શું ભારત મરી જશે? તો પછી સમગ્ર જગતમાંથી બધી આધ્યાત્મિકતા મરી પરવારશે, બધી નૈતિક પરિપૂર્ણતા લુપ્ત થઈ જશે, ધર્મ માટેની બધી મધુર આત્મીયતા મરી જશે, બધા આદર્શો મૃત્યુ પામશે; અને એના સ્થાને વિષયલાલસા અને વિલાસના જોડારૂપ પુરુષ અને સ્ત્રી દેવતા તરીકે રાજ્ય કરશે. પુરોહિતને સ્થાને ધન બેસશે; દગાબાજી, અત્યાચાર અને સ્પર્ધાઓ તેની પૂજાવિધિઓ બનશે અને માનવ આત્માનું બલિદાન અપાશે. આવું કદી બની શકે નહિ.

ફરી એક વાર ચક્ર ઊંચે ચડી રહ્યું છે, ફરી વાર ભારતમાંથી સ્પંદનો ગતિમાન બન્યાં છે, જેનું નજીકના ભવિષ્યમાં દુનિયાની અંતિમ સીમાઓ સુધી પહોંચવા માટે નિર્માણ થયું છે. માનો, અરે માનો કે આદેશ થઈ ચૂક્યો છે. ઈશ્વરીય આજ્ઞા નીકળી ચૂકી છે કે ભારતનું ઉત્થાન અવશ્ય થશે અને ભારતની જનતા અને પ્રજા સુખી થવાની છે.

ભારતનું ઉત્થાન થશે, સ્થૂળ શક્તિ વડે નહિ પરંતુ આત્માની સૂક્ષ્મ શક્તિ વડે, વિધ્વંસના ધ્વજ સાથે નહિ, પરંતુ શાંતિ અને પ્રેમના ધ્વજ સાથે, સંન્યાસીનાં ભગવાં કપડાંથી, દોલતની શક્તિથી નહિ પરંતુ ભિક્ષાપાત્રની એટલે કે ત્યાગની શક્તિથી.

આપણા કાર્ય ઉપર ભાવિ ભારત માતાના આગમનનો આધાર છે. તે રાહ જોતી તૈયાર ઊભી છે. એ માત્ર સૂતેલી છે. એક મહાન ભાવિ ભારત સર્જવાનું સઘળું રહસ્ય સંગઠનમાં, શક્તિને એકત્રિત કરવામાં, સહુની ઇચ્છા-શક્તિઓના સમન્વયમાં સમાયેલું છે. અત્યારે જ મને ઋગ્વેદ સંહિતાની એક અદ્ભુત ઋચા સાંભરી આવે છે “તમારા સર્વનાં મન એક થાઓ, સર્વના વિચાર એક થાઓ..” એક મનવાળા થવું એ સમાજની સફળતાનું રહસ્ય છે. ઇચ્છા શક્તિનું એકીકરણ, સમન્વય, એ બધાંને એક મધ્ય કેન્દ્રમાં લાવવાં એ જ સાચું રહસ્ય છે.

મારા ભાઇઓ, ચાલો આપણે સૌ સખત કામે લાગી જઇએ. આ સમય સૂઈ રહેવાનો નથી. પહેલાં મોટી મોટી યોજનાઓ આંકશો નહિ, પણ ધીમેથી શરૂઆત કરો, પ્રથમ તમારી કાર્યભૂમિ તપાસી જુઓ અને પછી આગળ ધપો. ઊઠો, ઊઠો, દીર્ઘ રાત્રિ પૂરી થવા આવી છે. દિવસ ઊગવાની તૈયારી છે. ભરતીનું મોજું ઊંચે ચડ્યું છે, એના પ્રચંડ જુવાળને રોકી શકાશે નહિ.

– સ્વામી વિવેકાનંદ

(‘કરીએ પુનર્નિર્માણ ભારતનું’ (૧૯૮૫) પૃ.સં. ૪૩-૪૪)

Total Views: 250

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.