં આત્માનું ચૈતન્ય પણ પ્રકટ થતું નથી. એટલા માટે આપણે એને ‘નિર્જીવ’ કે ‘પ્રાણહીન’ અથવા તો ‘જડ’ કહીને ઓળખીએ છીએ. આપણે માટીના ઢેફાને કે પથ્થરના ટુકડાને ‘જડ’ કહીએ છીએ. આ શા માટે? એટલા જ માટે કે, એમાં મનની ક્રિયાને પ્રકટ કરવાનું સાધન નથી અને એટલા જ માટે એમાં રહેલું ચૈતન્ય ઢંકાયેલું – આવૃત્ત રહ્યું છે. પાષાણમાં મનોયંત્રનું સ્પંદન થતું નથી; એમાં અંત:કરણની સ્ફુરણા થતી નથી; એટલે એમાં આત્માચૈતન્યનું પ્રતિબિંબ પણ પડતું નથી અને એને જ કારણે એમાં ચેતના પ્રકટ થઈ શકતી નથી. વનસ્પતિમાં આ મન અથવા અંત:કરણ થોડેક અંશે પ્રકટ છે. એથી એમાં પ્રાણની ક્રિયા જોઈ શકાય છે. પ્રાણીઓમાં આ મન વધારે સ્પંદનશીલ હોય છે; અને મનુષ્ય સુધી આવતાં આવતાં તો આ મનોયંત્રનો પરિપૂર્ણ વિકાસ સાધિત થઈ જાય છે. આ અંત:કરણ માનવમાં એટલું બધું વિકસિત થઈ જાય છે કે, એક વેળાએ તો એ આત્માની પરિપૂર્ણ ચૈતન્યજ્યોતિને પ્રતિબિંબિત કરી લે છે. આ વાત તો આપણે ઉપર કહી ચૂક્યા છીએ.

(ક્રમશ:)

ભાષાંતરકાર : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 190

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.