(ગતાંકથી આગળ)

૧૮૫૫ના મેની ૩૧ તારીખ હતી. રાણી રાસમણિની વિનંતીથી રામકુમાર આ ઉત્સવનું આચાર્યપદ શોભાવવા સંમત થયા હતા. પોતાનો અનુગામી મળે ત્યાં સુધી પૂજારી રહેવા તેઓ કબૂલ થયા હતા. આ વિધિ અત્યંત પવિત્ર રીતે અને રાજાશાહી ઠાઠથી ઉજવવામાં આવ્યો. મંદિરો ઠાઠથી શણગારવામાં, પ્રકાશિત કરવામાં આવ્યાં. મંત્રોચ્ચાર, ભજનો, શંખ અને ઘંટનાદ મંદિરના પ્રાંગણમાં પ્રતિઘોષ કરતાં રહ્યાં. આ ઉત્સવમાં ઉપસ્થિત રહેવા સમગ્ર હિંદુસ્તાનમાંથી પંડિતો આવ્યા હતા. તેમને રેશમી વસ્ત્રો, સોનામહોરો અન્ય કીમતી ભેટો આપવામાં આવી. હજારો માણસોએ ભોગ આરોગ્યો. રાસમણિએ આ અર્પણ-ઉત્સવમાં વીસ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો. એમના જીવનની આ એક પરમ સિદ્ધિ હતી.

૧૯ વર્ષના શ્રીરામકૃષ્ણ આ ઉત્સવમાં હાજર હતા. પણ ધરાવેલ ભોગમાંથી એમણે કાંઈ લીધું નહિ. તેના બદલે બજારમાંથી મમરા લાવ્યા અને કલકત્તા રાતવાસો કરવા પાછા ફરતાં તે ખાધા. બીજે દિવસે શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર આવ્યા. રામકુમારે તેમને રહેવા કહ્યું પણ તેમણે ના પાડી અને ભાઈ પણ તરતમાં પાછા ફરશે તેવી આશામાં તે કલકત્તા ગયા. એક સપ્તાહ પછી પણ રામકુમાર આવ્યા નહિ. તેથી શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર ગયા. આ વખતે રામકુમારે તેમને કહ્યું કે, ‘રાસમણિની વિનંતીથી તેમણે કાલી માતાના પૂજારી તરીકેની જગ્યા સ્વીકારી છે અને હવે પાઠશાળા તેઓ બંધ કરશે. છેવટ, શ્રીરામકૃષ્ણ રામકુમાર સાથે દક્ષિણેશ્વરમાં રહેવા કબૂલ થયા. પણ તેમણે પોતાનું ભોજન ગંગાજળથી જાતે જ રાંધવા માંડ્યું. સાધનાની શરૂઆત પહેલાં જ્ઞાતિના નિયમોનું તેઓ ચુસ્ત રીતે પાલન કરતા હતા.

રાસમણિ અને મથુર શ્રીરામકૃષ્ણને ક્રમશ: સમજતાં થયાં. તેઓ બંને તેમનાં વખાણ કરતાં અને પૂજા-વિધિમાં તેમને પણ સામેલ કરવા ઇચ્છતાં હતાં. પણ શ્રીરામકૃષ્ણ તેમને મળવાનું ટાળતા. કારણ કે તે એ પદ લેવા ઇચ્છતા નહોતા કે તેમને મળી ના પાડીને તેમની લાગણી દૂભવવા માગતા પણ નહોતા. છેવટ, એક દિવસ મથુરે તેમને કાલીની મૂર્તિને વસ્ત્ર-પરિધાન કરાવવા કહ્યું. શ્રીરામકૃષ્ણ એ શરતે કબૂલ થયા કે, તેમનો ભાણેજ હૃદય માતાનાં રત્નો (આભૂષણો)નું ધ્યાન રાખશે.

