શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીપથ અને પાથેય : (હિન્દી) લેખક : સ્વામી બ્રહ્મેશાનંદ, પ્રકાશક : શ્રીરામકૃષ્ણ અદ્‌ભુતાનંદ આશ્રમ, છપરા (બિહાર), પ્રથમ સંસ્કરણ, પૃષ્ઠ સંખ્યા ૧૮૮, મૂલ્ય પંદર રૂપિયા.

પ્રસ્તુત પુસ્તક અધ્યાત્મવિષયક ઓગણીસ લેખોનો સંગ્રહ છે. આમ તો એ દરેક લેખ પોતાના ખાસ વિષયને અવલંબીને લખાયેલ છે, અને અલગ રીતે એકબીજાથી સ્વતંત્ર રીતે વાંચી શકાય તેવો છે. છતાં અહીં એક એવા પ્રકારનું સંકલન કરવાનો પ્રયાસ થયો છે કે, જેથી એ લેખોની ક્રમિકતા અને વિષયની અવિચ્છેદ્યતા પણ જળવાઈ રહે અને એક સુંદર પુસ્તકાકાર ધારણ કરી શકે.

આમ કરવા માટે પુસ્તકમાંના લેખોને ચાર ભાગોમાં ગોઠવવામાં આવ્યા છે : (૧) લક્ષ્ય (૨) બાધાઓ (૩) પાથેય અને, (૪) પથ. અને એ દરેક ભાગમાં અનુક્રમે ૪, ૩, ૫ અને ૭ લેખો મૂકવામાં આવ્યા છે.

જીવનમૂલ્યોને ગ્રસતી સર્વક્ષેત્રીય વિષજવાલાઓમાં આજે જ્યારે માનવ લાચાર બનીને પોતાને પશુતા અને બર્બરતા તરફ ઘસડી રહ્યો છે અને માનવતાનો હ્રાસ જ્યારે એક આંતરરાષ્ટ્રીય સંકટ બની ગયું છે ત્યારે એમાંથી એને ઉગારી લેનારી શક્તિની ખોજ સમજુ માણસો માટે તાતી આવશ્યક્તા બની ગઈ છે. આવે ટાણે ‘ખારા પાટમાં મીઠી વીરડી’ જેવા કેટલાક મહાપુરુષોએ-સંતોએ સ્વાનુભૂત શક્તિનો ઉન્મેષ અવારનવાર બતાવ્યો છે અને એ શક્તિ જ ‘અધ્યાત્મ’ છે. સંકટ નિવારણના અન્ય ઉપાયો નિષ્ફળ નીવડ્યા છતાં આ એકલી શક્તિ જ અણનમ અને અપરાજેય નીવડી છે, એમ વિશ્વના ચિંતકો કબૂલે છે.

આ પુસ્તકના લક્ષ્ય’ વિભાગમાં આ વાત લેખકે ચાર લેખો દ્વારા સમજાવી છે. પતંજલિ, નારદ, શ્રીરામકૃષ્ણદેવ, શ્રીશ્રી મા, ભગવાન બુદ્ધ, વગેરેની જીવનના લક્ષ્ય સંબંધી વિભાવનાઓનો સુભગ સમન્વય એમાં સધાયો છે. વળી, માનવમનની સહજ ઝંખનાનું મનોવૈજ્ઞાનિક તથ્ય ઉમેરીને તેમ જ ‘પાર્થસારથિ શ્રીકૃષ્ણ’નું વિવરણ આપીને આધ્યાત્મિક જીવનનાં રહસ્યોને સુપેરે છતાં કરવામાં આવ્યાં છે. ‘શિવજ્ઞાને જીવસેવા’ની અવતારણા કરવા માટે વધારે પ્રતીતિકર અને માર્ગદર્શક લેખ ‘ભક્તિની દુર્લભતા’ પણ આ જ વિભાગમાં અપાયો છે. પ્રેમનો મહિમા, પ્રેમના પ્રકારો, પ્રભુપ્રેમ, ભક્તિના પ્રકારો, વગેરે બાબતો એમાં આવરી લીધી છે. એમાં પણ ભક્તિસાધનાનાં પગથિયાં વિશેષ ધ્યાન ખેંચે છે. સંયમ, ત્યાગ, સેવા, સકામતામાંથી નિષ્કામતા, વૈધતા, સેવસેવકભાવનો ક્રમ વિજ્ઞાનારૂઢ જ છે.

