(ગતાંકથી આગળ)

રામકૃષ્ણ મિશન અને રામકૃષ્ણ મઠની શૈક્ષણિક પ્રવૃત્તિઓ

રામકૃષ્ણ મિશન વિદ્યાર્થી ‘ગૃહ’, મદ્રાસના ઉદ્દઘાટન સમયે, આશ્રમના પ્રમુખશ્રીએ ખૂબ જ પ્રેરક શબ્દો કહી સૌને પ્રોત્સાહિત કરેલા. ૧૭મી ફેબ્રુઆરી, ૧૯૦૫ના રોજ પ્રમુખ શ્રીરામકૃષ્ણાનંદજીએ કહ્યું, “આપણે ત્યાં અન્નદાનને મહાદાન ગણવામાં આવે છે, વિદ્યાદાનને અન્નદાનથી પણ વિશેષ ગણવામાં આવે છે, પરંતુ આધ્યાત્મિક જ્ઞાનને તો શ્રેષ્ઠ દાન કહેવામાં આવ્યું છે. રામકૃષ્ણ આશ્રમ દ્વારા ચલાવવામાં આવતી શૈક્ષણિક સંસ્થામાં તો ઉપરોક્ત ત્રણેય પ્રકારનાં દાન – અન્નદાન, વિદ્યાદાન અને આધ્યાત્મિક જ્ઞાનદાન – એ સંસ્થાઓનો મુખ્ય આદર્શ રહેશે.”

ખૂબ જ નાની સંસ્થાથી શરૂ થયેલ એ ‘ગૃહ’ ધીમે ધીમે શિક્ષણનું વટવૃક્ષ બની ગયું.

બાલગૃહ, વિદ્યાર્થીગૃહ

અનાથ વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવેલ આ ગૃહને અનાથાલય નહીં કહેતાં ‘ગૃહ’ જ કહેવામાં આવે છે. જ્યાં વિદ્યાર્થીઓને ખરેખર ઘરની હૂંફ અને લાગણી મળે છે.

છાત્રવાસી શાળાઓ અને ઔદ્યોગિક એકમો

ઈ.સ. ૧૯૨૪માં, રામકૃષ્ણ મિશન રેસીડેન્સી અલ હાઈસ્કૂલની શરૂઆત થઈ. ૧૯૨૫માં, ઔદ્યોગિક એકમની પણ સ્થાપના થઈ. ‘મિકેનિકલ ફોરમૅન’, ‘ફીટર’, ‘ડિપ્લોમા ઈન એન્જિનિયરીંગ’, ‘ઓટોમોબાઈલ્સ’, ‘ફાર્મ ઇકવીપમેંટ’, વગેરેના અભ્યાસક્રમો શરૂ થયાં.

ઈ. સ. ૧૯૪૦માં, શ્રીરામકૃષ્ણ મિશન શારદા વિદ્યાલયની શરૂઆત થઈ. ત્યક્તાઓ માટેની સંસ્થા ઉપરાંત માધ્યમિક શાળાઓ, પ્રાથમિક શાળા, બહેનો માટે છાત્રાલય, બી.ટી- બી.એડ., હોસ્ટેલ, નોકરી કરતી બહેનો માટે છાત્રાલય આ સંસ્થા ચલાવે છે. ‘ધી વિવેકાનંદ કોલેજ’, વિનયનની આ કૉલેજમાં ફિલોસોફી, ઇકોનોમિક્સ, મેથેમેટિક્સ જેવા વિષયો ભણાવવામાં આવે છે.

આઝાદી પછી ભારત સરકારે શિક્ષણમાં સુધારા કરવા માટે કેટલાં પંચો બેસાડ્યાં? આ બધાં પંચોની એક સમાન ભલામણ હતી વ્યાવસાયિક શિક્ષણની. સમગ્ર ભારતમાં ભાગ્યે જ કોઈ સંસ્થા વ્યાવસાયિક રીતે છાત્રોને તૈયાર કરતી હશે. જ્યારે સ્વામીજીના શિક્ષણના આદર્શો ઉપર ચાલતી આ બધી શાળાઓમાં રોજીરોટીના શિક્ષણથી શરૂ કરી આત્મસાક્ષાત્કાર સુધીના આદર્શને સિદ્ધ કરતું શિક્ષણ આપવામાં આવે છે.

