શ્રીરામકૃષ્ણ લીલા પ્રસંગ : ભાગ-૪
ગુરુભાવ (ઉત્તરાર્ધ)
લેખક : સ્વામી સારદાનંદ
અનુવાદક : ડૉ. પ્રજ્ઞાબહેન શાહ
પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
મૂલ્ય કાચુ પૂંઠું.. ૧૮ રૂ. પાકુ પૂંઠું…૨૧ રૂ..૧૯૯૦

આ ગ્રંથમાં લેખક કાલક્રમ પદ્ધતિને અનુસરવાને બદલે વિષયને અનુસરે છે. એટલે એક ચોક્કસ સમયે બનેલી ઘટનાના સંદર્ભમાં એની સાથે સીધો નહીં પણ આડકતરો સંબંધ ધરાવતી ઘટનાઓના ઉલ્લેખો સ્વામી સારદાનંદ કરે છે.

આ ભાગની શરૂઆત ભૈરવી બ્રાહ્મણીના દક્ષિણેશ્વરમાં આગમનના ઉલ્લેખથી થાય છે. પરંતુ અગત્યની ઘટના અહીં બે મહાન પંડિતો વૈષ્ણવચરણ અને ગૌરી પંડિતની છે. શ્રીરામકૃષ્ણના સમાધિભાવથી અજ્ઞાત લોકો એમને પાગલ ગણતા હતા. ભૈરવીએ એ વાતનો પ્રતિરોધ કર્યો હતો અને એમણે કરેલા ઉપચારથી શ્રીરામકૃષ્ણનો અસહ્ય દાહ તરત શમી જવા પામ્યો હતો. છતાં એમનું નિદાન સાચું છે કે નહીં તેની કસોટી કરવા વૈષ્ણવચરણને અને ગૌરી પંડિતને દક્ષિણેશ્વર બોલાવવાનું મથુરબાબુએ નક્કી કર્યું. પોતપોતાની રીતે એ બંને મહાન પંડિતો હતા. બંનેએ શ્રીરામકૃષ્ણને તો ‘ડાહ્યા’ ઠરાવ્યા પણ પોતે બંને ‘પાગલ’ બની ગયા એટલે સુધી કે, ગૌરીચરણે તો શ્રીરામકૃષ્ણના સંસર્ગમાં આવ્યા પછી સંસારત્યાગ પણ કરી દીધો.

એવો જ પ્રબળ પ્રભાવ ન્યાય અને વેદાંતના પ્રખર પંડિત નારાયણ શાસ્ત્રી અને પદ્મલોચન ઉપર શ્રીરામકૃષ્ણે પાડ્યો હતો. તેમાં નારાયણ શાસ્ત્રીએ શ્રીરામકૃષ્ણ પાસેથી સંન્યાસ દીક્ષા લીધી હતી. ત્યારે પદ્મલોચને કહ્યું કે, ‘હું સાજો થઈને ઊઠું કે બધા પંડિતોને તેડાવીને સભા કરીને સહુને કહીશ કે, તમે ઈશ્વરાવતાર છો.’ (પૃ. ૮૧)

શ્રીરામકૃષ્ણ મથુરબાબુની સાથે કાશી, મથુરા, વૃંદાવન, વગેરે તીર્થધામોની યાત્રાએ જાય છે ત્યાં પણ તેમને ત્રૈલંગસ્વામી અને ગંગામાતા સમા પવિત્ર જનો મળી રહે છે. આપણા જેવા સામાન્ય જનોની જેમ એ યાત્રાધામોમાંની ગંદકી, પંડિતોની સ્વાર્થપરાયણતા, વગેરે એમની દૃષ્ટિએ પડે છે પરંતુ, આપણા જેવાની દૃષ્ટિએ જે નથી પડ્યું તે કાશીઘાટે મોક્ષ પામતા જીવાત્માઓ, વૃંદાવનમાં બાંકેબિહારી, વગેરેનાં દર્શન સહજ રીતે ઠાકુરને થાય છે.

એ જ રીતે, અધ્યાય-૩માં વર્ણવેલો ચૈતન્યના આસનગ્રહણનો પ્રસંગ તથા ભગવાનદાસ બાબાના ક્રોધ અને અહંકારને શ્રીરામકૃષ્ણે નાથવાનો પ્રસંગ આલેખી સારદાનંદે ઠાકુરની લોકોત્તરતા સરસ રીતે ચીતરી છે.

વિવિધ ધર્મો અને સંપ્રદાયોની શ્રીરામકૃષ્ણે કરેલી સાધનાની વાત આ ગ્રંથના પૂર્વાર્ધમાં લેખકે સવિસ્તાર દર્શાવી છે. વિવિધ સંપ્રદાયના પંડિતો, માઈકલ મધુસૂદન દત્ત જેવા ખ્યાતનામ પુરુષો અને આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી તથા ત્રૈલંગ સ્વામી જેવા ત્યાગીવૈરાગીઓના સંપર્કથી શ્રીરામકૃષ્ણને દૃઢ પ્રતીતિ થઈ કે, ‘સર્વ ધર્મો સત્ય છે. અને જેટલા મત છે તેટલા પથ છે.’ (પૃ. ૧૫૭) આમ છતાં તેમણે આચાર્યપદની તૃષ્ણા ન કરી.