આ પુસ્તકનું એક આગવું લક્ષણ એમાં નિરૂપાયેલ અધ્યાત્મની વૈજ્ઞાનિકતા છે અને પુસ્તકના બીજા વિભાગ ‘બાધાઓ’માં સવિશેષ નિરૂપાઈ છે. અધ્યાત્મની વૈજ્ઞાનિકતાના સર્વપ્રથમ પ્રબોધક શ્રીરામકૃષ્ણ હતા, એવા શ્રીવિમલાતાઈના વિધાનનું અહીં સ્મરણ થાય છે. કારણ કે અન્ય શાસ્ત્રોનું પ્રમાણ સ્વીકારીને પણ લેખકે શ્રીરામકૃષ્ણને જ કેન્દ્રમાં રાખ્યા છે એની સંતર્પક અભિવ્યક્તિનું શ્રેય લેખકને અહીં આપવું જ રહ્યું.

વૈજ્ઞાનિક, પ્રયોગસિદ્ધ અને પ્રવર્તમાન જીવનની સઘળી સમસ્યાઓને હલ કરવાની હાજરાહજૂર શક્તિ જ ‘અધ્યાત્મ’ છે. – એવો હવે ચિંતકોનો મત છે. વિશુદ્ધ મન અને જીવનમાં અનુભૂતિની ખુમારી સાથે પરિષ્કૃત, પરિમાર્જિત અને સંતુલિત રહેવાનું નામ જ આ વૈજ્ઞાનિકતા છે. સંવાદિતા જ વૈજ્ઞાનિકતાનું સુફલ છે.

વૈજ્ઞાનિક અધ્યાત્મની સાધનાનું આ સુફલ બાધાઓ – વિઘ્નો – વગરનું નથી. એને સાંગોપાંગ જાણીને ત્યાગવાં જોઈએ. એટલે જ આ પુસ્તકનો ‘સાધનામાં અંતરાય’ શીર્ષક લેખ આખાય પુસ્તકમાં કદાચ સૌથી મોટો થયો છે. સ્વભાવગત, પ્રતિક્રિયાત્મક, અપાત્રતામૂલક, પ્રમાદજન્ય અને અજ્ઞાનમૂલક આ પાંચ અંતરાયોનાં કારણો છે અને આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક ત્રણ એ અંતરાયોના પ્રકારો છે. પતંજલિ કે વેદાંતમાં આ બંનેનું વિભાગીકરણ જો કે અલગ છે છતાં લેખકે દર્શાવેલાં કારણો અને પ્રકારોમાં એ વિભાગીકરણ સમાવી શકાય તેમ છે. એવું લાગે છે કે, શાસ્ત્રકારોના વિભાગીકરણ કરતાં અહીં દેખાતું જુદાપણું સમય-સમય પર ઊભા થતા મુદ્દાઓને આવરી લેવા માટે જ કરવામાં આવ્યું છે. પરંતુ આ દર્શાવીને પણ લેખકે સાંખ્ય, યોગ અને વેદાંતમાં વર્ણવાયેલ આ બંને બાબતોને ખૂબ વિસ્તારથી વર્ણવી છે અને અંતરાયો દૂર કરવાના ઉપાયો પણ તે શાસ્ત્રાનુસારે વિગતવાર અને સારી રીતે નિરૂપ્યા છે અને સાથોસાથ જૈન ધર્મની દ્વાદશ ભાવનાઓનું પણ સુંદર બયાન કર્યું છે.

અધ્યાત્મસાધનામાં ઈષ્ટ ધ્યાનનું મહત્ત્વ મોટું છે. ધ્યાનમાં આપણું મન ન લાગવાનું કારણ એ છે કે, જીવન માટે આપણને ધ્યાન અનિવાર્ય લાગતું ન હોવાથી સંપૂર્ણ મન એમાં લાગતું નથી. ધ્યાનેચ્છુક ચેતન મન સાથે અનેક જન્મોના રૂઢ સંસ્કારોવાળું અચેતન મન સંઘર્ષ કરે છે – એમ લેખક જણાવે છે. એટલે ધ્યાન માટે દૃઢ નિશ્ચય અભ્યાસ, વૈરાગ્ય, સાધુસંગ, ચિંતન, ઈષ્ટપ્રેમ અને પતંજલિએ બતાવેલા માર્ગનું અનુસરણ કરવાનું લેખક સૂચવે છે.

