રોજ તમારે ઓછામાં ઓછો બે વાર તો ધ્યાનનો અભ્યાસ કરવો જ જોઈએ અને સારામાં સારો સમય સવારનો અને સાંજનો છે. જ્યારે રાત્રિ વીતીને પ્રભાત થાય, અને દિવસ આથમીને સંધ્યા થાય ત્યારે પ્રમાણમાં શાંત વાતાવરણ હોય છે. વહેલું પ્રભાત અને સમી સાંજ એ બે સમય શાંતિથી ભરેલા હોય છે. એ સમયે તમારા શરીરમાં પણ શાંત રહેવાનું એક વલણ આવશે. એ કુદરતી સ્થિતિનો લાભ ઉઠાવવો જોઈએ, અને તે વખતે સાધનામાં બેસવું જોઈએ. જ્યાં સુધી સાધના ન કરી હોય ત્યાં સુધી ખાવું જ નહીં એવો નિયમ લો. એમ કરશો તો ભૂખનું જોર જ તમારી આળસને ઉડાવી દેશે. ભારતમાં છોકરાઓને ઉપદેશ આપવામાં આવે છે કે, સંધ્યાપૂજા કર્યા વિના ખવાય જ નહીં; અને થોડા સમય પછી એ તેમને સહજ થઈ જાય છે અને છોકરો જ્યાં સુધી સ્નાન અને સંધ્યાપૂજા કરીને પરવારે નહીં ત્યાં સુધી તેને ભૂખ જ ન લાગે.

પ્રાર્થના કરો!

મનમાં બોલ્યે જાઓ :

બધાં માનવી સુખી થાઓ;

  બધાં માનવીને શાન્તિ મળો;

          બધાં માનવીઓનું કલ્યાણ થાઓ.

એ પ્રમાણે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચારે દિશાઓમાં એ ભાવનાપ્રવાહ મોકલો. એ ભાવના તમે જેમ વધારે કરશો તેમ તમને પોતાને વધુ ફાયદો થશે. આખરે તમને જણાશે કે, આપણને પોતાને તંદુરસ્ત બનાવવાનો સહેલામાં સહેલો રસ્તો બીજાં નીરોગી રહે એવી ભાવના સેવવાનો છે, અને પોતાની જાતને સુખી કરવાનો સહેલામાં સહેલો રસ્તો બીજાઓ સુખી થાય, એ જોવાનો છે. એ કર્યા પછી જેઓ ઈશ્વરમાં માનતા હોય તેમણે પ્રાર્થના કરવી – નહીં કે પૈસા માટે કે આરોગ્ય માટે, કે સ્વર્ગ માટે; પણ જ્ઞાન અને પ્રકાશ માટે પ્રાર્થના કરવી. તે સિવાય બીજી બધી પ્રાર્થના સ્વાર્થવાળી છે.

પહેલો પાઠ

થોડો સમય માત્ર બેસી રહો અને મનને દોડવા દો. તમે ફક્ત બેઠા બેઠા જોયા કરો. કહેવત છે કે જ્ઞાન એ જ શક્તિ છે, અને એ વાત સાચી છે. જ્યાં સુધી તમે જાણો નહીં કે મન શું શું કરે છે ત્યાં સુધી તમે તેને કાબૂમાં ન લઈ શકો. તેની લગામ છૂટી મૂકી દો; મનમાં અનેક ઘૃણાજનક વિચારો આવશે, એ જોઈને તમને આશ્ચર્ય થશે કે તમને આવા વિચારો આવ્યા. પણ તમને જણાશે કે દિવસે દિવસે મનના ઉછાળા ઓછા ને ઓછા થતા જાય છે. દિવસે દિવસે તે વધુ ને વધુ શાંત થતું આવે છે.

બધી દલીલબાજી અને બીજા વિક્ષેપોને છોડી દો. શુષ્ક તર્કજાળમાં તે શું વળવાનું છે? એનાથી તો માત્ર મનની સમતુલાનો ભંગ થાય છે અને તે ચંચળ બને છે. આપણે તો વધુ સૂક્ષ્મ ભૂમિકાઓના અનુભવ લેવાના છે; વાતો કરવાથી શું એ બનવાનું છે? માટે બધી નિરર્થક વાતો છોડી દો. માત્ર જેમને આત્મસાક્ષાત્કાર થયો હોય એવા માણસોનાં લખેલાં પુસ્તકો જ વાંચો.

– સ્વામી વિવેકાનંદ

(‘ધ્યાન તેની પદ્ધતિ’ (૧૯૮૮) પૃ. સં. ૧૯-૨૦)

Total Views: 395

One Comment

  1. Patel Sanjaykumar Rameshbhai August 16, 2022 at 2:07 am - Reply

    Really good and fact

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.