‘બાગડી’ જાતિ વચ્ચે બેસી શિક્ષણ અને સેવાની ધુણી ધખાવનાર પાંચેક મરજીવા સંન્યાસીઓની પ્રવૃત્તિઓ વિશે આપણે જોઈ ગયા. મદ્રાસમાં શિક્ષણક્ષેત્રે ‘હનુમાન કૂદકો’ લગાવતી રામકૃષ્ણ મિશન સંચાલિત શિક્ષણ સંસ્થાઓના ઇતિહાસથી પણ પરિચિત થયા. હવે એક નજર નાખી લઈએ, ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં ચાલતી રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિ ઉપર.

આ પ્રદેશ વિવિધ પ્રકારની લોકવસ્તીનો બનેલો છે : આદિવાસીઓ, ગિરિજનો, અરણ્યવાસીઓ તેમ જ નદી પરના તટવાસીઓ. અંગ્રેજો ખૂબ જ ચાલાકીપૂર્વક આ પ્રજાને શહેરીજનોના સહવાસથી દૂર રાખતા હતા. ખ્રિસ્તી સાધુઓ આપણી સંસ્કૃતિ અને સભ્યતાથી પછાત અને અભણ ગણાતી આ પ્રજાને વિમુખ કરવામાં મગ્ન હતા. પંડિત જવાહરલાલ નેહરુએ કહેલું, “કેટલાક પરદેશી ખ્રિસ્તી સાધુઓ ભારત અને ભારતીય સભ્યતાઓ ઉતારી પાડવામાં જ રત હતા. વિશેષ કરીને પછાત તેમ જ આદિવાસી વચ્ચે આ ખંડન પ્રવૃત્તિ વિશેષ ફૂલીફાલી હતી.”

આ પરિસ્થિતિનો સામનો કરવા ઈ.સ. ૧૯૨૪માં વિશ્વધર્મોના ચાહક અને પછાત જાતિના ઉત્કર્ષ માટેના પક્ષપાતી સ્વામી પ્રભાનંદે આ બીડું ઝડપ્યું. ગંગાજીને પૃથ્વી ઉપર લાવવા કરતાંયે વિશેષ ભગીરથ કાર્ય હતું. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાથી લોકો દૂર ન જાય અને સૌ આદિવાસીઓ, ગિરિજનો, અરણ્યવાસીઓનાં અજ્ઞાનતિમિર દૂર થાય એટલા માટે ચેરાપુંજી પાસેની ખાસી ટેકરીઓના ઢોળાવ પર આવેલ ‘શેલા’ નામના ગામડામાં એક નાનું ‘શિક્ષણ કેન્દ્ર’ શરૂ કર્યું. ૧૯૨૪માં જે બીજ વાવેલું એ આજે તો શિક્ષણનું વટવૃક્ષ બની ગયું છે. અત્યારે તો છેક આસામનાં મેદાનો અને અરુણાચલ પ્રદેશ સુધી રામકૃષ્ણ આશ્રમ સંચાલિત શિક્ષણ સંસ્થાઓ ચાલી રહી છે. શાળાઓ, ટેકનિકલ શાળાઓ, પ્રાથમિક શાળાઓમાં ખૂબ જ નિષ્ઠાપૂર્વક અધ્યાપન કાર્ય થાય છે. સાથે સાથે વિદ્યાર્થીઓમાં પોતાની માતૃભૂમિ પ્રત્યે પ્રેમ રહે અને વધતો રહે એ પણ ખાસ જોવામાં આવે છે. વ્યવસાયી તાલીમ આપતી સંસ્થાઓ તેમ જ ‘હોમ્સ’ પણ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારમાં દવાખાનાં પણ ચલાવવામાં આવે છે. જનજાતિઓના સ્વાસ્થ્યની પૂરી રક્ષા થાય એ માટેના પૂરા પ્રયાસો ઉપરોક્ત બધી સંસ્થાઓ કરતી હોય છે. વ્યાવસાયિક તાલીમમાં વણાટકામ, સુથારીકામ, મીસ્ત્રીકામ, લુહારીકામ, દરજીકામ, ટાઈપરાઈટીંગ, ડેરી, મરઘાં ઉછેર કેન્દ્ર, મધમાખી ઉછેર કેન્દ્ર, કૃષિ, વગેરેનો સમાવેશ થાય છે.

‘હોમ્સ’માં રહેતા વિદ્યાર્થીઓ માટે રહેવા, જમવા અને અભ્યાસની વ્યવસ્થા તદ્દન મફત હોય છે.