આમાંથી દૃઢ નિશ્ચય, અભ્યાસ અને ચિંતનના વિષયો પુસ્તકના ત્રીજા ભાગ, ‘પાથેય’માં સમાવી લેવામાં આવ્યા છે એ કેળવવા માટે પૂર્વતૈયારી રૂપે તપ-શ્રમની આવશ્યક્તા છે. પોતાના લક્ષ્યનો અને તેને પહોંચવાના માર્ગનો સ્પષ્ટ ખ્યાલ રાખીને યોગ્ય જીવન જીવતાં ખાસ પસંદ કરેલા સાધનામાર્ગે ચાલતા રહેવું અને લક્ષ્ય પ્રાપ્તિ થતાં સુધી અડગપણે મંડ્યા રહેવું એ જ સાધનાની કલા છે અને એ જ જીવનનું વિજ્ઞાન છે. એટલે ‘પાથેય’ વિભાગમાં સાધના માટે અનિવાર્ય ભાથું લેખકે બતાવ્યું છે. એ ભાથું કેવું છે? કેમ મેળવાય? કેમ સચવાય? વગેરે બધી બાબતો શાસ્ત્રના અને શ્રીઠાકુરના આધારે ઉદાહરણ સહિત સરળ ભાષામાં અને સ્પષ્ટ રૂપે સમજાવવામાં આવી છે.

પુસ્તકમાં નિરૂપિત પાથેય લઈને પ્રદર્શિત માર્ગે ચાલવાનું ફળ છે. ચરિત્રવિકાસ, ચિત્તપ્રસાદ અને પ્રજ્ઞાનો આલોક. આ ઉપલબ્ધિઓનું સાંગોપાંગ ચિત્રણ શાસ્ત્રીય ઢબે સાધનાની ઉપલબ્ધિઓના લેખમાં કરવામાં આવ્યું છે.

આમ, આ પુસ્તક એક બાજુ અધ્યાત્મનો માર્ગ દેખાડે છે અને બીજી બાજુ એ માર્ગે ચાલવા માગતા સાધકને માટે આવશ્યક ઉપકરણો અને ચાલવાની પદ્ધતિઓ પણ બતાવે છે. એટલે પુસ્તકનું ‘પથ અને પાથેય’ એવું શીર્ષક અન્વર્થક બની શક્યું છે. ખરેખર, આ પુસ્તક સાધકો માટે અધ્યાત્મપથની દીવાદાંડી જ છે. સ્વામી શ્રી બ્રહ્મેશાનંદજીએ પોતે જણાવ્યા મુજબ ભલે પુસ્તક તેમના સ્વાન્તઃસુખાય લખાયું હોય, છતાં સાધકો માટે આ એક મૂલ્યવાન સામગ્રી પૂરી પાડે છે. શાસ્ત્રપ્રામાણ્ય સાથે અહીં વ્યક્તિગત સ્વાધીન અનુભૂતિનો સુંદર સંવાદ સધાયો છે.

શાસ્ત્રીય પરિભાષામાં કહીએ તો સુપાત્ર સાધનાવાંછું માનવ આનો અધિકારી છે; પરમતત્ત્વ આ પુસ્તકનો ‘વિષય’ છે; પાથેય વિભાગના લેખોમાં દર્શાવેલ સાધનપ્રક્રિયાથી થતી ઉપલબ્ધિઓ આ ગ્રંથનું ‘પ્રયોજન’ છે અને પુસ્તકમાં રહેલ પ્રેર્યપ્રેરકભાવ એનો ‘સંબંધ’ છે.

આવું સુંદર, સંતર્પક, સઘન અને શાસ્ત્રીય પુસ્તક આપવા માટે આપણે પૂ. સ્વામી બ્રહ્મેશાનંદજીના ઋણી છીએ તેમ જ એને પ્રકાશિત કરનાર ડૉ. કેદારનાથજીના પણ ઉપકૃત છીએ.

શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 165

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.