મંદિરના ઉદ્‌ઘાટન-ઉત્સવ પછી ત્રણેક મહિને મંદિરમાં એક અકસ્માત થયો. કૃષ્ણની મૂર્તિને ગાદી પરથી શયનમાં લઈ જતાં પૂજારી ક્ષેત્રનાથ લપસીને પડી ગયા. પરિણામે મૂર્તિનો એક પગ ભાંગી ગયો. આ અકસ્માતે ગમગીની ફેલાઈ. કારણ કે એ અપશુકન ગણાવી શું કરવું તે વિશે સલાહ-સૂચન મેળવવા તરત પંડિતોને બોલાવાયા. તે બધા સર્વાનુમતે સંમત થયા કે, તૂટેલી મૂર્તિની પૂજા થઈ શકે નહિ. તેને સ્થાને બીજી મૂર્તિ સ્થાપીને પેલી જૂની મૂર્તિને ગંગામાં પધરાવી દેવી જોઈએ.

આ નિર્ણયથી રાસમણિ ઘણાં ખિન્ન થયાં. જે મૂર્તિને આટલા પ્રેમ અને ભક્તિથી ભજી છે, તેને પધરાવી દેવાનું તેમને ગમ્યું નહિ. મથુરની સલાહ લઈ તેમણે પ્રથમ શ્રીરામકૃષ્ણ સાથે મસલત કરી. અને તેમણે ઈશ્વર – મસ્તીમાં કહી નાખ્યું, “જો રાણીના જમાઈઓમાંથી કોઈનો પગ ભાંગે તો રાણી તેમને દૂર કરી તે સ્થાને કોઈ બીજાને મૂકશે ખરાં કે? એને શું કોઈ દાક્તર પાસે સાજા કરવાનું નહિ કરે? આ કિસ્સામાં પણ એમ જ ગણાય. મૂર્તિને દુરસ્ત કરો અને પહેલાની જેમ જ એની પૂજા કરો.” આ સાદા સંતોષકારક અને તર્કસંગત ઉત્તરથી પંડિતોને આશ્ચર્ય થયું. પણ રાણી અને મથુરને તો આનંદ જ થયો. શ્રીરામકૃષ્ણે જાતે જ કુશળતાથી મૂર્તિને સમી કરી. રાસમણિ અને મથુરની વિનંતીથી શ્રીરામકૃષ્ણ મંદિરના પૂજારી થવા સંમત થયા.

રામકુમારની તબિયત હવે કથળવા માંડી હતી. રાસમણિની સંમતિથી કાલીમંદિરની પૂજા તેમણે શ્રીરામકૃષ્ણને શીખવવા માંડી. એ વધુ જવાબદારીભરી અને વધુ મુશ્કેલ સેવા હતી. એ દરમિયાન તેમણે કૃષ્ણમંદિરનો હવાલો સંભાળ્યો. ધંધાના કામકાજ અંગે થોડા દિવસ બહાર હતા એ દરમિયાન રામકુમાર ગુજરી ગયા. પ્રસંગનો આવો અણચિંતવ્યો વળાંક શ્રીરામકૃષ્ણ માટે મોટો આઘાત હતો. રામકુમાર તેમને માટે તો પિતા સમાન હતા. કારણ કે એ જ્યારે ફક્ત સાત વર્ષના હતા ત્યારે તેમના પિતા ગુજરી ગયા હતા. શ્રીરામકૃષ્ણે મંદિરમાં જગદંબાની પૂજા કરવાનું ચાલુ રાખ્યું. પણ કમશ: ઈશ્વરમસ્તીનો મિજાજ તેમનો કબજો લેવા લાગ્યો. જગતની સૂધ-સાન તેઓ ભૂલવા લાગ્યા. જગદંબાનાં દર્શન કરવાની તેમની એક જ મહેચ્છા હતી. તેમની અસાધારણ વર્તણૂક અને પૂજનની વિચિત્ર રીતભાત મંદિરના સ્ટાફના ધ્યાન પર તરત આવી. તે સૌને ખાતરી થઈ ગઈ કે, શ્રીરામકૃષ્ણ પાગલ થઈ ગયા છે અને તેમને સેવામાંથી બરખાસ્ત કરવા જોઈએ. એ મતલબનો એક સંદેશો રાસમણિ અને મથુરને મોકલવામાં આવ્યો.