ઉપરોક્ત જાતિઓમાંથી અમુક વિદ્યાર્થી મિત્રોએ તો રામકૃષ્ણ આશ્રમની સંસ્થાઓને પોતાની કારકિર્દી ઘડી ઉજાળી છે. કોઈએ આપણી લોકસભામાં નાયબ અધ્યક્ષનું પદ શોભાવ્યું, તો કોઈ મેઘાલયના વાણિજ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે. કોઈ સરકારી નોકરીમાં ઊંચું પદ પણ શોભાવતા હોય છે.

ઉપસંહાર

‘કેળવણી’ અને ‘ફિલસૂફી’ શબ્દના અર્થથી શરૂ કરી કેળવણીની વ્યાખ્યાઓ વિશે આપણે જાણ્યું. સ્વામીજીએ આપેલી કેળવણીની વ્યાખ્યા સમજવા આપણે પ્રયાસ કર્યો.

કેળવણીની ફિલસૂફીના વ્યાપના આધારે આવતા મુદ્દાઓ પ્રમાણે શિક્ષણ વિશેના સ્વામીજીએ દર્શાવેલા છૂટક-છૂટક વિચારોને ચોક્કસ સ્વરૂપ આપવા પ્રયાસ કરી સ્વામીજીની કેળવણીની ફિલસુફી પણ ઉપસાવી.

આઝાદી બાદ દેશમાં શિક્ષણક્ષેત્રે જે આમૂલ પરિવર્તન થવું જોઈએ એ ન થયું. સરકારી શિક્ષણ પંચોએ કરેલી ભલામણો તદ્દન નકામી નીવડી. કેળવણીના ક્ષેત્રમાં અજંપો, અશિસ્ત, લાંચ-રુશ્વત, ચોરીચપાટી વધી પડ્યાં. સમગ્ર દેશમાં શિક્ષણક્ષેત્રે અંધાધૂંધી વ્યાપી ગઈ. જાણે કે અંધારાના ઓળા ઊતર્યા. આવી અંધકારમય પરિસ્થિતિની વચ્ચે સ્વામીજી આપણી સમક્ષ પોતાની શિક્ષણની મશાલ લઈ ઊભા છે. આપણે સૌએ નક્કી કરવાનું છે, પતનને માર્ગે જવું છે કે ઉત્થાનને માર્ગે? દેશને પોતાની ધરતીમાં પાકેલી કેળવણી આપવી છે કે પરદેશની ધરતીમાં પાંગરેલી કેળવણી?

કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કહેલું, ‘તમારે ભારતને પિછાણવો હોય તો સ્વામી વિવેકાનંદને ઓળખો, જાણો, પિછાણો.’ આપણે જરા જુદી રીતે કહીએ : ‘તમારે ભારતની કેળવણીની ફિલસૂફી કેવી હોવી જોઈએ તે જાણવું છે તો સ્વામી વિવેકાનંદજીની કેળવણીની ફિલસૂફીને જાણો, સમજો, અનુસરો અને જીવનમાં ઉતારો.’ શિક્ષણની ફિલસૂફીની દૃષ્ટિએ સ્વામીજીની કેળવણીની ફિલસૂફીને વિશેષ કરીને આદર્શવાદી ફિલસૂફી કહી શકાય. સ્વામીજીની કેળવણીની ફિલસૂફીના મુખ્ય ઉદ્દેશો આદર્શવાદી કેળવણીની ફિલસૂફીના ઉદ્દેશો સાથે સુસંગત છે. સાથે સાથે રોજીરોટીની કેળવણી, વ્યાવસાયિક કેળવણી વિષે સ્વામીજી જ્યારે વાત કરે છે ત્યારે તેઓ વ્યવહારવાદી ફિલસૂફીની નજીક આવી જાય છે. પ્રકૃતિની ગોદમાં, શાંત વાતાવરણમાં પ્રાચીન ઋષિ-મુનિઓ જે પ્રમાણે અધ્યાપન કાર્ય કરતા એ મુજબ ‘ગુરુ ગૃહવાસી’ કેળવણીની વાત કરીને એમની શિક્ષણની ફિલસૂફી ‘પ્રકૃતિવાદી’ ફિલસૂફીનું સ્વરૂપ ધારણ કરે છે. તો કોઈ વાર ‘માતૃભાષા’ને શિક્ષણના માધ્યમ તરીકે સ્વીકારવાનું કહી સ્વામીજી ‘વાસ્તવવાદી’ ફિલસૂફીનું આપણને દર્શન કરાવે છે.

સમગ્ર રીતે જોઈએ તો સ્વામીજીની કેળવણીની ફિલસૂફીને ‘સમન્વયવાદી’ ફિલસૂફી પણ કહી શકાય.

Total Views: 203

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.