પરંતુ પુસ્તકના અંતિમ અધ્યાયોમાં વર્ણવાયેલાં બે સ્ત્રી ભક્તોની વાતો હૃદયંગમ છે. શ્રીરામકૃષ્ણના દિવ્ય ભાવથી અભિભૂત એક સ્ત્રીભક્ત બલરામબાબુને ઘેર રથોત્સવનો આનંદ લૂંટાવી શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર જવા માટે હોડીમાં બેઠા તો એમની સંગાથે હોડીમાં ચાલી નીકળી હતી. (અ. ૫) અને અધ્યાય ૬-૭માં વર્ણવાયેલી ગોપાલની માની કથા, એમની પાસેની થોડી ઘરવખરીની નાની બચકી દેખી ઠાકુરનું એમની પ્રત્યેનું વલણ, શ્રીમાએ ગોપાલની માને આપેલું સાંત્વન અને ‘બચકી’ પ્રત્યેનો મોહ તજ્યા પછી એકાદ-બે શાકપાન રાંધી પોતે બીતાં બીતાં શ્રીરામકૃષ્ણને જમાડવા માટે લઈ ગયાં ત્યારે પાછું એમની પ્રત્યેનું ઠાકુરનું પૂર્વવત્ વર્તન : એ સમગ્ર ઘટનામાં ઠાકુર ‘જૂજવે રૂપે’ પ્રગટ થતા જોવા મળે છે.

આ ભાગમાં સ્વામી શ્રીસારદાનંદજીએ શ્રીરામકૃષ્ણના ગુરુભાવનું એક વિશિષ્ટ પાસું દર્શાવ્યું છે. સ્વામી વિવેકાનંદ, આ ગ્રંથના લેખક સ્વામી સારદાનંદ, વગેરે જે યુવાનો શ્રીરામકૃષ્ણના સંસર્ગમાં આવ્યા અને જેમણે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનની વિશ્વવ્યાપી ઈમારત ઊભી કરી તે સૌ કરતાં, ઠાકુરના ભક્તોનો આ વર્ગ અનેક રીતે જુદો પડે છે.

ભક્તોની આ માલિકીમાં એક તરફ પદ્મલોચન, નારાયણ શાસ્ત્રી, ગૌરી પંડિત જેવા, ભારતીય દર્શન પરંપરાના ઊંડા અભ્યાસી, સાધક, દાર્શનિકો છે તો બીજી તરફ ગોપાલની મા જેવાં પેલાં અનામી સ્ત્રીભક્તો જેવાં અભણ પણ સંસ્કારી અને ભક્તિતરબોળ સન્નારીઓ છે. દરેક ભક્તને જે જોઈતું હતું તે શ્રીરામકૃષ્ણ બરાબર પીરસતા હતા.

આમ છતાં પોતે ગુરુભાવના અહંકારના અંશને પણ પોતાની જાતને સ્પર્શવા દીધો ન હતો. બલરામબાબુને ત્યાંના રથોત્સવમાંથી વિદાય લેતી વખતે એક સ્ત્રીભક્ત ‘મા આનંદમયી’, ‘મા આનંદમયી’ બોલતી ઠાકુરની પાછળ આવી, ઠાકુરે તેને કહ્યું, “ચાલોને મા, ચાલોને!” અને એ ત્રીસેક વર્ષની નારી-કદીયે ગાડીપાલખી વિના નહીં ફરનારી એવી-એમ ને એમ ઠાકુરની પાછળ ચાલી નીકળી. એમની હોડીમાં જઈ બેઠી. હોડીમાં જ એક સ્ત્રીના પ્રશ્નના ઉત્તરમાં ઠાકુરે એને બોધ આપ્યો : ‘એમના ઉપર ભાર નાખી દઈને રહોને તમતમારે! વંટોળિયાની એઠી પતરાળી થઈને રહેવું એ કેવી રીતે ખરાબ છે? પતરાળી પડેલી છે, જે બાજુએ હવા લઈ જાય તે બાજુએ ઊડ્યે રાખે છે…. ચૈતન્યવાયુ જેમ મનને ફેરવે તેમ ફરવાનું. બસ, બીજું શું?’ (પૃ. ૧૯૧)

સરળમાં સરળ ભાષા, ઘરગથ્થુ પણ હૃદયસોંસરું પેસી જાય તેવું દૃષ્ટાંત : પરંતુ વાત અહંકારના ત્યાગની, જાતને સમર્પિત કરી દેવાની.

પ્રસ્તુત અનુવાદ શ્રીરામકૃષ્ણની જીવનકથાની અદ્ભુત લાગે તેવી ઘટનાઓનું, નાસ્તિકમાં નાસ્તિક વાચકને પણ ખાતરી કરાવે તેવી રીતે સદૃષ્ટાંત અને આધાર નિરૂપણ કરી ગુજરાતી વાચકો સમક્ષ એ પુરુષોત્તમની કથા રજૂ કરે છે.

– દુષ્યત પંડ્યા

Total Views: 153

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.