એક દિવસ મથુરે મંદિરની ઓચિંતી મુલાકાત લીધી અને શ્રીરામકૃષ્ણની પૂજા-વિધિ છુપાઈને જોઈ. શ્રીરામકૃષ્ણ જગદંબાને જે રીતે શણગાર કરતા, તેમની સાથે વાત કરતા, તેમને ખવડાવતા અને એ જીવંત વ્યક્તિ હોય તેમ પંખો નાખતા તેથી મથુર ખૂબ પ્રભાવિત થયા અને મંદિરના કર્મચારીઓને, શ્રીરામકૃષ્ણની પૂજા-વિધિમાં ખલેલ કરવા કે તેમાં વચ્ચે કશી દરમિયાનગીરી કરવાની ના પાડી. તેમણે રાસમણિને અહેવાલ આપ્યો, “આપણને એક અસાધારણ પૂજા કરનાર મળ્યો છે. એમ લાગે છે કે, માતા હમણાં હાજરાહજૂર થઈ જશે.” શ્રીરામકૃષ્ણ માટે રાણી રાસમણિ અને મથુરને પ્રેમ અને માન હતાં. તેમણે જોયું કે, શ્રીરામકૃષ્ણની વર્તણૂક વિચિત્ર હતી અને મંદિરના કર્મચારીઓએ પણ તેમની ટીકા કરવા માંડી, ત્યારે રાસમણિ અને મથુરે શ્રીરામકૃષ્ણને જે રીતે ટેકો આપ્યો, તે તદ્દન વિસ્મયકારક ઘટના હતી. દાખલા તરીકે, એક વાર રાણી રાસમણિ દક્ષિણેશ્વર આવ્યાં અને ગંગાસ્નાન કર્યા પછી જગદંબાની પૂજામાં જપ અને ધ્યાન માટે પ્રવેશ્યાં. શ્રીરામકૃષ્ણ પણ એ સમયે ત્યાં હતા. રાસમણિએ તેમનું ભાવપૂર્ણ સંગીત ઘણી વાર સાંભળ્યું હતું અને એ તેનાં શોખીન હતાં એટલે તેમણે શ્રીરામકૃષ્ણને ગાવાની વિનંતી કરી. શ્રીરામકૃષ્ણ ગાવા માંડ્યું પણ તરત જોયું કે, રાસમણિનું મન દુન્યવી વિચારોમાં ખોવાયેલું છે. એકાએક તે અટકી ગયા અને રાસમણિ તરફ ફરી આશ્ચર્યથી, “આ શું? અહીં પણ તમે આ વિચાર કરો છો?” કહેતાં તેમણે રાણીના ગાલ પર તમાચો મારી દીધો.

મંદિરમાં હાહાકાર થઈ ગયો. રસમણિની દાસીઓએ ભયથી ચિત્કાર કર્યો. મંદિરના કર્મચારીઓ અને ચોકીદારો શ્રીરામકૃષ્ણને મંદિરની બહાર ઘસડી જવા દોડી આવ્યા. પણ જરા ખમચાયા, અને રાણીના હુકમની રાહ જોતા ઊભા હતા. પણ રાસમણિ તો અંતર-ભાવમાં નિહિત બનીને તદૃન શાંતિથી બેઠાં હતાં. ભજન સાંભળવાને બદલે તેઓ એક મુકદ્દમાનો વિચાર કરતાં હતાં. એ શું વિચારતાં હતાં તે શ્રીરામકૃષ્ણ જે રીતે કળી ગયા, તેથી એ તો દંગ થઈ ગયાં! પણ જે બન્યું હતું તે પરિસ્થિતિથી તે જ્યારે સચેત બન્યાં ત્યારે તેમણે જોયું કે પોતાની શાંતિથી અને સસ્મિત બેઠેલા શ્રીરામકૃષ્ણને સજા કરવા લોકો તેમની આજુબાજુ ઝળુંબી રહ્યા હતા. રાસમણિએ હુકમ કર્યો કે, “જુવાન પૂજારીનો કોઈ દોષ નથી. એની સામે કશાં પગલાં લેવાનાં નથી.”

રાસમણિ પોતાના ખંડમાં ગયાં ત્યારે તેમની દાસીઓએ શ્રીરામકૃષ્ણની તેમના તરફની અસભ્ય વર્તણૂકની ફરિયાદ કરવા માંડી, ત્યારે તેમણે જવાબ આપ્યો, ‘તમને એ નહિ સમજાય. જગદંબાએ જ મને સજા કરી મારા અંતરને અજવાળ્યું છે.’ પોતાના ઉચ્ચ વિશુદ્ધ હૃદયને કારણે રાસમણિ તે તરત સમજી શક્યાં અને શ્રીરામકૃષ્ણના કઠોર વ્યવહારને તેમણે સ્વીકારી લીધો અને તેમાંથી લાભ મેળવ્યો.

દક્ષિણેશ્વરમાં મંદિર અર્પણ કર્યા પછી રાસમણિએ વધુ ને વધુ સમય ધાર્મિક ક્રિયાકાંડમાં ગાળવા માંડ્યો. તેમને દક્ષિણેશ્વર આવવાનું અને શ્રીરામકૃષ્ણ સાથે ધર્મચર્ચા કરવાનું, તેમનું સંગીત સાંભળવાનું ગમતું. હવે ધીરે ધીરે શ્રીરામકૃષ્ણની દૈવી રંગભૂમિ પરથી વિદાય લેવાનો સમય આવ્યો. ૧૮૬૧ની શરૂઆતમાં રાસમણિ સખત તાવ અને મરડાથી બીમાર પડ્યાં. કલકત્તાના શ્રેષ્ઠ ડૉક્ટરોએ તેમને સારવાર આપી પણ છેવટે બધાએ આશા તજી દીધી અને સૂચન કર્યું કે, રાસમણિને કોઈ નીરોગી સ્થળે ખસેડવાં જોઈએ. રાસમણિની ઇચ્છા કાલી-ઘાટના તેમના બાગ-ઘરમાં જવાની હતી. આ સ્થાન કલકત્તાની દક્ષિણે, ગંગામાં વહેતા એક નાના ઝરા, આદિગંગાને કિનારે હતું.

રાસમણિએ જોયું કે, હવે મૃત્યુ અનિવાર્ય છે. પણ એક કામ એવું હતું કે, જે અધૂરું રહી ગયું હતું. દક્ષિણેશ્વર મંદિરના નિભાવ માટે દિનાજપુર (હવે બાંગ્લા દેશ)માં ખરીદેલ મિલકત હજુ મંદિરના ટ્રસ્ટને તબદીલ થઈ નહોતી. તેમણે ૧૮ ફેબ્રુઆરીના રોજ તેનું ડીડ કર્યું અને બીજે દિવસે ૧૯ ફેબ્રુઆરીએ તેઓ અવસાન પામ્યાં.

મૃત્યુના થોડા સમય પહેલાં તેમને ગંગાકિનારે લાવવામાં આવ્યાં. પોતાની સામે કેટલાક દીવા બળતા જોઈ તેમણે આશ્ચર્યથી કહ્યું, “દૂર કરો, દૂર કરો આ પ્રકાશ! આ કૃત્રિમ પ્રકાશની મને હવે પરવા નથી. મારી મા પધારી છે અને તેના રૂપની આભાએ આ સમગ્ર સ્થાનને ઝળાંઝળાં કર્યું છે.” થોડું અટકીને પછી તે એમ કહેતાં કહેતાં ગયાં, “મા, તમે આવ્યાં છો?”

રાસમણિના મૃત્યુની બીજી કથામાં એમ કહેવાય છે કે, જેવી તેમણે વિદાય લીધી તેવી જ કાલીઘાટના મંદિરની બધી બત્તીઓ પવનના જોરદાર ઝપાટાથી બુઝાઈ ગઈ અને પછી જગદંબા તેમની સમક્ષ પ્રગટ થયા.

ભાષાંતરકાર : પ્રો. જે.સી. દવે

Total Views: 177

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.